Get The App

રા'નવઘણ-જાહલ : બાહુબલિ જેવી ગ્રાન્ડ ગુજરાતી રક્ષાબંધન રસધાર !

Updated: Aug 22nd, 2021

GS TEAM


Google News
Google News
રા'નવઘણ-જાહલ : બાહુબલિ જેવી ગ્રાન્ડ ગુજરાતી રક્ષાબંધન રસધાર ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ભલે ફિલ્મો બની ને ડાયરાઓ ગુંંજ્યા પણ નવી રીતે ભવ્યતા અને ઈમોશનલ ટચ સાથે મૂકાય તો ગેમ ઓફ થ્રોન્સ લેવલે ગ્લોબલ કથાઓ આપણી ધરતી પાસે છે

મા ત્ર ભારત પાસે બ્રો એન્ડ સિસ માટેનો એક્સક્યુઝિવ કલ્ચરલ ફેસ્ટિવલ છે. બળેવ યાને રક્ષાબંધન. ઓફિશ્યલી ફેસ્ટિવલ સીઝનનું ખાતમૂર્હુત. ભાઈબહેનની વાત આવે ત્યારે સગા માજણ્યા સહોદર (એક નાના સંતાન, એક ઉદર એટલે પેટમાં ઉછરેલા)ની જે ભારતમાં માનેલા ભાઈબહેનની ય અદ્ભુતરસની કથાઓ છે. ના, ધરાર ધરમના ભાઈબહેન થવાની ગુજ્જુ ગોટાળા નહિ. એમ બધાને પરાણે ભાઈ કે બહેન કહીને જ બોલાવવા એવી ખોટી વેવલાઈ નહિ. પણ એક્ચ્યુઅલી સાથે હળીમળીને મોટા થયા હોય ને પરસ્પર કોઈ અન્ય વિજાતીય આકર્ષણ વિના જ બ્રધર-સિસ્ટર લવ જેન્યુઈન અનુભવતા હોય એવી જુગલજોડીઓ. ઘણી વાર બચપણને બદલે મોટા થયા પછી પણ મળે આવા ભાઈ કે બહેન. વગર રાખડીએ ય સ્નેહ અને સુરક્ષાનો સેતુ જેમની જોડે ફીલ થાય એવા.

આવી વાતોમાં લક્ષ્મી-બલિરાજા તો અદ્ભુત કહાની છે જ - આર્ય-દ્રવિડ અને સુર-અસુર જેવી બે સંસ્કૃતિઓના સુખદ સમન્વયની. બહુચર્ચિત કર્ણાવતી અને હુમાયુની ય છે નેશનલ લેવલની. પણ સોરઠની ધીંગી ધરામાંથી ગરવા ગઢ ગિરનારની ગોદમાં ઉછરેલી એક વાર્તા છે. ચારણી સાહિત્યમાં તો જાણીતી જાહલની ચિઠ્ઠીના અનેક વર્ઝન્સ લખાયા છે એવી. અને ઝવેરચંદ મેઘાણીની અમર એવી 'સૌરાષ્ટ્રની રસધાર'ના બીજા ખંડની બીજી જ પ્રસિદ્ધ વાર્તા : રા'નવઘણ.

મેઘાણીભાઈનો જન્મવારસો (૧૨૫)નું આ વર્ષ છે. હરતીફરતી યુનિવર્સિટી અને પાછા શુષ્ક 'માસ્તર' નહિ. રસિકતા અને રૂપરોમાન્સના 'માસ્ટર'. પોતાની ધરતીના મૂળિયા તો ઓળખે, પણ પરદેશી કલાસાહિત્ય અને જીવનને ય એટલા જ આદરથી પોંખે. શોર્યનો વીરરસ અને શૃંગારનો વ્હાલરસ બે ય સરખા કસબથી નિરૂપે. એમણે રા'નવઘણની કથાના સંદર્ભે 'દંતકથા' એવી ચોખવટ પણ કરી છે. યાને સત્ય ઈતિહાસ નહિ પણ 'લીજેન્ડ'. મુખોમુખ, કર્ણોપકર્ણ (માઉથ ટુ માઉથ, ઇયર ટુ ઇયર) દાયકાઓથી કહેવાયેલી અને ટકેલી વાર્તા. એમાં ઘણું ઉમેરાયું હોય. પોતપોતાના કલ્પનાના પાંખાળા ઘોડા દોડાવવાની સર્જકતાની ભારતમાં તો પહેલેથી છૂટ છે. રામાયણ મહાભારતના જ કેટકેટલા વર્ઝન્સ છે આપણે ત્યાં! પાત્રો પોતીકાં થઈ જાય લોકજીવનના ને પછી નવા-નવા ઘાટ ઘડાતા રહે એના - એ કલાની બાબતમાં એની ચાસણી ચાળ્યા વિના લાગણી દુભવતા રહેતા નાદાન નમૂનાઓ કદી સમજી શકવાના નથી.

ઝવેરચંદ મેઘાણી તો આ સમજતા હતા. એમને રસ વાર્તાકથનમાં હતો. લોકસાહિત્ય એમ જ પેઢીઓ જતા ભૂલાઈ જાય, એ અગાઉ એના ડોક્યુમેન્ટેશનમાં હતો. પણ પછી એવા ઘેલછા થઈ કે આ મૂળ હેતુ જ ભૂલાઈ ગયો. વાર્તાઓ કોઈને કોઈના ઇગોનું સિમ્બોલ બની ગઈ. એની રસઝરતી સૃષ્ટિની સહેલગાહની વાત ખોવાતી ગઈ. આપણે ત્યાં 'વીર માંગડાવાળો' બને, એ જ પ્લોટની સમકક્ષ કહેવાય (કોપી નહિ) એવી ડેમી મૂરની ફિલ્મ 'ઘોસ્ટ' જુઓ એટલે આ એંગલનો ભેદ સમજાય. એટલે આપણા અદ્ભુતરસથી છલકાતા વારસાને આપણે બહુ વૈશ્વિક બનાવી નથી શક્યા. ચાઈનીઝ-જાપાનીઝ-અરેબિયન-ફોકટેલ્સ ગ્લોબલ થઈ પણ આપણી લોકલ જ રહી. ઈમોશનલ બરાબર, પણ ઈમેજીનેશન ભેળવી નવી જનરેશન સામે નવી રીતે મુકવાનું - ફાવતું ય નથી, ને ફાવે એ પ્રયાસ કરે તો સંસ્કૃતિના નામે તાલિબાન જેવા સાનભાન વગરના જડ થઈ જતા સમાજને ભાવતું ય નથી!

બાકી મેઘાણીની જેમ ગામડે ગામડે ફરી ધૂળધોયાની જેમ જ યુરોપિયન પરીકથાઓ ભેગી કરનાર ગ્રીમ બ્રધર્સે મૂકેલી હોરર સ્ટોરીના એલીમેન્ટ ધરાવતી બે બાળવયના ભાઈ-બહેનની યાત્રા અને સર્વાઇવલની કથા 'હાન્સલ એન્ડ ગ્રીટલ' કેવી વિશ્વવિખ્યાત થઈ ગઈ, એ જુઓ. રા'નવઘણ બધી જ રીતે એથી બહુરંગી છે. હાજી કાસમ તારી વીજળી ગુજરાતમાં ય ભૂલાઈ જાય, પણ ટાઈટેનિક યાદ રહી જાય એવો ચાન્સ છે, એની પાસે. ઇનફેક્ટ, મહાભારત રામાયણ પ્રેરિત બાહુબલિ જેવો કોઈ સ્વપ્નદ્રષ્ટા ગુજરાતી રાજામૌલિ જોઈએ, બસ! કારણ કે અહીં કાવાદાવાનું રાજકારણ છે, ધબધબાટીવાળું યુદ્ધ છે, આંખમાંથી આંસુ પડે એવા બલિધન છે, માસૂમિયત છે, મદદ! આશ્રય માટેની દિલેરી છે, આદર્શ માટે વફાદારી છે. દરિયો ફાડીને મારગ આપે એવો વિઝ્યુઅલી રિચ રોઝિસનુમા ચમત્કાર પણ છે! એ વચ્ચે પ્રેમી-પ્રેમિકાને બદલે 'ઇટ્સ ડિફરન્ટ'વાળો ભાઈબહેનનો પ્રેમ છે. ને વચનપાલન માટેની 'હીરોઈક' કહેવાય એવી જર્ની છે. અરે, અત્યારના ત્રાસવાદી તાલિબાનોએ કબજે કરેલ અફઘાનિસ્તાન પછી જે સ્ત્રીઓ પરના અત્યાચારની ભીતિ સેવાય છે, એનું ય ડાયરેક્ટ રિલેવન્ટ લાગે એવું 'એન્ટી-રેપ' નો મીન્સ નો વાળું રાવણ સામે તણખલા જેટલું અંતર સ્વમાન જાળવતા સીતા જેવું નારીખમીર પણ છે!

વાર્તા જાણીતી છે. લાંબી છે એટલે અહીં તો સાર જ લખવાનો થાય. એની ફિલ્મ પણ સિત્તેરના દાયકામાં બની ગઈ છે. પણ જે એમાં ઈન્ટરનેશનલ સ્કેલના એલીમેન્ટસ છે, એના પ્રેઝન્ટેશનમાં કોઈ ભણસાલીની સંજયદ્રષ્ટિ જોઈએ, એ એ ફિલ્મમાં નહોતી. એ ટિપિકલ મેલોડ્રામેટિક સ્ટોરીટેલિંગ હતું. પણ જૂનાગઢ અને વનસ્થલી (વંથલી)ના રાજા રા' કહેવાતા (ઇન્ટરેસ્ટિંગ છે કે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિમાં એક ઈજીપ્તમાં સૂર્યપૂજા થતી અને સર્વોચ્ચ ઈશ્વર સન ગોડનું નામ 'રા' હતું! સૂર્યવંશી રાજાઓમાં રહી પણ આવ્યું એ સિમ્બોલિકલી!) એમાંના રા'ડિયાસના પતનથી એ શરૂ થાય છે. મોસ્ટલી તો મેઘાણીભાઈની આંગળી પકડીને આપણે ચાલીએ રક્ષાબંધન ઉજવવા. કારણ કે 'રા'ના કિરણોમાં ભળેલી મમ્મી જાસલ (જાહલ)ની વેદના ને એની માતાના મૃત પુત્ર માટેના મરશિયાં સંભળાવતા ત્યારે આ બધું સમજાતું નહિ, પણ એની ફીલિંગથી ટપ ટપ આંસુડા બોરની જેમ દડદડતાં એ યાદ છે!

લેટ્સ સેલિબ્રેટ રાખી વિથ રા'નવઘણ એન્ડ જાહલ.

આપણા વારસામાં બહારી આક્રમણની કથાઓ છે, એમ અંદરોઅંદર કપટકાવતરાંકિન્નાખોરીથી લડવામારવાની કાતિલાના કથાઓ ય છે. ત્યારે અંગ્રેજોના સમયના પ્રિન્સિલી સ્ટેટસ જેવું જ હતું. આજના ગુજરાત જેવો કોઈ નકશો તો હતો નહિ. એટલે ગુજરાતથી સૌરાષ્ટ્રમાં સોરઠ (જૂનાગઢ પંથક) રાજા દુર્લભસેન સોલંકીની રાણીઓ આવેલી. એના દામોદરકુંડમાં નહાવાનો ટેક્સ જૂનાગઢના રાજા રા ડિયાસને દેવો પડેલો. વીઆઈપી લોકોને ટિકિટ માટે લાઈનમાં ઉભવું તો આજે ય અપમાનજનક જ લાગે છે. એમ અહં ઘવાઈ ગયો. બદલો લેવા દુર્લભસેને કપટ કરી જાત્રાળુઓના વેશમાં સૈનિકો મોકલ્યા. રા ડિયાસ છેતરાયો ને મરાયો. દુર્લભસેને જૂનાગઢની સત્તા કબજે કરી.

રા ડિયાસની રાણીઓ ત્યારના રિવાજ મુજબ સતી થઈ. પણ એક સોનલદેને ધાવણું બાળક હતું, એ રઝળપાટમાં એને બચાવતા ખતમ થઈને એક વડારણ (દાસી)ને રાજબીજની સંભાળ સોંપી. ભટકતા એ દાસીને આલીદર ગામના આહીર દેવાયત નોદર મળ્યા અને શૂરા ટેકીલા દેવાયતના આશરે બાળકને સોંપી (એક વાયકા મુજબ) એ રાજને વફાદાર દાસીએ જાતે જ પેટમાં કટાર હુલાવી (ખોસી) દીધી. જેથી એવું ન બને કે દુશ્મન વાત કઢાવી લે એને ફોસલાવી કે ધમકાવીને કે એ જ કોઈને ક્યારેક ઉત્સાહમાં કહી બેસે!

દેવાયતે આહીરાત વાળો આશરા ધરમ (શરણે આવેલાનું કે આંગણે આવેલાનું જીવ દઈને ય રક્ષણ કરવાની નેકી) નિભાવવાનો હતો. મેઘાણીના વર્ણન મુજબ તો એક્કેક થાનેલે (થાન એટલે સ્તન) એક એક બાળક નાનકડા ભાઈબહેન ધરાવતી માએ પતિને પૂછ્યું કે 'આ કોણ?' ને દેવાયતે પત્નીને માંડીને વાત કરી. આહીરાણીને મા વિના ભૂખ્યા ટળવળતા બાળ પર હેત ઉપજ્યું. ને દીકરી ધાવતી હતી એને દૂર ખસેડી આ રાજબાળને ધાવણના ઘૂંટડા પીવા દીધા. દેવાયતને કોઈકને ખબર પડશે એની ચિંતા, પણ ખડતલ ખમીરવંતી પત્નીએ કહ્યું, 'તમારી સોડય સેવનારી (પડખું સેવવું, સાથે સૂવું)ના પેટનું પાણી  નહિ હલે. ભલે જીવતા ચામડું ઉતરડે!'

અને એના ખોળામાં અચાનક આવી ગયેલા આ બાળકના જન્મની ય જાદુટોણાની ગેબી કથા હતી. એનું નામ નવઘણ મલકમાં વિખ્યાત હતું. કારણ કે એ નવ મહિનાને બદલે નવ વરસ માના પેટમાં રહ્યો હતો! રાજાની બીજી રાણીઓએ નવઘણની માને ઓઘાન રહ્યા (પ્રેગનન્સી) ખોડિયાર માના આશીર્વાદના ફુલ રૂપે, એ પછી એક પૂતળું જમીનમાં દટાવ્યું હતું ને બાળક માના પેટમાંથી નીકળતો જ નહોતો. પણ સોમવરણીએ અંતે સામો ખેલ પાડયો, પ્રસૂતિના જૂઠા સમાચાર ફેલાવ્યા ને અપરમાતાઓ પેલું કમણરૂમણનું પૂતળું જોવા ગઈ કાઢીને, એમાં એ જાદૂ તૂટયો ને નવઘણનો જન્મ થયો! (કેમ? મેજીક એલીમેન્ટ ખાલી હેરી પોટરની સ્ટોરીમાં જ થોડું હોય? લે!)

આટલું બોલતા બોલતા માનું દૂધ પીને નવઘણને ટાઢક વળી, એ ટબૂકડી આંખે ટીકીટીકીને બાજુના થાન પર ધાવતા બાળક વાહણ (દેવાયતનો અસલ પુત્ર)ને જોઈ રહ્યો ને નવઘણ માટે ધાવણવિહોણી થઈ નીચે આળોટતી જાહલ એને જોઈ રહી. ત્રણે ઘૂઘવાટા કરવા લાગ્યા.

અને પાંચ વર્ષ જોડે રમતા વીતી ગયા ત્રણેયના, એમાં અચાનક કોઈએ બાતમી આપી દીધી ને દુર્લભસેનનું દળ કટક ગામે ઉતર્યું! દેવાયતને બોલાવવામાં આવ્યો. ગામ ફરતે કોઈ હલી ન શકે એવો સેનાએ ભરડો નાખ્યો. દેવાયતને પૂછ્યું 'ડિયાસનો રાજવંશ તારી ઘેર ઉછરે છે?' બીજા બધા તો મૌન જોઈ રહેલા. બધાને હતું કે બહાનું કાઢશે, પણ પાકી બાતમી હતી, અનેક લાશો પડી જાય એવી કટોકટી હતી. દેવાયતે શાંતિથી કહ્યું 'હા, પણ એ તો હું જ મહારાજ દુર્લભસેનને પછી સોંપી દેત, બીજે ગાયબ ન થાય એટલે અહીં સાચવેલો.' દુર્લભસેનના સેનાપતિએ કહ્યું કે ''તો ખાતરી કરવા એને જ તેડાવી દે, તારે નથી જવાનું'' દેવાયતે કઠણ કાળજે ઘેર પત્નીને ચિઠ્ઠી લખી. નવઘણને તૈયાર કરી મોકલવા કહ્યું પછી ઉમેર્યું કે 'રા' રખતી વાત કરજે.' ચતુર પત્ની સમજી ગઈ. નવઘણને બદલે પોતાના પેટના જણેલા પુત્ર વાહણને ભારે હૈયે 

એલૈયાની માતાની જેમ તૈયાર કરી હત્યારાના હાથમાં સોંપ્યો. બે ય બીજા બાળકો નવઘણ ને જાહલ પણ નવા વા-વા પહેરી બાપ પાસે જવાની જીદે ચડયાં.

નવઘણ તરીકે આવેલા સગા દીકરા વાહણને હૈયું વલોવી આશરાધરમ ને મૂળ રાજ માટેની વફાદારી ખાતર દેવાયતે હસતા મોઢે દુર્લભસેનની સેનાને સોંપ્યા, ત્યાં જ બિચારા બાળકનો વધ થયો. પણ એ કુરબાની/સેક્રિફાઇસ નીતિ ખાતર બાપ સહન કરી ગયો. ખાતરી

ન થતા ચુગલી થતા દેવાયતની પત્ની બોલાવવામાં આવી ત્યાં કચેરીએ. કહ્યું કે આ મૃત બાળકની આંખો પગ નીચે કચરવાની છે. મજબૂત મનની માતાએ કલેજું કઠણ કરીને એ ય કર્યું. જોનારા તો ઘીસ ખાઈ ગયા (સ્ટન્ડ !)

છે ને આ ગ્રીક ટ્રેજેડી શેક્સપિયરના લખાણમાં ઉતરે એવી વાત રીડરબિરાદર ! પણ આગળનું પ્રકરણ તો વળી કિંગ આર્થરની વિશ્વવિખ્યાત ઇંગ્લિશ કથાની યાદ અપાવે ને ટક્કર આપે એવું છે. જેમ જશોદાએ કનૈયાને ઉછેરવા પેટે અવતરેલી દીકરી આપી દીધેલી દેવકીના સંતાન તરીકે કંસના હાથે મરવા, એમ નવઘણને એ આહીર માતાએ પેટના જણ્યાની જેમ દીકરી જાહલ જોડે મોટો કર્યો, ભાઈ બહેન રમતા રમતા મોટા થયા. મૂછનો દોરો ફૂટે એવો સોહામણો ટીનેજર નવઘણ ગાડુ લઈને ગયો, એમાં એને કડુ પટકાયું. પિતા દેવાયતને ખેતરે લઈ આવ્યો, તો ધનનો ચરૂ (કુંભ) નીકળ્યો. દેવાયતને થયું સમય પાકી ગયો નવઘણને ઘેર લઈ દીકરી જાહલના વિવાહ નક્કી કર્યા ત્યાં સુધીમાં પેલા બલિદાન ખાતર સોલંકી રાજમાં તો એની શાખ વધી ગયેલી.

જાહલના લગ્ન માટે મજબૂત અને સશસ્ત્ર આહીર યુવકોને નોતરું આપ્યું એ બધાને લઈ જૂનાગઢના રાજદરબારમાં આમંત્રણ દેવા જાવું છે ધામધૂમથી, એમ ઘોડા- સાંઢિયા પલાણી શૂરવીરોની ફોજ સાથે નીકળ્યો. ભાગોળે બધાને ભેગા કર્યા. દીકરીના લગ્નનું ઓઠું (બહાનું) એટલે ઝાઝા લોકો સજ્જ થઈ આવે, એ ઉત્સવના શક્તિપ્રદર્શનમાં ગણાય. પોતે આપેલા દીકરાના બલિદાનની વાત કરી. નવઘણને તૈયાર કરી જાણ કરી હકીકતની. કુરબાનીની વાર્તાઓ વિશ્વવ્યાપી છે અબ્રાહમિક ધર્મોમાં તો તહેવાર પણ. ભાઈનું વેર લેવા નવઘણની આંખમાં રતાશ આવી. દેવાયતે કહ્યું, 'જૂનાગઢમાં ઉપરકોટમાં એક વિશાળ નગારું છે, રાજપલટો થાય ત્યારે વાગે. આ ગાદી તારા બાપની છે. તારો એના પર હક્ક છે ત્યાં જઈ એ નગારું વગાડ એટલે તૂટી પડીશું ! ' (કિંગ આયરની તલવાર જેવો કિસ્સો છે ને !)

ને દુશ્મન છળની સામે છળની યુક્તિમાં વધેરાયા. નવઘણ જૂનાગઢનો રાજા બની રા'નવઘણ યુવા ઉંમરે થયો. રજવાડી ઠાઠથી બહેનના લગન લેવાયા. રાજા બનેલા અને માજણ્યા નહિ તો ય ભેગા ઉછરેલા ભાઈએ બહેન જાહલને કાપડું (વેડિંગ ગિફ્ટ)માં શું જોઈએ એમ પૂછ્યું. જાહલે કહ્યું,'ભાઈ, કંઈ નથી જોઈતું. ટાણું એવું આવશે તો જરૂર માંગીશ. '

દસ- બાર વરસ વીતી ગયા. દેવાયત અને એના પત્નીનો સ્વર્ગવાસ થયો. દુકાળ એવો પડયો કે ગાયો મંકોડા ચરે (આ છે મેઘાણી !) અને પતિ આંસતિયા સાથે પશુધન લઈ પાણીની તલાશમાં જાહલ સિંધની દિશામાં (આજનું કચ્છ પાસેનું પાકિસ્તાન) રવાના થઈ. નવઘણો તો ઘરખમ જુવાન થઈ ગયો હતો. (કલ્પના જ કરવી હોય તો ટાઇગર શ્રોફ માટે ટેલરમેડ રોલ કહેવાય. બાપ જેકી એટલે ભાઈ ગુજરાતી ય ખરા !) એ ય વર્ણન મેઘાણીભાઈનુ કેવું ! 'ધીંગાણા વિના ધાન ખાવું ભાવતું નહોતું...! ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ઘોડલા ઝીંકીને સાવજના શિકાર કરે છે. કરાડો, પહાડો ને ભેખડોનું જીવતર એના જીવને પ્યારુ થઈ ગયું છે. સાવજદીપડાની ડણકે, ડુંગરની ટૂકેટૂક પર ઠેકાઠેક અને ઘૂઘવાટા સંભળાવીને પોતાની ભેખડો પર રા'ને પોઢાડતા પથ્થર- ઓશિકાં.'

નવઘણ તો રાજા. એને તો દુ:ખ નહિ કોઈ પણ જૂનાગઢના ઉપરકોટના દરવાજે એક ચીંથરેહાલ આદમી આંટા મારવા લાગ્યો. ભિખારો સમજી ચોકિયાતે તગેડયો, તો કહે રા'ને મળવું છે. 'રેઢો થોડો પડયો હોય રા'- એ જવાબ મળ્યો એ વળી શેષાવન થઈ લીલું ઘાસ કાપી આવ્યો. લીલી ઘાસની ભારી વેચવાવાળા તરીકે રા'નવઘણની ઘોડારમાં એ ઘૂસ્યો. ઝપડો નામનો ઘોડો નવઘણનો માનીતો. એની પાસે નવઘણ આવે, એ મોકો શોદ્યો. એ મેલોઘેલો મજૂર જેવો જુવાન હતો નવઘણની માનેલી બહેન જાહલનો પતિ સંસાતિયો.

નવઘણને રામરામ કહેતો એ જણ અણસારે ક્યાંક જોયો હોય એવું લાગ્યું. ઓળખ પૂછી તો સાંસતિયે પાઘડી ખોલી એક ચોળાઈ ગયેલી ને અક્ષરો આંસુના ટીપાથી રેલાઈ ગયેલા એ ચિઠ્ઠી કાઢી. અણમોલ રતનની જેમ એ કાગળનો ટૂકડો સાચવેલો રા'ના હાથમાં આવ્યો. અંદર હૈયું વલોવી દે એવા બહેન જાહલના સોરઠા હતા યાને કાવ્યપંક્તિમાં આપવીતી.

'ભાઈ, તને ઉછેરવા મારી માએ મને છાતીએથી ઝોંટીને ફગાવેલી, એટલે બળવાન બાળપણ ન થયું મારું ને આ જ ઓશિયાળી થાઉં છું. (તારી કૃપા ઇચ્છુ છું.) મારો સગો ભાઈ તો તારા માટે હોમાયો, પણ તારા જેવો ભડ ભાઈ હોવા છતાં હું આજે મુસીબતમાં છું. મારા કાબુલી મિયાંઓની મેલી નજર પડી છે, અસૂરો મારી ઉર (છાતી) પર ચડી બેઠા છે. (તાલિબાનીઓનો સંદર્ભ પણ દેખાશે, એ કહેતું ને !) મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ રોકી રાખી છે. માનો જણ્યો ભાઈ નથી, એટલે જ મારી આ દશા થઈ ને !'

નવઘણની આંખમાંથી ડબક ડબક આંસુ પડયા. સંસતિયા બનેવીને વાત પૂછી. મેઘાણીભાઈના જ શબ્દોમાં, 'નદી કાંઠે ત્યાં ઢોર ચરે એ નેસ બતાવ્યો.હું ચરાવવા નીકળ્યો જાહલ તળાવ કાંઠે નહાતી હતી. શિકારે ચઢેલા હમીર સુમરાએ જાહલના રૂપ નીરખ્યા. હેમની પાટય (સોનાની પાટ) સરીખા જાહલના વાંસા પર વાસુકિ નાગ પડયો હોય એવો સવા વાંભનો ચોટલો ! ગોરાંગોરાં રૂપ, પહાડપુત્રીની ઘાટીલી કાયા. સુમરો ગાંડોતૂર થયો. અપરંપાર ફોજ. જાહલે છ મહિનાનું વ્રત છે કહી ફોસલાવ્યો. પટરાણી બનાવવા માટે છ મહિનાની મુદત નાખી. પતિને ગુપચૂપ મોકલ્યો, સંસારમાં એક ભાઈ છે જે કદાચ મદદ કરે એ આશાએ !'

નવઘણ પામી ગયો. જે પરિવારે સગો દીકરો વચન ખાતર હોમી દીધો, એની દીકરી મરી જશે મદદ નહિ મળે તો. રા' નવઘણે નવ લાખ ઘોડા પલાણ્યા (અહીં મેઘાણીભાઈ પણ નોંધે છે કે અતિશયોક્તિ છે : નવ લાખ ઘોડાના ચણા ય પુરા ન પડે દુકાળમાં ને એટલા હોય પણ નહિ) આ તો વાર્તા છે. જેમ ચિત્રકાર ધારી અસર નીપજાવવા ઘાટો રંગ પીંછીથી કરે, એમ જોરાવર લશ્કર વીરલાઓનું બતાવવા જેમાં સૌરાષ્ટ્રના અનેક નરશાર્દૂલો હતા એટલે વર્ણનને વજન દેવા લખ્યું હોય, અથવા જાણકારો કહે છે નવલખા ઘોડા ઝપડા પર નવઘણ સવાર હોય.

ફેન્ટેસી એલીમેન્ટ - 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' કે 'સ્ટાર વોર્સ'ની જેમ આગળ પણ ચાલે છે ચારણ આઇ વરૂવડી રસ્તામાં ધૂળની ડમરી ઉડાડી ધરતી ઘમરોળતા નવઘણને મળે છે. નરા નામની ચારણની દીકરી દેખાવી જરા કદરૂપી એનાં વરૂડી (ન રૂડી) નામ પડયું એવું મેઘાણીભાઈ નોંધે છે. પણ વાત તો ભાઈબહેનના 'રક્ષા' બંધન તણા પ્રેમને મદદ કરવા માતાજીના આશિષ મળ્યા એ છે. લડવા જતા ય નિર્દોષતાનું સન્માન બાળકોની કરવું એ આધુનિક છાયા પણ ખરી. પંથ લાંબો છે ને બાળવેશે સાત સખીઓ સાથે રમતા આઇ વરૂવડી નવઘણને જમીને જવાનો આગ્રહ કરે છે બાળ રમતને ય રાજા માન આપે, એમ નવઘણ રોકાય છે. દુકાળ વચ્ચે ધરો પાણીનો નિકળે છે. સાત બાલિકા વૃક્ષના પાનના પાત્રો બનાવી નાની કૂલડીમાંથી લશ્કર જમાડે છે.

આમા સંકેત બાળમનના ભાવમાં દુનિયા સમાઈ જાય એ ન ગણો તો ય વેબ સિરિઝો પણ એડવેન્ચર ફેન્ટેસી એક્શનની ગેમ ઓફ થ્રોન્સ જેવી કે વિડિયો ગેઇમ વોરક્રાફ્ટ જેવી હોય એવું દેવતાઈ જાદુનું તત્ત્વ પણ છે, નવઘણને સરકતા સમયની ચિંતા છે. આડો દરિયો છે, ફરીને જવામાં સુમરો જાહલના મડદા ચૂંથશે ? પણ વરૂપડી કહે છે, 'સીધો જ જજે દરિયા કાંઠે એક કાળી દેવ્ય (દેવચકલી) તમારા ભાલાના ફળે બેસે પછી બિન્દાસ દરિયામાં ઘોડા લઈ પ્રવેશ કરજો.' અને એવું બને છે, ત્યારે ચમત્કારિક રીતે દરિયાના મોજાના બે ભાગ થઈ જાય છે. વચ્ચે રસ્તો થયો એ ભાગ જ કચ્છનું રણ થઈ ગયો !

નેસમાં જાહલ આંખે નેજવું કરી ટીંબે ચડી છે સોરઠની દિશામાંથી ભાઈની સવારીની ધૂળ ઉડે છે ? કે ભાઈ બહેનના કોલ કરતા ભોજાઈની શય્યાને વહાલી કરી સૂતો છે ?. રાતે તો લીલા અતલસવાળા સુમરા સામે લાશ પડી હશે. મોગરાના અત્તરમાં મક્કમતાની મહેંક ભેળવતી. ને નવઘણની સેના કળાય છે. આભ ધરતી એક થાય એમ નવઘણની સેના પ્રગટે છે. ધમાસાણ જંગ ખેલાય છે, ને સવારે સુમરાની લાશ બહેનના ઝાંપે પડી છે. ઢળી પડેલી હજારો દાઢીઓ પવનમાં ફરફરે છે ! યસ, બહેનની ભીંસમાં એની આશા એના રક્ષણ માટે ઝઝૂમી ભાઈ પૂરી કરે, એ છે ભાઈબહેનના પ્રેમનું બંધન.

કથાનો અંત એવો છે કે સિંધમાં પડેલી એક એક સોનાની ઇંટો, એક એક વીર લેએ નવઘણે કહ્યું, ત્યારે 'હું તો રાજાનો સાળો, હું વજન ન ઉંચકું' કહી અભિમાની એવા નવઘણના સાળા અયમ પરમારે નહોતી લીધી. નવઘણે વરૂવડી માતાનું સોનાનું મંદિર એ ઇંટોનું સહાય પછી બંધાવ્યું. એમાંં ગોખલાની જેમ એક ઇંટની જગ્યા ખાલી પડી. અયમની તુમાખીને લીધે નવઘણે ત્યાં જ તલવારથી શિરચ્છેદ કર્યો, પણ દેરીએ ક્ષત્રિયનું લોહી જોઈ વરૂવડી માતાએ એને સજીવન કર્યો. એ પાછળ દોડયો ને જૂનાગઢના દરવાજે નવઘણ પર ઘા કર્યો. પણ વફાદાર ને ચાલાક ઘોડા જપડાએ ભાલાનો પડછાયો જોઈ કૂદીને ઘા ચૂકવી દીધો !

આવી છે અદ્ભુત રસથી ભાઈબહેનના પ્રેમ જોડે રક્ષાબંધન અને વીરપસલીનું કમિટમેન્ટ સમજાવતી લોકવાર્તા ! શુભ રક્ષાબંધન !

ફાસ્ટ ફોરવર્ડ

સિંધ- મહિપ દુશાસન કેરી મુજ પર મીટ મંડાઈ

પાંચાળીની જેમ આજ પુકારું ચીર પૂરો જદુરાઈ

હું ન બાપી અરેરે ન ભાઈ

વીરા મારે તુજથી સાચી સગાઈ

ભીતર લાગ્યા ઘાવ સંતાડું, રૂપ સંતાડયા ન જાય

ફૂલની માથે સાપ ફૂંફાડે, લાગી અંગેઅંગ લ્હાય

કોડભર્યા મારા વીરને કાંધે તેગસૂબાની તોળાય

ડુંગર સમો દેવાત ડગ્યો નહિ, થડકો ન માને થાય

બાપના ગુણ ને ભોગ બાંધવતો, દુધડિયાની સગાઈ

કાપડા કેરો બોલ દીધો'તો, માંડવરેની માંય

નવઘણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ

જે ધરતીમાં જન્મ્યા એના, સગપણ નો વિસરાય

હું ન-બાપી, અરેરે ન ભાઈ,

વીરા મારે તુજથી સાચી સગાઈ.

(રા નવઘણ ફિલ્મ માટે ૧૯૭૬માં અવિનાશ વ્યાસે લખેલી જાહલની ચિઠ્ઠી)

Tags :