શ્રીકૃષ્ણ એટલે આનંદ-પ્રેમ-રસ-ઉત્સવના પ્રતિષ્ઠાતા
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- રાધાજીની ઝંખના અને મીરાબાઈના ઝુરાપાનું એક જ સ્ત્રોત કે ગોત્ર છે; માધવ. રાધાજીની મિલન જ્યોત કે મીરાબાઈની સ્મરણ જ્યોતની ગંગોત્રી એક જ છે; માધવ.
આ પણી પ્રેમ અને મરમ ધારામાં એમ કહેવાય છે કે શ્રી રામ એટલે સંયમ અને નિયમના વિધાતા અને શ્રી કૃષ્ણ એટલે આનંદ-પ્રેમના, રસ-ઉત્સવના પ્રતિષ્ઠાતા. આમ દેખીતી રીતે એમ લાગે કે શ્રી કૃષ્ણના ચાર આયામો છે: બાલ ગોપાલ, ગોપીજન વલ્લભ, કુટનીતિજ્ઞા, ક્રાન્તદર્શી અને ધર્મ સંસ્થાપક કર્મયોગી. પણ જો આપણે તેમની સાધના આરંભીએ તો પામીએ કે તેઓ અનંત આયામી છે. જો તેમની કથાઓના વિશ્વકોશો બને તો સમજાય કે તેઓ કેટલા પ્રિય છે. માણસ માત્રને જીવનનો મધુર આયામ સૌથી વિશેષ પ્રિય હોય છે. જ્ઞાાન-વૈરાગ્ય વૃદ્ધ થાય છે પણ ભક્તિ ભક્તના હૃદયમાં વસે અને શ્વસે છે, તેથી ભક્તિ નિત્ય નિરંતર મુગ્ધ રહે છે. તેથી જ શ્રી કૃષ્ણ સદીઓથી યુવામાં પ્રિય બની રહ્યા છે. તેથી જો આપણે શ્રી કૃષ્ણની આરાધના અને આંતરખોજ આરંભીએ તો વિચાર સાથે વિસ્મય, જ્ઞાાન સાથે પ્રેમરસ અને ઉત્તરો સાથે રહસ્યો પણ આપણને મળે છે.
શ્રી કૃષ્ણમાં: મારગ અને મંઝિલ, પ્રાપ્તિ અને પર્યાપ્તી મળે છે. તેઓ ખોજના આરંભ અને અંતમાં તો છે, મધ્યમાં પણ છે. તેમની પ્રેમ અને જ્યોર્તિમય પ્રતીતિ તેમની ઉપસ્થિતિ કે અન-ઉપસ્થિતિ (કહેવાતી) બંનેમાં સતત અને સમગ્ર હોય છે. તેઓ રાધાજીના મિલન અને તૃપ્તિમાં છે તો મીરાંબાઈના વિરહ અને તરસમાં પણ છે. યાદ રાખીએ, વહેંચતા વધે તે ચૈતન્ય છે અને વહેંચતા ઘટે તે પદાર્થ છે. જ્યારે પ્રિય માધવ તો પ્રેમ-મરમની શાશ્વત ધારા છે. તેમાં સમાંતરે સંયોગ અને વિયોગ, મિલન અને વિરહ, સંયુક્ત અને વિયુક્તની ધારાઓ અખંડ વહે છે. કદાચ, ખરું પરમતત્વ તેની સમગ્રતામાં જ બધા વિરોધાભાસો પોતાનામાં સમાવી લે છે. આખરે તો રાધાજીની બેહિસાબ ઝંખના અને મીરાબાઈના બેસુમાર ઝુરાપાનું એક જ સ્ત્રોત કે ગોત્ર છે; માધવ. રાધાજીની મિલન જ્યોત કે મીરાબાઈની સ્મરણ જ્યોતની ગંગોત્રી એક જ છે; માધવ. મીરાંબાઈ કહે છે:
કરના ફકીરી તબ ક્યા દિલગીરી ? સદા મગનમેં રહના જી...
અહીં પ્રેમની ફકીરી થકી તેમને આત્મ વિસ્મરણ થઇ જાય છે. તો અન્ય સ્થાને તેઓ કહે છે:
બહુ દિન બીતે અજહું ન આયે, લગ રહી તાલાવેલી શ્યામ બીના ઝૂર ઝૂર જીવ જાયેગો, જેસે જલ બિન વેલી
અહીં તેમની સ્મરણ જ્યોત છે. કવિ સુન્દરમની એક અદભુત પંક્તિ છે:
હમ જમના કે તીર ભરત જલ, હમરો ઘટ ન ભરાઈ
ઐસો ઘટ ક્યોં તુમને દિયો...
રાધાજીની તરસ પ્રેમ પામ્યા પછી વધે છે. માધવ પ્રેમનો ઘડો ભરાય જ શેનો ? એવો ઘડો બન્યો જ નથી જે માધવ અમૃતને સમાવી કે છલકાવી શકે.
કદાચ જીવનની સાધના આ માધવ સાધના તો છે. તેમને પામવાની અનંત શૈલીઓ છે. પણ હા માધવ તો બૃહદ ચૈતન્ય છે. તે સૌમાં-દરેકમાં વિસ્તરશે, છલકાશે છતાં અઢળક રહેશે...
માધવ: અનામ, અકામ પ્રેમ છે. અમાપ, અગાધ ઉત્સવ છે. અપાર, અપરંપાર પાવકતા છે.