- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'હું સારો અભિનય કરું છું કે ખરાબ તે જજ કરવાનો અધિકાર હું કંઈ બધાને ન આપી શકું. એક એક્ટર તરીકે મારી જે સ્ટ્રગલ છે, જે શોધ છે તે ઉચ્ચ કક્ષાના ડિરેક્ટર કે અમુક પ્રકારના એક્ટર્સ જ સમજી શકે.'
વ ર્ષ પૂરું થયું ને ફિલ્મી જનતાની રાઉન્ડટેબલ કોન્ફરન્સ શરૂ થઈ નથી. વર્ષનાં સૌથી ધ્યાનાકર્ષક હીરો-હિરોઈનો, ડિરેક્ટરો અને ઇવન લેખકો એકઠા થાય, હસી-મજાક કરે અને સાથે સાથે હોસ્ટના સવાલોના જવાબો આપતા જાય. આવી અમુક 'ગોળમેજી પરિષદો' ભારે રસપ્રદ પૂરવાર થતી હોય છે, ખાસ કરીને જો પોતાની ક્રિયેટિવ પ્રોસેસને સુંદર રીતે શબ્દોમાં મૂકી શકતા કલાકારોએ ભાગ લીધો હોય, તો. કેટલાય અદાકારો, લેખકો, ડિરેક્ટરોને પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરવાનું ફાવતું નથી. તેઓ સરસ રીતે કામ કરી જાણે, પણ આ કામ શી રીતે કર્યું તેની પિષ્ટપિંજણ ન કરી શકે! સામે પક્ષે, મનોજ બાજપેયી, નવાઝુદ્દિન સિદ્દીકી અને જયદીપ અહલાવત એવા અદાકારો છે, જે પોતાની પ્રોસેસને સુંદર રીતે વર્ણવી શકે છે.
આવી જ એક તાત્ત્વિક ચર્ચા દરમિયાન મનોજ બાજપેયી 'સ્ટાર' અને 'એક્ટર' વચ્ચેનો ભેદ ખૂબસુરતીથી સમજાવતા કહે છે, 'એક્ટર્સ આર ડિટેચ્ડ-એટેચ્ડ. અભિનેતા સતત પોતાની પોતાની જાતનું નિરીક્ષણ કરતો હોય છે. એક્ટર કરતાં વધારે સેલ્ફ-ક્રિટિકલ ઓબ્ઝર્વર બીજું કોઈ ન હોઈ શકે. હા, સ્ટાર પોતાની જાતને કડકાઈભરી નજરે જોઈને સ્વ-મૂલ્યાંકન કરી શકતો નથી, કેમ કે એ સેલ્ફ-ક્રિટિકલ નહીં, પણ સેલ્ફ-ઓબ્સેસ્ડ હોય છે. એેનું પોતાની જાત પ્રત્યેનું વળગણ નાર્સિસિઝમની કક્ષાએ પહોંચી જતું હોય છે. એક્ટર્સનું એવું નથી. સાચા અદાકારનું ફોકસ ખુદની લાગણીઓ પર હોય છે. એ પોતાનાં વર્તન-વિચારોને એક ઓડિયન્સની જેમ - સાક્ષીની જેમ જોઈ શકતો હોય છે. એ જિંદગી સહજપણે જીવતો હોય છે, અને તેથી જિંદગીની સમજ જેમ જેમ વધતી જાય તેમ તેમ એને પોતાના અભિનયમાં ઉમેરી શકતો હોય છે. આવું બીજા કોઈ પ્રોફેશનમાં બનતું નથી.'
નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે, 'હું ફિલ્મલાઇનમાં હજુ નવો હતો અને સ્ટ્રગલ કરી રહ્યો હતો તે સમયગાળામાં મેં ત્રણ-ચાર વર્ષ સાવ નકામા લોકો સાથે વીતાવ્યાં હતાં તેનો મને અફસોસ છે. એ કહેવાતા યાર-દોસ્તો ક્રિયેટિવ નહોતા. નોન-ક્રિયેટિવ લોકો સાથેની સંગત તમને બહુ બધાં વર્ષો પાછળ ધકેલી દે છે. આ મામલામાં હવે હું ખૂબ સર્તક થઈ ગયો છું. આપણા એવા લોકોનું જ ફ્રેન્ડ-સર્કલ બનાવવું જોઈએ, જેમની તાસીર સાચા અર્થમાં સર્જનાત્મક હોય. એમની સાથે થતી ક્રિયેટિવ વાતોથી તમારો માંહ્યલો ખૂબ સમૃદ્ધ થતો હોય છે, આંતરિક સ્તરે તમે ખૂબ વિકસતા હો છો. એટલે જ આપણા વડીલો કહેતા જ હોય છેને કે હંમેશા સારા લોકોની જ સંગત કરવી.'
આખી દુનિયા જે-તે એક્ટરે કોઈ ફિલ્મમાં કેટલી સારી કે ખરાબ એક્ટિંગ કરી તે વિશે તાત્કાલિક ચુકાદો આપવા માટે તૈયાર બેઠી હોય છે. એક એક્ટર માટે દર્શકોના, સાથીઓના, ડિરેક્ટરોના મંતવ્યોનું કેટલું મહત્ત્વ હોય છે? જયદીપ અહલાવત કહે છે,
'હું સારો અભિનય કરું છું કે ખરાબ તે જજ કરવાનો અધિકાર હું કંઈ બધાને ન આપી શકું. એક એક્ટર તરીકે મારી જે સ્ટ્રગલ છે, જે શોધ છે તે બેરી જોનની કક્ષાના ડિરેક્ટર કે અમુક પ્રકારના એક્ટર્સ જ સમજી શકે. (થિયેટર ડિરેક્ટર અને એક્ટિંગ કોચ બેરી જોન પાસે શાહરૂખ ખાન, મનોજ બાજપેયી, જયદીપ અહલાવત, રિચા ચઢ્ઢા જેવાં કલાકારો તાલીમ લઈ ચૂક્યાં છે.) તેઓ સમજી શકતા હોય છે કે અમુક પ્રકારનો અભિનય કરતી વખતે મેં કેવા સેલ્ફ-રેફરન્સનો ઉપયોગ કર્યો હશે. મેં જો કોઈની સલાહ ન માગી હોય તો મને એની ટીકા-ટિપ્પણી સાંભળવાનો પણ શોખ હોતો નથી. બહુ સાદી વાત છે. મને કોઈના ક્રિટીસિઝમ કે વેલિડેશનથી ફર્ક પડતો નથી. સેટ પર હું ફક્ત એક જ વ્યક્તિને જવાબ આપવા બંધાયેલો છું અને એ છે મારો ડિરેક્ટર.'
'એક્ટરની ઓનેસ્ટી' અને 'એક્ટરના ટ્રુથ' વિશે ખૂબ વાતો થતી હોય છે. શું છે એ? કેમેરા સામે કે મંચ પર અભિનય કરતી વખતે એક અદાકાર પોતાના 'સત્ય' સુધી શી રીતે પહોંચતો હોય છે? એ અદાકારનું ખુદનું સત્ય હોય છે કે એના પાત્રનું? કે બન્નેનું? કલાકાર કે ખેલાડી જ્યારે 'ફ્લો'માં હોય ત્યારે અદ્ભુત પર્ફોર્મન્સ આપતો હોય છે. શું કલાકારનું ફ્લોમાં હોવું અને એનું સત્ય સુધી પહોંચવું - આ બન્ને એક જ વસ્તુ છે?
નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે, 'અમુક સીન કરતી વખતે કે અમુક પાત્ર ભજવતી વખતે કલાકાર ક્યારેક પોતાની ભીતર ડૂબકી મારીને એવી જગ્યાએ પહોંચી જતો હોય છે, જ્યાં એ અગાઉ ક્યારેય ગયો ન હોય. એક્ટરનું સત્ય એટલું બધું પર્સનલ હોય છે કે ઊંચી કક્ષાનો જાણકાર માણસ જ તે સમજી શકે, કે પરખી શકે. મને કહેવા દો કે મોટા ભાગના લોકો આ સત્યવાળી વાતને સમજી શકતા નથી. '
તમારી સામે ઇરફાન ખાન જેવો એક્ટર હોય તો ભલભલો અદાકાર નર્વસ થઈ જાય. 'લંચબોક્સ' ફિલ્મમાં ઇરફાન મુખ્ય નાયક હતા અને નવાઝુદ્દીનનો પ્રમાણમાં નાનો પણ સરસ રોલ હતો. નવાઝુદ્દીન કહે છે, 'દેખીએ, એક્ટિંગ ઇઝ બિલિવીંગ, યુ નો. જે-તે શોટમાં મેં જે વિચાર્યું હતું ત્યાં સુધી એકાદ-બે પળ માટે પણ હું પહોંચી શક્યો કે કેમ તે હું જાણતો હોઉં છું. મને યાદ છે, 'લંચબોક્સ'માં ઇરફાનભાઈ સાથે મારો એક સીન હતો. હું મૂંઝાતો હતો. મેં એમને જ પૂછ્યું કે ઇરફાનભાઈ, આ સીન હું કેવી રીતે કરું? એમણે જવાબ આપ્યો કે નવાઝ, બિલકુલ ઓનેસ્ટ હો જાઓ. એક એક્ટર માટે પ્રામાણિકતા કરતાં મોટી બીજી કોઈ ચીજ નથી. તમારી સામે ભલે ગમે એટલો મોટો એક્ટર ઊભો હોય, પણ જો તમારો અભિનય પ્રામાણિક હશે તો એણેય સતર્ક થઈ જવું પડશે. આ બહુ સરળ વસ્તુ છે અને બહુ અઘરી વસ્તુ પણ છે.'
ઊભરતા એક્ટર પર મહાન સિનિયર એક્ટરોની અસર કંઈક અંશે વર્તાતી હોય છે. કમસે કમ કરીઅરના પ્રારંભિક તબક્કામાં તો ખરી જ. નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે, 'એક સમયે મારા પર મહાન હોલિવુડ એક્ટર અલ પચીનોનું ભૂત ચડયું હતું. આ ભૂતોની પણ સિઝન હોય. પછી મને રોબર્ટ ડી નીરોનું ભૂત ચડયું હતું, જે ત્રણ મહિના સુધી રહ્યું. ક્યારેક મારા પર માર્લોન બ્રાન્ડોનું ભૂત ચડે. 'ગેંગ્સ ઓફ વાસેપુર'નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારની આ વાત છે. એક વાર સેટ પર આખો દિવસ હું અલ પચીનોના વહેમમાં ફરતો રહ્યો. રાત્રે અનુરાગ મારા રૂમમાં આવ્યો. મને કહે, નવાઝ, ક્યા કર રહા હૈ તૂ? તું કેમ આટલો બધી સ્ટિફ (અક્કડ) એક્ટિંગ કેમ કરી રહ્યો છે? મેં એને કહ્યું કે ફલાણી ફિલ્મમાં અલ પચીનોએ આવો જ અભિનય કર્યો હતો. અનુરાગ કહે, એણે ભલે ગમે તે કર્યું હોય, તું આવું ન કર. મારે તારો તાકાત નથી દેખાડવી. તને પાવરફુલ કેવી રીતે દેખાડવો એ મારે જોવાનું છે. હું તારી આસપાસ છ-છ ફૂટના દસ છોકરાઓ ઊભા રાખી દઈશ, તું આપોઆપ પાવરફુલ થઈ જઈશ. તું મહેરબાની કરીને બહાર આવી જા અલ પચીનોમાંથી. નોર્મલ બન. સાચું કહું, અનુરાગ ગયો તે પછી આખી રાત હું સૂઈ ન શક્યો. મને થયું, અનુરાગે વાત તો સાવ સાચી કરી. બીજા દિવસે હું એકદમ નવાઝુદ્દીન સિદ્દીકી બનીને સેટ પર ગયો ને માંડ મારી ગાડી પાટે ચડી!'
પછી ચર્ચા આગળ વધે છે પુરુષ ડિરેક્ટરો અને મહિલા ડિરેક્ટરોના અપ્રોચમાં રહેલા ફર્ક તરફ. દરમિયાન મનોજ બાજપેયી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરે છે. તેઓ કહે છે, 'પુરુષ એક્ટર અડધી સ્ત્રી જ હોય છે. પુરુષ અદાકાર અત્યંત સંવેદનશીલ, પોતાનાં દિલ-દિમાગમાં ઉઠતાં સ્પંદનો વિશે અત્યંત જાગૃત હોવાનો. અગાઉ કહ્યું તેમ, એ એટેચ્ડ હોય તો પણ ડિટેચ્ડ હોય છે. એ ખૂબ પ્રેમાળ પણ છે અને એમની નિરીક્ષણશક્તિ તીવ્ર હોય છે. આ બધાં સ્ત્રીઓનાં લક્ષણો છે, રાઇટ? એટલે જ કહું છું કે એક સારો અભિનેતા અડધો પુરુષ અને અડધો સ્ત્રી હોય છે. પુરુષનો દ્રષ્ટિકોણ અને સ્ત્રીનો દ્રષ્ટિકોણ ને એવું બધું ટ્વિટર પર ડિબેટ કરવા માટે ઠીક છે, બાકી એક્ટર માટે આ દ્રષ્ટિભેદ ઇરરિલેવન્ટ છે.'
જયદીપ આ વાતને આગળ વધારતાં કહે છે, 'થેન્ક ગોડ, અમે એવા વ્યવસાયમાં છીએ, જ્યાં અમને ખુદની ભીતર ડૂબકી લગાવીને જાતજાતની લાગણીઓ ઢંઢોળવી પડે છે. સારું છે કે અમે બહુ સંતુલિત માણસો છીએ. મેં હજુ સુધી ટ્રાન્સજેન્ડરનો રોલ કર્યો નથી, પણ હું ક્યારેક આવો રોલ કરીશ અને મારી ભીતર છૂપાયેલી ફેમિનાઇન ક્વોલિટીઝને શોધીશ. મારી અંદર પણ એ ગુણો હોવાના જ.'
શો-સ્ટોપર
'કિસ્મત કી એક બહોત ખૂબસુરત આદત હૈ કિ વો વક્ત આને પર વો બદલતી હૈ.'
- રણવીર સિંહ ('ધુરંધર'ની સફળતા બાદ આપેલી પ્રતિક્રિયા)


