લોહિયાળ લવ, રક્તરંજિત રોમાન્સઃ દિલ કા ખિલૌના હાયે તૂટ ગયા....
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- જેમાં પાર્ટનરનું મર્ડર કરી દેવાય એ સંબંધ શું પ્રેમ છે? ના, આ તો વહેમ છે, સ્કેમ છે! દુર્ભાગ્યે જગતભરમાં આવા સડેલસાયકોઝ પ્રેમના લાલ રંગને કાળો બનાવવા માટે માનવભક્ષી બનીને બેઠા છે
અ નિલ કપૂર - માધુરી દીક્ષિતની તેજાબ ફિલ્મ આવેલી એની ટેગલાઈન હતીઃ અ વાયોલન્ટ લવસ્ટોરી.
આ બધી વાયોલન્ટ લવ સ્ટોરીઝમાં જો કે પ્રેમીઓ નહિ પણ પ્રેમના દુશ્મનો મારતા હતા. પણ પ્રેમને લીધે પ્રેમ કરનારા જ મરે એવું ક્યારે થાય? જવાબ શેકસપિયરના બે જગવિખ્યાત નાટકોમાં છે. 'રોમિયો એન્ડ જુલિયેટ' અને 'ઓથેલો'. કાં તો પ્રેમીઓના ખાસ તો પરિવારની મર્યાદા ને પ્રતિષ્ઠા ભંગ કરવાના 'ગુના' સબબ એમના જ સ્વજનો 'સમાજ' નામની ઇન્વીઝિબલ એન્ટીટીની બીકે ઓનર કિલિંગમાં પોતાના સંતાનો માટે હત્યા કરી દે. અથવા જે લવર હોય એ જ ગુસ્સામાં, કે પછી શંકા કે અન્ય લફરાં કે ફાયદા માટે ખુદ બીજા સાથીને મારી નાખે!
આ બીજો પ્રકાર ન્યૂઝમાં જેટલી વાર ચમકે એટલી વાર કલેજે કાતિલ શેરડો પડે છે કે એવો કેવો આવેશ કે આયોજન, ગરમ ભેજું કે ઠંડુ કલેજું કે જેને પ્યાર કર્યો, જેની સાથે સહવાસ કર્યો, જેની જોડે બે બદન છતાં હોંઠો અને શ્વાસો એક કર્યા કે એના ખ્વાબ જોયા એને જ મારી નાખવાના? અને વધુ જઘન્ય રીતે એ પછી કશું બન્યું જ નથી એમ પાછો કોઈ બીજા સાથે પ્રેમ કરવાનો!
યાદ હોય તો નીરજ ગ્રોવર મર્ડર કેસ પરથી રામગોપાલ વર્માએ આખી ફિલ્મ બનાવી હતી. જેમાં મારિયા સુસીરાજ નામની મોડેલે એના બોયફ્રેન્ડ નીરજનું અન્ય બોયફ્રેન્ડ જે વળી આર્મી (હા ભારતીય સેના)નો લેફ્ટનન્ટ હતો એવા મેથ્યુ સાથે મળી ખૂન કરેલું અને પછી લાશના કટકા કરી નિકાલ કરવાનું શરુ કરેલું! ઇનફેક્ટ, એવી જ ફિલ્મ બની ગઈ એ વર્ષોમાં જે સમયે ના તો સોશ્યલ નેટવર્ક હતું, ના કોઈ ક્રાઈમ ડ્રામા સિરીઝ હતી. યાદ છે? નૈના સહાની તંદૂર કાંડ? જેમાં પોતાની ખૂબસુરત પત્નીને પતિ સુશીલ શર્માએ કાપીને દિલ્હીની હોટલના તંદૂરમાં લાશ ભૂંજી નાખી હતી?
આવા તો ઘણા કિસ્સા છે. ધ્રુવનારાયણ સિંહનું નામ શાહલા મસૂદની હત્યામાં અને ચાંદનું ફિઝા માટે ચકચારે ચડેલું, એ બધું તો હવે ભૂલાઈ પણ ગયું. પણ આવી ધૃણિત સ્મૃતિઓના સાપોલિયાં વિષડંખ મારવા લાગ્યા જ્યારે તાજેતરમાં હેડલાઈન ભરખી જતી કાળમુખી ઘટના સામે આવી. પ્રેમ ખાતર પરિવાર મૂકી આફતાબ સાથે રહેતી શ્રદ્ધાની હત્યા કરી પ્રેમી ઉફ્ફ, રાક્ષસ આફતાબે એના ૩૫ કટકા કર્યા. એ માટે ફ્રિજ લઇ એમાં રાખી ટુકડે ટુકડે એનો નિકાલ કર્યો! પહેલા શ્રદ્ધાના દિલના અને પછી ડીલના ટુકડા કરી એ ફ્રિજમાં ભરી પાછો એ નરપિશાચ બીજી ગર્લફ્રેન્ડસને ત્યાં બોલાવી એની જોડે સુતો! આમ તો મહિનાઓ નીકળી ગયા!
આ ઘટના હિંદુ-મુસ્લિમ એન્ગલને અને દિલ્હીના લોકેશનને લીધે તરત જ ચર્ચામાં આવી. પણ બીજી એક એવી ધૃણાસ્પદ ઘટના એ પહેલા બની હોવા છતાં એટલી નોંધ ના લેવાઈ. મધ્યપ્રદેશના જબલપુરમાં મેખલા રિસોર્ટમાં અભિજિત પાટીદાર નમાના હેવાને એની પ્રેયસી શિપ્રા જરિયાનું ગળું કાપી એ બિચારી ડચકા ભરતી હતી ત્યારે એનો વિડીયો ઉતારી પોતે ખુદ એમાં આવી 'બેવફાઈ નહિ કરને કા' કહીને ઇન્સ્ટાગ્રામ પર મુક્યો! પછી એ ડિલીટ થયો. પોલીસ આ લખાય છે ત્યારે એની ધરપકડ કરી શકી નથી. ફરાર છે. પણ એના સાગરીતો ઝડપાયા છે.
સિક. વાંચીને ય ઉબકા આવે એવી કથિત પ્રેમકથાઓ છે આ બધી. આ વર્ષના જ ન્યૂઝ કેટલા ગોબરા છે. બધાનું નહીં થોડાનું કમને ક્વિક રિકેપ કરીએ. લખનૌમાં નિધિ નામની યુવતીની પેલા શેતાન તૌસિફે પ્રેમ ના કરતી હોવાથી નિકિતાની હત્યા કરી હતી એવા જ કારણે ધરાર પ્રેમી મોહમ્મદ સુફિયાને હત્યા કરી. સુરતમાં પરિવારની સામે અગાઉની પ્રેમિકા અને પછી ના પડવાના અને અપમાન કર્યાના કારણોસર સરાજાહેર ગરદન પર ચાકુ ફેરવી ફેનિલે હત્યા કરી. (પેલો અભિજિત ગુજરાતી હોવાનું પોલીસ મને છે અને એણે ય ફેનિલની જેમ ગળા પર છરી ફેરવી હતી) હરિયાણામાં કોચ પવનકુમારે જેની સાથે અફેર હતું એવી કુસ્તીબાજ નિશાનું પ્રેમસંબંધમાં ઝગડો થતાં અને પોતે પરણિત હોવા છતાં લગ્નનું દબાણ કરી ખૂન કરી નાખ્યું! નિશાની સાથે પવને એના ભાઈ સુરજને ય મારી નાખ્યો અને એની મા પણ ફાયરિંગમાં ઘાયલ થઇ!
બે લગભગ સરખા લાગતા બનાવો તો ગુજરાતમાં જ બની ગયા ને ભારે ચર્ર્ચાયા એટલે ટૂંકમાં યાદ કરી લઈએ. જેની ક્યુટનેસ પર બધા મોહી પડેલા એવો પેલો ૧૦ મહિનાનો બાળક સ્મિત ઉર્ફે શિવાંશ યાદ છે, જે ગાંધીનગરમાં લાવારિસ મળેલો? એની મુસ્લિમ મા મેહંદી/હીનાને એના આશિક સચિન દીક્ષિતે મારી નાખી હતી. મેહંદીએ પણ શ્રદ્ધાએ જેમ મિત્રોને કરેલી એમ અગાઉ પોલીસમાં ટોર્ચરની ફરિયાદ કરેલી. સચિને લિવ ઈનમાં એને રાખી, બાળક થયું એટલે લગ્નનું દબાણ કર્યું પણ સચિન તો ઓલરેડી આરાધનાને પરણેલો એ છુપાવ્યું હતું એણે! પત્નીના દબાણમાં એણે ગળું દબાવી પ્રેેમિકાને મારી નાખી!
અને વડોદરામાં જ અગાઉ બે નિષ્ફળ લગ્નો પછી પ્રેમમાં પડીને પોલીસ અફસર અજય સાથે રહેતી સ્વીટી પટેલને બાળક અંશ બે વર્ષનો થયો ત્યાં ખબર પડી કે અજય તો પરણિત છે ને બીજા અફેર છે. લગ્નના દબાણ ને હકના કજીયામાં અજયે સ્વીટીને મારી અને સફાઈથી એની લાશ એક મિત્રની હોટલ પાસે જઈને બાળી પણ નાખી! સ્વીટીના આગલા ઘરના વિદેશ રહેતા દીકરાએ તપાસ શરુ કરતા અંતે ભાંડો ફૂટયો.
તો વળી બેંગાલુરુમાં ડોક્ટર વિકાસનું એની લિવ ઇન ગર્લફ્રેન્ડ પ્રતિભાએ બે મિત્રો ગૌતમ અને સુશીલ સાથે મળી ખૂન કરી નાખ્યું. પહેલા એવું કહ્યું કે વિકાસે એના ન્યુડ ફોટા બદલો લેવા શેર કરેલા એટલે. પણ પછી ખ્યાલ આવ્યો કે આર્કિટેક્ટ એવી પ્રતિભાને જ બીજા મિત્ર સાથે પ્રેમ થઇ જતા ડોક્ટર બોયફ્રેન્ડ વિકાસનો કાંટો કાઢવો હતો! આમાં સ્ત્રીએ પુરુષને મારી નાખ્યો, મારિયાની જેમ. તો ઉત્તર પ્રદેશમાં ધરાર પ્રેમી પછી પતિ બનેલા ગોવિંદે શંકાને લીધે પત્ની અને સાસુ બેઉને ઊંઘમાં જ મારી નાખેલા!
બસ, લખતા ય મગજ ભારે થઇ જાય એવી કલુષિત કહાનીઓનું લિસ્ટ અહીં અટકાવીએ. પણ જરાક ખંતથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે ભારત તો શું, દુનિયા આખીમાં આવા બનાવો બને છે. જાણીતા ઓ જે સિમ્પસનની જેમ ચર્ચાએ ચડે છે. બાકીના ભૂલાઈ જાય છે. ઘણી વાર તો સ્વજનો જ પ્રેમ કરવાને લીધે સંતાનોને ભૂલી જાય છે. ધર્મ કે જ્ઞાાતિ અલગ હોય ત્યારે ન્યૂઝ ચગાવવામાં આવે વિકૃતો દ્વારા. બાકી મીડિયાને કે તપાસ કરનારને ય ઝાઝો રસ હોતો નથી.
બાળકબુધ્ધિઓ અને પિત્તળભેજાઓનું રિએકશન એવું જ હોય છે દર વખતે કે આ બધું આજકાલના મોબાઈલ કલ્ચર ને ફિલ્મોસિરીયલોને લીધે છે. પ્રેેમ કરાય જ નહી. ને કરો તો મા-બાપની મંજુરી મુજબ સમકક્ષ કે સ્વજ્ઞાાતિમાં, બાકી ભૂલેચૂકે ય અન્ય જ્ઞાાતિ કે ધર્મમાં નહિ.
ત્રણેય મૂળ તો સિલેક્ટીવ મેમેરીઝ છે. વળી સંવિધાનવિરોધી પણ છે, અને ખાસ તો બિનઅસરકારક પણ છે. ઈમ્મેચોર રિસ્પોન્સ. પ્રેમ કદી કોઈ યુગમાં કોઈનાથી અટકતો નથી. કારણ કે એ કુદરતી આકર્ષણ છે. ઉલટું દબાવો એમ વધુ થશે. ઇન્ટરકાસ્ટ કે ઇન્ટરરીલિજીયસ મેરેજ અરે લિવ ઈનમાં ય વર્ષોથી રહેતા હોય સુખેથી એવા ઘણા કપલ્સ નજર સામે જોયા છે. પણ એક ગાડીનો એક્સિડન્ટ થાય એ ન્યૂઝમાં આવે. લાખ ગાડીઓ સલામત પસાર થઇ ગઈ હોય એની નોંધ ના લેવાય.
ઝનૂનનું જોશ મૂકી ઊંડાણનું હોશ પકડી સાચે જ કેટલાક મુદ્દા વિચારવા જેવા છે.
એક, મોટા ભાગના આવા કિસ્સાઓમાં સહન છોકરીએ કરવું પડે છે. પણ ઈગોને લીધે મા-બાપ સંબંધ કાપી નાખે છે કે ખીજાયા જ કરે છે. પોતે ખોટો નિર્ણય લીધો એનો અહેસાસ શ્રદ્ધાની જેમ થાય તો પણ જાયે તો જાયે કહાં? એ વિચાર નથી આવતો કે આફતાબે મારી નાખી પછી મહિનાઓ સુધી શ્રદ્ધા કેમ સંપર્કમાં નથી, દેખાતી નથી એ નોંધ એના જ પરિવારે કદાચ ગુસ્સામાં ના લીધી? બધી સ્ત્રી આથક પગભર કે સેલિબ્રિટી ના હોય. માટે એમને પસ્તાવો થાય કે પાર્ટનર વિશે કોઈ ગંભીર ફરિયાદ થાય ત્યારે મા-બાપ અને સમાજે સમજણવાળો પાછા ફરવાનો રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ ને! ઘણી વાર તો ફેમિલી જ મર્ડર કરી નાખવાના મૂડમાં હોય છે!
બે, અમેરિકામાં કેમ સાયકો કિલર્સ વધુ હોય છે? કારણ કે ત્યાં એકલતા વધુ છે, એકાંત વધુ છે. મહિનાઓ સુધી બાજુમાં કોઈને બાંધી રાખ્યા હોય તો પણ ખબર ના પડે. આપણે ત્યાં આમ બહુ ભીડ હોય છે, પણ હવે બધા પોતપોતાનામાં ખોવાયેલા રહે છે. ફેસ ટુ ફેસ કરતા ફેસબુક પર વધુ મળે છે. બાજુમાં એક બસમાં બેઠા હોય તો ગળાબૂડ મોબાઈલમાં હોય છે. ઘરમાં શું ખાધું એનુંય ધ્યાન નથી રહેતું. એટલે ઘટનાઓ આવા દરેક પ્રકારના ક્રાઈમની વધે છે. માનસિક એકલતા અને સામાજિક એકાંત વધ્યું છે. ઓનલાઈન વિશ્વને લીધે આસાની પણ થઇ ગઈં છે કે ઘેર બેઠા બધું મળે. એને લીધે જીવંત સંપર્ક કપાઈ ગયો છે.
ત્રણ, કોઈપણ રિલેશનમાં ઇન્વેસ્ટ કરવું પડે. પૈસા નહી, સમયનું. ટ્રસ્ટનું, રિસ્પેકટનું. મુલાકાતો વધે. એકબીજાના સ્વભાવ ઉપરાંત એકબીજાના ગુ્રપનો પરિચય થાય. ભૂતકાળની વાતો કે જગ્યાઓની સફર થાય. શોખ માણવાની સાથે કટોકટીમાં કોઈનો ગુસ્સો કે રિએકશન કેવા છે એની ખબર પડે. પછી લાંબા ગાળાનો સંબંધ ખીલે. ઉતાવળમાં જીવતી જનરેશન પાસે આવો સમય હોતો નથી. નિરીક્ષણ કે પરીક્ષણ થઇ જાય એવું શિક્ષણ આપણે ગોખણપટ્ટી ને ડાન્સ-ડ્રેસ-ડ્રાઈવ-ડ્રિંકની સ્માર્ટનેસ સિવાય આપતા નથી. એટલે કાચા લોકો પસંદ થઇ જાય છે.
ચાર, ટોલરન્સ બધે જ ઘટી ગયું છે. એટલે ઝગડા ને મનદુઃખ વધે એ તો સમજ્યા. પણ સાવધાન ઇન્ડિયા ને ક્રાઈમ પેટ્રોલ જેવી કથાઓની અસર ઈરોટિક કન્ટેન્ટ કરતા ય વધુ સ્ટ્રોંગ છે. આપણે સતત આવા વિકૃત સમાચારો હાઈલાઈટ કર્ર્યા કરીએ છીએ. સામે પક્ષે કાયદાનો ડર કે ધાક રહે એવું તંત્ર ખાસ ગોઠવાતું નથી. એટલે ગુનો કરનારને બીક નથી રહી. ન્યાયતંત્ર ધીમો ન્યાય આપશે ને સજા થાય તો મોડી થશે બાકી દલીલોની છટકબારીમાં છૂટી જવાશે એવું એમના સબકોન્શ્યસ માઈન્ડમાં ઠસી જાય છે.
પાંચ, આવું કંઈ બને એટલે તરત પ્રેેમની બદબોઈ ચાલુ થઇ જાય છે. દરેક લવ સ્ટોરીનો અંજામ આવો જ આવે એવું જરૂરી નથી. સૂકા ભેગું લીલું ના બાળી નાખવાનું હોય ડરપોક બનીને. સજા આપવાનું કામ કાયદો ફટાફટ ને મજબૂત થઇ કરે એ માટે શક્તિ ખર્ચવાની હોય. બાકી યાદ રાખજો, ષિકેશના પેલા રિસોર્ટમાં અંકુશ ફિલ્મની અદામાં સેક્સ વર્કર બનવાની ના પાડતા રિસેપ્શનિસ્ટ અંકિતાનું મર્ડર થયું, એમાં એનો છેલ્લો ફોન એના બોયફ્રેન્ડને જ ગયેલો. અને એણે જ પાછળ પડી મામલો બહાર લાવવામાં મદદ કરી. દિલ્હીની નિર્ભયામાં ય રેપીસ્ટ મર્ડરર મવાલીઓ હતા. બોયફ્રેેન્ડે તો એમના હાથે માર ખાધો હતો.
કોઈના હેન્ડસમ ચહેરા પર એ કેવો કાતિલ શાતિર ક્રિમિનલ છે એ તો લખ્યું નથી. પણ છેતરાયા પછી તરત મદદ માટે અમેરિકાના ૯૧૧ જેવી આપણી ક્વિક સિસ્ટમ નથી, અને બીજા લોકો એનું દુઃખ સિરિયસલી લેવાને બદલે એને ટોન્ટ મારે છે. છાપરું કે સહારો આપતા નથી.
છ, આવી ઘટનાઓ વખતે એક હિડન એન્ગલ આવા બેડ બોયઝ કે ફોર ધેટ મેટર ગર્લના પ્રેમમાં પડાય જ કેમ એવી કચકચ ચાલુ થઇ જાય છે. ગમે તેટલી સલાહો આપો કે ધાર્મિક ઉપદેશો આપો, એના મૂળ કારણ સુધી ના જાવ ત્યાં સુધી ખાસ સુધારો આવવાનો નથી. એ કારણ છે સેક્સ્યુઅલ એટ્રેકશન. જેની ઘરમાં તો પુખ્ત વયે પણ વાત કરવી એ ય પાપ માનવામાં આવે છે! આફતાબ લાશ ફ્રિજમાં હતી ત્યારે જે છોકરી ઘેર લઇ આવેલો એ સાઈકિયાટ્રિસ્ટ હતી! ભણેલી સ્ત્રી કે ઉચ્ચ હોદ્દા પરનો પુરુષ પણ હોર્મોન્સથી મુક્ત નથી. આમાં નર નારી બેઉ સરખા છે. વાયોલન્ટ લવ સ્ટોરીઝમાં સ્ત્રીએ ટ્રેપ બનાવી પુરુષને ય મારી નાખ્યા હોવાના બનાવો ઓછા નથી. કોન યાને છેતરપિંડી કરતા સ્ત્રી કે પુરુષો એકથી વધુ સારા ઘરના કહેવાતા પાત્રો સાથે મેરેજ કરી નાખે છે એકસાથે! પણ પેલું દૈહિક આકર્ષણ એક વશીકરણ જેવું છે અને પવિત્રતાની વાતો કર્યે અટકાવી શકાતું નથી. સેક્સને સહજ લેતા થાવ તો ગુપ્ત ને છાનુંછપનું બ્લેક માર્કેટ જેવું ચાલે છે એ પારદર્શક થશે. તો ક્રાઈમ ઘટશે.
સાત, મોસ્ટ ઈમ્પોર્ટન્ટ. આપણે યુવાન સંતાનો પર શિખામણો અને પ્રતિબંધોનો બોજ ખડકી દઈએ છીએ. પણ એને પાર્ટનરની પસંદગી બાબતે સ્નેહથી કશું સમજાવતા કે શીખવાડતા જ નથી. પેરન્ટસ પણ ખાનદાન ને પૈસાના મોહમાં હોય છે. સુખ માત્ર તામઝામથી માપે છે. માણસના ગુણ કે ક્ષમતાથી નહી. એટલે સ્માર્ટ લુખ્ખાઓ સાત્વિક ભોંદુઓ કરતા આગળ નીકળી જાય છે. એરેન્જડ મેરેજમાં ય શું મર્ડર નથી થતાં? જીવતા સળગાવેલા કિસ્સા જોયા છે. સમસ્યા પ્રેમમાં નથી. સમસ્યા છે પરિપક્વતાનો અભાવ. શું ધ્યાન રાખવું લાઈફ પાર્ટનરની ચોઈસમાં. કેવી કઈ રીતે પરખ કરવી અને લોંગ ટર્મ વિઝન રાખવું લિવિંગ ટુગેધરમાં એ સમજવું પડે. બે કલ્ચર અલગ હોય તો કેવા ડિફરન્સીઝ આવશે ને ભવિષ્યમાં એ સહન થશે કે નહિ, એની પ્રેેક્ટિકલ ચર્ચા કરવી પડે. પ્રેમના નામે લગ્નના ખોટા વચનોમાં ભોળવાઈ જતી છોકરીઓએ ય સમજવું પડે કે સેક્સ એટલે મેરેજ થશે એવું નથી. એ માટે ખોટા આંબા-આંબલી બતાવી શકાય. ને છોકરાઓએ ય કે ખાલી ખોટા પ્રોમિસ આપો ને પછી પ્રેશરમાં આવી અપરાધ કરવા લાગો તો આ પ્રેમ નથી. ભ્રમ છે. કોઈકની જાળમાં સામે ચાલીને ફસાવાની મૂર્ખાઈ છે.
યસ, ઈશ્કમાં જેને ચાહતા હોય એને ગમતા હોય એને જાણી જોઇને ઈજા કરવાના વિચાર પણ કેમ આવે? જે ગાલને ચૂમી ભરી હોય ત્યાં તમાચો મારતા કેમ જીવ ચાલે? પુરુષપ્રધાન માનસિકતામાં મને ના કેમ પાડી કહીને ઈગો હર્ટ કરી મારવા ધસી જનાર પાસે હાર્ટ જ ના હોય. આ અહં છે, પ્યાર નથી. પ્રેમ એ કે બીજા માટે તમને કશુક છોડવા ને બદલાવા મજબૂર કરે. પ્રેેમ એ કે મતભેદ હોય કે ક્રોધ હોય તો પણ એની કાળજી ના ચૂકાય. પ્રેમ એ કે એકના મરવાની કલ્પના સુદ્ધાં પોતાના મોત જેવી દાહક લાગે. સહન જ ન થાય વિયોગ. લિવ ઈનમાં સાથે રહેવું એ એકબીજાને સમજવા માટે ને ન ફાવે તો લગ્નના બંધન કે સંતાનની જવાબદારી વિના સહમતીથી છુટા પાડવા માટે છે. પરાણે પ્રીત કરવામાં ફાયદો નથી. ન ફાવે તો સંબંધ પૂરો કરવાનો હોય, વ્યક્તિને પૂરી કરવાની ના હોય. કોઈ દગો કરે તો એને પર્સનલી ખખડાવી નાખો કે જાહેર કાનૂની ફરિયાદ કરો. પણ દગાની સજા મોતથી દેનાર જલ્લાદ ના બનો. એમાં એના કરતા તમારો ગિલ્ટ મોટો બને છે.
આવા તો ઘણા મુદ્દા છે. પણ અહીંથી અટકીએ. આવું કરનારા ક્યાં વાંચીને કહેવાતો પ્રેેમ કરવા જાય છે! પણ, જો વાંચો એટલું યાદ રાખજો, માત્ર બે જ વ્યક્તિ વચ્ચે માથાકૂટ થાય ત્યારે શક્ય હોય તો ઉગ્ર દલીલો ભયજનક અને શંકાસ્પદ હરકતો તરફ કોઈને પ્રેરે એટલી હદે સાચા હોઈએ તો પણ મગજની નસ ખેંચતી ચાલુ ના રાખવી. જરાક સલામતી ને સાવચેતી ખાતર નમતું જોખીને પણ મદદ માંગવી કે નીકળી જવું!
ફાસ્ટ ફોરવર્ડ
'સારા હોવાનું દંભી નાટક કરી કોઈને ભોળવવા કરતા ખરાબ દેખાઈને પણ હો એવા પ્રામાણિક રહેવું સારું. દૂર રહેવું હોય એ દૂર તો રહે.' (લિયો તોલ્સતોય)