- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- પેટ્રોલ-ડીઝલ-સીએનજી સંચાલિત કારનું વેચાણ સંપૂર્ણ બંધ કરનારો નોર્વે જગતનો પહેલો દેશ બન્યો છે. નોર્વેએ 100 ટકા ઈવી વેચાણનો ટાર્ગેટ પૂરો કરી લીધો છે
યૂ ટોપિઆ એટલે એવી કાલ્પનિક જગ્યા જે સંપૂર્ણ છે. એક એવો આદર્શ સમાજ જ્યાં વેરઝેર નથી, ભ્રષ્ટાચાર નથી, માનવીય દૂષણો નથી. રહેવા માટે દુનિયાનું શ્રેષ્ઠ સ્થળ એટલે યૂટોપિઆ. બ્રિટિશ વકીલ-લેખક-વિચારક થોમસ મોરેએ 'યૂટોપિઆ' નામથી પુસ્તક લખીને આ શબ્દ કોઈન કર્યો હતો. ત્યારથી વેસ્ટર્ન વર્લ્ડમાં દુનિયાના સર્વોત્તમ-આદર્શ સ્થળ તરીકે યૂટોપિઆની કલ્પના થાય છે. ભારતીય સંદર્ભમાં આપણે જેને 'રામરાજ્ય' કહીએ છીએ તે પશ્વિમમાં યૂટોપિઆ છે.
આ જ રેફરન્સમાં અત્યારે યુરોપના દેશ નોર્વેને 'ઈવી યૂટોપિઆ' કહેવામાં આવે છે. ઈલેક્ટ્રિક વાહન-ઈવીની ક્રાંતિ માટે એવી કલ્પના કરવામાં આવે છે કે બધાં જ વાહનો ઈલેક્ટ્રિક હોય. પરંપરાગત પેટ્રોલિયમથી ચાલતા વાહનોનું વેચાણ જ સદંતર બંધ થઈ જાય. માત્ર ઈવી જ વેચાતા હોય તો માણસ ઝીરો કાર્બનના લક્ષ્યાંકની નજીક પહોંચી જાય. વાહનોથી થતું પ્રદૂષણ અટકી જાય તો વાયુ પ્રદૂષણનો બહુ જ વિકટ પ્રશ્ન ઘણો હળવો થઈ જાય.
આ ધારણાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઈવી આધારિત કરવાની હિમાયત થાય છે. વાહન વ્યવહારમાં ઈવીનું પ્રમાણ વધારવાના ટાર્ગેટ સેટ થાય છે અને દરેક દેશ અત્યારે ઈવી પર ફોકસ કરે છે. એ બધા વચ્ચે નોર્વેએ ઈવીના વેચાણનો ૧૦૦ ટકાનો ટાર્ગેટ અચિવ કરી લીધો છે અને એટલે જ તેને દુનિયાનું પ્રથમ 'ઈવી યુટોપિઆ' કહીને સન્માન આપવામાં આવે છે.
વેલ, નોર્વે કેવી રીતે 'ઈવી યુટોપિઆ' બન્યું?
***
ઈલેક્ટ્રિક વાહનોનો સર્વાધિક વપરાશ ચીનમાં થાય છે. ચીનના માર્ગો પર બે કરોડ ઈવી દોડી રહ્યાં છે અને ૧૦ લાખ તો પબ્લિક પરિવહન માટે બસો ચાલી રહી છે. પરંતુ ચીનના કુલ વાહનોમાં આ હિસ્સો સાતથી દસ ટકા છે. હજુય મોટી સંખ્યામાં પેટ્રોલ-ડીઝલ-સીએનજી સંચાલિત વાહનો ચાલી રહ્યાં છે. ભારતના માર્ગો પર ૬૦ લાખ ઈવી દોડી રહ્યાં છે. એશિયામાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ભારત દુનિયાનું ઝડપથી વિકસતું ઈવી માર્કેટ છે. અમેરિકામાં પણ અનેક પ્રયાસો પછી હવે ૬૦ લાખ ઈવી ચાલી રહ્યાં છે. ચીન, અમેરિકા, ભારત, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, જાપાન જેવા દેશોમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
યુરોપના રસ્તાઓ પર જ અત્યારે દોઢેક કરોડ ઈલેક્ટ્રિક વાહનો દોડી રહ્યાં છે, પરંતુ એ બધા દેશોમાં નોર્વેની વાત નિરાળી છે. નોર્વેએ જે ક્રાંતિ કરી બતાવી છે એ આમાંના એકેય દેશમાં થઈ નથી. નોર્વેમાં હવે ઈલેક્ટ્રિક વાહનો જ વેચાય છે. પેટ્રોલના વાહનો ખરીદવા પર નોર્વેની સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી છતાં નવા વાહનો ખરીદનારા નાગરિકો ઈવી ખરીદવાનું પસંદ કરે છે. એ પાછળ નોર્વેમાં ઈવીની તરફેણમાં બનેલો માહોલ, સરકારે બનાવેલી પૉલિસી અને ઈવી માટે થયેલાં કેમ્પેઈનિંગની ચાવીરૂપ ભૂમિકા છે. ૨૦૧૭માં નોર્વેએ ૨૦૨૫ સુધીમાં વાહનોથી કાર્બન ઉત્સર્જન ઝીરો કરવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો.
વાયુ પ્રદૂષણ ઘટાડવા ઈવી ખૂબ મહત્ત્વના સાબિત થશે એવી અવેરનેસ લાવવા જુદી જુદી રીતે પ્રયાસો કરાયા. ઈવી ખરીદનારાને ટેક્સમાંથી મુક્તિ, ઈવી માટે ખૂબ જ ઓછો ટોલ, ઈવી માટે ફ્રી પાર્કિંગ, ઈવીને શરૂઆતમાં તો બસલેનનો એક્સેસ પણ મળતો. જૂની પેટ્રોલ કારને ઈવીથી રિપ્લેસ કરનારાને અલગથી ડિસ્કાઉન્ટ્સ અને ટેક્સમાંથી રાહત - આ બધાના કારણે લોકો ઈવી તરફ વળ્યાં. ઝડપભેર દેશમાં ઠેર-ઠેર ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવ્યાં. ઈવી ચાર્જિંગ સ્ટેશનમાં લાંબી લાઈનો ન લાગે તે માટે ખાસ પ્રયાસો થયા અને સંખ્યાબંધ સ્ટેશનોના નિર્માણ પર ભાર મૂકાયો. વાહનોથી ઝીરો ઈમિશનનો લક્ષ્યાંક પાર પાડવા આઠ વર્ષમાં સરકારે એક્ટિવ પ્રયાસો કર્યા. જ્યાં જ્યાં ફેરફારની જરૂર લાગી ત્યાં પૉલિસીમાં ફેરફાર પણ કર્યો. નાગરિકોને ઈવી લેવાનું જેટલું સરળ અને સસ્તું બને એવું બધું જ કર્યું.
૨૦૨૫ના ટાર્ગેટને પહોંચી વળવા નાના-નાના ટાર્ગેટ સેટ કર્યા. ૨૦૧૯માં એવો નિર્ધાર કર્યો કે ૨૦૨૨ના અંતે ૮૦ ટકા વાહનો ઈવી હોવા જોઈએ. ૨૦૨૨ને બદલે ૨૦૨૩ના મિડમાં આ લક્ષ્યાંક સેટ થયો એટલે ત્યારે જ ૨૦૨૫ના ટાર્ગેટ માટે નવેસરથી અગ્રેસિવ કેમ્પેઈનિંગ કર્યું. ઈવી મેકર્સ નાગરિકોને વધુ સસ્તાં વાહનો આપે તે માટે મેકર્સ પરથી ટેક્સ ઓછો કર્યો. પેટ્રોલથી ચાલતા વાહનો પર ટેક્સ વધાર્યો. પેટ્રોલના વાહનો વેચતી કંપનીઓ પર પણ ટેક્સ વધાર્યો. એટલે સરવાળે પેટ્રોલના વાહનો ખરીદવાનું મોંઘું થયું અને ઈવી ખરીદવાનું સસ્તું થયું.
આ બધા પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે ૨૦૨૫નો એક મહિનો બાકી હતો ત્યાં જ નોર્વેએ ૧૦૦ ઈવી વેચાણનો ટાર્ગેટ અચિવ કરી લીધો. નવેમ્બરમાં ૧૯,૪૨૭ નવા વાહનો રજિસ્ટર થયા અને એ તમામ ઈવી હતા. નવેમ્બર મહિનામાં એક પણ પેટ્રોલ વાહન વેચાયું નહીં. નોર્વે રોડ ટ્રાફિક ઈન્ફોર્મેશન કાઉન્સિલના કહેવા પ્રમાણે નવેમ્બરમાં રેકોર્ડ તૂટી ગયો. પેટ્રોલના વાહનો છૂટાછવાયા વેચાતા હતા એ પણ બંધ થઈ ગયા. છેલ્લાં ત્રણ વર્ષમાં નવી કારના વેચાણમાં ૯૭ ટકા હિસ્સો ઈવીનો રહ્યો છે. નોર્વેના વાહનોમાં આજની તારીખે ૬૫ ટકા વાહનો ઈવી છે. જે પેટ્રોલથી ચાલે છે એ વાહનોનું સ્થાન પણ ૨૦૨૮ સુધીમાં ઈવી લઈ લેશે એવો સરકારને ભરોસો છે.
અગાઉ વેચાઈ ગયેલાં પેટ્રોલ-સીએનજી સંચાલિત વાહનોની સમયમર્યાદા પૂરી નહીં થાય ત્યાં સુધી અથવા તો સરકાર કોઈ યોજના લાવીને પેટ્રોલ-સીએનજી સંચાલિત વાહનોના માલિકોને ઈવી લેવા પ્રેરિત ન કરે ત્યાં સુધી જૂના વાહનો ચાલશે, પરંતુ નવા જે વાહનો વેચાય છે તે ઈલેક્ટ્રિક છે એટલે વાહનોથી ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક હવે ઓલમોસ્ટ અચિવ થઈ ગયો છે. પ્રાઈવેટ ખરીદીમાં આ લક્ષ્યાંકે પહોંચતા પહેલાં સરકારે પબ્લિક પરિવહન સંપૂર્ણ ઈવી બેઝ્ડ કર્યું હતું. ૨૦૨૩થી જ નોર્વેમાં સરકારી અધિકારીઓ, નેતાઓ અને જાહેરસેવાની બસો-વાહનો ઈવી બની ગયા છે.
***
વેલ, ભારત જેવા દેશો માટે નોર્વે વાહનોની સંખ્યાની રીતે મોડલ બની શકે નહીં. નોર્વેમાં આ અશક્ય નથી. નોર્વેની વસતિ માંડ ૫૫-૫૭ લાખ છે અને કુલ નોંધાયેલા વાહનો છે માંડ ૬૦ લાખ. પ્રાઈવેટ કાર ૩૦ લાખથી વધારે નથી. ભારત-ચીન-અમેરિકા જેવા દેશો સાથે સીધી કોઈ સરખામણી થઈ શકે નહીં.
ભારતમાં તો એક વર્ષમાં પેસેન્જર વાહનો જ ૪૦-૪૫ લાખ વેચાય છે, પરંતુ હા નોર્વે જે રીતે પરિવહનનું ઈલેક્ટ્રિફિકેશન કરી રહ્યું છે એ ઉદાહરણરૂપ છે. રાજ્યો પ્રમાણેય જો આ મોડલ લાગુ થાય તો લાંબાંગાળે ઉમદા પરિણામો મળી શકે. નોર્વેની સ્ટાઈલથી લોકો ઈવી વાહન તરફ વળે એવું વાતાવરણ બનાવવું જોઈએ. ઈવી ખરીદનારને વધુમાં વધુ આર્થિક ફાયદો થાય એ દિશામાં પગલાં ભરવા જોઈએ. પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાંથી ઈવી ખરીદે તો ત્યારે દેખીતો ફાયદો થવો જોઈએ.
ઈવીના ચાર્જિંગ સ્ટેશનો ઠેર-ઠેર બનાવવા પડશે. નોર્વે તો ખૂબ નાનો દેશ છે. યુપી-બિહાર ભેગા થાય એટલી સાઈઝ નોર્વેની છે. ભારતમાં ૫૦૦ કિલોમીટરથી વધારે અંતર હોય ત્યારે ઈવી કાર લઈ જવાનું મુશ્કેલ છે. અત્યારે ઈવી કાર એટલે શહેરોની કાર - એવી ઈમેજ છે. જેની ક્ષમતા ૫૦૦ કિ.મીથી વધારે છે એનો ભાવ સરેરાશ કાર ખરીદનારાને પરવડે તેમ નથી. આ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવામાં આવે અને નોર્વેની જેમ રાજ્યો પ્રમાણે નાના-નાના ટાર્ગેટ સેટ કરવામાં આવે તો વાહનોથી ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક ભારત કદાચ ૨૦૩૫માં અચિવ કરી શકે.
વેલ, અમેરિકામાં પણ નોર્વેના ઉદાહરણો અપાય છે. નોર્વે કેવી રીતે 'ઈવી યૂટોપિઆ' બન્યું એ આખી દુનિયામાં ચર્ચાય છે. નોર્વેની આ બાબતે પીઠ થાબડીને અન્ય દેશોએ પ્રેરણા લેવી જોઈએ એવું બધા દેશો કહી રહ્યાં છે, પરંતુ પોતેે એ દિશામાં નોર્વે જેવી પૉલિસી લાગુ કરવાની તૈયારી બહુ ઓછા દેશોમાં છે જોતાં આખી દુનિયા ૨૧મી સદી મધ્યાહને પહોંચશે ત્યારેય 'ઈવી યૂટોપિઆ' નહીં બને એ નક્કી છે!
ભારતમાં 2030માં 30% વાહનો ઈવી હશે
ભારત ઈવીનું દુનિયામાં સૌથી ઉભરતું માર્કેટ છે એ સાચું, ગયા વર્ષે જ દેશમાં નાના-મોટા ૨૦ લાખ ઈવી યુનિટ વેચાયા હતા. ખૂબ ઝડપથી દેશનું પરિવહન ઈલેક્ટ્રિક સંચાલિત થઈ રહ્યું છે. તેમ છતાં ભારતમાં છેક ૨૦૩૦માં કુલ વાહનોમાંથી ૩૦ ટકા વાહનો જ ઈવી હશે. પાંચ વર્ષ પછીય પેટ્રોલથી ચાલતા વાહનોનો મોટો હિસ્સો હશે. ચીન અને ભારત જેવા વિશાળ વસતિ ધરાવતા દેશોમાં તુરંત મોટું પરિવર્તન કરવું શક્ય નથી. અમેરિકા ગાઈ વગાડીને ઈલેક્ટ્રિક વાહનોનો, ઝીરો કાર્બનનો પ્રચાર કરે છે તે છતાં ત્યાં પણ ૩૦ કરોડ કારમાંથી માંડ ૬૦ લાખ ઈલેક્ટ્રિક કાર છે. દુનિયામાં અત્યારે કાર-ટ્રક જેવા વાહનોની સંખ્યા ૧૭૦ કરોડ છે, એમાંથી માત્ર છ કરોડ વાહનો જ ઈલેક્ટ્રિક છે. એના પરથી અંદાજ લગાવી શકાય કે ઈવીએ હજુ ઘણી લાંબી સફર ખેડવાની બાકી છે.


