Get The App

ફ્રેન્કેન્સ્ટાઈન : મેરી શેલીએ કલ્પનામાં ભાખેલું વિજ્ઞાન અને પ્રકૃતિનું ભાવિ!

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
ફ્રેન્કેન્સ્ટાઈન : મેરી શેલીએ કલ્પનામાં ભાખેલું વિજ્ઞાન અને પ્રકૃતિનું ભાવિ! 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- બનાવવા ગયા કંસાર અને બની ગઈ થૂલી જેવી કહેવતના મર્મથી આગળ વિજ્ઞાન, સર્જન અને વિકાસના નૈતિક પ્રશ્નો બાબતે વિચારતા કરે છે વિશ્વમાં સાયન્સ ફિક્શનનો પાયો નાખતી નવલકથા !

(છેલ્લા બે રવિવારના સ્પેક્ટ્રોમીટરમાં આપણે ૧૮મી સદીના અંતે જન્મી ૧૮ વર્ષે જગતની પહેલી સાયન્સ ફિક્શન ફ્રેન્કેન્સ્ટાઇન લખનારી લેખિકા મેરી શેલીના જીવન અને સર્જન બાબતે જાણ્યું. બિન્દાસ રીતે પ્રેમી/પતિ પર્સી સાથે ભાગીને યુરોપ જવામાં લોર્ડ બાયરનની ચેલેન્જ ઉઠાવી મેરીએ એક ભેદી ભયાનક સ્વપ્નને અને પોતે જાણેલું એ વિજ્ઞાનના પ્રયોગોને આધાર બનાવી લખેલી રોમાંચકથા અને એક સિવાયના બધા બાળકો અને પર્સીના મૃત્યુ પછી ૨૪ વર્ષે વિધવા થયેલી મેરીની કરુણકથાનો આ ત્રીજો અને અંતિમ ભાગ વાંચતા પહેલા આગલા બે વાંચી જવાનું ચૂકતા નહિ !) 

'એની ઊંચાઈ આઠ ફીટથી વધારે હતી. તેના અંગો પ્રમાણસર હતા, મને હતું એ સુંદર હશે. પણ હે ભગવાન! તેની પીળી ચામડી માંસપેશીઓ અને ધમનીઓનાં તંત્રને ભાગ્યે જ ઢાંકી શકી હતી; તેના વાળ તેજસ્વી કાળા હતા; તેના દાંત મોતી જેવા સફેદ હતા; પરંતુ આ બધો વૈભવ તેની પાણીવાળી આંખો સાથે વધુ ભયાનક વિરોધાભાસ પેદા કરતો હતો, જે આંખના ગોખલા સફેદ-રાખોડી રંગના ખાડાઓ જેવા લાગતા હતા ! તેનો પ્રેત જેવો ફિક્કો રંગ અને સાવ કાળા હોઠ હતા. પણ સૌથી બિહામણી વાત એ હતી કે અલગ અલગ અંગો જોડવાને લીધે લેવાયેલા ટાંકાને લીધે એની કદાવર કસાયેલી કાયા કરચલીનાં ટુકડાઓમાં વહેચાયેલી લાગતી હતી. અને એમાં વીજળીના આંચકા જેવું ચમત્કારિક બળ છુપાયેલું હતું.'

આ વર્ણન છે, વિશ્વની પહેલી સાયન્સ ફિક્શન નોવેલ ફ્રેન્કેન્સ્ટાઇનમાં વર્ણવાયેલા મોન્સ્ટર ક્રીચર યાને રાક્ષસી જીવનું. દૈત્ય કહીએ આપણે સંસ્કૃત સાહિત્યમાં એવું. પણ એ શું એ સમજવા માટે થોડું બેકગ્રાઉન્ડ આપવું પડશે એ બે સદી જૂની હોવા છતાં આજે પણ આકર્ષણનું કેન્દ્ર બનાવતી સ્ટોરીનું. ફ્રેન્કેન્સ્ટાઇન નવલકથાની શરૂઆત સંશોધક રોબર્ટ વોલ્ટનથી થાય છે, જે ઉત્તર ધુ્રવ તરફ સફર કરી રહ્યો છે. સમુદ્રમાં અઠવાડિયાઓ પછી, ક્રૂ બરફ પર એક વિશાળ આકૃતિ જુએ છે. થોડા સમય પછી વોલ્ટનનાં જહાજને મરણતોલ હાલતમાં એક ડોક્ટર વિક્ટર ફ્રેન્કેન્સ્ટાઈનને, મૃત્યુની નજીક, હિમશીલા પર દેખાય છે. એની પાસેથી સાંભળેલી વાત પત્ર રૂપે એ કેપ્ટન વર્ણવે છે. 

વિક્ટર ફ્રેન્કેન્સ્ટાઇન એક તેજસ્વી સંશોધક છે. એને એની મા બહુ વહાલી છે. પરિવારે વર્ષોથી દત્તક લીધેલી એક છોકરી એલિઝાબેથ સાથે એ પ્રેમમાં છે. નાની ઉંમરથી વિક્ટરને વિજ્ઞાનમાં રસ છે. પણ એ તે યુનિવર્સિટી ભણવા જાય એ પહેલાં જ, તેની માતા સ્કાર્લેટ ફીવરથી મૃત્યુ પામે છે. વિક્ટર ભાંગી પડે છે. યુનિવર્સિટીમાં, વિક્ટર માટે વિજ્ઞાન ઘેલછા બની જાય છે.  એને શોધવી છે સંજીવની વિદ્યા. એ અમૃત જે મૃત્યુને હંફાવી શકે. જેને લીધે સ્વજનોનો વિયોગ ક્યારેય વેઠવો ના પડે કોઈને. એને લાગે છે કે વીજળી એવી ઊર્જા છે જેને લીધે નિર્જીવ લાગતી ચીજોમાં ચેતન આવે છે (જેમ કે, પંખો, ટીવી, ફ્રિજ વગેરે આજે પણ લાઈટની સ્વીચ પાડો એટલે ચાલુ થઇ પોતાનું કામ કરે છે ને !) એ ધૂની બનીને એકલો મચી પડે છે અને ફિઝીક્સ કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન કરીને અંતે એ મૃત પદાર્થને ફરીથી સજીવન કરવાની ક્ષમતા વિકસાવે છે ! 

એની સનકને લીધે એ કબરમાંથી લાશો ખોદીને લઇ આવે છે. યુવાન ને તંદુરસ્ત હોય એવા મડદાંમાંથી કોઈનું બાવડું, કોઈનો પંજો, કોઈની છાતી કોઈનું ઘૂંટણ એમ અલગ અલગ અંગો જોડીને એક વિશાળ આકૃતિ તૈયાર કરે છે. વિક્ટર માને છે કે ભગવાને મનુષ્ય સાથે મૃત્યુ નામનો અન્યાય કર્યો છે. અને એમાં દુઃખી થઇ ઝૂકવાને બદલે એને પડકાર આપીને ભગવાનના હાથમાંથી જીવન આપવાની વિદ્યા જ લઇ લો, અને માનવજાતનું ગૌરવશિખર પ્રાપ્ત કરો. અન્યાયી ને અત્યાચારી લાગતી કુદરતની સત્તા જ આપણા હાથમાં લઇ લો. માના મોત બાદ એને દવા આપીને સાજા કરતા ડોક્ટર નહિ પણ મરી ગયેલામાં પ્રાણ ફૂંકતા ડોક્ટર થવું છે ને ભલું કરવું છે પીડિતોનું. ઈરાદો નેક છે, પણ પરિણામ ? 

જયારે એણે બનાવેલા વિશાળ જીવમાં એ પ્રાણ ફૂંકે છે એનો વિધાતા બનીને ત્યારે એને બેઠો થયેલો જોઈ પોતે છળી મારે છે, ભયભીત થાય છે. એને ભગવાનની ભૂલો સુધારી એવો જીવ ઘડવો હતો જેના તમામ અંગો સાબૂત ને નિરોગી હોય, જેની કેપેસિટી પણ વધારે હોય. પગ વધુ ઝડપે દોડી શકે, આંખ વધુ દૂરનું સ્પષ્ટ જોઈ શકે એટ સેટરા. ફ્રેન્કેન્સ્ટાઇનના રમણલાલ સોનીના હવે અપ્રાપ્ય અનુવાદ 'નરાસુર'માં એ લખે છે ઃ એને બનાવવો હતો નરોત્તમ. નરોમાં ઉત્તમ. પણ એનાથી બની ગયો નરાસુર... નર+અસુર !  આદર્શ વિજ્ઞાનીના ખોટી દિશામાં ગયેલા પ્રયોગોની અને મોતને હંફાવવા જતા કે કૈંક સારું કરવા જતા અવળી પડેલી શોધોની કેટલી કથાઓ ને ફિલ્મો જોઈ છે એની મનોમન યાદી કરો, એ બધાની ગંગોત્રી છે ઃ મેરી શેલીની ફ્રેન્કેન્સ્ટાઇન ! 

***

મેરીએ માત્ર દિલધડક નહિ પણ દિલ દુખાવતી કથા લખી છે. એક્ચ્યુઅલી પોતે બનાવેલા નરાસુરને જોઈ વિક્ટર ગભરાઈને ભાગી છૂટે છે. પેલો શક્તિશાળી ક્રીચર દેખાવે વિચિત્ર છે, સ્વભાવે નહિ. એનું મન તો નાના બાળકનું છે, એને આ સૃષ્ટિ શું છે, ભાષા શું છે કશી ખબર જ નથી. એને ઓળખનાર એકમાત્ર એનો બ્રહ્મા, એનો સર્જક ડોક્ટર વિક્ટર ફ્રેન્કેન્સ્ટાઇન તો એને પડતો મૂકી જતો રહ્યો છે ને એને પોતાની ભૂલ સમજી ખતમ કરવા માંગે છે. પણ કાગળ છેકછાક થાય તો ફાડી શકાય. માણસ નહિ ! એટલે પડતો આખડતો અને પોતે કોઈને નડતો ના હોવા છતાં, ઉલટું બીજાને મદદ કરવા જતો હોવા છતાં એનાથી ડરીને એને હડધૂત કરતી દુનિયાથી દુભાઈને ગુસ્સે થઇ એ ફૂંફાડા નાખે છે. ભલા અંધ વૃદ્ધનો ભરોસો એને મળે છે એમાંથી એ લખતા વાંચતા બોલતા શીખે છે, પણ એ આધાર શંકાશીલ ને નફરતી અભિગમને લીધે છીનવાઈ જાય પછી ભડકીને પોતાના સર્જક, પોતાના ઘડવૈયા ઈશ્વર (એના માટે વિક્ટર) ને શોધવા નીકળે છે, અને વિક્ટર એલિઝાબેથ સાથે પરણવાનો હોય ત્યારે જઈ પોતાના માટે પણ એક જોડીદાર સ્ત્રી બનાવી દેવાની માંગણી મુકે છે ! પણ આઘાતગ્રસ્ત અને સંવેદનશીલ વિક્ટરને લાગે છે કે આવા બે થશે તો એમની પ્રજા પેદા થશે અને...

બસ, વાંચજો હવે ફ્રેન્કેન્સ્ટાઇન. અજબગજબ વાત એ છે કે મેરી શેલીએ એ દૈત્યને ક્રીચર જ કહેલો. જેનું નામકરણ થયું નહોતું. પણ આજે બધા એને જ એને બનાવનારના નામ પરથી ફ્રેન્કેન્સ્ટાઇન કહે છે. આ શબ્દ પોતે એક વિશેષણ છે આસુરી સર્જન માટે ! જે ખરેખર તો ટ્રેજિક હીરોનું નામ હતું ! અગાઉ કહેલું એમ નેટફ્લિકસ પરની નવી ફ્રેન્કેન્સ્ટાઇન સાથે સોની પિક્ચર્સની ૧૯૯૪ની ફ્રેન્કેન્સ્ટાઇન ખાસ જોવા જેવી છે.

મૂળ કથામાં મેરી એ કહેવા માંગતી હતી કે માણસ પ્રકૃતિ સાથે વિકાસના નામે વધુ સુવિધા મેળવવા જતા વગર વિચાર્યે છેડછાડ કરે છે, પણ પછી એના પરિણામો જીરવી શકતો નથી. આજે એન્વાયર્નમેન્ટથી એઆઈ સુધી આ મેસેજ ક્લીયરલી લાગુ પડે છે. આપણને ઈશ્વર સામે અનેક ફરિયાદો છે, એણે વાઈરસ કે રોગ કે બીમારી કે મૃત્યુ બનાવ્યું, એણે જગત બનાવવામાં આ ભૂલ કરી, એણે તેમ કરવા જેવું હતું. પાઈનેપલની છાલ સુંવાળી બનાવવા જેવી હતી, વાળ ધોળા કરવાની જરૂર નહોતી...પણ ખુદ ઈશ્વર બનો તો એક જીવનું સર્જન પણ સંભાળી ના શકો જયારે આવડો મોટો સંસાર અદ્રશ્ય રીતે યુગોથી ચાલે છે ! માટે થોડા વિનમ્ર બની સ્વીકારો પોતાની મર્યાદાને. બુ્રસ ઓલમાઇટી જેવી ફિલ્મોના પ્લોટ હોય કે ગાંધી નેહરૂને એ જમાનામાં જીવ્યા વિના, કોમેન્ટ કરીને સતત ગાળો દેવાની કુટેવ હોય... એ બધાના મૂળિયાં તમને ફ્રેન્કેન્સ્ટાઇનમાં દેખાય. મેચ રમનારની ટીકા સહેલી છે, હેન્ડલ કરવા જાવ તો માત્ર એક બોલ કેવો લાગે એનો અનુભવ થથરાવી દે. 

આજે પણ સ્ત્રી લેખિકાઓ એટલી બધી નથી. છે એમાં પણ અદ્ભુત લખાણ બહુ ઓછાનું હોય ને સાયન્સ ફિક્શન તો શું સાયન્સમાં પણ નોર્મલ ગૃહિણીઓથી સેલિબ્રિટી સન્નારીઓને એકવીસમી સદીના ૨૫ વર્ષ વીતી ગયા છતાં ખાસ રસ ના પડતો હોય ત્યારે કાચી ઉંમરે એક સાયન્ટિફિક ને એ પણ વળી લેડીઝ સ્પેશ્યલ ના ગણાય એવી મૌલિક હોરર સ્ટોરી લખનાર તરુણી મેરી કેવી અભૂતપૂર્વ પ્રતિભા ગણાય ! પણ દરેક મહાન વ્યક્તિત્વોની જેમ એ સમયથી આગળ હતી. એ વખતે શરૂઆતમાં તો વિવેચકો માટે આ પ્લોટમાં જ ટપ્પો ના પડયો કારણ કે સાયન્સ ફિક્શન કઈ બલા છે એ તો જાણતા નહોતા કોઈ. એનો ટ્રેન્ડ એનો માર્ગ જ અહીંથી શરુ થયો ! એટલે રિવ્યુમાં વખાણ ઓછા ને ટીકા ઝાઝી થઇ. 

કનૈયાલાલ મુનશી પર જેમનો પ્રભાવ હતો એ સર વોલ્ટર સ્કોટે થોડી ખામીઓ છતાં 'લેખકની મૌલિક પ્રતિભા અને અભિવ્યક્તિની ખુશ કરી દેતી શક્તિ' માટે એની પ્રશંસા કરી. પણ જોન વિલ્સન ક્રોકરની સમીક્ષા વધુ આકરી હતી ઃ ઘૃણાસ્પદ, વાહિયાત. બકવાસ. એમણે લખ્યું કે આનો લેખક પાગલ હોવો જોઈએ ! વિલિયમ બેકફોર્ડે તો એને પોતે વાંચેલો સૌથી મોટો કચરો કહીને વાસ મારતું દેડકાનું છી કહી દીધું ! મેરી શેલીએ આ કથા ૧૮૧૮માં છપાવી ત્યારે મહિલા લેખિકા તરીકે એનું નામ નહોતું લખ્યું. શરૂઆતની પ્રત 'ફ્રેન્કેન્સ્ટાઈન ઓર મોડર્ન પ્રોમિસ્થીયસ' (સ્વર્ગમાંથી અગ્નિ લઇ માનવનું ભલું કરવા જતા ભેખડે ભરાયેલ ગ્રીક દેવતા) નામે હતી એમાં લેખિકાનું નામ નહોતું. પણ ફ્રેચ એડિશન બાદ ૧૮૨૩માં ફ્રેન્કેન્સ્ટાઈન નાટક સુપરહિટ થવાને લીધે મેરી શેલી એની લેખિકા તરીકે જાણીતી થઇ. સ્ત્રી થઈને આવું બધું લખે છે જેવા હુમલા પણ એના પર થયા ! 

મેરી શેલી પહેલા ખગોળશાસ્ત્રી જોહાનિસ કેપ્લારે ૧૬૦૮માં 'સોમ્નિયમ' નામની કથા લખેલી જેમાં ચંદ્ર પર જવાની વાતને લીધે સાયન્સ ગણાય પણ પછી એમાં સુપરનેચરલ ભૂતોની મદદ આવી જાય છે. ૧૬૧૬ની કેમિકલ વેડિંગ ઓફ ક્રિશ્ચિયન રોઝેનકૃત્ઝમાં પણ જોહાનન વેલેન્ટીન ચમત્કાર વચ્ચે લઇ આવે છે. બીજા નામો પણ ફ્રાન્સના વોલ્તેરથી નોર્વેના લુડવિગ સુધીના આવે છે પણ બધાએ એકમત થવું પડે છે કે પ્રચલિત અર્થમાં ફર્સ્ટ સાયન્સ ફિક્શન ફ્રેન્કેન્સ્ટાઈન જ છે. અને એમાં ભલે ચમત્કાર ના હોય પણ ચમત્કાર એ છે કે માત્ર ૧૮ વર્ષની આજે માનસિક રીતે વધુ વધુ સંકુચિત થતી ભારતની સામાજિક દુનિયામાં તો પ્રેમી સાથે ભાગી જનાર ને સત્તાવાર લગ્ન પહેલા બાળકને જન્મ આપનાર છોકરી તરીકે ચરિત્રહીન ગણાય એવી મેરી શેલી નામની ટીનએજ ક્રોસ કરતી યુવતીએ એ લખી બતાવી ! 

એકદમ ફિક્સ ફોર્મેટમાં રાખવાથી બાળકો ટેલેન્ટેડ નથી બનતા. થોડી ફ્રીડમ ને થોડો સાહજિક ક્રિએટીવ માહોલ આપવાથી બને છે. મેરીનો ઉછેર અલાયદો હતો. પુસ્તકો, પ્રવાસ અને પ્રકૃતિ વચ્ચે એના પર લેખક થવાનું દબાણ નહોતું. એને આઝાદી હતી સ્કૂલ વિના આસપાસનું જગત જોવાની. વાંચવાનો શોખ ઘરમાં પુસ્તકોના ઢગલા હોઈ આવેલો. કરિઅર બનાવવાનો કોઈ રેડીમેઈડ ઢાંચો કે એ માટે પેરન્ટસની અધૂરી અપેક્ષાઓ નહોતી એના પર. કોઈ બંધનમાં એ માનતી નહોતી ને એણે પ્રેમ કર્યો, 

ભોગ ભોગવ્યા, પસ્તાઈ ને દુખો ભોગવ્યા પણ ટકી રહેલી. એ માટે સલામતીના નામે કોઈ કોચલામાં પૂરાઈ ના રહી. અને ખાસ, વિકાસની પ્રેરણાના નામે જીવનમાંથી રસાળ વાર્તાનો એકડો નીકળી જાય એવું એના માટે નહોતું. એણે પોતે ૧૮૩૧માં ફ્રેન્કેન્સ્ટાઈનની સંવર્ધિત આવૃત્તિની પ્રસ્તાવનામાં લખેલું ઃ 

'બે પ્રતિષ્ઠિત સાહિત્યિક હસ્તીઓની પુત્રી હોવાને નાતે, મારા માટે જીવનની શરૂઆતમાં જ લખવાનો વિચાર આવવો એ અસામાન્ય નહોતું. બાળપણમાં હું આડીઅવળી લીટાઓ કરતી; અને મનોરંજન માટે મને મળતા કલાકો દરમિયાન મારું મનપસંદ મનોરંજન 'વાર્તાઓ વાંચવા લખવાનું' હતું. છતાં એથી પણ મને એક વધુ પ્રિય આનંદ હતો, અને તે હતો હવામાં કિલ્લાઓ બાંધવાનો, જાગતા જ સપનાઓમાં ખોવાઈ જવાનો, ને એના પર વિચારવાનો ! મારા કાલ્પનિક સપનાઓ મનભાવન હતા. શરૂઆતમાં હું અનુકરણ કરીને લખતા શીખી. પરંતુ મારી કલ્પના સંપૂર્ણપણે મારી પોતાની હતી; મેં કોઈને પણ તેનો હિસાબ આપ્યો નહોતો.  જ્યારે હું પરેશાન થતી ત્યારે એ ઈમેજીનેટીવ ફેન્ટેસી મારો વિસામો બનતી, અને હું મુક્ત હતી ત્યારે મારો સૌથી પ્રિય આનંદ !

એક છોકરી તરીકે હું મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી, અને મેં નોંધપાત્ર સમય સ્કોટલેન્ડમાં વીતાવ્યો. મેં વધુ સુંદર સ્થળોની ક્યારેક મુલાકાત લીધી, પરંતુ મારું નિવાસસ્થાન  નદીના ઉજ્જડ ઉત્તરીય કિનારા પર હતું. તે સ્વતંત્રતાનો મનોરંજક પ્રદેશ હતો જ્યાં હું બીજા બધાથી અવગણાયેલી રહીને એકલી મારી કલ્પનાના જીવો સાથે વાતચીત કરી શકતી હતી. અમારા ઘરની માલિકીના મેદાનના વૃક્ષો નીચે, અથવા નજીકના વૃક્ષો વિનાના પર્વતોની ઉજ્જડ બાજુઓ પર, મારા સાચા સર્જનો, મારી કલ્પનાની હવાઈ ઉડાનનો જન્મ થયો અને પોષણ થયું. આ પછી, મારું જીવન વધુ વ્યસ્ત બન્યું, અને કલ્પનાના સ્થાને વાસ્તવિકતા આવી. જો કે, મારા પ્રિયતમ પર્સી શેલી (એની કવિતા મેરીએ ફ્રેન્કેન્સ્ટાઈનમાં પણ લીધી છે) શરૂઆતથી જ ખૂબ આતુર હતા કે હું મારા માતા-પિતાના વારસાને લાયક સાબિત થાઉં, અને સુખ્યાતિના પાના પર મારું નામ અંકિત કરું. તેઓ હંમેશા મને સાહિત્યિક પ્રતિષ્ઠા માટે ઉત્તેજિત કરતા, તેઓ મારામાં સંભાવના જોતા અને ઈચ્છતા હતા કે હું લખું.'

યસ મેરી આઝાદમિજાજ સર્જક હોવા છતાં ટિપિકલ બોરિંગ ફેમિનિસ્ટ નહોતી. એ પેશનેટ લવર ઓફ લાઈફ હતી. ને આગળ વાંચ્યું હશે એમ ત્રણ નાના બાળકો બાદ અકસ્માતમાં પર્સીને ગુમાવ્યા બાદ એ વેદના તણા ચક્રવાતમાં ફંગોળાતી જ રહી. જેમ પતિ પર્સીની બળતી ચિતામાંથી એનું કડક થઈ ગયેલું હૃદય આગમાં શેકાયું પણ બળ્યું નહિ, એવું જીવતર મેરીનું ઈમોશનલ ટ્રોમાને લીધે થયું. એની બે'ક પુરુષો સાથે મૈત્રી રહી હોવાની ચર્ચા છે પણ એણે કદી બીજા લગ્ન ના કર્યા ને મોટા થયા વિના મરી ગયેલા ત્રણ બાળકોને યાદ કરતી રહી.

પછી એનું શું થયું ? 

***

ડિસેમ્બર ૧૮૨૮માં, સાવકી બહેન કલેર જર્મની ડ્રેસ્ડન ગઈ અને પત્રો સિવાય બેઉ બહેનો એકબીજાને મળી ના શકી. ૧૮૩૬માં, જે વર્ષે મેરીના પિતા વિલિયમ ગોડવિનનું અવસાન થયું, તે જ વર્ષે ક્લેર મેરીની બીમાર સાવકી માતા મેરી જેનની સંભાળ રાખવા માટે ઇંગ્લેન્ડ પાછી આવી. એ હવે મુક્ત પ્રેમે એનો જ નહિ એના વ્યક્તિત્વનો પણ શિકાર કર્યો એમ માની કેથોલિક બની ગયેલી. મેરી તો સ્વભાવે ઓલમોસ્ટ નાસ્તિક હતી. પણ જીવનના દુઃખોમાં એ સમયના કોઈ રેશનલ લિબરલ એની પડખે નહોતા, ને એણે પણ કબૂલ કર્યું કે એને ધર્મમાં થોડી શાંતિ મળી અને કહેવાતા રેશનાલીસ્ટ ક્રાંતિકારીઓથી મુક્તિ મળી.

આ બધા અંધારામાં એક જ્યોત હતી. મેરીએ કાળજીથી ભણાવેલો દીકરો પર્સી ફ્લોરેન્સ નેહરુથી ન્યુટન જ્યાં ભણેલા એ ૩૬ નોબેલ વિજેતા આપનાર પ્રતિષ્ઠિત ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજમાંથી ગ્રેેજ્યુએટ થયો ! એ દરમિયાન મેરી સાવ દુખિયારી થઇ નહોતી જીવી. એણે દિવંગત પિતાના પત્રોનું સંપાદન કર્યું. સ્વર્ગસ્થ પતિ પર્સી શેલીની સમગ્ર કવિતાઓનો ગ્રંથ તૈયાર કર્યો ને અગાઉ ઈશ્વરવિરોધી ને અશ્લીલ ગણાયેલી કવિતાઓ સમાજ સામે લડીને પણ છપાવી. લેખનપ્રકાશન ચાલુ રાખ્યું. ને વ્યભિચારના આરોપસર તરછોડી દેવાયેલી નારીઓ હોય કે સિંગલ મધર તરીકે દુનિયાના ટોણા ખાતી સ્ત્રીઓ હોય, બધા માટે ખુલીને બોલી.

દીકરો સ્નાતક થયો ત્યારે તેની માતાને લઈને યુરોપનો પ્રવાસ કરવા ગયો. મેરીએ પાછળથી આ પ્રવાસોનું વર્ણન રેમ્બલ્સ ઇન જર્મની એન્ડ ઇટાલી ઇન ૧૮૪૦, ૧૮૪૨ એન્ડ ૧૮૪૩માં કર્યું.  મા દીકરા જોડે ફર્યા એમાં એને અંતે એ નિરાંત મળી જે રહી ગયેલી જુવાનીમાં. ૧૮૪૪માં, પર્સી શેલીના પિતા સર ટિમોથીનું અવસાન થયું, જેનાથી પૌત્ર પર્સી ફ્લોરેન્સને બેરોનસી યાને સરનો ખિતાબ મળ્યો. પર્સી ફ્લોરેન્સના ત્યારબાદ અમીર જેન સેન્ટ જોન સાથેના લગ્નને લીધે નાણાકીય મુશ્કેલીઓ ના રહી.  મેરીના સદ્ભાગ્યે એને પુત્રવધૂ જેન સાથે સારું ભળતું. અંતે અંગત જીવનમાં એને માંડ પરિવાર, પ્રતિષ્ઠા, પૈસો અને પ્રસન્નતાનું પ્રેમાળ સુખ મળ્યું. 

પણ એ ટક્યું નહિ ! ૧૮૪૮માં, મગજની ગાંઠના કારણે મેરીને ગંભીર આંચકી આવી અને તેણીએ પછીના બે વર્ષ તેના એકમાત્ર પુત્ર અને લાડકી પુત્રવધૂ સાથે ફ્રાન્સના રળિયામણા નીસમાં સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો. એક અઠવાડિયાના કોમા પછી, મેરી શેલીનું મગજના કેન્સરથી ૧લી ફેબુ્રઆરી ૧૮૫૧ના રોજ લંડનમાં અવસાન થયું.  ૫૩ વર્ષની વયે જગત છોડી ગયેલી મેરીને લાગણીથી દીકરા અને વહુએ બોર્નમાઉથમાં સેન્ટ પીટર્સ ચર્ચમાં દફનાવવામાં આવી અને તેના સ્વર્ગસ્થ પતિના ન બળેલા અને સાચવેલા હૃદયની સાથે દફનાવવામાં આવી. પછી ૧૮૫૨માં, પર્સીના મૃત્યુના ત્રીસ વર્ષ પછી અને મેરી શેલીના મૃત્યુના એક વર્ષ પછી, મેરીના ડેસ્કમાંથી તેના કવિતાના સંગ્રહના પૂંઠા, નાનપણમાં ગુજરી ગયેલા એના બાળકોના વાળ સાથે પ્રિયતમ પર્સીની રાખ અને હૃદયના બચેલા અવશેષ મળી આવ્યા ! 

પણ મેરી શેલીનું દિલ હજુ ધડકે છે એક એવી નવલકથામાં જેણે ઇતિહાસમાં કાયમ માટે એનું નામ સોનેરી અક્ષરે અમર બનાવ્યું ! વિશ્વની પહેલી સાયન્સ ફિક્શન ફ્રેન્કેન્સ્ટાઈન ! જેના પોપ્યુલર કલ્ચરમાં હજારથી વધુ વર્ઝન્સ છે. જેના પરથી ફ્રેન્કેન્સ્ટાઈન ઇન બગદાદ ને બ્રાઇડ ઓફ ફ્રેન્કેન્સ્ટાઈન જેવી સેંકડો સ્પિન ઓફ કહાનીઓ છે. મ્યુઝિયમ છે. અને યાદ કરાવે છે કે નાની ઉંમરે મહાન પ્રતિભા માટે જરૂર વ્યાખ્યાઓની નથી, વાતાવરણની છે. અને સર્જન માટે કેવળ સંસ્કાર નહિ, થોડું સાહસ પણ જોઈએ !

ફાસ્ટ ફોરવર્ડ

'વૈજ્ઞાનિક શક્તિએ જેમને એકત્ર કર્યા છે, એમને એક કોણ કરશે ? ગાડી એન્જિનના જોરે પૂરપાટ આગળ ભાગે છે, પણ એનો ડ્રાઈવર તો અરે અરે પોકારતો એની પાછળ ભાગે છે ! પીડા એ છે કે પ્રજાઓ ભેગી થાય છે, પણ એકમેકને મળતી નથી. કારણ કે પોતાના વાડાની અંદર જે એક રહેતા શીખ્યા એ વાડાની બહાર (જઈ અન્ય સાથે) એક થતાં શીખ્યા નથી.'

(ફ્રેન્કેન્સ્ટાઈનના ગુજરાતી અનુવાદ 'નરાસુર'માં સ્વ. રમણલાલ સોનીએ મુકેલા રવિન્દ્રનાથ ટાગોરના લેખમાંથી )