ભદ્રંભદ્ર .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
દોલતશંકરને સ્વપ્નમાં શંકર દેખાયા. શંકરે ત્રિશૂળ ઉગામ્યું, 'દોલત જેવા યવનશબ્દને તેં મારી સાથે જોડયો?' દોલતશંકર પાણી પાણી થઈ ગયા. તેમણે બીજા જ દિવસે 'ભદ્રંભદ્ર' નામ ધારણ કર્યું
ગુ જરાતીની શ્રે હાસ્ય-નવલકથા એટલે રમણભાઈ નીલકંઠની 'ભદ્રંભદ્ર.' જડ રૂઢિવાદીઓનો ઉપહાસ કરતી આ પ્રશિષ્ટ સાહિત્યકૃતિ ઇ.સ.૧૯૦૦માં પ્રકટ થઈ હતી. આજેય ક્લિષ્ટ, સંસ્કૃતપ્રચૂર સંભાષણ કરનારને ભદ્રંભદ્ર કહેવામાં આવે છે. વર્ણન કરવાથી સાકરનો સ્વાદ ન આવે. થોડાં પ્રકરણ ચાખીએ?
કથાનાં મુખ્ય પાત્રો છે ભદ્રંભદ્ર અને તેમનો શિષ્ય અંબાલાલ. આખી કથા અંબાલાલના મુખે કહેવાઈ છે. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી આ પહેલી જ ગુજરાતી નવલકથા. સુધારાવાદીઓનો વિરોધ કરવા મુંબઈના માધવબાગમાં સભા યોજાઈ છે એ જાણતાંવેંત દોલતશંકરે (ભદ્રંભદ્રનું મૂળ નામ) ત્યાં જવાનો નિર્ધાર કર્યો. પ્રયાણની આગલી રાતે દોલતશંકરને સ્વપ્નમાં શંકર દેખાયા. શંકરે ત્રિશૂળ ઉગામ્યું, 'દોલત જેવા યવનશબ્દને તેં મારી સાથે જોડયો?' દોલતશંકર પાણી પાણી થઈ ગયા. તેમણે બીજા જ દિવસે 'ભદ્રંભદ્ર' નામ ધારણ કર્યું. (સવાસો વરસે ય પરિસ્થિતિ એવી ને એવી છે: અમુક જૂથો કહે છે કે 'દિવાળી મુબારક' ન બોલાય કારણ કે 'મુબારક' યવનશબ્દ છે!) અંધશ્રદ્ધાનો ઉપહાસ કરવાની એકેય તક લેખક છોડતા નથી'
'લોકો અજાણપણે આગલે નામે બોલાવી દોષમાં ન પડે માટે કપાળ પર મોટા અક્ષરે 'ભદ્રંભદ્ર' નામ લોઢું તપાવી પાડવું એવો ભદ્રંભદ્રનો વિચાર થયો. પણ મેં શંકા કરી કે આ નામ શિવને પસંદ પડે પણ વખતે બીજા કોઈ દેવને નાપસંદ પડે તો પછી ઊલટી પીડા થાય. છાપેલું નામ નીકળે નહીં અને તેત્રીસ કરોડ દેવમાંથી કોઇના મિજાજ કેવા હોય અને કોઇના કેવા નહિ, માટે સર્વ દેવોની મરજી જણાઇ જાય ત્યાં સુધી કાંઇ કાયમનું પગલું ભરવું નહિ.'
બે શેર યાદ આવે છેઃ
'હું હજીયે એકડા પર
એકડો ઘૂંટયા કરું,
આપને તેંત્રીસ કોટિ
કેવી રીતે આવડયા?
મંગળા ત્રણસો, શયન સો,
દોઢસોમાં રાજભોગ,
આપને ઠાકોરજી
બહુ વાજબી ભાવે પડયા'
ભદ્રંભદ્ર અને અંબાલાલ સ્ટેશને પહોંચ્યા.
બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, 'શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.' ટિકિટ માસ્તર પારસી હતો. તેણે કહ્યું, 'સું બકેચ ? આય તો તીકીટ ઑફિસ છે.' ભદ્રંભદ્રે ઉત્તર દીધો, 'યવન ! તેથી હું અજ્ઞા નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.'
(લેખકે સંસ્કૃતપ્રચૂર ભાષાને પારસી ગુજરાતી સાથે ટકરાવીને ભાષાગત હાસ્ય નિપજાવ્યું છે. તે પછીનાં વર્ષોમાં જ્યોતીન્દ્ર દવેએ પારસી સંવાદોનો કરેલો સફળ વિનિયોગ ('અશોક પારસી હતો' 'મહાભારત:એક દ્રષ્ટિ') આપણને સહેજે સાંભરે. મુંબઈની ટિકિટને 'મોહમયીની મૂલ્યપત્રિકા' કહેતા ભદ્રંભદ્ર અન્ય જીભતોડ શબ્દપ્રયોગો પણ કરે છે: કંઠલંગોટ (ટાઈ), અશ્વદ્વયા કૃષ્ટચતુષ્ચક્ર કાચગવાક્ષ સપાટાચ્છાદન સમેત રથ (મોટર ગાડી), અગ્નિ રથ વિરામ ગમન નિગમન સૂચક દર્શક લોહ પટ્ટિકા (રેલવે સિગ્નલ) ઇત્યાદિ. સાક્ષરયુગમાં એક તરફ પ્રાચીન સંસ્કૃતિના હિમાયતી મણિલાલ નભુભાઈ વગેરે અને બીજી તરફ સુધારાવાદી રમણભાઈ નીલકંઠ વગેરે વચ્ચે ઉગ્ર ચર્ચાઓે ચાલતી હતી. આ નવલકથામાં રૂઢિચુસ્તોનાં દંભ અને હઠધર્મિતા પર વ્યંગ કરાયો છે.)
રેલવેમાં તો અઢારે વરણનાં પ્રવાસીઓ હોય, હવા 'અભડાયેલી' હોય, માટે ભદ્રંભદ્રનો 'વિચાર તો એટલે સુધી થયો કે શ્વાસ પણ સ્ટેશન આવે ત્યારે નીચે ઊતરીને લેવો અને ગાડી ચાલતી હોય તે વેળા પ્રાણાયામ કરી બેસી રહેવું.' અંબાલાલે દલીલ કરી કે 'ગાડી દોડે એટલે હવા તો બદલાતી જાય અને બહારની હવા આવે, તેથી શ્વાસ લેવામાં હરકત નથી.' (આ પુસ્તક પર ઈ.સ. ૧૬૦૫માં પ્રકટ થયેલી સ્પેનિશ નવલકથા 'ડોન કિહોટે'ની ખાસી અસર પડી છે. ભદ્રંભદ્ર અને ડોન કિહોટે બન્ને કલ્પનાવિહારમાં રાચતા હોવાથી ઉપહાસપાત્ર બને છે. કિહોટેનો નોકર સાંચો પાંઝા ઠાવકી બુદ્ધિનો હતો, તે રીતે ભદ્રંભદ્રનો શિષ્ય અંબાલાલ અહીં વ્યવહારબુદ્ધિથી કામ લે છે.) ટ્રેન ઊપડતાંવેંત ભદ્રંભદ્ર અને અંબાલાલ બોલી ઊઠયા, 'માધવબાગ કી જે!' કોઈએ પૂછયું, માધવબાગ વળી શું છે? આઘાત પામી ભદ્રંભદ્રે તેને કહ્યું:
'કેવી મૂર્ખતા ! માધવબાગની વાત જાણતા નથી ? જે સભાના સમાચાર દશ દિશામાં પ્રસરી રહ્યા છે... જે સભાના સમાચારના આઘાતથી.. દધિસમુદ્ર શાકદ્વિપને ઉલ્લંધી દુગ્ધસમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે, જે સભાના સમાચારથી સુધારાવાળા, યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતાં પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે ... તે માધવબાગની સભાથી તમે અજ્ઞા છો?.. આપણી આર્ય નીતિરીતિગીતિધીતિપીતિભીતિ, અહા કેવી તે ઉત્તમ! અહા ! જય જય શ્રી રંગ રંગ ! ઉમંગ ! નંગ!.. આપણા મુનિઓ ત્રિકાળજ્ઞાાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી...આ મૂર્ખ માધવબાગ સભા વિશે કેવળ અજ્ઞા છે... તારાથી ગધેડા...'
(હજાર-બે હજાર વર્ષ પહેલાં પુરાણોમાં વર્ણવેલી ભૂગોળ અને ખગોળને કેટલાંક આજેય સાચાં માને છે. 'જય શ્રી રંગ! ઉમંગ!'ના પ્રાસમાં 'નંગ!' શબ્દ બેસાડી દઈને લેખક પોતાનો અભિપ્રાય-મૂછમાં મરકીને- આપી દે છે.)
જેને ઉદ્દેશીને ભદ્રંભદ્રે મૂર્ખ,ગધેડા વગેરે અપશબ્દો કહ્યા તેણે તેમને ધોલ જમાવીને પાડી નાખ્યા. આ પ્રસંગમાં અને પારસી ટિકિટ કારકૂને ચોડેલા લાફાના પ્રસંગમાં માત્ર સ્થૂળ હાસ્ય નીપજે છે. ટ્રેનમાં એક સહપ્રવાસી ભદ્રંભદ્રને કહેવા લાગ્યો:
'અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા, તે કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડાં ખાવાની ના લખી છે. કેમ કે તેનો આકાર શંકુ જેવો છે અને તેથી તેમાં બ્રહ્માજીનો વાસ છે, કારણ કે અસલ બ્રહ્માંડરૂપી ઈંડુ શિંગોડાં જેવું શંકુ આકારનું હતું.'
અતાર્કિત શાસ્ત્રાર્થ પર અહીં વ્યંગ કરાયો છે. શિંગોડા તો આખા ગામે ખાધાં હતાં, માટે સામૂહિક પ્રાયશ્ચિત્ત નિમિત્તે શાસ્ત્રીએ દરેક પાસેથી રૂપિયો ઉઘરાવ્યો. (મધ્યયુગમાં વિશ્વ આખામાં ધર્મને નામે શોષણ કરાતું હતું. વેટિકનમાં સ્વર્ગ વેચાતું હતું. મહેંદ્ર જોશીએ નોંધ્યું છે તેમ આ નવલકથા સેમ્યુઅલ બટલર રચિત દીર્ઘકાવ્ય 'હુડીબ્રાસ' સાથે સામ્ય ધરાવે છે. 'હુડીબ્રાસ'માં તત્કાલીન પ્યુરિટન ધર્મ પર કટાક્ષ કરાયો હતો.) ટ્રેનમાં હરજીવન નામે ઠગ ભદ્રંભદ્રને મુંબઈ વિશે માહિતિ આપે છે:
'એટલું મોટું ગામ કે ભૂલા પડો તો પત્તો જ નહિ, તે માટે ઠેરઠેર ટપાલ સારુ લોઢાના થાંભલા દાટેલા છે. રસ્તો ના જડે તો કપાળે ટિકિટ ચોડીને સરનામુ લખી ત્યાં ઊભા રહેવું એટલે ટપાલની ગાડી આવે તેમાં આપણને લઈ જઈ મૂકી આવે.'
(સુરતનાં બાળકો મુંબઈ વિશે કેવી મનઘડંત કલ્પનાઓ કરતાં હતાં તે વિશે જ્યોતીન્દ્ર દવેએ નિબંધ લખ્યો છે.) ટ્રેનમાં મળી ગયેલાં શઠપાત્રો- હરજીવન, રામશંકર, શિવશંકરની સરખામણી જાણકારોએ ડિકન્સના 'પિકવિક પેપર્સ'ના કુ-પાત્ર જોબ ટ્રોટર સાથે કરી છે. ચાલો, અંબાલાલ સાથેનો હરજીવનનો સંવાદ સાંભળીએ:
'ક્યાં રહેવું?'
'અમદાવાદ'
'બ્રાહ્મણ હશો.'
'હા'
'છોકરાં છે કે ?'
અંબાલાલે 'ના' કહીને વાત બંધ કરાવવા આડું જોયું. પણ પેલો કેડો મૂકે તો ને? તેણે ફરી પૂછયું, 'બાયડી તો હશે ?' અંબાલાલે ડોકું ધુણાવ્યું. પેલાએ પ્રશ્ન જારી રાખ્યા, 'પરણેલા જ નહિ કે મરી ગઈ છે ?'
'મરી ગઈ છે.'
'સુવાવડમાં મરી ગઈ ?'
'તાવ આવતો હતો.'
'કોઈ સારો વૈદ નહિ મળ્યો હોય, કે દાક્તરનું ઓસડ કરતા'તા ?'
'વૈદનું.'
'કયા વૈદનું ?'
'તમે નહિ ઓળખો.'
'પણ નામ તો કહો!'
જ્યોતીન્દ્ર દવેએ વણથંભ્યા પ્રશ્નો પૂછયે જનાર પાત્ર વિશે ''?'' શીર્ષકથી નિબંધ લખ્યો છે, એની પ્રેરણા ક્યાંથી મળી તેને વિશે કોઈને છે કંઈ પ્રશ્ન?
ભદ્રંભદ્ર અને અંબાલાલની આગગાડીની સફર આગળ ચાલે છે. ચાલતી ગાડીએ ચડી જનારાં ઘણાં જોયાં; આપણે ચાલતી ગાડીએ ઊતરી જઈએ..