Get The App

નિર્ધાર જેવા પુણ્યાત્માઓને કારણે જ આ ધરતી ટકી રહી છે

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
નિર્ધાર જેવા પુણ્યાત્માઓને કારણે જ આ ધરતી ટકી રહી છે 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- નિર્ઝરી નિહારને જોઇને ઝંખવાણી પડી જાય છે. ઘરમાં બધાંને શું કહેશે? નિર્ધારને નિહારનો પરિચય કેવી રીતે કરાવશે... એની ચિંતામાં એ ગરકાવ થઇ ગઇ હતી. નિહાર બારણા વચ્ચે જ ઉભો હતો. 

નિ હાર અને નિર્ઝરીની જોડી પણ કેવી રૂપાળી! બન્નેની આંખમાંથી નીતરતા સાત્વિક ભાવો, સૌમ્ય ચહેરો, વાણીમાં મૃદુતા અને માધુર્ય, વ્યવહારમાં શાંત, ગંભીર અને ઠરેલપણું. એક બીજાનાં પૂરક બનવા માટે જ જાણે કે, એ બન્ને ધરતી પર અવતરિત થયાં હતાં.

નિર્ઝરી નિહારને મળવા આવે અને કમ્પાઉન્ડમાં આવેલા નાનકડા બગીચાની હરિયાળી વચ્ચે બન્ને જણ આરામ ખુરશી નાખીને બેસે. બે-ત્રણ કલાક વાતો કરે, પણ ન કશો શોર કે ન કશી ઠઠ્ઠા મશ્કરી. ઘરનો રામો કૉફી મૂકીને આવ્યા બાદ પડદા પાછળ ઊભો રહી એમની પ્રણયલીલાના અવનવા રંગ જોવા ઉત્સુક બને. પણ એને હંમેશાં નિરાશ થવું પડે. કેવળ રામાને જ નહીં નિહારના મમ્મી નંદિનીદેવીને પણ બન્નેનું વર્તન વધુ પડતી મર્યાદાવાળુ લાગતું, તેથી તેઓ સામેથી જ પ્રસ્તાવ મૂક્તાં ઃ 'બેટા નિર્ઝરી, તું અને નિહાર જરા ખુલ્લી હવામાં ફરી આવો ને. જવાનીમાં મહાલ્યા, તેટલી ભગવાનની મહેર!'

પણ નિર્ઝરી મોટેભાગે એમની વાતને ટાળતી અને કહેતી ઃ 'તમારી પુત્રવધૂ બનીને આવું ને, એટલે વિશ્વની પરિક્રમાની વિમાનની ટિકિટ કઢાવી આપજો મમ્મી! હું નાા નહીં પાડું. જો આપણે આનંદની પાછળ પડીએ ને, તો આનંદ આપણને પાછળ મૂકી આગળ નીકળી જાય છે. અને આન્ટી, તમારા નિહારને પણ બેફામપણે વિહરવાનું પસંદ નથી.'

અને નિર્ઝરીની સમજ અને ગાંભીર્ય વિષે નિહારના મમ્મી નંદિનીદેવીનાં મનમાં લાગણી ઉપજતી. નિર્ઝરીની મમ્મીએ પણ જલ્દી બન્નેનાં લગ્ન ગોઠવી દેવાની સમ્મતિ પણ આપી દીધી હતી. અને વસંતપંચમીના દિવસે એક સમારંભ યોજીને બન્નેએ પ્રણયનું પટાંગણ પાર કરી પરિણયના રંગભવનમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું.

પરંતુ એકાએક નિહારના નિર્ઝરી પર આવતાં ફોન બંધી થઇ ગયા. કાયમ નિર્ઝરીની કાગડોળે વાટ જોનાર નિહાર બ્હાનાં કાઢીને નિર્ઝરીને પોતાને ઘેર આવતાં રોકતો થઇ ગયો હતો. નિર્ઝરી ઉદાસ ચહેરે પોતાના બંગલાના ઝરૂખામાં બેસીને ... નિહારના ફોનની રાહ જોતી હતી ... પણ નિહારના કોઈ સમાચાર કે કોઈ ફોન આવવાના બંધ થઇ ગયા હતા. નિર્ઝરી ચિંતામાં પડી ગઈ હતી. નિહારની મમ્મી નંદિનીદેવી પણ નિર્ઝરીના બદલાયેલા વર્તનથી આશ્ચર્યમાં પડી ગયાં હતાં. રોજ સાંજે નિહારને મળવા આવતી નિર્ઝરીએ એકાએક આવવાનું કેમ બંધ કરી દીધું હશે? નંદિનીદેવીએ નિહારને ઘણીવાર પૂછવાની કોશિશ કરી પણ નિહારે તેમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે 'નિર્ઝરી બહારગામ ગઇ છે માટે એ આવતી નથી. તમે ચિંતા ન કરો.'

બીજી બાજુ નિર્ઝરી નિહારના ફોનની રાહ જોઇને થાકી ગઈ હતી. એકવાર એણે નક્કી કર્યું કે 'ભલે નિહાર મળવા આવવાનો સમય ના આપે પણ ઓચિંતું જ તેના ઘરે પહોંચી જઇને હકીકત શું છે તે જાણવું જરૂરી છે. નિહાર કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને!'

નિર્ઝરી તૈયાર થઇને નિહારના ઘરે જવા નીકળતી હતી ત્યાં જ કુરિયરે તેના હાથમાં એક પત્ર મૂક્યો. અક્ષર નિહારના જ હતાં. નિર્ઝરી સોફા પર બેસી પત્ર વાંચવા લાગી... નિહારે લખ્યું હતું ઃ 'નિર્ઝરી, મારા વિષે ગમે તેવા વિચારો સેવે તેવું તારું મગજ નથી એની મને ખાતરી છે. ઘણાં દિવસથી આપણે મળ્યાં નથી એટલે સ્વાભાવિક રીતે તને ચિંતા થતી જ હશે, એટલે તારા હૃદયનો બોજ હળવો કરવા બે શબ્દો લખું છું. પણ હું તારો અપરાધી નથી. નિર્ઝરી, તું તો અનરાધાર વરસતી જ રહી છે અષાઢી મેઘની જેમ. પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે ઉપરથી સરસ દેખાતી મારા જીવનની ધરતી ખારોપાટ છે. મારી પાસે જે કાંઈ સુંદર હતું, વિમલ હતું, ઉદાત્ત હતું, તે તને આપતો રહ્યો. પણ એ બધું એક સામટું સમાજની સાક્ષીએ આપવાનો વારો આવ્યો, ત્યારે આપણા જીવન પર કાળના કોપ ઉતર્યો. લગ્નની તિથિ નક્કી કર્યા અગાઉ અચાનક જ હું માંદો પડયો. મેડિકલ ચેકઅપ કરાવતાં માલૂમ પડયું કે કેન્સરનો કીડો મારા તન તથા લગ્નની કંકોતરી કોતરી ખાવા આતુર બન્યો છે. મેં રિપોર્ટ મમ્મીથી છુપાવ્યો છે...'

... નિર્ઝરી, હું જાણું છું કે તારો વિશુધ્ધ પ્રેમ જીવનમૃત્યુની સીમાથી પર છે. પરંતુ નિર્ઝરી, તારા જીવનની ઝોળીમાં હું રોગ, નિરાશા અને વ્યથા ભરવા નથી માગતા. તારી ખુશીઓના ખજાનામાં મારી ચિતાની ભસ્મ સિવાય કશું જ ન બચે, એવી લાચાર સ્થિતિમાં તને જોવા નથી ઇચ્છતો. નિહારના આંચલમાં તને આપવા જેવું કશું નથી રહ્યું. એટલે મને મારી પાસે માંગવાની જીદ ન કરીશ. તારું આનંદથી મહેકતું સુખી જીવન એ જ મારી અંતિમ આરજૂ છે. એ આરજૂ ફળીભૂત થઇ છે. એવી ખબર પડશે, ત્યારે વગર બોલાવ્યે દોડી આવીશ.

અને નિર્ઝરી આંસુ લૂછીને ઉભી થઇ હતી. પૂજામાં બેઠેલાં પોતાના મમ્મી પાસે જઇને એણે કહ્યું હતું ઃ 'મમ્મી, નિહારની રાહ આપણે ક્યાં સુધી જોઈશું? તું અને પપ્પાજી મળીને ઠીક લાગે ત્યાં મારાં લગ્ન ગોઠવી દો.'

અને નિર્ઝરીનાં લગ્ન મુંબઇમાં વસતાં એક અમીર કુટુંબના પુત્ર નિર્ધાર સાથે સંપન્ન થઇ ગયાં હતાં. અમદાવાદ છોડીને નિર્ઝરી મુંબઇ પોતાના પતિ નિર્ધારના ઘરે રહેવા ચાલી ગઇ હતી.

નિર્ઝરીનાં લગ્નને છ મહિના પૂરા થવા આવ્યા હતા... અમદાવાદનો નદી કિનારો રિવરફ્રન્ટ અને મુંબઇનો સાગર કિનારો. નિર્ઝરીના ભાગ્યમાં સાગર કિનારો લખાયો હતો. નિર્ઝરી બંગલાની બાલ્કનીમાં સાગરની ભરતી-ઓટ જોવા રોજ સાંજે બેસતી હતી... પપ્પાને ઘેર ગાળેલા દિવસો, તેના માનસપટ પર આવતાં હતાં. મમ્મીના લાડ, નાનીબેન નિર્મોહીની શરારત, ભાઈ નિસર્ગનો પ્રેમ અને નિહારની બિમારી વગેરે યાદ કરીને નિર્ઝરીની આંખો ભરાઈ આવતી હતી. સૌથી ઉમળકો આવે છે એ નામનાં ઉચ્ચારણમાં, પણ એને હોઠે લાવતાં કેટલું બધું સાવધ રહેવું પડતું હતું. પોતાના પતિ નિર્ધાર આગળ ભૂલથી યે નિહારનું નામ મોમાંથી નીકળી ના જાય એનો નિર્ઝરી બરાબર ખ્યાલ રાખતી હતી. પણ એનો માસૂમ ચહેરો ઉદાસ બની જતો હતો... એ નિર્ધારના ધ્યાનમાં આવી ગયું હતું.

એક દિવસ સાંજે બાલ્કનીમાં બેસીને નિર્ઝરી સાગરની લીલા નિહાળી રહી હતી. પણ એનું મન તો નિહારના વિચારમાં ખોવાયેલું હતું. ત્યાં એકાએક કોલબેલ રણકે છે. નિર્ઝરી બારણું ખોલે છે, એની સામે ઉભો છે, મરક મરક હસતો, એકીટશે નિર્ઝરીને નિહાળતો નિહાર. એક પળ માટે નિર્ઝરીને જાણે એમ લાગ્યું કે પેલા તોફાની સાગરે માઝા મૂકી છે અને એ એના બંગલામાં ઘૂસી આવ્યો છે. નિર્ઝરી વિચારમાં પડી ગઇ હતી... કદાચ સાગર માઝા મૂકે પણ નિહાર માઝા ન મૂકે. નિહારના કહેવાથી તો એણે નિર્ધાર સાથે લગ્ન 

કર્યાહતા. એણે જ નિર્ઝરીને કહ્યું હતું : 'નિર્ઝરી, તારું આનંદથી મહેકતું સુખી જીવન એ જ મારી અંતિમ આરજૂ છે. એ આરજૂ ફળીભૂત થઇ છે એમ ખબર પડશે, ત્યારે વગર બોલાવ્યે હું તારી પાસે દોડી આવીશ.'

નિર્ઝરી નિહારને જોઇને ઝંખવાણી પડી જાય છે. ઘરમાં બધાંને શું કહેશે? નિર્ધારને નિહારનો પરિચય કેવી રીતે કરાવશે... એની ચિંતામાં એ ગરકાવ થઇ ગઇ હતી. નિહાર બારણા વચ્ચે જ ઉભો હતો. નિર્ઝરીને સ્તબ્ધ ઉભેલી જોઇને નિહારે કહ્યું ઃ 'નિર્ઝરી, મને ઘરમાં આવો, એમ પણ તું નહીં કહે? તને લાગે છે કે મારે અહીં નહોતું આવવું જોઇતું?' નિહારને નિર્ઝરીએ ડ્રોઈંગરૂમમાં બેસાડયો. નિહારે નિર્ઝરીને એક કાગળ આપ્યો. નિર્ઝરીએ કાગળ લઇને ઝડપથી પોતાની સાડીના પાલવમાં સંતાડી દીધો હતો.

અને નિર્ઝરીએ કહ્યું હતું ઃ 'નિહાર, મારું સદા ભલું ઇચ્છનાર હતું, મારા જીવંત સંસારને અહીં આવવાની ભૂલ કરીને નિષ્પ્રાણ બનાવી દઈશ, એની મને કલ્પના પણ નહોતી.' 'નિર્ઝરી, બધી વાત પછી પહેલાં તું મારો પત્ર વાંચી લે એટલે મને શાંતિ થાય.'

નિહારે પત્રમાં લખ્યું હતું ઃ 'નિર્ઝરી મેં મન, વચન અને કર્મથી તને ઉદાત્ત ભાવે પ્રેમ કર્યો અને મારા હૃદયને નિર્મળ રાખ્યું. મેં ઇશ્વરને હંમેશા એ જ પ્રાર્થના કરી કે 'હે ઇશ્વર, તું ભલે મને તારી પાસે બોલાવવા ઉતાવળો થયો, પણ જેને જીવવાની હોંશ છે, એવી મારી નિર્ઝરીનું જીવન બચાવી લેજે. એને કોઈ સારો જીવનસાથી મળી જાય એવી મારી અંતિમ ઇચ્છા હશે. ભલે પછી તું જલવાની કામના વગરના દીવાને બુઝાવી નાખજે...'' નિર્ઝરી છેલ્લાં પંદર દિવસથી મને બહુ જ તાવ આવે છે. ડૉક્ટર કહે છે, હવે મારી પાસે જીવવાનો બહુ સમય બચ્યો નથી. મને આશા પણ નહોતી કે હું મુંબઇ આવીને છેલ્લી એકવાર તને મળી શકીશ. મારા ડૉક્ટરના ત્યાં તેમનો એક ભત્રીજો તેમને મળવા આવ્યો હતો. તેની સાથે મારો પરિચય થયો એનું નામ હતું નિર્ધાર. જોતાની સાથે જ વહાલું લાગે તેવું તેનું વ્યક્તિત્વ એની સાથેની પહેલી મુલાકાતમાં જ અમે ગાઢ મિત્રો બની ગયા. એ મારાં ઘરે પણ આવ્યો, મમ્મી સાથે પણ એવો હળી-મળી ગયો કે જાણે એ મમ્મીનો પુત્ર ના હોય! એ હસીને મમ્મીને કહેવા માંડયો હતો કે 'આન્ટીજી, નિહાર તમારો મોટો પુત્ર અને હું નિર્ધાર તમારો નાનો પુત્ર, બોલો છે કબૂલ?' એની વાત સાંભળી હું સમજી ગયો હતો કે મારી ગેરહાજરીમાં એ મમ્મીનું ચોક્કસ ધ્યાન રાખવા માંગે છે, એટલે અત્યારથી જ મમ્મી સાથે ઘરોબો કેળવવા માંડયો છે. નિર્ઝરી, નિર્ધાર તો મારા જીવનમાં દેવદૂત બનીને આવ્યો છે. જો મને પરાણે અહીં મુંબઇમાં કેન્સરની ટ્રીટમેન્ટ કરાવવા માટે લઇ આવ્યો છે... નિહાર વાત પૂરી કરે તે પહેલાં નિર્ધાર એકાએક ડ્રોઈંગરૂમમાં પ્રવેશ કરે છે.

નિર્ઝરીનો ચહેરો ઝાંખો પડી જાય છે. શું બોલવું તે સમજાતું નથી. નિર્ઝરી આશ્ચર્યથી નિર્ધાર સામે જોઈ રહે છે. નિર્ધાર તેને બેસવાનો ઇશારો કરે છે. નિર્ઝરીનું હૃદય જોરજોરથી ધડકવા માંડે છે.

નિર્ધાર સોફામાં રિલેક્સ થતાં કહે છે ઃ 'નિર્ઝરી, નિહાર આપણો મહેમાન છે. હું જ એને અમદાવાદથી તેડી લાવ્યો છું. હું અમદાવાદ ગયો ત્યારે મારા ડૉક્ટર અન્કલને ત્યાં એનો પરિચય થયો. અને પરિચય મિત્રતામાં પરિણમ્યો. નિહારના ઘરે અવાર-નવાર જતો હતો ત્યારે નિહાર અને તારા લગ્ન થવાનાં હતાં તે વાત જાણી. પણ નિહારે પોતાની ગંભીર બિમારીને કારણે તને બીજે લગ્ન કરવાની વિનંતી કરી. એની વાતોમાં નરી નિખાલસતા હતી. તું મારાં આટલાં બધાં મિત્રો, સ્નેહીઓ સગાં-સંબંધીઓને સાચવે છે તું તારા એક મિત્ર સાથે સંબંધ ન નિભાવું? નિર્ઝરી, નિહાર મારો પણ મિત્ર છે એ હવે અહીંયા આપણી સાથે જ રહેશે. હોંશિયારમાં હોંશિયાર ડૉક્ટર પાસે આપણે નિહારની ટ્રીટમેન્ટ કરાવીશું. મારી ઇચ્છા છે નિહાર એની અંતિમ ક્ષણો સુધી આપણાં ઘરે જ રહે. એની અંતિમ પળોમાં નિર્ઝરી તું હાજર હોય બસ, એ જ મારી ઇચ્છા છે... નિર્ઝરી, ચાલ હવે નિહાર મુસાફરી કરીને થાકી ગયો છે. અમને જલ્દીથી ભોજન કરાવી દે.' નિર્ધારની વાતો સાંભળી નિર્ઝરીની આંખ ભીની થઇ ગઈ, હૃદયનો બોજ હળવો થઇ ગયો. એને લાગ્યું કે તે લગ્ન કરીને સરિતાની જેમ સાચે જ એક સાગરને મળી છે, કોઈ ખાબોચિયાને નહીં.

નિર્ઝરીએ પોતાની જીવનશૈલી બદલી નાખી. પોતાનો પત્ની ધર્મ ન લોપાય એની પૂરતી કાળજી રાખતી. તે દિવસે નિર્ઝરીની વર્ષગાંઠ હતી. નિર્ધારે નિર્ઝરીની હાથમાં એક પત્ર મૂક્યો. એ હતો કેન્સર ન હોવાનો અને નિહાર સંપૂર્ણપણે રોગમુક્ત હોવાનો અહેવાલ નિર્ધારે કહ્યું. નિર્ઝરી હજી મારી વાત પૂરી થઇ નથી. લે આ બીજો કાગળ એ છે ડાયવોર્સ પેપર. નિર્ઝરી, તું જેની છે તેને સોંપી હું સંતોષ અને માનસિક શાન્તિ અનુભવા ઇચ્છું છું. નિર્ઝરી પાસે એનો જવાબ નહોતો. નિર્ધાર આજથી નિહારના ભાઈ તરીકે વર્તશે. તને ઠીક લાગે ત્યારે મને પરણાવી દે જે. બોલો ત્યાગમ્ સદા મંગલમ્ અને આનંદનું એક મોજું ફેલાઈ ગયું હતું.