Get The App

શ્રમિકોના આંસુની યાદ .

Updated: Aug 20th, 2022

GS TEAM

Google News
Google News
શ્રમિકોના આંસુની યાદ                                        . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- ફાતિમાનો જન્મ થયો તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું. તાલિબાનોની પકડ એટલી મજબૂત બની ગઈ હતી કે જુદા જુદા વિસ્તારોમાં લોકો પર જાતજાતના પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા હતા. તાલિબાનોની નજર ફાતિમાના પરિવાર પર પણ હતી. 

કા બુલમાં જન્મેલી ફાતિમા પૈમાને નાની ઉંમરમાં જીવનના કેટલાય રંગો જોયા. ૧૯૯૫માં ફાતિમાનો જન્મ કાબુલના એક સુખી-સંપન્ન પરિવારમાં થયો. એના દાદા અફઘાની સંસદના સભ્ય હતા. ફાતિમાનો જન્મ થયો તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું. તાલિબાનોની પકડ એટલી મજબૂત બની ગઈ હતી કે જુદા જુદા વિસ્તારોમાં લોકો પર જાતજાતના પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા હતા. તાલિબાનોની નજર ફાતિમાના પરિવાર પર પણ હતી. અફઘાનિસ્તાનમાં એક બાજુ ઉપરાઉપરી દુષ્કાળ પડયો. તો બીજી બાજુ રાષ્ટ્રપતિ મોહમ્મદ નજીબુલ્લાહને ફાંસી આપવામાં આવી. આવી ભયાવહ પરિસ્થિતિમાં ફાતિમાના પિતા અબ્દુલ વકીલ પૈમાનને અફઘાનિસ્તાનમાં વસવાનું સલામતીભર્યુંં ન લાગતાં ૧૯૯૯માં પોતાના વતનને છોડીને પાકિસ્તાન આવ્યા. એ સમયે આશરે દસ લાખ અફઘાનીઓ પોતાનું વતન છોડવા મજબૂર બન્યા હતા. અબ્દુલ પૈમાન અફઘાનિસ્તાન છોડીને પાકિસ્તાનમાં તો આવ્યા, પરંતુ એમની બધી સુખ-સગવડો છીનવાઈ ગઈ. શ્રીમંતાઈથી રહેવા ટેવાયેલા આ કુટુંબને આવી પરિસ્થિતિમાં જીવવાની ટેવ નહોતી. વળી ફાતિમાના પિતાને બીજી બાબત એ ખટકતી હતી કે પાકિસ્તાનમાં એમને અને એમના બાળકોને એક શરણાર્થી તરીકે લાચાર જિંદગી વીતાવવી પડશે.

અસહ્ય બેચેની અને વ્યાકુળતાની પરિસ્થિતિમાં અબ્દુલ પૈમાન એક દિવસ ઑસ્ટ્રેલિયા જતા જહાજમાં બેસી ગયા. તેઓ ઑસ્ટ્રેલિયામાં શરણાર્થી કેન્દ્રમાં રહ્યા બાદ સરકાર પાસે ત્યાં રહેવાની મંજૂરી માગી. મંજૂરી મળતાં જ અબ્દુલ વકીલ પૈમાને પોતાના પરિવારને ઑસ્ટ્રેલિયા બોલાવી લીધો. તે સમયે ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી ફાતિમા આઠ વર્ષની હતી. ફાતિમા તે વખતની પરિસ્થિતિ, પિતાનો અવિરત સંઘર્ષ અને એમની આકાંક્ષાઓને સમજવા લાગી હતી. ફાતિમાના પિતા પોતાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત-દિવસ મહેનત કરતા હતા. તેમણે કિચન સહાયક તરીકે તથા ટેક્સી ડ્રાઈવરથી લઈને ગાર્ડ તરીકેની નોકરી કરી. ફાતિમાની માતાએ પણ ડ્રાઈવિંગ શીખવાનું શરૂ કર્યું. ફાતિમા માતા-પિતાના આ સંઘર્ષમાંથી શ્રમ અને શ્રમિકો પ્રત્યેનું મૂલ્ય સમજતી થઈ.

ફાતિમા અભ્યાસમાં તેજસ્વી હતી, તેથી સ્કૂલ-કૉલેજમાં સહુ તેને પ્રેમથી બોલાવતા. ૨૦૧૩માં એ પર્થ શહેરની ઑસ્ટ્રેલિયન ઇસ્લામિક કાલેજની 'હેડ ગર્લ' બની. આને કારણે પરિવાર ખૂબ ખુશ થયો. વિશેષ તો એના પિતા એટલા ખુશ થયા કે વર્ષોથી દબાયેલી તેમની ઇચ્છાઓ ઉભરી આવી. તેઓ વારંવાર  અફઘાનિસ્તાનના રાજકારણની વાતો કરવા લાગ્યા. એવું વિચારવા લાગ્યા કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ થાળે પડે, તો ફાતિમા તેના સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડીને દેશસેવા કરે. પિતાની આ ઇચ્છા પુત્રીના મનમાં આકાર લેવા માંડી. પર્થની ઑસ્ટ્રેેલિયન ઈસ્લામિક કૉલેજમાંથી નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં સ્નાતક થઈ અને ફાર્માસ્યુટીકલ સાયન્સીસમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો. આગળ મેડિસીનમાં જવાને બદલે રાજકારણમાં રસ લેવા લાગી. કૅન્સરને કારણે ૨૦૧૮માં પિતાનું અવસાન થયું. પિતાના મૃત્યુએ તેમની ભાવના સિદ્ધ કરવા એને રાજકારણમાં જવા પ્રેેરણા આપી. એ એક સંગઠનકર્તાના સ્વરૂપે 'યુનાઇટેડ વર્ક્સ યુનિયન' સાથે સક્રિય રીતે જોડાઈ ગઈ. 

આ સંગઠન સાથે કામ કરતાં કરતાં તેને પિતાના સંઘર્ષના દિવસો યાદ આવ્યા. કેટલા બધા કલાકો કામ કરતા અને કેટલા ઓછા પૈસા મળતા હતા તે યાદ આવતાં જ શ્રમિકો માટે કામ કરવાનું નક્કી કર્યું. ફાતિમા 'ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટી'ની યુવા પાંખ 'યંગ લેબર' સાથે જોડાઈ. તેની કાબેલિયત અને કામ કરવાની પ્રતિબદ્ધતાને કારણે તેને યુવા શાખાની પ્રમુખ તરીકે ચૂંટવામાં આવી. ફાતિમાએ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાના એડમન્ડ રાઈસ સેન્ટરના પ્રોગ્રામ કો-આર્ડિનેટર તરીકે કામ કર્યું. તે ઑસ્ટ્રેલિયન ઈસ્લામિક કાલેજની બોર્ડ મેમ્બર પણ છે. ૨૦૦૫માં ઑસ્ટ્ર્રેલિયન નાગરિકતા લેનારી ફાતિમા છટાદાર વક્તા છે. ૨૦૦૫માં ઑસ્ટ્રેેલિયન નાગરિકતા 

મેળવી, પરંતુ તેનાથી અફઘાનિસ્તાનની નાગરિકતા આપોઆપ રદ થતી નથી. ઑસ્ટ્રેેલિયાના બંધારણ પ્રમાણે ચૂંટણી લડવા માટે ઉમેદવાર માત્ર આસ્ટ્રેલિયાનો જ નાગરિક હોવો જોઈએ. આથી ફાતિમાએ તેની અફઘાનિસ્તાનની નાગરિકતા રદ કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડયું.

તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ફાતિમા પૈમાન લેબર પાર્ટીની ટિકિટ પર વેસ્ટર્ન ઑસ્ટ્રેેલિયાની સેનેટર તરીકે ચૂંટાઈ આવી. ફાતિમા ચૂંટાઈ આવી, ત્યારે તેની માતાએ આંખમાં હર્ષના આંસુ સાથે એટલું જ કહ્યું કે, 'તારા પિતાનું સ્વપ્ન તેં પૂરું કર્યું. તે જ્યાં હશે ત્યાં ખૂબ ખુશ થશે. તારા પર ગર્વ અનુભવતા હશે.' ૨૭ વર્ષની ફાતિમા ઑસ્ટ્રેેલિયાના ઇતિહાસમાં સૌથી નાની વયની ત્રીજા નંબરની સાંસદ છે. પ્રથમ વખત એક અફઘાન-આસ્ટ્રેલિયન વ્યક્તિ સેનેટર બની છે, જે હિજાબ પહેરીને સંસદમાં ઉપસ્થિત થઈ. જુલાઈમાં સેનેટર તરીકે કાર્યભાર સંભાળનાર ફાતિમા પૈમાન કહે છે કે હિજાબ પહેરવો એ મારી પસંદ છે. કોઈ વ્યક્તિએ કેવો પોશાક પહેર્યો છે તેના પરથી હું કોઈ નિર્ણય કરતી નથી, તેવી રીતે હું પણ ઇચ્છું છું કે લોકો મારા પહેરવેશ પરથી કોઈ પૂર્વગ્રહ ન બાંધે. હું અફઘાન પ્રવાસી મુસલમાન કરતાં પહેલાં હું ઑસ્ટ્રેલિયન સેનેટર છું. મારું માનવું છે કે વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે એક યોગ્ય તક મળવી જોઈએ, પછી તે મહત્ત્વનું નથી કે તે ક્યાં જન્મી છે, ક્યાંથી આવે છે, કયા ધર્મમાં આસ્થા છે કે તે ી છે કે પુરુષ.'

વૃક્ષ સાથે બાંધછોડ નહીં !

- કે. પી. સિંહે 1999માં ઘર બનાવવાનું  શરૂ કર્યું અને એક વર્ષમાં તૈયાર થઈ ગયું. એમણે જ્યારે ઘર બનાવવાની શરૂઆત કરી, ત્યારે વૃક્ષની ઊંચાઈ વીસ ફૂટ હતી. તેથી બે માળનું મકાન બનાવ્યું. ઘર બનાવવા માટે એક ડાળી પણ એમણે કાપી નથી. 

દ ર ેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે પોતાનું એક સરસ મજાનું સુંદર ઘર હોય, જ્યાં એ સાંજે હાશકારો કરીને નિરાંતનો શ્વાસ લઈ શકે. વ્યક્તિની શક્તિ પ્રમાણે સુંદર ઘરની વ્યાખ્યા ભિન્ન ભિન્ન હોઈ શકે, જેમકે કોઈને પોતાનું ઝૂંપડું વહાલું, તો કોઈને ફ્લેટ, તો કોઈને આલિશાન બંગલો. ઉદયપુરમાં રહેતા કુલ પ્રદીપ સિંહને પણ ઘરની જરૂરિયાત ઊભી થતા ઘર શોધવા લાગ્યા. આઈ.આઈ.ટી., કાનપુરમાંથી એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ રાજસ્થાનમાં કામ કરવા લાગ્યા. સાત-આઠ વર્ષ વીજળી વિભાગ સાથે કામ કર્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો. એમણે પોતાની કંપની શરૂ કરી, જે ઈલેક્ટ્રીસિટીના ક્ષેત્રે જ કામ કરી રહી છે. અજમેરમાં ઉછરેલા કે.પી. સિંહે ઉદયપુરમાં જ કંપની શરૂ કરી હોવાથી હવે તેમણે ત્યાં જ ઘર બનાવવાનો નિર્ણય કર્યો.

૧૯૯૯માં ઉદયપુરમાં ઘર બનાવવા માટે જમીનની તપાસ શરૂ કરી. 'કુંજરો કી વાડી' નામના વિસ્તારમાં અનેક વૃક્ષ હતાં, જેના પર ફળ આવતાં તે વેચીને લોકો ગુજરાન ચલાવતા હતા, પરંતુ જેમ જેમ શહેરની વસ્તી વધવા લાગી, તેમ તેમ આશરે ચાર હજાર જેટલાં વૃક્ષો કાપીને પ્લોટ તૈયાર કરવા લાગ્યા. કુલ પ્રદીપ સિંહે આ જોઈને પ્રોપર્ટી ડીલરને કહ્યું કે વૃક્ષ કાપવાને બદલે તેને ઉખાડીને અન્ય જગ્યાએ વાવવા જોઈએ, પરંતુ એમાં ખૂબ ખર્ચ થાય છે તેમ કહેતા કુલ પ્રદીપ સિંહે બીજો ઉપાય એ દર્શાવ્યો કે જો તેને બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં, તો વૃક્ષ ઉપર જ ઘર બનાવી દો. પ્રોપર્ટી ડીલરને કુલ પ્રદીપ સિંહની વાત મનમાં બેઠી નહીં. એ વાત હવાઈ તુક્કા જેવી લાગતા એમણે ખાસ રસ લીધો નહીં, પરંતુ કુલ પ્રદીપે નક્કી કર્યું કે તે પ્લોટ ખરીદશે અને આંબાના વૃક્ષ પર ઘર બનાવશે.

કે. પી. સિંહે ૧૯૯૯માં ઘર બનાવવાનું  શરૂ કર્યું અને એક વર્ષમાં તૈયાર થઈ ગયું. એમણે જ્યારે ઘર બનાવવાની શરૂઆત કરી, ત્યારે વૃક્ષની ઊંચાઈ વીસ ફૂટ હતી. તેથી બે માળનું મકાન બનાવ્યું. ઘર બનાવવા માટે એક ડાળી પણ એમણે કાપી નથી. એમનું ઘર જમીનથી નવ ફૂટની ઊંચાઈ પર છે, જે વૃક્ષના થડ પર ટકેલું છે. આજે વૃક્ષની ઊંચાઈ ચાળીસ ફૂટ થઈ ગઈ છે અને ત્રીજો માળ પણ બનાવ્યો છે. એમણે વૃક્ષની આસપાસ ચાર થાંભલા બનાવ્યા છે, જેમાંથી એક થાંભલો વિદ્યુત પરિચાલકનું કામ કરે છે. જેથી વીજળી પડે તો તે ઘર પર ન પડે. એમણે સ્ટીલ, સેલ્યુલોઝ શીટ અને ફાઈબરથી ઘરની દીવાલો અને નીચેની ફર્શ બનાવી છે. નવ ફૂટની ઊંચાઈથી શરૂ થતાં ઘરમાં જવા માટે રિમોટથી ચાલતી સીડી બનાવી છે. જે ઘરમાં આવતા-જતા રિમોટથી ખોલી શકાય છે. એમણે ઘર બાંધતી વખતે વૃક્ષમાં કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ વૃક્ષ જે પ્રમાણે હતું તે પ્રમાણે ઘરની ડિઝાઈન બનાવી છે. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ તેની ડાળીઓ જોવા મળે છે. પ્રથમ માળ પર રસોડું, બાથરૂમ અને ડાઈનિંગ હોલ બનાવ્યા છે, તો બીજા માળ પર વોશરૂમ, લાઈબ્રેરી અને એક રૂમ બનાવ્યો છે. ત્રીજા માળ પર એક રૂમ બનાવ્યો છે તેની છત ઉપરની બાજુ ખુલી શકે તેવી બનાવી છે. વૃક્ષ પર ઘર હોવાથી ઘણી વાર ઓરડામાં પશુ-પક્ષી આવે છે, પરંતુ ધીમે ધીમે તેમની સાથે રહેવાની ટેવ પડી ગઈ છે. કારણ કે તેઓ માને છે કે એમણે આપણી જગ્યા પર નહીં, પરંતુ આપણે એમની જગ્યા પર ઘર બનાવ્યું છે. ઉદયપુર પહાડોથી ઘેરાયેલું સુંદર શહેર છે. જે સરોવર, મહેલ અને કિલ્લાઓને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ બન્યું છે. એની શાનમાં આ વીસ વર્ષ જૂનું ટ્રી-હાઉસ ઉમેરો કરે છે.

આજ-કાલ ઘણા લોકો ટ્રી-હાઉસ બનાવે છે, પરંતુ તેઓ ઘરને સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે ડાળીઓને કાપી નાખે છે. જ્યારે કુલ પ્રદીપ સિંહે ડાળીઓ કાપવાને બદલે તેનો ફર્નિચર તરીકે ઉપયોગ કર્યો છે. એક ડાળીનો સોફા તરીકે ઉપયોગ કરે છે, તો અન્ય એક ડાળીનો ટી.વી. સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરે છે. વૃક્ષ બરાબર વિકસી શકે તે માટે જુદી જુદી જગ્યાએ થોડી ખાલી જગ્યા છોડી છે, જેથી તેમને સૂર્યપ્રકાશ મળે અને તેનો કુદરતી રીતે વિકાસ થાય. તેમાં કોઈ અવરોધ ન આવે. ઘરમાં તેઓ સતત આઠ વર્ષ સુધી રહ્યા, પરંતુ તેમની માતાની તબિયત અસ્વસ્થ થતાં બાજુમાં એક બીજું ઘર બનાવ્યું, જેથી માતાને કોઈ તકલીફ ન પડે. અત્યારે તેઓ બંને ઘરનો આનંદ માણી રહ્યા છે. ગરમીની તુમાં વૃક્ષ પર કેરીઓ ખૂબ આવે છે, તેનો એમને અનેરો આનંદ છે.

કે. પી. સિંહના આ અનોખા ટ્રી-હાઉસની લિમ્કા બુક આફ રેકોર્ડ્ઝે નોંધ લીધી છે. આજે પણ ઘણા લોકો એમનું ઘર જોવા આવે છે, ત્યારે આશ્ચર્યમાં પડી જાય છે. એક વૃક્ષ પર કેવી રીતે ઘર બનાવી દીધું એવું કોઈ પૂછે તો કે. પી. સિંહ કહે છે કે જો તમારા દિલમાં કોઈ વાતનું જૂનૂન હોય, તો તમે તે કરી જ શકો છો. એમનું ઘર જોયા પછી ઘણા લોકોએ એમના ઘરની ડિઝાઈન માગી. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે તમે અમને ડિઝાઈન કરી આપો, પરંતુ કે. પી. સિંહ કહે છે કે લોકો પોતાની સગવડો સાથે બાંધછોડ કરવા માંગતા નથી. તો બીજી બાજુ કે. પી. સિંહ વૃક્ષ સાથે બાંધછોડ કરવા માગતા નથી, કારણ કે એમને લાગે છે કે વૃક્ષના એક પાંદડાને પણ આપણા કારણે નુકસાન ન થવું જોઈએ.