માત્ર ઈશ્વરની મૂર્તિથી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય
- જાણ્યું છતાં અજાણ્યું- મુનીન્દ્ર
- 'સત્ય કિરણોમાં કિરણ, સૂર્યોમાં સૂર્ય, ચંદ્રોમાં ચંદ્ર અને નક્ષત્રોનું નક્ષત્ર છે. સત્ય સર્વનું સારભૂત તત્ત્વ છે.' અને આથી જ જગતમાં સહુ કોઈએ સત્યનો મહિમા કર્યો છે
વિ ડંબના અને વિચિત્રતા તો એવી છે કે વ્યક્તિ પ્રથમ વાર ઈશ્વરને મળે ત્યારે એમ માને છે કે ઈશ્વર પાસે એ જે ઈચ્છશે કે માગશે, એ બધું તત્કાળ તે અને ધરી દેશે ! કોઈ પ્રિયતમ પ્રિયતમાના પ્રેમને પામવા માટે વર્ષો વિતાવે છે. પહેલાં એ મળે છે, પછી સમજે છે અને પછી પ્રણય આકાર લે છે. પ્રેમનો પંથ લાંબો હોય છે અને એ લાંબો પંથ કાપ્યા પછી પ્રેમીઓનું મિલન થતું હોય છે. આપણે એમ માની બેઠા કે ઈશ્વરપ્રાપ્તિનો પંથ સાવ ટૂંકો છે ! એની સમીપ ઊભા રહીને એટલે એ આપણો થઈ જાય ! એની પ્રાપ્તિ માટે દીર્ઘ સમય સુધી તીવ્ર વિરહભરી રાહ જોવી પડે એ આપણા ખ્યાલમાં આવતું નથી. એને પામવા યોગ્ય થવાની પાત્રતા કેળવવી જોઈએ. આપણે તો એવું માનીએ છીએ કે દીર્ઘકાળથી ઈશ્વર મૂર્તિ રૂપે આપણી રાહ જોઈને ઊભો છે. એની પાસે આપણે તે મળી જશે !
આ વિચારમાં પાયાની ભૂલ એ છે કે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ ઘણો દીર્ઘ અને વિકટ છે તે ભૂલી જ જવાય છે. ઈશ્વરની મૂર્તિ ભલે તમાર નજર સમક્ષ હોય, કિંતુ એની પ્રાપ્તિ એટલી સહજ નથી. 'હરિનો મારગ' એટલે તો 'શૂરાનો મારગ' કહેવાયો છે, કારણ કે એ માર્ગે સાધના કરવા માટે - ચાલવા માટે આંતરિક વીરતા અને અણખૂટ વીરતા અને અણખૂટ ધૈર્યની જરૂર પડે છે. બાળક એના અભ્યાસમાં ક્રમસર પ્રગતિ કરે છે.
શિશુવર્ગમાંથી સ્કૂલમાં અને સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં અને એ રીતે કોલેજ અને યુનિવર્સિટીમાં જાય છે. એ જેમ જેમ કેળવણી પામતો જાય છે તેમ તેમ એનો વિકાસ થતો રહે છે. માણસના શરીર, મન, શક્તિ - એ સઘળાં ધીરે ધીરે ક્રમશ: વિકાસ પામે છે, એ જ રીતે ઈશ્વરની પ્રાપ્તિ માટે પણ ક્રમબદ્ધ પ્રયાસોની જરૂર હોય છે.
ફ્રાંસના મહાન નવલકથાકાર અને વિચારક વિકટર હ્યુગોએ કહ્યું છે કે, 'વિકાસ ઈશ્વરનું અગ્રોન્મુખ કદમ છે.' આમ વિકાસથી ઈશ્વરપ્રાપ્તિ ભણી જઈ શકાય છે. આ વિકાસને માટે સત્યને માર્ગે યાત્રા કરવાની હોય છે. આ સત્યની ખોજ કે પછી સત્યના પ્રયોગો એ ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ છે. સત્યને છેક પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ઈશ્વરરૂપે જોવામાં આવ્યું છે. 'મહાભારત'માં સ્વયં ઋષિ વેદવ્યાસે કહ્યું, 'સત્ય અવિનાશી બ્રહ્મ છે, સત્ય અવિનાશી તપ છે.' જ્યારે ચાણકય કહે છે :
'સત્યથી પૃથ્વી સ્થિર છે, સત્યથી સૂર્ય પ્રકાશે છે. સત્યથી જ પવન વાય છે. સત્યને કારણે જ બધું સ્થિર છે.'
ચાર્લ્સ ડિકન્સે કહ્યું છે કે, 'સત્ય કિરણોમાં કિરણ, સૂર્યોમાં સૂર્ય, ચંદ્રોમાં ચંદ્ર અને નક્ષત્રોનું નક્ષત્ર છે. સત્ય સર્વનું સારભૂત તત્ત્વ છે.' અને આથી જ જગતમાં સહુ કોઈએ સત્યનો મહિમા કર્યો છે. છેક ઋગ્વેદથી આરંભીને મહાત્મા ગાંધીજી સુધી અને એ પછી પણ સત્યની વાત થઈ છે. શ્રીમદ્ રાજચંદ્રે તે બધા ધર્મોને પાર એવા સત્યધર્મની વાત કરી છે. આમ ધર્મનો માર્ગ એ સત્યની શોધનો માર્ગ છે.
સત્ય અને ગુલાબ બંનેની આસપાસ કાંટા હોય છે. પરમની પ્રાપ્તિના માર્ગે લાંબી યાત્રા ખેડવી પડે છે અને પછી એ પરમ પાસે પહોંચી શકાય છે. મંદિરમાં સામે દેખાતી ઈશ્વરની મૂર્તિ જોતાં એવું અનુભવીએ છીએ કે જાણે ઈશ્વર પ્રાપ્ત થઈ ગયો, પણ ત્યારે તે સત્ય ભૂલી જઈએ છીએ કે ઈશ્વરપ્રાપ્તિની યાત્રા તો ઘણી લાંબી છે. !
પરમ સમીપ ઊભેલો સાધક કયો મનોભાવ લઈને જાય છે ? મોટે ભાગે વ્યક્તિ પોતાની યાચના અને માગણી લઈને અથવા તો અતૃપ્ત ઈચ્છા લઈને પરમ આગળ પ્રાર્થના કરે છે. મોટા ભાગની વ્યક્તિઓ મૂર્તિ સન્મુખ ઊભી રહીને ઈશ્વરનો વિચાર કરવાનો બદલે પોતાની આંતરિક અતૃપ્તિ અને વિકૃતિનું પ્રાગટય કરતી હોય છે. પોતાના જીવનમાં પ્રલોભન અને ભયની વાત કરીને એનો પડઘો ઈશ્વરમાં પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
આમ ઈશ્વરને પામવાને બદલે આપણી જાતને વર્ણવીએ છીએ. એના સત્યપથે ચાલવાને બદલે આપણી અધૂરપને આગળ કરીએ છીએ. મહાત્મા ગાંધીજીએ કહ્યું તેમ 'સત્યથી મોટો બીજો કોઈ ઈશ્વર નથી.' સૌ પ્રથમ સત્ય જ શોધવાની બાબત છે. એ વાત ઈશ્વરની મૂર્તી સમક્ષ હાથ જોડીને ઊભા હોઈએ ત્યારે આપણે યાદ કરતા નથી.
ગ્રીસના પાયથાગોરસ જેવા ગણિતશાસ્ત્રીએ તો કહ્યું છે કે 'સત્ય એ તો ઈશ્વરનો આત્મા છે. અને એનો પ્રકાશ તે ઈશ્વરનું શરીર છે.' સત્ય જ સઘળાં બંધનોમાંથી મુક્ત કરી શકે તેમ છે અને આ બંધનમુક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે. આથી ઈશ્વરદર્શનની સાથોસાથ સત્યની દીર્ઘયાત્રાના કઠોર અને અજ્ઞાાત પથ પર ચાલવાનું સામર્થ્ય સાધકે જગાડવું જોઈએ.
ઈશ્વર અંગેના આપણા અભિપ્રાયો પણ કેવા અધીરા, અતાર્કિક અને ઉતાવળા છે ! કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે એટલે ઈશ્વરનું નામ ભૂંસી નાખવા તૈયાર થઈ જાઈએ છીએ. જીવનમાં કોઈ મોટો આઘાત આવે એટલે વ્યક્તિ સીધો આઘાત ઈશ્વરના અસ્તિત્વ પર કરશે. કોઈ નિષ્ફળતા મળે તો એના દોષનો ટોપલો ઈશ્વર પર ઢોળીને એના તરફ અણગમો ધરાવતો બની જાય છે.
એક સંસ્કૃત સુભાષિતમાં કળિયુગના મહિમાની જે વાત કરી છે એનું સ્મરણ થાય છે, 'ગતા ગીતા નાશં ક્કચિદપિ પુરાણં વ્યપગતં' થી શરૂ થતા સુભાષિતમાં કહ્યું છે, 'ગીતા નાશ પામી ગઈ છે, પુરાણો કોઈ ઠેકાણે છુપાઈ ગયાં છે, સ્મૃતિનાં વાક્યો નાશ પામ્યાં છે અને વેદના મંત્રો દૂર ચાલ્યા ગયા છે, હમણાં તો જે લક્ષ્મીના દાસ બનીને રહેલા છે, તેમનાં વચનોની મોક્ષપદ મળશે, એમ મનાય છે. ખરેખર ! હે કળિયુગ ! તારો જ આ મહિમા છે.' ધર્મની વર્તમાન પરિસ્થિતિનું આ સુભાષિતમાં આ કળિયકાળે હૂબહૂ નિરૂપણ છે.
ઈશ્વરપ્રાપ્તિ પૂર્વે તે અંગેની ત્રણ ભ્રાંતિ દૂર કરવાની જરૂર છે : એક તો ઈશ્વરની પ્રતિમાને જોઈ એટલે ઈશ્વર પ્રાપ્ત થઈ ગયા એવી ભ્રાંત ધારણા. બીજું, એને વિશે ઊંડા અભ્યાસ કે ગહન ચિંતન વિના ઉતાવળા અભિપ્રાયો પોતાની મરજી અને સ્થિતિ પ્રમાણે વીંઝવા અને ત્રીજી વાત એ કે એની પ્રાપ્તિ માટેના દીર્ઘ સત્યમાર્ગનો વિચાર ન કરવો.
આ માર્ગના પ્રવાસીને અનેક આકર્ષણો સંસારમાં પુન: પાછા ખેંચતાં હોય છે. કેટલાય અવરોધો એની રુકાવટ માટે પ્રયાસ કરતા હોય છે. કેટલીય મુશ્કેલીઓ એના માર્ગમાં શિલારૂપ બનીને આડી પડી હોય છે અને તેમ છતાં ઈશ્વરપ્રાપ્તિ કરવા માટે નીકળેલો સાધક આ સહુને વટાવતો પોતાના લક્ષ્ય પ્રતિ પહોંચે છે.
સંત-મહાત્માઓનું જીવન જોઈએ ત્યારે આ સત્યમાર્ગની મુશ્કેલીઓનો ખ્યાલ આવે છે. એમણે કપરા સંજોગોમાં અપાર ધૈર્ય રાખ્યું છે. કેટલાય આઘાત સહન કર્યા છે. પ્રભુવિરહની વેદનાનો તલસાટ અનુભવ્યો છે. આ બધું થવા છતાં પરમના સ્પર્શનું પોતાનું ધ્યેય છોડયું નથી. એની ભક્તિને તિલાંજલિ આપી નથી. એને મેળવવાની મમત પડતી મૂકી નથી.
ક્યારેય સાધક ઈશ્વરના માર્ગે ગતિ કરવાનો આરંભ કરે છે, ત્યારે એને વિશે તત્કાળ અર્ધદગ્ધ અને અર્ધપક્વ અભિપ્રાયો ઉછાળવા માંડે છે. ધૈર્યપૂર્વક પ્રગતિ કરવાને બદલે એનાં અર્ધસત્યવાળાં તારણોને નિર્ણયો જાહેર કરવા માંડે છે તો કવચિત્ પ્રાપ્ત થતી સિદ્ધિ કે લબ્ધિઓની જાળમાં ફસાઈને એ ઈશ્વરને ભૂલીને ચિત્ર-વિચિત્ર ચમત્કાર કરવા બેસી જાય છે. સત્યનો એક અંશ માત્ર પ્રાપ્ત થતો હોય અને એ પરમ સત્યની પ્રાપ્તિનો ઢંઢેરો પીટે છે.
ઈશ્વરની ભક્તિ કે પ્રાપ્તિ એ તો અખૂટ ધૈર્ય એન દીર્ઘ પુરુષાર્થ માગી લે છે. આથી જ નરસિંહ મહેતાએ કહ્યું છે, 'ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે.' આવી બ્રહ્મલોકમાં નથી એવી ભક્તિ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયાસ જરૂરી છે. ધુ્રવ કે પ્રહ્લાદ, નરસિંહ કે મીરા, સુરદાસ કે કબીરના જીવનનું અવગાહન કરીએ છીએ. ત્યારે ખ્યાલ આવે કે આ સત્યનો માર્ગે કેટલો કઠીન છે. આમાં ગ્રંથોનો સહારો, ગુરુનો આશરો, ધ્યાનનો આધાર અને અનુભવોનું ભાથું - એ બધું મળતું હોય છે અને એને સથવારે સાધક દૃઢ સંકલ્પબળની સત્યમાર્ગ પર ઈશ્વરપ્રતિ આગેકૂચ કરતો હોય છે.