Get The App

શિશિરની સિગ્નેચર .

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
શિશિરની સિગ્નેચર                                                  . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- શિશિર પ્ર-ભાવક રાજવી ઋતુ છે - એટલે જ તો હેમંત તેને સાષ્ટાંગ પ્રણામ કરે છે. હેમંત પાસે હેત વધારે હતું તેને હૂંફ જોઈતી હતી એ હૂંફની યાચના શિશિર પાસે કરે છે

કો ઈ સંત મહાત્મા પોતાનાથી વધારે તપસ્વી ઋષિના પરિચયમાં આવે અને એ ઋષિકર્મથી ભાવવિભોર થઈ જાય પછી એ સંત ઋષિના શરણે જતો રહે છે. સમર્પિત થઈ જતો હોય છે. એવું ઋતુનું પણ છે. હેમંતની કૂખે જન્મેલો શીતળતાનો વૈભવ, હેમંતે ઊભુ કરેલું અનોખું ઐશ્વર્ય શિશિરને શરણે ચાલ્યું જાય છે. શિશિર એ અર્થમાં વધારે તપસ્વી ઋતુ છે. તેના ચરણોમાં રાજવી ઠાઠ સામે ચાલીને આવે છે. હેમંતનું ખંડિયારાજ શિશિરમાં ભાવ-પ્રભાવને કારણે ભળી જાય છે. હવે હેમંતે ઊભી કરેલી સમૃદ્ધિ, રવિપાકોનાં વાવેતર, એમાંથી કોળતી સુવાસ, એના અવનવા રંગો અને ઉમંગો સમેત શિશિરની સરહદમાં પ્રવેશી શિશિરનાં સદસ્યો બને છે.

શિશિર પ્ર-ભાવક રાજવી ઋતુ છે - એટલે જ તો હેમંત તેને સાષ્ટાંગ પ્રણામ કરે છે. હેમંત પાસે હેત વધારે હતું તેને હૂંફ જોઈતી હતી એ હૂંફની યાચના શિશિર પાસે કરે છે. શિશિરની આંખોમાં પ્રખર તેજ છે પણ હમણાં તેની કીકીની આસપાસ બરફ જામ્યો છે - એ બરફની કણીઓને હટાવવા તડકાની એપાઈમેન્ટ માંગે છે. સૂર્ય નામના દાકતર પાસે તે આંખો બતાવે છે. સૂર્યની હાજરીમાં શિશિર શરમાય છે અને શિશિરને જોઈ સૂર્ય ઝંખવાય છે. શિશિરમાં પ્રણયનાં પુષ્પો વધારે ઊઘડે છે એ હકીકત છે. ઘઉ, રાઈ, જીરૂ અને વરિયાળીના છોડ ઉપર જે દાણા પોષાય છે તેને શિશિર પોષે છે - આમ ગર્ભમાં રહેલાં સંતાનો જ્યાં પોષણ પામે છે એ શિશિર... પોષણ શબ્દ ઉપરથી તો 'પોષ' શબ્દ આવ્યો નહિ હોય! શિશિરમાં તળાવ, નદી, સરોવરનાં જળ ગ્રીષ્મની જેમ લલચાવતાં નથી. સ્થિરતા શીતળતાનો પર્યાય બની જાય છે. 

તાપણાં તમે જોયાં છે? જેની આસપાસ ઝાઝાં વૃધ્ધો ગોળાકાર બેઠાં હોય, હાથ લંબાવી લંબાવી અગ્નિની જ્યોત ને સ્હેજ સ્પર્શ કરતાં હોય. બાળકો એ હવનની સામગ્રી ક્યાંકથી ઉપાડી લાવી બાજુમાં ઢગલો કરતાં હોય. કોઈની ગમાણમાંથી કોઈના વાડામાંથી, કોઈ ઝાડ નીચેથી એ બળતણ આવતું રહે અને બાવાજીનો ધૂણો જીવતો રહે એમ સૂરજ નીકળે પછી આઠેક વાગે તાપણાં રાણાં થાય... તાપણાં હોલવાય તે દ્રશ્યો જોયાં છે? - તાપણું ટાઢુ પાડવા એમાં પાણી છંટાય છમ્મ છમ્મ જેનો અવાજ આવે. અગ્નિદેવ વિદાય થાય. ધાબળા કબાટોમાંથી બહાર નીકળીને માનવકાયાની ફરતે વીંટળાયા હોય. સ્વેટર જેવાં ગરમ પરિધાનોનું ચલણ વધી જાય. કાન અને નાક હોઠને ઢાંકે એવી માથે પહેરવાની બુઢિયા ટોપીનાં પણ દર્શન થાય. શિશિરના ડરથી ગરીબ-ગુરબાંની, વૃધ્ધોની કાયામાં ધુ્રજારી પ્રવેશી જતી હોય. લોકો મોડે સુધી ઘરની હુંફાળી ગુફામાંથી બહાર ન નીકળે. બહાર રસ્તાઓ ઉપર વહેલી સવારે કરફ્યૂ જેવો માહોલ રચાયો હોય!  

પરોઢિયે વનસ્પતિની કાયા ઝાકળથી અંજાય છે ને મંજાય છે એમ કહેવા કરતાં વનસ્પતિને શિશિર વ્હાલ કરે છે એમ કહેવું જોઈએ. શિશિરના નાસ્તામાં મેથીના ગોટા ગોઠવાય છે અને બપોરના ખાણામાં લીલાં શાકભાજીનો મહિમા વધવા માંડે છે. ખજૂરપાક, કોપરા-ગોળ અને ચ્યવનપ્રાસનું ચલણ ઉમ્બરે ઉમ્બરે ચાલે છે. તડકાના આસન ઉપરથી જન-જનાવરને ઊભા થવાનું પરવડતું નથી શિશિરને તાપણાં, ગરમવસ્ત્રો, રજાઈ-ગોદડી, હીટર ખાસ પ્રભાવિત કરી શકતાં નથી, એ તો દર વર્ષે આવે જ છે.

શિશિરની કાયા ઉપર ધ્યાનપૂર્વક નિહાળો તો કંપનો ઉપરાંત શીતળતાનાં હેત પથરાયેલાં હોય છે. રોમહર્ષ નામ આપીને આપણે શિશિરને આવકારીએ છીએ. પવન શિશિરનો બાળસખો છે. ઠંડીની જાજમ ઉપર શિશિરનાં બેસણાં, ચા-કોફી, અમલ કસુંબા અને ગરમાગરમ ઊંધિયાં-કચોરી-સેવ ભજીયાં નાસ્તાના સથવારો શોધે છે. પ્રાણીઓ અને પશુઓ પણ ચાંચલ્ય ગુમાવે છે. શિશિર પાસે સક્રિયતા ઓછી કરી નિષ્ક્રિયતાનો પથારો કરવાનો પરવાનો છે. રાતાં ચટ્ટાક ચણીબોર, શિંગોડાં, જામફળ, સીતાફળ અને સંતરાંનાં રૂપ સજીને શિશિર લારીમાં બેસી ફરવા નીકળે છે. ખેતરમાં મોલથી લચી પડેલો શિશિર ગાડે બેસી, ગામવાટે ખેડૂતના કોઠાર સુધી પહોંચે છે. 'ઠંડી લાગી' એમ કહેવા કરતાં 'શિશિર સ્પર્શી' કહેવું વધુ યથોચિત છે.

રાઈનો દાણો નાનો રહી જાય કે ઘઉં ઓછા પોષણવાળા પેદા થયા હોય તો તેમાં વાંક શિશિરનો નીકળતો હોય છે. શિશિરનાં પ્રમાણ ખરેખર ખેડૂના ધાનનાં પરિણામ છે! મૂળાની તીખાશ, શેરડીની મીઠાશ, મેથીની કડવાશ અને વરિયાળીનો મુખવાસ થઈને શિશિર જ માણસોના ઉપયોગમાં આવે છે. કુંવારી કન્યા જે રીતે પુખ્તયૌવના બને છે બસ એ જ પ્રક્રિયાથી કુપળો હેમંત શિશિર બને છે. સીમ-વગડામાં નિરાંતે ફરો તો ક્યાંક હેમંત ને ક્યાંક શિશિરની સેળભેળ થઈને તમને સામાં મળે તો ચોંકી ના જશો! વાડામાં તાજાં ગલૂડિયાંને જન્મ આપનારી કૂતરીના આંચળમાંથી શિશિરની ધારા વહે છે અને રેશમિયા કાયાવાળા ગલૂડિયાંની ધુ્રજારી એ શિશિરની ઓળખાણ છે. શિશિર જળ-સ્થળ ઉપર ભલે સામ્રાજ્ય જમાવે પણ રતિની ગતિને અને પંખીના ટૌકાને સંપૂર્ણ ઠારી શકતી નથી જ. વળી અડગ પગે ઊભેલાં વૃક્ષો અને અચલ ઊભેલા પ્હાડોના તપ શિશિર ચલિત કરી શકી નથી. ખેતરમાં મોલ થઈને લ્હેરાતી સમૃદ્ધિને અનાજનો દરજ્જો શિશિરની સિગ્નેચરથી પ્રાપ્ત થાય છે.