Get The App

અમેરિકામાં પાનખર જેવી છટણીની મોસમ

Updated: Nov 20th, 2022

GS TEAM

Google News
Google News
અમેરિકામાં પાનખર જેવી છટણીની મોસમ 1 - image

- યુક્રેન - રશિયા યુદ્ધ, વૈશ્વિક મંદી , ચીનનો પડકાર અને કોરોના પછી જનજીવન નોર્મલ થયું તેમાં વિશ્વની ટોચની ટેકનો કંપનીઓના ધંધામાં કડાકો

- હોરાઈઝન-ભવેન કચ્છી

- ટ્વીટર, મેટા અને એમેઝોન પછી હવે તમામ  કંપનીઓના કર્મચારીઓના શ્વાસ અદ્ધર

અ મેરિકામાં આઇ.ટી. અને કમ્પ્યુટર કંપનીમાં જોબ કરનાર કર્મચારીઓની કહેવતના પ્રયોજન તરીકે નહીં પણ ખરેખર ઊંઘ ઊડી ગઈ છે.રોજ ફફડાટ સાથે થોડી ઘણી મધરાત પછી ભારે માનસિક અને શારીરિક થાક સાથે આંખ મળી હોય ત્યાં ઝબકીને જાગી જઈને સ્માર્ટ ફોનના નોટિફિકેશન જોઈ લે છે. પ્રત્યેક નોટિફિક્શન ટોન વખતે હૃદયના વધતા ધબકારા સાથે સ્ક્રીન પર નજર માંડી લે કે કંપનીએ 'લે ઓફ' (નોકરીમાંથી છટણી)આપ્યો છે તેવો  ઇ મેઇલ તો નથી આવ્યો ને. ભારતમાં અમેરિકાની ટોચની કંપનીઓમાં ફરજ બજાવતાં ઘણાં કર્મચારીઓની પણ છટણી થઈ છે. તેઓના પણ આવા જ હાલ છે.

અગાઉ વર્ષ ૨૦૦૦ના 'ટેક્નો બબલ બર્સ્ટ' વખતે ભારતના કર્મચારીઓ વિશેષ કરીને દર સોમવારે ભારે તનાવ સાથે સતત એવી પ્રાર્થના કરતા કાર ડ્રાઇવ કરીને ઓફિસ તરફ  જતા કે લંચ બોક્સ ઓફિસમાં બેસીને જ  ખોલવાનું નસીબ જારી રહે. તે વખતે ઓફિસમાં પ્રવેશતા નોટિસ બોર્ડ પર જેમની નોકરી ગઈ હોય તેની યાદી મુકાતી તે જોવાની રહેતી. હજારો કર્મચારી વીલે મોંએ, રડતા પરત આવતા. જો કે ભારતીય ખમીર હોઇ ટકી રહ્યા અને ફરી બીજી કંપનીમાં નોકરી કરી અને આગળ આવ્યા.

આ વખતે જરા પરિસ્થિતિ વધુ કફોડી અને કસોટી કરનારી છે. રશિયા - યુક્રેન યુદ્ધને લીધે વૈશ્વિક મંદી અને મોંઘવારી તો છે જ પણ અર્થતંત્ર સાવ ધરાશાયી ન થઈ જાય તેથી ફેડરલ રેપો રેટ અગાઉના રેકોર્ડ તોડતા દર ત્રણેક મહિના વધતા જ રહે છે.

અત્યાર સુધી અમેરિકામાં છેલ્લા છ મહિનાથી કથળતી જતી સ્થિતિ હતી છતાં જોબ માર્કેટ મજબૂત હતું અને આવક જારી હોઇ ડોલર ફરતા રહેતા હતા પણ હવે જોબ માર્કેટ કડડભૂસ થયું છે. અંગ્રેેજીમાં 'બ્લડ બાથ' શબ્દ છે  એટલે કે ખાનાખરાબી કહો કે  ખુનાખરાબી જેવા હાલ છે.

આમ તો અમેરિકાની ટેકનો કંપનીઓ ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં હતી તો પણ સામૂહિક 'લે ઓફ' નો વિચાર અમલમાં મૂકવા માટે સંયમ ધારણ કરીને બેઠેલી પણ ઇલોન મસ્ક ટ્વીટર ખરીદવા જીદ પર ચઢી ગયા. ઇલોન મસ્ક જીનીયસ ટેકનોક્રેટ ખરા પણ સનકી દિમાગ ધરાવે છે.  કોઈપણ ભોગે સોદો પાર પાડવા ૩૩ ડોલરના શેરના આ ભાઈએ ૫૪.૨૦ ડોલર ચૂકવ્યા અને ૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદી વિશ્વને ચોંકાવી દીધું.

અમેરિકામાં મંદીના માહોલમાં અને ભાવિ  બિઝનેસનો પ્રોજેકટેડ રિપોર્ટ જ સાવ ધૂંધળો હતો ત્યારે મસ્કના અવ્યવહારુ જક્કી સોદાની કિંમત ચૂકવવી પડી કંપનીના સ્ટાફે. મસ્કને ભાન થયું કે ઘણું વધુ હોડમાં મૂકી દીધું છે કવર અપ કરવું પડશે અને વધુ એક અનિવાર્ય આંધળુંકિયું કરતા તેણે રાતોરાત ૫૦ ટકા સ્ટાફની છટણી કરી દીધી.

અમેરિકામાં મંદી અને આઇટી તેમજ કમ્પ્યુટર કંપનીઓમાં પ્રોડક્ટ અને સર્વિસ સેક્ટરમાં  આમ પણ ડિમાંડમાં ભારે કડાકો જોવા મળતા મસ્કે કરેલ હકાલપટ્ટીને ઇમેજની પરવા કર્યા વગરના નીડર નિર્ણય તરીકે મૂલવવામાં આવ્યો. એક જ સેક્ટરની લીડર જેવી વૈશ્વિક કંપની આ રીતે નિર્ણય લઈને ન્યુઝ મેકર બને એટલે તેની ટીકા કે મૂલ્યાંકન થાય તેની સાથે બીજી કંપનીઓની પણ હિંમત વધે.

ભયંકર મંદી અને ધંધો તો પડી જ ભાંગ્યો છે તેથી તે પછી મેટા (ફેસબુક), એમેઝોન કે બીજી અગ્રીમ કંપનીઓ જે પણ સામૂહિક છટણી કરે છે તે તેઓની દર ત્રીમાસિક નાણાકીય રિપોર્ટ અને આગામી મહિનાઓમાં ધંધાના ઘટતા જતા ઓર્ડરને આધારે જ થાય છે પણ ઘણી વખત કંપનીઓ તેમની ઈમેજ સાચવવા અને રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા બંધ મુઠ્ઠી રાખીને અમુક મહિનાઓ ખેંચી લે છે. પણ, મસ્કે જાણે કંપનીઓમાં એક  ટ્રેન્ડને જન્મ આપ્યો કે 'ચાલો, આપણે પણ કોસ્ટ કટિંગ માટે કંઇક વિચારીએ. કયા વિભાગો,ટીમની પૂરેપૂરી કે અમુક હજાર કર્મચારીઓનું છટણી માટેના આંકડા નક્કી કરીએ.

અમેરિકા જેવી મહાસત્તા અને તેમાં પણ વિશ્વની ટોચની કંપનીઓ કર્મચારીઓની સામૂહિક  હકાલપટ્ટી કરે તે નિર્ણય વિશ્વ સમક્ષ અમેરિકાના ઘટી રહેલ પ્રભાવ તરફ પણ સંકેત સમાન હોય છે તેથી તેઓ આવા નિર્ણયને અગાઉના વર્ષોમાં પાછો ઠેલતા અને અમુક એક સો, બસ્સો તેવી છટણી નિયમિત  કોઈને ખબર ન પડે તેમ કરતા રહેતા પણ હવે કોઈ છોછ નથી રહ્યો. સોશિયલ મીડિયાને લીધે કંઈ ગુપ્ત પણ નથી રહેતું.

હા,અમે મંદીમાં છીએ, બેકાર છીએ, ધંંધો નથી, નાદાર છીએ, બેંકની નજરે અમે લેણદાર છીએ અને અમારા દેશમાં ગુનાખોરી વધી છે તેવું જાહેરમાં કહેવામાં હવે કોઈને ક્ષોભ નથી. જેના પર વીતે તેને જ ખબર પડે  બાકી છૂટાછેડા ,નોકરી જવી કે  મંદીમાં સપડવાવું અને દેવું હોવું તે હવે સમાજની નજરે બહુ આઘાત કે આંચકાજનક સમાચાર નથી રહ્યા.

બ્રિટનની હાલત નિરાશ્રિતો જેવી છે. યુરોપના તો ક્યારના વળતા પાણી થઈ ગયા. 'અરે, અમેરિકા જેવા સુપર પાવર દેશના આવા હાલ...ના હોય' જેવા ઉદ્દગારો હવે નથી નીકળતા. 

કોર્પોરેટ જગત અને અર્થતંત્રના વિશ્લેષકો કોઈપણ કર્મચારી કે માનવજગતને  આત્મઘાતી વિચારો આવે તેવી  સ્થિતિ સર્જીને તેને રૂપાળું  નામ આપીને તેમના કાર્યને યોગ્ય ઠેરવે છે. વર્તમાન બેરહેમ હકાલપટ્ટીને તેઓ 'કરેકશન' કે 'રેશનલાઈઝ' કરવાના પ્રયત્ન તરીકે ખપાવે છે. જેમ કે 'અમને લાગ્યંા કે અમે જરૂર કરતા ઘણા વધુ સ્ટાફની કંપનીમાં ભરતી કરી હતી તેથી 'કરેકશન' કર્યું. બીજું કારણ એવું હોય છે કે 'કર્મચારીઓની જે તે સમયે ધંધો તેજીમાં હોઇ બેવડા પગારે ભરતી કરી હતી તેવું હવે સમજાય છે. તેથી સ્ટાફને 'લે ઓફ' આપીને હવે ઓછા સ્ટાફ સાથે જે  નવી ભરતી થશે તેને વ્યવહારુ  પગારની રકમ  જ આપીશું.'

સીધી વાત એમ સમજવાની કે જોબ માર્કેટ હવે કાયમ માટે અનિશ્ચિત રહેશે અને જ્યારે કંપનીને ધંધાની સીઝન કે અમુક પ્રોજેક્ટના ઓર્ડર મળશે ત્યારે તેઓ ઊંચા પગારે ભરતી કરશે અને સીઝન કે પ્રોજેક્ટ  પૂરો થતાં 'રામ રામ' કરી દેશે. ભારતનું ઉદાહરણ આપીએ તો  ચુંટણી પહેલા  જોબ તેને અનુલક્ષીને જે પ્રોજેક્ટ હોય તેમાં મળે. ચુંટણી પૂરી થાય એટલે કામ પૂરું. લગ્ન સીઝનમાં જે રોજી, કમાણી હોય તે ઓફ સીઝનમાં મંદ હોય. હવેની નોકરી કંપનીની ડિમાન્ડ સપ્લાય પ્રમાણે રહેવાની.

અમેરિકા જેવા દેશને વૈશ્વિક મંદી, કોરોના તો નડયું જ છે પણ ચીન અને રશિયા જેવા દેશે હાથ મીલાવ્યા હોઇ ઓઇલથી માંડી અનેક ધંધામાં સહન કરવું પડયું છે. અમેરિકાએ ચીનનો વ્યાપારિક પ્રતિબંધ જાહેર કર્યો તેમજ તેઓની કંપનીઓ માટે દરવાજા બંધ કર્યા તો સામે છેડે ચીને પણ તે જ રીતે જવાબ આપતા અમેરિકાને પણ ભારે સહન તો કરવું જ પડયું છે. નોર્થ કોરિયા અને કેટલાક ઇસ્લામ દેશોની ધરી પણ સંરક્ષણ બજેટ ધરખમ વધારવું જ પડે તેવી ખરી. અમેરિકાના તમામ નાગરિકોને કંપની અને સરકાર દ્વારા જે સવલતો અને   ગુણવત્તાસભર જીવનધોરણ પુરુ પાડવામાં આવે છે તેવું ઉચ્ચ સ્તર ચીન, રશિયા કે ભારતમાં નથી. અમેરિકા અને તેનું કોર્પોરેટ જગત કર્મચારીઓ માટે જે બજેટ અને સગવડો, સ્ટોક હિસ્સો જેવો માપદંડ રાખે છે તેવું અન્ય દેશોમાં નથી. એક કર્મચારીને ભરતી આપ્યા પછી ભારતની  કંપનીના કર્મચારી કરતા તેઓ ઘણી વધુ રકમ નફામાંથી ફાળવે છે.

અમેરિકામાં આઇટી અને કમ્પ્યુટર કંપનીઓ દ્વારા હજારોની સંખ્યામાં છટણી થઈ રહી છે તેનું વૈશ્વિક મંદી અને રશિયા - યુક્રેન યુદ્ધ ઉપરાંત એક મહત્વનું કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે કોરોનાના વર્ષો દરમ્યાન વિશ્વના નાગરિકો ઘરમાં જ રહ્યા. તે પછીના કેટલાક મહિનાઓ પણ કોરોના કાળ જેવી જ જીવન શૈલી વિશ્વની રહી. તે વખતે આઇટી અને કમ્પ્યુટર કંપનીઓ ફૂલગુલાબી તેજીમાં હતી. વિશ્વ આખું ઓનલાઇનમાં જ જીવન વીતાવતાં થઈ ગયેલું. કોરોનાની રસી, રજીસ્ટ્રેશન, કન્સલ્ટિંગ બધું જ ઓનલાઈન રહેતું. શિક્ષણ,વ્યવસાય અને નોકરી પણ ઘેરથી જ થતી. સોશિયલ મીડિયાનો રેકોર્ડ  ઉપયોગ થયો. ઝૂમ, ગૂગલ, વેબેક્સ જેવી મિટિંગ, ઓનલાઇન મનોરંજન, સ્ટ્રીમિંગ તેની પરાકાષ્ટાએ હતું. આ વખતે કંપનીઓને પહોંચી ન વળાય તેવા પ્રોજેક્ટ હતા. 

કોરોના પછી પણ લગભગ કાયમ માટે આવું જ જીવન ધોરણ માનવજગત અપનાવશે તેમ કંપનીઓ માનતી હતી. સમાજ શાસ્ત્રીઓ પણ આવી જ આગાહી કરી ચૂક્યા હતા. કંપનીઓએ એવી કેટલીયે પ્રોડક્ટ  પણ સંશોધન ટીમ રોકી બહાર પાડી જેમાં 'આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ' (એ.આઇ.) કે રોબોટિક હોય. ઉદાહરણ તરીકે ગૂગલ કે એમેઝોનના વોઇસ આસિસ્ટન્ટ કે રિમોટ કન્ટ્રોલ ધરાવતી અન્ય એવી ઘણી પ્રોડક્ટ છે જેની ધારી હતી તેવી માંગ જ ઊભી ન થઈ. જેઓની પાસે પ્રોડક્ટ છે તેઓ તેનો ઉપયોગ નથી કરતા આ ઉપરાંત કલાઉડ ગેમિંગ, હ્મુમન રિસોર્સ જેવા વિભાગોમાંથી વ્યાપક છટણી થઈ છે. કોરોના પછી જનજીવન સામાન્ય થયું તેમ ફરી ઓનલાઇન સેવા, મીડિયા અને મનોરંજન, એપ્સ અગાઉની માત્રામાં આવી ગયું. ટેબ અને પર્સનલ કમ્પ્યુટર અને સ્માર્ટ ફોન તેમજ ગેજેટ્સના વેચાણ ચિંતાજનક રીતે ઘટયા. વર્ચ્યુઅલ મિટિંગમાં કડાકો જોવા મળ્યો.

ઘણાને ખબર નહીં હોય કે ગૂગલ અને ફેસબુક જાહેરાતની આવક પર જ નભે છે. તેઓને મળતી જાહેરાતમાં પણ કોરોના પછી ઓનલાઇન દુનિયા ઓછી થતાં ચિંતાજનક ઘટાડો થયો.જેમ કોરોનાનાં બે વર્ષ કેટલાયે ધંધા ચોપટ થઈ ગયેલા તેની સામે કેટલાયે ધંધાઓએ બે પેઢીનું કમાઈ પણ લીધું છે જેમાં ફાર્મા, મેડિકલ, હાઇજીન - માસ્ક - ઑક્સિજન  અને આઇટી તેમજ કમ્પ્યુટર કંપનીઓ કહી શકાય.

તે વખતે કંપનીઓએ મોટી સંખ્યામાં ભરતી કરી હતી. આ ધંધો અને ટ્રેન્ડ, જીવન પદ્ધતિ જારી રહેશે તેમ માની લીધેલું અને હવે કોરોના પછી 'ન્યુ નોર્મલ' ફરી 'નોર્મલ' થયું અને કંપનીઓને નાહી નાંખવાનું થયું છે.

હવે કંપનીઓ વાસ્તવિક અને સાતત્ય સાથેના બજારના સંદર્ભમાં સ્ટાફ રાખી આગળ વધશે.કંપનીઓ અને કર્મચારીઓ માટે કોરોના પછીનો કાળ કપરો પુરવાર થયો.

ભારતમાં બેરોજગારી, નાણાંની ભીડ, દેવું, બેંકમાં  ડીફોલ્ટ થવું , આત્મહત્યાના વધતા કેસો હેઠળ બધું દબાયેલું અને છૂટુંછવાયું રહે છે.   વડીલો સાથે રહીને કે વડીલો દ્વારા વારસામાં મળેલા ઘરને કારણે પણ એક આખી પેઢી સચવાઈ જાય છે... વિદેશમાં જીભ પર કાયમ પિઝાની ગોળ ફરતી ધાર છે અને નોકરીમાં કાયમ માથે લટકતી તલવાર છે.

જ્ઞાન પોસ્ટ :

હવે જીવનની નાવમાં બેસી જ ગયા છો અને નાવ ચાલવા પણ માંડી છે. હવે કિનારે હસતા હસતા પહોંચવું છે કે રડતા રડતા તે તમારા પર નિર્ભર છે. મધદરિયે ઝંપલાવવું જ પડે તો પણ મદદ માટે કોઈ નાવ આવી જ શકે છે... કદાચ જ્યાંથી નીકળ્યા હો કે પહોંચવા માંગતા હો તેના કરતા વધુ સ્વર્ગીય અનુભૂતિ કરાવતો ટાપુ મળી પણ જાય તેવી પણ જરૂરી પડયે આશા રાખો.

પણ હા, આ નાવમાં જ બેસીને યાત્રા કરવી છે તો હસતા હસતા જ  કેમ મુકામ સુધી ન પહોંચવું.