એક ઉત્તમ નાગરિક તરીકેની 14 કસોટીઓમાં તમે 'સાચા' ઠરો છો ખરા?
- એક જ દે ચિનગારી- શશિન્
- બાળઘડતરમાં તમામ માતા-પિતા -વાલીઓએ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે પોતાનું સંતાન પદવીધારી કે મોટો ઑફિસર બને તે અગત્યનું નથી પણ તે શ્રેષ્ઠ નાગરિક બને તે અગત્યનું છે
એ ક ગ્રામીણ માણસ પોતાની મોટરબાઇક રિવર્સમાં ચલાવતો હતો. એને રોકતાં એક શહેરી માણસે કહ્યું : 'અરે ! તમે કેવા માણસ છો ? નાગરિક ધર્મની તમને કશી ખબર પડતી નથી ?'
પેલા ગ્રામીણે કહ્યું : 'સાહેબ, અમે તો ગામડીઆ નગરની રીતભાત વિશે અમને ક્યાંથી ખબર પડે ?'
સિટીઝન ઉર્ફે નાગરિક શબ્દની સ્પષ્ટ સમજુતિ ઘણા લોકોના મનમાં નથી. કોશ પ્રમાણે 'નાગરિક' શબ્દ નવ અર્થમાં વપરાય છે. કોટવાળા, પોલીસ પટેલ, શહેર સુધારા ખાતાનો તથા ગ્રામરક્ષણ ખાતાનો અમલદાર, શહેરી, શહેરનો પ્રજાજન, ચતુર, હોંશિયાર, નગર સંબંધી, નગરનું, શહેરનું, શહેરમાં રહેનાર, સભ્ય, વિવેકી.
'પ્રસન્નિકા કોશ'માં બંસીધરભાઈ શુકલએ 'નાગરિક' શબ્દ સમજાવતાં નોંધ્યું છે કે માણસ વિવિધ રીતે ઓળખાય છે. જેમકે તેના દેશથી. અમુક માણસ, ભારતીય, નેપાળી, ચીની, જાપાની, અંગ્રેજ, અમેરિકી છે, એમ કહીએ ત્યારે આપણે એમ કહીએ છે કે તે માણસ જે તે દેશનો વાસી કે નાગરિક છે.
એટલે વિશાળ અર્થમાં તે માણસ 'નગર' એટલે શહેરનો એવો સીમિત અર્થ નથી. નગરમાં વસે તે નાગરિક અને દેશમાં વસે તે પણ નાગરિક, કારણ કે પ્રાચીન કાળમાં દેશો મોટે ભાગે 'નગર' જેવા હતા. તેવાં રાજ્યોને 'નગર રાજ્યો' કહેવામાં આવતાં. તે ઉપરથી નગરના સ્થાયી નિવાસીને નાગરિક કહેતા. સમય જતાં દેશનું સ્વરૂપ વિકસ્યું, પણ નાગરિક પદ ચાલુ રહ્યું અને એની સાથે નાગરિકતા શબ્દ પણ જોડાયો.
'ભગવદ્ ગોમંડલ'માં નાગરિકતા સંદર્ભે જણાવવામાં આવ્યું છે કે 'ગૃહ વિધાન' મુજબ ગૃહનું મમત્વ જ્યારે સાચી ધર્મભાવનામાં પરિણમે, જ્યારે ગૃહસ્થ સાચો ગૃહસ્થાશ્રમ પાળતો થાય. વ્યક્તિ જ્યારે આધુનિક ફરજો અદા કરતી થઈ જાય ત્યારે ગૃહ વ્યવહાર, નગર વ્યવહાર, સમાજ વ્યવહાર સરળ, સંસ્કૃત અને સંસ્કારી બને.
ઘર વિના નગર નહીં, અને નગર વિના ઘર નહીં, પરંતુ નાગરિકતા વિના બંનેમાંથી એકેય નહીં. પછી તે નાગરિકતા ભવ્ય રાજધાનીની હોય કે નાનકડા ગામડાની. આદર્શ નાગરિકતા કોઇ પણ સ્થળે અને કોઇ પણ કાળમાં વિકાસ અને પ્રગતિનો પાયો છે. તેની સાધના મનુષ્યત્વને પ્રાપ્ત કરવાનો સીધો અને સચોટ માર્ગ છે. ગૃહ વિધાન તે સાધનાનું અણમોલ અંગ છે. દેશવિધાનનું એકમ છે. નાગરિકતા એ રાષ્ટ્રીયતાની જનેતા છે. નાગરિકતા શબ્દ સભ્યતા અને વિવેકના અર્થમાં પણ વપરાય છે.
આજના સંજોગોમાં 'કરફયૂ' શબ્દ પણ સમજવા જેવો છે. 'કરફયૂ' શબ્દ મૂળ ફ્રેંચ ભાષાનો છે. એમ 'અંગ્રેજી શબ્દોની દુનિયા'માં પ્રભુલાલ દોશીએ જણાવ્યું છે. તેની જોડણી ર્ભંેંઇઈ ખઈેં છે અને તેનો અર્થ ર્ભપીિ ખૈિી મતલબ કે 'આગને અંકુશ'માં લો - એવો થાય છે. તોફાન, ધાંધલ, દેખાવો, મોરચા, હુલ્લડ જેવા પ્રસંગોએ માણસને ટોળે વળતાં અટકાવવા તથા અશાન્તિ ઉભી કરે તેવા પરિસ્થિતિ નિવારવાના પગલા તરીકે 'કરફયૂ' અથવા 'સંચારબંધી' લાદવામાં આવે છે.
આપણે આપણી જાતને 'નાગરિક' તરીકે ઓળખાવીએ છીએ પણ આપણી વાણી, વર્તન, વ્યવહાર, કાર્યો વગેરેમાં સભ્યતા, સંસ્કારિતા અને કર્તવ્યપાલનની ખુશ્બો પ્રગટે અને એક મનુષ્ય તરીકે આપણે શરમાવું ન પડે, એની કાળજી રાખીએ છીએ ખરા ? એક નાગરિક તરીકે આપણે 'અધિકાર પ્રિય' વધુ અને 'કર્તવ્ય પ્રિય' નહીંવત્ છીએ. દેશના નિયમો-ધારાધોરણો પાળવા કરતાં આપણને જે તે નિયમો-કાયદાઓ- ધારાધોરણોમાંથી છટકબારીઓ શોધવામાં વધુ રસ છે.
ન્યાયમૂર્તિ ફ્રેંક ફર્ટરે સાચું જ કહ્યું હતું કે સાચા રાજ્યમાં મહત્વનો હોદ્દો રાષ્ટ્રપ્રમુખનો નથી કે નથી વડાપ્રધાનનો, નાગરિકનું સ્થાન એ સૌથી મહત્વનું છે. 'પંચામૃત'માં સંકલિત ઉપેન્દ્ર બક્ષીનું એક ધારદાર અવલોકન છે કે તેલ ખૂટે કે હથિયારો ખૂટે તો પરદેશથી લાવી શકાય, પણ સાચા નાગરિકો લાવી શકાય નહીં, એ તો આપણે જ પેદા કરવા પડે.
નાગરિકતા આપણને એ શીખવે છે કે તમે ઉત્તમ રીતે, જવાબદારીપૂર્વક પ્રજાધર્મ નિભાવો. બંધારણ આપે તે જ સાચું નાગરિકત્વ નહીં, પણ દેશને ઉત્તમ પ્રજાજન તરીકે તન-મન-ધનથી અર્પિત રહીએ તે સાચું નાગરિકત્વ. સાચો નાગરિક સમાજશક્તિથી સમૃધ્ધ હશે, 'ગાડરીઆ પ્રવાહ'નો અંધ અનુસરણ કર્તા નહીં. એને પોતે ચકાસેલો, પરીક્ષા કરેલો પરિશુદ્ધ અભિપ્રાય હશે.
સાચો નાગરિક કોઇનો દોરવાયો દોરવાશે નહીં કે કોઇનો ભોળવ્યો ભોળવાશે પણ નહીં. 'દેશ ધર્મ' વિશે ખલિલ જિબ્રાનનું આ હચમચાવી મૂકે તેવું મંતવ્ય તમારામાં પ્રબળ દેશભક્તિની ભાવના જાગૃત કરે છે ખરૂં ? તેઓ કહે છે -
'જે દેશના સંતો યુગના અવાજ સામે મૂંગા રહે છે તે દેશની ખાજો દયા. જે દેશના આગેવાનો પારણામાં ઝૂલતા બાળક જેવા હોય તે દેશની ખાજો દયા. જે દેશ નાના-નાના પ્રદેશોમાં વિભક્ત થઈ જાય અને પ્રત્યેક પ્રદેશ સ્વતંત્ર દેશ બની જાય, તે દેશની પણ દયા ખાજો.'
'દ્રષ્ટાંત સૌરભ'માં 'માનવધર્મ' વિશે એક રસપ્રદ ઉદાહરણ છે. એક હોંશિયાર, બુદ્ધિશાળી રાજકુંવરને પોતાના આશ્રમમાં થોડા સમય માટે શિક્ષણ લેવા મોકલો' - એમ રાજગુરુએ રાજાને કહ્યું ત્યારે રાજાએ રાજકુંવરના ગુણોનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું કે મારા સર્વ ગુણસંપન્ન રાજકુમારને આપના આશ્રમમાં શિક્ષણ માટે મોકલવાની શી આવશ્યકતા છે, એ જણાવો તો સારું.
આના જવાબમાં રાજગુરુએ જણાવ્યું કે તમારા ઘોડારમાં ઘોડાઓ તાલીમ લેતા હતા, ત્યારે એક નાનકડા બાળકે ઘોડાની પૂંછડી ખેંચી અને ઘોડાએ લાત મારી. બાળક લોહી નિંગરતી હાલતમાં દૂર ફેંકાયું, ત્યારે તમારો રાજકુમાર હસી પડયો અને ઉપદેશ આપવા લાગ્યો કે વગર વિચારે કાર્ય કરવાથી આવું નુકસાન થાય. ખરેખર તો રાજકુમારે તે બાળકની દવા કરાવવી જોઈતી હતી, કારણ કે તમારો પુત્ર ભવિષ્યમાં રાજા થવાનો છે ત્યારે તેના હૃદયમાં પ્રજા પ્રત્યે અનુકંપાની, પ્રજાનાં સુખ-દુ:ખોને પોતાનું દુ:ખ સમજવાની લાગણી હોવી જોઈએ, જેનો તેનામાં અભાવ છે.'
બાળઘડતરમાં તમામ માતા-પિતા -વાલીઓએ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે પોતાનું સંતાન પદવીધારી કે મોટો ઑફિસર બને તે અગત્યનું નથી પણ તે શ્રેષ્ઠ નાગરિક બને તે અગત્યનું છે. પણ આપણને અફસોસ એ વાતનો છે કે બાળકને ઉત્તમ નાગરિક બનવા માટેનું શિક્ષણ આપવાની વ્યવસ્થા આપણી પાસે નથી. તમે તમારી જાતને પૂછો કે આ ૧૪ કસોટીઓમાં તમે ઉત્તમ નાગરિક ઠરો છો ખરા?
૧. તમે એક પ્રામાણિક અને નેકનિયત ધરાવતા નાગરિક છો ખરા?
૨. તમને સત્યમાં રસ છે કે જીતમાં? તમે નિર્ભય કબૂલાત કરી શકો છો ખરા?
૩. તમે 'દેશસેવા' એ જ 'દેવસેવા' છે એવી ભાવના ધરાવો છો ખરા?
૪. તમે કોઇ પક્ષવિશેષના ઉમેદવારને નહીં પણ 'લાયક ઉમેદવાર'ને મત આપવાનો માપદંડ ધરાવો છો ખરા?
૫. દેશના કાયદા પ્રત્યે સન્માનપૂર્ણ દ્રષ્ટિકોણ ધરાવી કાયદાનું પાલન કરો છો ખરા?
૬. ધનિકતાના મોહમાં તમે તમારી જાતને ભ્રષ્ટતાની ખીણમાં હડસેલી દેતાં શરમાવ છો ખરા?
૭. તમે કામ, ક્રોધ, મદ, મોહ, મત્સરને કાબૂમાં રાખી શકો છો ખરા?
૮. તમે સ્વાર્થ માટે દગા-પ્રપંચ, બિનવફાદારી અને હીનતાભર્યા રસ્તાઓ અપનાવતી વખતે અંદરથી દુ:ખી થાઓ છો ખરા?
૯. તમે ઇમાનદારીપૂર્વક દેશે નિર્ધારિત કરેલા કરવેરા ભરો છો ખરા?
૧૦. તમે મન-વચન-કર્મથી પવિત્ર રહેવાના કર્મને સાચો ધર્મ માનો છો ખરા?
૧૧. તમે પરિવારને સાચો પ્રેમ, સમાજને, દેશને એક ઉત્તમ વ્યક્તિ તરીકે તમારી શક્તિ અને પ્રતિભાનો લાભ આપો છો ખરા?
૧૨. તમારા જીવનમાં સેવા અને પરોપકારને સ્થાન છે ખરૂં?
૧૩. તમારાં અયોગ્ય કામો માટે લાંચ-રૂશ્વત આપતાં દુ:ખી થાઓ છો ખરા?
૧૪. તમારા જીવનમાં સંકલ્પ, સંયમ, સદાચાર, ત્યાગ અને સમર્પણને અદકેરું સ્થાન આપો છો ખરા?