Get The App

પ્રાણ ઊર્જાના પાવર હાઉસ સમા મંત્રોનો પ્રભાવ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
પ્રાણ ઊર્જાના પાવર હાઉસ સમા મંત્રોનો પ્રભાવ 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- મંત્ર વિજ્ઞાન એ યોગનો ઉચ્ચ કોટિનો વિષય છે. મંત્ર જાપથી મસ્તિષ્કના આલ્ફા અને થિટા તરંગોમાં વૃદ્ધિ થાય છે જે શાંતિ, એકાગ્રતા અને ધ્યાન સાથે સંબંધિત છે

'મંત્રહીના: ક્રિયા સર્વા નિષ્ફલા હિ ભવન્તિ વૈ ।

મંત્રેણ દીયતે શક્તિઃ મંત્ર કર્મ પ્રકાશકઃ ।।

મંત્ર વિના કરવામાં આવેલી બધી ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. મંત્રોથી જ કર્મોને શક્તિ પ્રાપ્ત થાય છે. મંત્ર કર્મોને પ્રકાશિત (સફળ) કરનાર હોય છે.'

'મંત્રાઃ સિધ્ધા ભવન્યેવ સતતાભ્યાસયોગતઃ ।

ન સિધ્યન્તિ વિના યત્નં બીજાન્યિવ ભૂમૌ ક્ષિપ્તાઃ ।।

નિરંતર અભ્યાસથી જ મંત્ર સિદ્ધ થાય છે. વિના પ્રયાસે તે સિદ્ધ થતા નથી. જેમ બીજ જમીનમાં દાટી દેવામાં આવે પણ તે ઊગે તે માટે બીજા પ્રયત્નો કરવામાં ના આવે તો ફળ પ્રાપ્ત થતું નથી તેવું મંત્રો વિશે છે. મંત્રનું ફળ મેળવવા સતત યોગ્ય પ્રયત્નો કરવા પડે છે.'

મંત્ર માત્ર શબ્દ નથી. તે ઊર્જા અને ચેતનાનું માધ્યમ છે. મંત્ર વિના કર્મમાં પ્રાણ શક્તિ નથી આવતી. મંત્ર જાપથી સાધના-ઉપાસનામાં દિશા, બળ અને ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ મંત્રથી કર્મ જીવંત થાય છે અને મંત્ર-બોધથી સાધના સફળ થાય છે. એટલે સાધના અને ઉપાસનામાં મંત્રનો વિશેષ ઉપયોગ કરાય છે. સાધના પ્રથમ ચરણ છે અને ઉપાસના અંતિમ ચરણ છે. મનુસ્મૃતિમાં કહેવાયુ છે - ધ્યાનયોગેન સંપશ્યેદ્ ગતિમસ્યાન્તરાત્મનઃ । સમ્યગ્દર્શન સંપન્ન કર્મ નર્મ બધ્યતે ।। ધ્યાન-યોગથી અંતરાત્માની અનુભૂતિ થાય છે, પરમાત્મા દર્શન થાય છે અને ઉપાસક કોઈપણ કર્મથી બંધાતો નથી. ધ્યાનયોગેન બ્રહ્માભ્યેતિ સનાતનમ્ ।। ધ્યાન યોગથી સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. (અધ્યાય ૬, શ્લોક - ૭૩, ૭૪, ૭૯).

આપણા મહાન ઋષિઓએ મંત્ર શબ્દની વ્યુત્પત્તિ આપતાં કહ્યું છે - 'મનનાત્ ત્રાયતે યસ્માત્ તસ્માત્ મંત્રઃ પ્રકીર્તિતઃ ।' મંત્ર શબ્દમાં આવતો 'મ' મનન અને 'ત્ર' રક્ષણનો અર્થ સૂચવે છે અર્થાત્ મનન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર. જે વિચારોથી આપણા કાર્યો સિદ્ધ થાય તે 'મંત્ર' કહેવાય. મનથી વર્ણોચ્ચારોનું ઘર્ષણ થવાથી એક દિવ્ય જ્યોતિ પ્રકટ થાય છે. એ વર્ણોનાં સમૂહનું નામ મંત્ર છે. મંત્રી શબ્દ મંત્ર પરથી જ બન્યો છે. રાજનીતિ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે જે વિચારોને ગુપ્ત રાખીને રાજતંત્ર ચલાવવામાં આવે છે તે મંત્ર છે. એટલે જ રાજતંત્રના સંચાલકને 'મંત્રી' અને મુખ્ય સંચાલકને મહામંત્રી કહેવામાં આવે છે.

મંત્ર વિજ્ઞાન એ યોગનો ઉચ્ચ કોટિનો વિષય છે. તે ચેતનાની ઊંચી સ્થિતિ પર કામગીરી કરે છે. મંત્ર જાપથી મસ્તિષ્કના આલ્ફા અને થિટા તરંગોમાં વૃદ્ધિ થાય છે જે શાંતિ, એકાગ્રતા અને ધ્યાન સાથે સંબંધિત છે. MRI અને EEG અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે મંત્ર જાપના સાતત્યપૂર્ણ ધ્વનિથી ડિફોલ્ટ મોડ નેટવર્ક શાંત થાય છે જેનાથી મનની ભટકવાની સ્થિતિ ઓછી થઈ જાય છે. મન અને ઈન્દ્રિયો પર કાબૂ પ્રાપ્ત થઈ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો છે - 'ચંચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢમ્ । તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ ।। હે કૃષ્ણ, મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દ્રઢ છે. મનનો નિગ્રહ પવનને મુઠ્ઠીમાં પકડવાની ક્રિયા જેવો હું અતિ મુશ્કેલ માનું છું (અધ્યાય ૬ શ્લોક- ૩૪) એના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે - 'અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ । અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહયતે ।। હે મહાબાહો (અર્જુન), ખરેખર મન ચંચળ અને કાબૂમાં રાખવું મુશ્કેલ છે તો પણ હે કૌંતેય (અર્જુન) અભ્યાસ (યોગાભ્યાસ) અને વૈરાગ્ય વડે તેને કાબૂમાં રાખી શકાય છે. (અધ્યાય ૬, શ્લોક- ૩૫)'

શરીર વિજ્ઞાનીઓના શોધ-સંશોધનો દર્શાવે છે કે નિયમિત મંત્ર જાપથી તણાવ ઉત્પન્ન કરતું કોર્ટિસોલ (Cortisol) હોર્મોનનું સ્તર ઘટે છે. ચિંતા, વિષાદના લક્ષણોમાં ઘટાડો થાય છે અને ભાવનાત્મક સ્થિરતા વધે છે. મંત્ર પ્રભાવ માઇન્ડફુલનેસ વધારે છે અને હકારાત્મક આત્મ-સૂચન (Positive Autosuggestion) લાવવામાં મદદરૂપ બને છે. મંત્ર જાપ મોટેભાગે નિયંત્રિત શ્વસન સાથે થાય છે જેનાથી હૃદયના ધબકારામાં વિવિધતા (Heart Rate Variability - HRV) માં સુધારો થાય છે. તે સારા માનસિક-શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેનાથી બ્લડપ્રેશર ઘટે છે અને પેરા સિમ્પેથેટિક પ્રક્રિયા વધવાથી વિશ્રાંતિ (relaxation) મળે છે.

મહાન યોગી સ્વામી રામ કહે છે - 'મંત્ર એ મહાન જ્ઞાની પુરુષો વડે ઊંડા ધ્યાનની અવસ્થામાં શોધાયેલા શબ્દોનો સમૂહ છે. ક્યારેક તે એક પદ, શબ્દ કે ધ્વનિ માત્ર પણ હોઈ શકે. મંત્ર ઉચ્ચ ચેતન અવસ્થામાંથી પ્રગટ થાય છે. તે સાધકને સંપૂર્ણ મૌનમાં ન પહોંચે ત્યાં સુધી ઉપર ને ઉપરની ભૂમિકાએ લઈ જાય છે. સભાનતા (awareness) જેટલી વધે મંત્ર તેટલો વધારે શક્તિશાળી બને છે. તે વ્યક્તિને ચેતનાના ઉચ્ચતર અને ઉચ્ચતમ આયામો તરફ દોરી જાય છે. મંત્ર ખૂબ શક્તિશાળી સાધન છે.' મંત્રને પ્રાણ ઊર્જાના પાવર હાઉસ કહી શકાય.

સિદ્ધયોગીઓ શ્રેષ્ઠ સિદ્ધિઓનો પ્રયોગ કરતી વખતે મંત્રોનો ઉપયોગ કરે છે. સ્વામી રામે એમની આંખો સામે એક યોગીનો અદ્ભુત પ્રયોગ જોયો હતો. એક મોટી મરેલી કીડીના ત્રણ ટુકડા એકબીજાથી થોડા થોડા અંતરે રાખવામાં આવ્યા હતા. તે યોગીએ ધ્યાનમાં બેસી મંત્રોચ્ચાર કરવા માંડયો હતો. થોડી ક્ષણો બાદ તે ત્રણેય ટુકડા એકબીજા તરફ ખસીને જોડાઈ ગયા હતા. તે કીડી જીવતી થઈને ચાલવા માંડી હતી. 'એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા'ના લેખક અને બ્રિટિશ પત્રકાર, લેખક પોલ બ્રન્ટન (મૂળ નામ રાફેલ હર્સ્ટ) ભારત આવ્યા ત્યારે તેમણે મહાન યોગી વિશુદ્ધાનંદજીના સૂર્ય વિજ્ઞાન અને મંત્રશક્તિનો પ્રભાવ જોયો હતો. સ્વામી વિશુદ્ધાનંદજીએ એક કલાકથી મરીને જમીન પર પડેલી એક ચકલી પર સૂર્ય વિજ્ઞાનનો પ્રયોગ કર્યો હતો અને તે સાથે મંત્રોચ્ચાર કરવા માંડયો હતો. થોડી વારમાં મરેલી ચકલીના શરીરમાં પ્રાણ સંચાર થયો હતો. તેનું શરીર હાલવા લાગ્યું હતું અને તે જીવતી થઈને ત્યાંથી ઊડીને નજીકના એક વૃક્ષની ડાળી પર જઈને બેસી ગઈ હતી.