Get The App

કરિશ્માતી રાણી રૂપમતી

- રસવલ્લરી- સુધા ભટ્ટ

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News
કરિશ્માતી રાણી રૂપમતી 1 - image


માંડુને વર્તુળાકારે ઘેરીને ઊભેલી છ જાળી દીવાલો 45 કિ.મી. જેટલી લાંબી છે

ભારતના અનેક પારંપરિક શહેરોની જેમ મધ્ય પ્રદેશના માંડુ અથવા માંડવગઢની રચના પણ ઐતિહાસિક વાસ્તુકળાનો જાણે કે એક બોલતો પુરાવો છે. કોટની રાંગે રાંગે અમદાવાદની યાદ અપાવતા બાર દરવાજાઓ અને એની અંદર શ્વસતી પોળો છે. આલમગીર દરવાજાને વીંધીને આજે પણ મુખ્ય રસ્તો પસાર થાય છે. રામપોળ દરવાજા, જહાંગીર દરવાજા, તારાપુર દરવાજા ઇત્યાદિ દરવાજાઓ મજબૂત કિલ્લેબંધી અને અનેક બુરજો તરફ તાકીને એ લશ્કરી કિલ્લાના ભવ્ય ભૂતકાળને વાગોળી રહ્યા છે. અલબત્ત, તેરથી સોળમી સદી દરમ્યાન નિર્માણ પામેલા બહુમૂલા સ્થાપત્યોના બિસ્માર ભગ્નાવશેષો આજે પણ એની ભવ્યતાનાં રૂડાં ગુણગાન ગાય છે. મુગલરાજ દરમ્યાન માંડુ એક સુંદર હવાખાવાનું સ્થળ ગણાતું. એની ભવ્યતામાં ચાર ચાંદ લગાવતા એના અઢળક બહુઆયામી ઉત્સવોમાં રસિકજનો મ્હાલતા અને માળવાના લોકગાયકો તથા સંગીતકારો સુલતાન બાઝ બહાદુર અને રાણી રૂપમતીનાં પ્રણયફાગને ખૂબ લાડ લડવી સૂરીલો ડાયરો જમાવતા જેની ગૂંજ છેક પર્વતની ટોચે ગરવી ઊંચી ડોકે ઊભેલા કિલ્લા પર પડઘાતી જ્યાં રાણી રૂપમતીનો મહેલ હતો. અરે ! હજી આજે પણ એ મહેલના પ્રાંગણનો ગેરૂખો સ્વયમ્ એયને સામે નીચે ઊભેલા બાઝ બહાદુર પ્રેમીના મહેલને અનર્ગળ નયને તાકી રહ્યો છે. એનું કારણ છે. રાણી સ્વયમ્ પર્વતની કલગી સમા શોભતા મંડપ જેવી રચના (પેવેલિયન) કને ઊભાં રહી પ્રિયતમ બાદશાહના પ્રાસાદ ભણી તાકતાં રહેતાં અને અફઘાની સ્થાપત્યની ભવ્ય છાપને નજરોમાં મઢી દેતાં. પોતાના એકાંતવાસના પોત પર તેઓ સ્મૃતિઓથી ભરપૂર સમૃધ્ધ સાહિત્ય રચનાઓ રૂપી ભરતકામ કરતાં.

અનિચ્છાએ કાંઈ આપવું એ તો દંડ ભર્યા સમાન છે - રાણી રૂપમતી

કહેવાય છે કે શિકારે ગયેલા બાઝબહાદુરને એક વાર હસતી રમતી, નાચતી-ગાતી કન્યા રૂપમતીનાં દર્શન થયાં. માળવામાં જન્મેલી એ ગ્રામબાળાને સુલતાન માંડુ લઇ આવ્યા. કવયિત્રી અને ગાયિકા રાણીએ ગીતો, દોહા, કવિતા, સવૈયા જાતે જ સંગીત નિયોજનમાં ઢાળેલાં જેને આજે પણ માંડુમાં લોકગાયકો લલકારે છે. રાણીએ એમાં સુલતાન સાથેની રોમાંચક પળોને વણી લીધી હતી. પોતાનાં ઋજુ સર્જનને કારણે તેઓ 'લેડી ઑફ લોટસ' કહેવાયાં. અંતિમ માળવા પતિ બાઝ આ કમલાંગિનીના ગળાડૂબ પ્રેમમાં હતા. બન્નેનું મૃત્યુ ૧૫૬૧માં થયેલું. રાજાનું મૃત્યુ યુદ્ધ દરમ્યાન અને રાણીએ વીંટીમાહ્યલા હીરાનો ભૂકો (ડાયમન્ડ ડસ્ટ) ચૂસી લીધેલો તે બાદશાહ અકબરના ખાસ માણસ અધમ ખાનને કારણે. અભિમાન તૂટયાથી ઘાયલ બાદશાહ અકબરે મધ્યપ્રદેશના માળવા પ્રદેશના ધાર જિલ્લાના સારંગપુર ખાતે ૧૫૬૮માં બાઝનો મકબરો બંધાવી, ઉપર કોતરાવ્યું 'આશિક-ે-સાદિક' અને રાણીની સમાધિ પર લખાવ્યું 'શહીદ-એ-વફા'. આ અધૂરી પ્રેમકહાણીના પાત્રોની વાર્તાય સુંદર અને પ્રેમથી ભીંજાયેલા સ્થાપત્યોય સુંદર ! ધર્મ બંધનથી પર એવા આ પ્રેમીપંખીડાં કિલ્લાના એ મહેલમાં છ વર્ષ માટે રહ્યાં. કળા અને સંગીત જેવી ઝીણી કળાઓના પેટન (પોષક) એવા બાઝ બહાદુરે અન્ય અનેક સ્થાપત્યોનું સર્જન કરાવ્યું અને રક્ષણ પણ ! આથી જ બેનમૂન કળાની ગરવાઈને પોષે એવી લોકકથાઓ પ્રચલિત થઇ. 

આ પ્રેમનગરીની આબોહવામાં ઝૂમતાં ફૂલ-પાન અને રસવલ્લરીઓ પ્રેમગીતો ગાય છે. એના નામ માત્રથી મનમાં સ્વરલહરીઓ સર-સર કરતી વહે છે. રાણી રૂપમતીની વાર્તા પર્શિયનમાં મિર્ઝાએ લખેલી તેને ૧૯૨૬માં ક્રમ્પ નામના લેખકે અંગ્રેજીમાં ઉતારેલી 'લેડી ઑફ ધ લોટસ'ને નામે. આ જીવનીના આધારે સોળમી સદીના ઉત્તરાર્ધમાં 'અકબરનામા'માં મિનિયેચર પેઇન્ટિંગ પણ મળી આવે છે. મુર્શિદાબાદની મુગલ શૈલીમાં પણ આ કથા ચિત્રરૂપે મળી આવે છે.

દોસ્ત બધાં ભલે પોતાના ખજાનાની બડાશ હાંકતા મારી પાસે તો શુધ્ધ પ્રેમના આનંદનો ખજાનો છે - રાણી રૂપમતી

પથ્થરમાં કોતરાયેલી આ કળાને તો જહાંગીરે પણ વખાણેલી. રાણીને મળેલી અંજલિમાં કહેવાયું છે કે 'જીતવા માટે ઝઝૂમો - અથવા લડતાં લડતાં પ્રાણ ત્યજી દો.' માંડુને આ રીતે બિરદાવાયું છે. 'વનફૂલ, ઘાસનું સૌંદર્ય, મેદાન, ઢાળ, ટેકરી ખીણને કેવાં આવરે છે !' અરે ! માંડુના અન્ય કેટલાંક કળાસ્થાનોને મળી લઇએ ને ! હિંડોળા મહલ રાજા ગ્યાસુદ્દીને બંધાવેલો ભવ્ય મહેલ જે હીંચકાની જેમ ઝૂલતો લાગે-તેની ઢાળવાળી દીવાલોને કારણે. રેતિયા પથ્થરમાં સ્તંભો પર ઝીણવટભર્યું નકશી કામ અને શૃંગારિત છજાથી તે શોભે છે. અદ્ભુત નવી ટેકનિકનું એ એક ઉત્તમ ઉદાહરણ છે. જહાજ મહલ નામ પ્રમાણે એક નાવ મહેલ છે જે ૨૦ મીટર લાંબો છે. પથ્થર અને ડામરથી બનેલી આ ઇમારત ગ્યાસુદ્દીને જ બંધાવી છે. બે માળનું આ બાંધકામ પાતળી પટ્ટી જેવી જમીન પર માનવસર્જિત તળાવો મુંજ તળાવ અને કપૂર તળાવને સાંકળીને તેની વચ્ચોવચ્ચ બનાવાયું છે. પંદરમી સદીના ઉત્તરાર્ધનું એ શાસ્ત્રીય શૈલીનું સ્મારક એક મોટં  સ્નાનગૃહ છે જે જનાનખાના માટેનું હમામ કહેવાય છે. સીડીઓવાળી દીવાલોએ કઠેડા છે જે પથ્થરની ગોળાકાર વેલ જેવી ડિઝાઈન ધરાવે છે. હોજના અવશેષો હજુ 'જીવન'ની રાહ જોઈ રહ્યા છે. કમાનવાળા દરવાજાવાળી આ એક એવી નાવ છે જેણે કદી સહેલ કરી જ નહિ. પોતાના પ્રતિબિંબ પર તરતી રહી. બાકી રહેતું ઘણું જોવા ત્યાં જવું પડે ભાઈ !

લસરકો:

અમે તમારી મધમાખી ને તમે અમારાં કમળફૂલ

હળવેકથી ખોલો પંખુડી ને અમે રહીએ ત્યાં મશગૂલ - રાણી રૂપમતી

નિર્જીવ પાષાણમાં જીવન અને આનંદનું ઉજવણું કરતું નગર તે માંડુ

સોળમીસદીનું પ્રેમ અને ત્યાગનું સાક્ષી રૂપમતી પેવેલિયન આમ તો સાદી નાની રચના છે જેને ભોંયતળિયે આડે પટે કમાનોવાળા સાત સાત દરવાજા છે. અગાશીએ બન્ને છેડે છત્રી છે જે આર્મિ પોસ્ટ તરીકે વપરાય છે. કમાનો સાથે સ્તંભ અને માથે છજું. ઉપર ગુંબજ, પણ હાલ બધું વેરાન અને કોરું ધાકોડ ભાસે છે. ટેકરી ઉપરના આ બાંધકામમાં સ્તંભ ઉપર કોતરણી છે. ગુંબજમાં જાણે ઊંધું કમળ મૂક્યું હોય એવી ઉપસાવેલી ભાત સાથે છજા નીચે આઠ આઠ મદલ દેખાય છે. આ સ્મારક રાજા-રાણીની રોમાંચક કથા કહે છે. અહીં એક હોજ છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.

માંડુનું આ એક વિખ્યાત સ્થળ છે. આ ચિત્રાત્મક પેવેલિયન પરથી નર્મદા નદીનાં ખળખળતાં નીરની ઝાંખી પણ થાય. રાણી માટે આ અતિરોમેન્ટિક સ્થળ અને પળ હતાં. રાણીના સંકલ્પ મુજબ તેઓ રેવાનાં દર્શન કર્યા પછી જ ભોજન ગ્રહણ કરતાં તેથી અહીં રાજા બાઝ બહાદુરે નર્મદામાં બંધ બાંધી રેવાકુંડ બનાવડાવ્યો. એ જળ રાણીના મહેલ સુધી પહોંચતું સૌંદર્ય સભર કુદરતી દ્રશ્યો અને યુદ્ધની વ્યૂહરચના બન્ને હેતુ અહીં પાર પડતા. બિલકુલ સામે રાજા બાજબહાદુરનો મહેલ છે. મુગલ શૈલી અને રાજ શૈલીના સ્થાપત્યનું એ રસપ્રદ અવતરણ છે. મુખ્ય દ્વારે ચાળીસ પહોળાં પગથિયાં છે.

વચ્ચે વચ્ચે આરામ ફરમાવવા માટે પ્લેટફોર્મ છે. વિશાળ ખંડ, ઓરડા, દીવાનખંડ, પ્રવેશદ્વાર બધું જ રાજના આમ અને ખાસ દરબાર ભરવા માટે વપરાતું ગાઢ લીલોતરી વચ્ચે પાવાગઢની કમાનો જેવી કમાનોવાળા આ મહેલની અગાશીએ છત્રીઓનો ય પાર નહિ. રાજા અને રાણીની વીતી ગયેલી ક્ષણોને પુનર્જિવિત કરતું આ સ્થળ આપણને અતિ વ્યસ્ત અને ગતિશીલ જિંદગીને ભૂલવી નવી જ દુનિયાનો અનુભવ કરાવે હોં ! ચાલો, ડૂબકી મારીએ રેવાકુંડમાં અને પહોંચીએ રાણી પેવેલિયનમાં ૩૫૦૦ ફિટની ઊંચાઈએ હજી અહીંથી નર્મદાની રૂપેરી સેર દેખાય છે !

Tags :