લવમેરેજ સ્ટોરી : જાત તોડી ધનુષ્યને બદલે, એ કથા આપણા સ્વયંવરની...!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- સોશ્યલ મીડિયા પર એકબીજા મોઢાંમાં કોળિયા ભરાવતા કપલ મોઢું નથી જોતાં એકમેકનું ! વાસ્તવિકતામાં વ્હાલની ભરતી ઓસરી જાય ત્યારે...
'યાર તારી મસ્ત રોમેન્ટિક શાયરીના મેસેજ આજકાલ નથી આવતા ?'
'અરે જેને માટે એ લખતો હતો એના લગ્ન થઈ ગયા ?'
'અરરર... ભારે થઈ. વાંધો નહિ હવે દર્દભરી શાયરીઓ લખ તૂટેલા દિલની!'
'પણ એના લગ્ન મારી જોડે જ થયા છે.'
ખીખીખી. થોડા વર્ષો પહેલાં એક કાર પાછળ સ્ટીકર લગાડેલું વાંચેલું. ખબર નહિ પતિ કાર ચલાવતા હશે કે પત્ની પણ લખાણ આવું હતું 'પ્લીઝ હોર્ન વગાડી ડિસ્ટર્બ ના કરતા. મેરિડ છું ને એટલે ઓલરેડી ડિસ્ટર્બ્ડ જ છું!' લવ અને મેરેજ વચ્ચેની સફરમાં ફરક એટલો જ હોય છે કે લવમાં 'આઈ એમ સોરી, બટ આઈ લવ યુ' રોજ કહેવાના ઉછાળા આવે છે. પણ મેરેજમાં એક તબક્કે કહેવાઈ જાય છે : 'આઈ એમ સોરી ધેટ આઈ લવ યુ !'
ક્યૂં? કૈસે ? કબ ખત્મ હોતા હૈ પ્યાર?
વેલ, એક ક્વૉટ હતું કે 'પુરૂષને હતું કે એ સ્ત્રી મેસેજ કરશે પહેલા. અને સ્ત્રીને હતું કે એ પુરૂષ મેસેજ કરશે પહેલા. ધ એન્ડ!'
ક્યારા ફેરાનીનું નામ જો ઈન્સ્ટાગ્રામ પર એકટિવ હશો તો અજાણ્યુ નહિ લાગે. ત્રણેક કરોડ ફોલોઅર્સ ધરાવતી આ ગોરી, ઉંચી, પાતળી યુવતી એનાથી ક્યાંય વધુ સંપત્તિ ધરાવતી શેઠાણી છે! ફેશન બ્લોગર તરીકે શરૂઆત કર્યા બાદ સોહામણી દેખાતી ક્યારા સડસડાટ એવી પોપ્યુલર થઈ કે એની બ્રાન્ડસ વર્લ્ડ ફેમસ છે. થોડા મહિના પહેલાં દિયાકુમારી (રાજસ્થાન)ના આમંત્રણથી એ જયપુર પણ આવેલી ને દિલ્હીમાં લાલ સાડી પહેરીને ફોટોશૂટ પણ કરાવેલું. એની બહેનો પણ સુપરમોડેલ છે.
૨૦૧૮માં ક્યારા પોતાના જેટલી જ સંપત્તિ ધરાવનાર ઈટાલીયન સિંગર કમ્પોઝર ફેડેઝને પ્રેમ કરીને પરણી હતી. ફેડેઝ પણ ખાસ્સો લોકપ્રિય. નેચરલી ક્યારા સ્ત્રી એટલે એના ફોલોઅર્સ હબી કરતા ડબલ પણ ફેડેઝના ય એક કરોડ ખરા. ઇટાલિયન્સમાં ભારે પોપ્યુલર કપલ. મેઇડ ફોર ઇચ અધર જેવું લાગે અને મેડ ફોર ઇચ અધર જેવું વર્તે ! બેઉ દેખાવડા. બેઉ ઉંચા ને નમણા. બેઉ બોલ્ડ ને લિબરલ. લગભગ અનાવૃત અવસ્થામાં બાથરૂમ મિરરમાં એમણે લીધેલી 'સજોડે સેલ્ફી' ભારે વાઇરલ થયેલી. બેઉ આધુનિકતા તરફી સ્ટેન્ડ લેવામાં એકસ્ટ્રીમ.
ઇનફેક્ટ, એમના લગ્ન થયા ત્યારે હવે એક્સ બનેલા ટ્વીટર પર કોઈની કોમેન્ટ હતી ૨૦૧૮માં કે, 'જો આ બેઉ ડિવોર્સ લેશે, તો મને પ્રેમ નામના શબ્દ પરથી ભરોસો જ ઉઠી જશે !' દેવની ચક્કર જેવા રૂડા દીકરા ને દીકરી અવતર્યા બાદ વારતહેવાર ભવ્ય આલીશાન મહેલોમાં શાનદાર ઠીઠઠઠારા સાથે ફરતા આ યુગલની ગુલાબી છબીમાં છ વર્ષમાં તિરાડો પડી છે. ઈટાલિયન મિડિયાના અહેવાલ મુજબ બેઉ સેપરેટ થઈ ગયા છે. એ તો જો કે રેગ્યુલર બેઉને ફોલો કરનારા માટે વિઝિબલ છે. હવે સાથે કોઈ ફોટો નથી આવતા. પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ બંને જગતમાં વિહરે છે. નાની દીકરીના જન્મદિને ભેગા થયેલા પણ વાત નહોતી કરી એકબીજા જોડે. હવે તો દીકરા દીકરીના ફોટા પણ એમની પીઠ દેખાય એવા જ મૂકે છે. પરીકથા જેવી પ્રેમકથાની પાંખો કપાઈ ગઈ છે!
હજુ સુધી બેમાંથી કોઈ ખુલીને બોલ્યું નથી. પણ રિપોર્ટસ કહે છે કે નાનામોટા તણખામાંથી ભડકો હમણા ત્યારે થયેલો જ્યારે ક્યારા ફેરાગનીનું ચેરિટીના નામે કથિત કૌભાંડ બહાર આવેલું. ઇટાલીમાં પાવરફુલ ઇન્ફયુન્અર એવી મિળાનવાસી ક્યારા વારંવાર સમાજસેવા માટે પ્રોજેક્ટ કરે છે. એવી એક ક્રિસ્મસની મીઠાઈ માટેની એની અપીલમાં લોકોને એવું લાગ્યું કે ખરીદીની આવક ગરીબ બાળકો માટે દાનમાં જવાની છે. પણ એની કેક-ચોકલેટ બ્રાન્ડનું પ્રમોશન થયું ત્યારે એણે માત્ર ૫૦,૦૦૦ યુરો દાન આપ્યા. આમ એમાં કોઈ ગુનો ન્હોતો, કારણ કે મૂળ જાહેરખબર જ સંદિગ્ધ હતી, ચોખવટ નહોતી. પણ લોકો નારાજ થયા. હોબાળો વધ્યો. ક્યારા ને ફેડેઝ હંમેશા લિબરલ સાઈડ ને અત્યારે ઇટાલીમાં રાઈટ વિંગર મેલોની પીએમ છે, એટલે નાણાકીય કૌભાંડની આશંકાએ તપાસ સરકારે શરૂ કરી. ક્યારાએ આંસુભરી આંખે ખુલાસો કરી, માફી માંગતો વિડિયો બનાવ્યો, જાહેરાત છપાવી. કોઈ કાંડકૌભાંડ સાબિત ન થયું. પણ વિવાદ થયો.
એ સમયે ફેડેઝ પત્નીની પડખે ઉભા રહેવાને બદલે ચોક્કસ અંતર રાખીને દૂર જ રહ્યો. ના કોઈ સ્ટેટમેન્ટ આપ્યું, ના પડખે ઉભો રહ્યો. બે વર્ષ પહેલા એને પેન્ક્રિઆટિક કેન્સર ડિટેક્ટ થયેલું, એ સ્ટ્રેસના સમયમાં સર્જરી પણ કરાવેલી. ત્યારે ક્યારાએ એના માટે પોસ્ટસ લખેલી, એની સાથે રહેલી.
એટલે વાઈફને વધુ લાગી આવ્યું હોવાના અનુમાનો રાબેતા મુજબ 'સૂત્રો' આપે છે કે તારી જીવલેણ તકલીફમાં હું જોડે રહી ને તું મારી એક જાહેર વિવાદ જેવી મેટરમાં પણ મારી ફેવર ન કરી ? એવું ય હોઈ શકે કે આવી બીમારી બાદ સ્વભાવ ચીડિયો થાય, સેક્સલાઈફ નોર્મલ ના રહે એના સ્ટ્રેસ હોય. વળી બંને અતિવ્યસ્ત. પ્રવાસોમાં મસ્ત ને લોકપ્રિયતાને લીધે એકબીજા માટે સમય ના ફાળવી શકે એમાં પ્રેમનું બાષ્પી ભવન થાય. બે બાળકો બાદ સ્ત્રીનું વિશ્વ થોડું બદલાય. પોલિટિકલ પ્રેશર આઈડિયોલોજી એકદમ ઉદાર હોવાને લીધે આવે, એ ટેન્શન જીરવી ન શકાય.
વોટએવર, સતત જેનો જાહેર દેખાડો થતો હતો ને ચોંચ મે ચોંચ ડાલકે જે યુગલ પ્રેમપ્રદર્શન કરતું હતું, એમના સંબંધમાં પાનખર એમનું સૌંદર્ય, યુવાની, પૈસા કે પ્રભાવ રોકી ન શક્યા. એ હકીકત છે. શાહજિક રીતે શેરિંગ થાય એ બરાબર. પણ બહુ જગતને લવ દેખાડવા જતાં લવ જાતમાં ન રહેતો હોય ને બીજાને ઇમ્પ્રેસ કરવા પૂરતા- રેડ રોઝ હોય ને રિયલ લાઇફમાં એના કાંટા ભોંકાતા હોય, એમ પણ બને !
નોરા ફત્તેહી જેવી સુપરહોટ હોવાને લીધે ઈન્ડસ્ટ્રી ઈનસાઈડર બનેલી ડાન્સર-મોડેલે હમણા કહેલું જ ને કે બોલીવૂડમાં મોટાભાગના લગ્નો સાવ ફેક હોય છે. સ્નેહ કરતાં સોદાબાજી વધુ હોય છે. સ્ટેટસ જોઈને, સેફ્ટી જોઈને, આવકનો ગુણાકાર જોઈને, સમકક્ષ લોકપ્રિયતા જોઈને પરણી જવાનું. ચાહકો પ્રભાવિત થાય ને પાવર કપલ તરીકે બેઉની બ્રાન્ડ વેલ્યુ વધે. એમાં ખેલ સગવડ સાચવવાનો, ને સમાજ પર કે સાથીઓ પર પકડ રાખવાનો કે છાકો પાડવાનો વધુ હોય છે. પેલો તડપ પેદા કરતો, ખુશીઓ વરસાવતો, મુસીબતોનું શેરિંગ કરતો પ્યાર નથી. નોરા પર તો નજર ઘણાની હોય એટલે એને 'અંદર કી બાત' માલૂમ પણ હોય. મેરેજ ઓફ કમ્ફર્ટસ એન્ડ કન્વિન્યન્સ થયા આ તો !
આ થઈ સોશ્યલ નેટવર્ક પરના પાવર કપલના બ્રેકઅપની વાત. હવે એવા જ ગ્લોબલી પોપ્યુલર એવા બીજા યુગલની એવી લાંબી કમ્પેનિયનશિપ પર નજર નાખીએ. એનરિકે અગ્લિશ્યસ (ઉહગ્લિયઝીહસ જેવો ઉચ્ચાર થાય છે સ્પેનિશમાં !) નામ તો સુના હોગા ? જેવું નહિ પૂછવાનું સોંગ સુને હૈ એમ પૂછવાનું ! કિંગ ઓફ લેટિન પોપ ગણાય છે એનરિક ધબધબાટી બોલે છે એની કોન્સર્ટસમાં એક અબજ ડોલર્સથી વધુની નેટવર્થ છે. એના સુપર સેક્સી મ્યુઝિક વિડિયોઝની બોલબાલા છે (આ કટારમાં વેકેશન વિડિયોમાં ભલામણ કરેલી છે એ વિકેડ ગેમ્સ આજે ય પર્સનલી હોટ ફેવરિટ છે ! અહાહા !) લવ, સેક્સ જેવી થીમ પર ગીતોની ધૂમ મચાવતી કોન્સર્ટસ કરે છે, આલ્બમ બહાર પાડે છે. રૂપકડી ફૂટડી યુવતીઓ સાથે નાચે છે, અને એ પણ એની પર મરી પડતી હોય છે.
એના કુર્નિકોવાને તો ગુજરાતમાં પણ બે દસકા પહેલા કોલેજ કરતા હોય કે ટીનેજર્સ રહ્યા હોય એમાંથી કોણ ભૂલ્યું હોય હજુ ? રશિયાની આ માદક મારકણી સુંદરીનું મદહોશ ફીગર વ્હાઇટ સ્કર્ટમાં જોવા જ કેટલાક લોકોએ ટેનિસ જોવાનું શરૂ કરેલું! (બાકીનાઓ સ્ટેફી ગ્રાફ, માર્ટિના હિન્ગીસ અને સાનિયા મિર્ઝાને લીધે!) એક તબક્કે ગૂગલ સર્ચ શરૂ થયેલું પછી એમાં સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટી જ એના કુર્નિકોવા હતી! કામણગારી કાયાને લીધે ભલભલી ફિલ્મ હિરોઇનને એ ટક્કર મારતી.
૨૦૦૧ની સાલમાં અમેરિકાના 'એનકેપ' વિડિયો માટે એ મોહિનીસ્વરૂપાને સેટ પર આવવાનું થયું. એમાં બેઉ વચ્ચે એનરિકના મ્યુઝિક વિડિયોઝમાં હોય એવા ઇન્ટીમેટ સીન્સ હતા. પણ એ ભજવતા ભજવતા બેઉને પ્રેમ થઈ ગયો. એના ૧૮ની અને એનરિક ૨૫નો હતો બેઉની પાછળ દીવાનાઓ અને પગલીઓની લાઇન હતી. પણ બેઉને એકબીજા ગમી ગયા. એક સાથે ફંકશન્સમાં હાથમાં હાથ નાખી નીકળતા એ વખતે એમના એન્ગેજમેન્ટ ને મેરેજની અફવા ઉડેલી.
વર્ષો વીતતા ગયા. એના રશિયન સિટીઝન મટીને અમેરિકન નાગરિક બની ગઈ. એનરિક જોડે લગ્ન વિના માયામી રહેવા લાગી. બંને લિવ ઇનમાં જોડે જ રહ્યા એના બહુ ઇન્ટરવ્યૂ આપતી નહિ. એક દસકાના સાથ બાદ ૨૦૧૨માં એનરિકે કહેલું કે, 'લવ, કમિટમેન્ટ, રિસ્પેક્ટ એન્ડ ટ્રસ્ટ હોય તો બે જણ સુખેથી રહી શકે. અમે સાથી જ છીએ, એકબીજાને એન્જોય કરીએ છીએ. એકાદ મેરેજ સર્ટિફિકેટના કાગળિયાની અમારે જરૂર નથી. દુનિયાને દેખાડવા માટે ઘડી ઘડી ફોટા પડાવ્યા કરવાની ય જરૂર નથી.' એનાએ અગાઉ કહેલું 'વી આર હેપી કપલ અમે બધું જ શેર કરી શકીએ એટલા ઓપન છીએ, અને અમારા બેની દુનિયામાં એકમેકથી કંટાળી ન જઈએ એટલા ક્લોઝ છીએ. મને એનરિકના સંતાનોની મા બનવું ગમશે. આમે મને લોકોની સંભાળ લેવી ગમતી હોય છે.'
૨૦૧૭માં કોઈને પ્રેગનન્સીની પણ જાણ ના થઈ ને સેલિબ્રિટી કપલ જે કાયમ પ્રાઇવેટ લાઇફને મીડિયાથી દૂર રાખવામાં કામિયાબ હતું એમને ત્યાં ટ્વીન્સ આવ્યા હોવાની વધામણી ઇન્સ્ટાગ્રામ ફોટોથી વિશ્વને મળી. પછી બેઉ જોડે એનાના ભાઈના જન્મદિવસે એક બીચ પર દેખાયા. ૨૦૨૦માં એનાએ એનરિકના ત્રીજા સંતાન એક દીકરીને જન્મ આપ્યો. વચ્ચે એકવાર એ પાર્ટનર એનરિકના ગીત પર નાચતી હોય એવો હોમ મેઇડ વિડિયો એણે મૂકેલો. એકવાર ૨૦૨૨માં યોટ પર ફૂલફેમીલી ફોટો બેઉએ શેર કરેલો. બસ. બંનેના ફિગર પણ મેઇન્ટેઇન રહ્યા છે, ને લગ્ન વગરનું યુગલત્વ પણ. એનરિકે કહેલું એમ બાળકો પછી ય સેકસલાઇફ ગ્રેટ છે. બેઉ વચ્ચે ને એના ઇઝ વન્ડરફૂલ મોમ! એનાએ એક કેપ્શનમાં લખેલું એનરિક ઇઝ સુપર્બ ડેડ!
બોલો, ક્યાંય સતત પબ્લિક એપ્રુવલ વચ્ચે રિલેશન નથી. અરે મેરેજ કોન્ટ્રાકટ પણ નથી. ડિવોર્સ એલીમનીની શરતો નથી.
છતાં બે એવા નર-નારી સાથે મસ્ત જીવે છે, કંઈકના હાર્ટથ્રોબ છે, જેમની પાસે અફેર કરવાના ઓપ્શનની આજે કમી નથી કે પૈસા-પ્રસિદ્ધિ ઓછા નથી. ડ્રીમ કમ્પેનિયનશિપ એમની સાવ સહજ સેલિબ્રેટ થાય છે. વાઉ, સો એલિગન્ટ, સો બ્યુટીફુલ !
એર્ના બોમ્બેકનું ક્વૉટ છે : મેરેજમાં કોઈ જ ગેરેન્ટી નથી. ગેરેન્ટી જોઈતી હોય તો કારની બેટરી ખરીદો, લગ્ન ના કરો !
બધી વ્યક્તિઓ અલગ હોય છે. એમના ઉછેર અલગ હોય છે. મુશ્કેલી એ છે કે રાઈટ પર્સનને મળ્યાની ઘંટડીઓ તરત જ વાગતા પ્રેમ શરૂ થઈ જાય છે. પણ ખોટી વ્યકિત ભટકાઈ ગઈનો ઘંટારવ વર્ષે, બે વર્ષે શરૂ થાય છે ! હેલ્ધી રિલેશન ત્યારે બને જ્યારે પરસ્પર આકર્ષેયેલા બે વ્યક્તિ લાંબા ગાળા માટે સાથે રહીને એકબીજાનું બેસ્ટ વર્ઝન બનાવવા પ્રયાસ કરે. માત્ર એક આપ્યા કે ચાહ્યા કરે ને બીજામાં કોઈ બદલાવ કે સામા માટેનો ભોગ હોય જ નહિ તો એ ભોગ (ત્યાગ) વિના સહજીવનનો ભોગ (આનંદ) મળે જ નહિ !
સંબંધમાં પ્રેમ અનિવાર્ય એટલે હોય છે કે જેમ ઓઈલ કે સાબુ કડક થયેલી વીંટીને આંગળી પરથી કાઢવાની સુંવાળપ આપે, એમ પ્રેમ એકબીજામાં જે મર્યાદા, ખામી, ખૂબી, વિશેષતા ને એને લીધે જન્મતી આગવી આદતો હોય એની સ્વીકૃતિમાં મદદ કરે. પ્રેમના લ્યુબ્રિકેશનથી અલાયદા વ્યક્તિત્વનો સ્વીકાર સહેલો બને.
લવ થાય ત્યારે પોતાની ફિકર હોતી નથી. સામાનું સુખ જ સર્વોપરી છે. એમાં ક્યારેક આપણી અસલી ઓરિજીનલ સેલ્ફને છેતરીને પણ આગળ વધવાનું થાય છે. બીજાના અવગુણો નજરઅંદાજ થાય છે. હવે તમે જે ટોલરેટ યાને સહન કરો, એ મુજબ જ લોકો તમને ટ્રીટ કરવા લાગે ! એટલે ધીરે ધીરે સહનશક્તિની લિમિટ આવતી જાય. જેમ એક વાર અસ્તવ્યસ્ત કરેલા ઘરને ગોઠવવાથી એ કાયમ ગોઠવાયેલું નથી રહેતું. એને થાક્યા વિના કાયમ ગોઠવ્યા કરવું પડે છે, સફાઈ કરતા રહેવી પડે છે. પણ એ ઘટના જો એકતરફી બનતી જાય તો પ્રેમના આરંભમાં ઓગળી ગયેલો અહંકાર સ્વમાનના સ્વરૂપે ફરી માથું ઉંચકે 'બધી વખતે મારે જ જતું કરવાનું ? મારે જ સાંભળવાનું ? મારી આટલું આપવા છતાં કદર નહિ ? મારી નોંધ સરખી નહિ ?' ને એમાંથી કાં સિરિયસ દલીલો ને ઝગડાનો ઝેરી વિસ્ફોટ થાય, કાં સામેના પાત્રમાંથી રસ બીજે સરકવાની શરૂઆત થાય !
લેખના શીર્ષકની પંક્તિ જુઓ. આમ તો સીતા-રામના જીવનમાં પણ એ સત્ય હતું. માત્ર ધનુષ કે સ્વયંવરથી સહજીવન શરૂ થયું - પણ એમાં કસોટીઓ કેવી ને કેટલી આકરી આવી ને બધા સામે ઝઝૂમી ભેગા થયા તો બીજાઓની કૂથલી પંચાતે સુખ છીનવી લીધું. સામાન્ય માણસ આજે સંસારમાં ધનુષ નથી તોડતો, કમાવાની દોડધામમાં - નાના નાના સુખ પામવામાં એણે જાત તોડી જીવવું પડે છે. ગુલઝારે રોમેન્ટિક શાયરી છતાં પ્રેમ નિષ્ફળ ગયો ત્યારે કહે છે : ક્યા ફર્ક પડતા હૈ ગલતી તેરી હો યા મેરી હો ! રિશ્તા તો હમારા થા ના ! (શીર્ષક : ઉર્વીશ વસાવડા)
ફાસ્ટ ફોરવર્ડ :
''સંબંધ જોડવો એ માટી પર માટીથી લખવા જેટલું સહેલું છે. પણ એ સંબંધને ટકાવી રાખવો એ પાણી પર પાણીથી લખવા જેટલું અઘરું છે !'' (જેમાં સરસ રીતે પતિ-પત્નીના સંબંધની છણાવટ માનસિક મેચ્યોરિટી સાથે છે, એવા ઘણા વખતે આવેલા હટ કે અને ઉત્તમ ગુજરાતી નાટક 'માધુરી દીક્ષિત'નો સંવાદ)