મંત્ર, મૂર્તિ અને મંદિર સાથે સંકળાયેલું વૈશ્વિક પરમ ચેતનાનું ગૂઢ વિજ્ઞાાન !
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- વાક્શક્તિનું જ વિશિષ્ટ સ્વરૂપ મંત્ર છે, તે દિવ્ય ઊર્જા, પરમ ચૈતન્ય શક્તિનું ઘનીભૂત સ્વરૂપ છે. મનનાત્ ત્રાયતે યસ્માત્તસ્માત્ મંત્ર: પ્રકીર્તિત:। મનન કરવાથી જે આપણને બચાવે છે
'શ તપથ બ્રાહ્મણ'માં કહેવામાં આવ્યું છે - 'શબ્દ બ્રહ્માણિ નિષ્ણાત: પર બ્રહ્માધિગચ્છતિ । વાગેવ વિશ્વા ભુવનાનિ જજ્ઞો વાચ ઇત્સર્વમમૃતં યચ્ચ મર્ત્યમ્ । શબ્દ બ્રહ્મને સમ્યક્ રીતે જાણનારો બ્રહ્મતત્ત્વને પ્રાપ્ત કરી લે છે. વાક્ આ સૃષ્ટિનું મૂળ તત્ત્વ છે. તે મનુષ્ય લોકનું અમૃત છે. શબ્દોમાં જે શક્તિઓ ભરેલી છે તે અદ્ભુત અને વિસ્મયકારક છે. આ સમસ્ત જગત વાક્ (વાણી, સ્વર)થી નિર્મિત થયું છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે - 'સ યો વાચં બ્રહ્મેત્વપાસ્તે યાવદ્યાચો ગતં તત્રાસ્ય યથા કામચારો ભવતિ । જે આ વાક્ (વાણી)ને બ્રહ્મ સમજીને એની ઉપાસના કરે છે એની વાણીની ગતિ ઇચ્છિત ક્ષેત્ર સુધી પહોંચી જાય છે અને એને સિદ્ધ કરી લે છે.'
'મંત્રા મનાત્ ... એ નિરુક્ત ઊક્તિ પ્રમાણે મનને શાંત અને સંયમી કરવા મંત્ર શક્તિશાળી સાધન છે. યોગશિખોપનિષદમાં પણ કહેવાયું છે - 'મનનાત્ પ્રાણમાગ્ધૈવ મદ્રૂ પસ્યાવબોધનાત્ મંત્ર મિત્યુચ્યતે બ્રહ્મન્ યદ્ધિષ્ઠાનતોપિ વા । મનન કરવાને કારણે, મારા રૂપનું જ્ઞાાન ઉત્પન્ન કરવાને કારણે, મારું અનુષ્ઠાન કરવાને કારણે મંત્ર બને છે.
વાણીના ચાર ચરણ છે - ૧. વૈખરી ૨. મધ્યમા ૩. પરા ૪. પશ્યન્તિ. વૈખરી અને મધ્યમા વાણી મનુષ્યોની વચ્ચે વિચાર અને ભાવનું આદાન-પ્રદાન કરવાના કામમાં આવે છે. પરા વાણી પિણ્ડમાં આત્મા-નિર્માણના કાર્યમાં સંલગ્ન થાય છે. તે પોતાની અંતર્નિહિત શક્તિઓને બહાર લાવવાનું અને એને ઊર્ધ્વીકૃત, વિકસિત કરવાનું કામ કરે છે. પશ્યન્તિ બ્રહ્માણ્ડના ક્ષેત્રમાં કામ કરે છે. તે સમસ્ત બ્રહ્માણ્ડ, એના લોક...લોકાંતરો, દેવ-દેવીઓની શક્તિઓ અને ઇશ્વર સાથે સંપર્ક સાધવા પશ્યન્તિ વાણીનો પ્રયોગ થાય છે. પરા, પશ્યન્તિ પ્રકારની પ્રાણશક્તિ પ્રવૃદ્ધ વાણી દિવ્ય મંત્ર બને છે. મંત્રો અમોઘ પ્રાણશક્તિ, પરમ ચેતનાથી પરિપૂર્ણ બને છે ત્યારે ચમત્કારિક પરિણામ આપનારા થઇ જાય છે. પ્રાચીન કાળના આપણા ઋષિ-મુનિઓ મંત્ર શક્તિથી અનેકવિધ કાર્યો કરી શક્તા હતા. અથર્વવેદના ઋષિઓ કહે છે. 'યત્ ત આત્મનિ તન્વાં ઘોરમસ્તિ । સર્વ તદવાચાપહન્યો વયમ્ ।।' તમારા શરીરમાં જે અનિષ્ટ છે એને મંત્રથી પવિત્ર થયેલી વાણીથી એટલે કે વિશિષ્ટ સ્વરશક્તિથી અમે નષ્ટ કરી દઈશું.' અર્વાચીન સમયની સાઉન્ડ થેરેપી, મ્યુઝિક થેરેપી, ટોનિંગ, બાયોએકોસ્ટિક સાઉન્ડ ટ્રીટમેન્ટ એ બધાના મૂળ વેદોની વાક્ શક્તિ પર આધારિત મંત્રોપચાર પધ્ધતિમાં નિહિત છે.
મહામહોપાધ્યાય, પદ્મવિભૂષણ, ડૉક્ટર ઑફ લિટરેચર ઋષિકલ્પ, જ્ઞાાની મહાપુરુષ પંડિત ગોપીનાથ કવિરાજના ગુરુ સ્વામી શ્રી વિશુદ્ધાનંદજી પરમહંસ સૂર્યવિજ્ઞાાન અને મંત્ર વિજ્ઞાાનના સિદ્ધ યોગી હતા. આ વિજ્ઞાાનથી તે પદાર્થના ગુણધર્મોનું પરિવર્તન કરી એમને અન્ય પદાર્થ રૂપે રૂપાંતરિત કરી શક્તા હતા. ક્વિન્સ કૉલેજના પ્રાધ્યાપક અભયચરણ સાન્યાલની ઉપસ્થિતિમાં પરમહંસ વિશુદ્ધાનંદજીએ સૂર્યવિજ્ઞાાન અને મંત્ર વિજ્ઞાાનના પ્રયોગથી રૂ ઉપર સૂર્યરશ્મિઓ ફેંકી એને લાકડાના રૂપે પરિવર્તિત કરી બતાવી હતી. એ જ રીતે એ પ્રયોગને આગળ વધારી એ લાકડા પર લેન્સથી સૂર્ય રશ્મિઓ ફેંકીને એને પથ્થરના રૂપમાં ફેરવી બતાવ્યું હતું. એ સંમોહન કે નજરબંધી નથી પણ યોગવિજ્ઞાાનથી થયેલું પદાર્થ પરિવર્તન છે એ સાબિત કરવા તેમણે એ પથ્થર અભયચરણ સાન્યાલને આપી દીધો. તેમણે એ ભૌતિકવિજ્ઞાાનની પ્રયોગશાળામાં સ્વયં ચકાસ્યો હતો જે પથ્થરના પારમાહિવક ગુણધર્મોવાળો સાબિત થયો હતો. તેમણે બીજા એક પ્રયોગ દરમિયાન યોગબળ અને મંત્રબળથી રામાયણ મહાભારતકાળમાં વપરાતા હતા એવા અગ્ન્યાસ્ત્ર, વાયવાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર વગેરે પ્રકટ કરી ઝાડને આગ લગાડી પછી વરસાદ વરસાવીને બુઝાવી બતાવી હતી.
પંડિત ગોપીનાથ કવિરાજે લખ્યું છે - 'આ વિજ્ઞાાન પશ્ચિમનું જડ વિજ્ઞાાન નથી. આ ભારતનું આત્મશક્તિ આધારિત ચેતન વિજ્ઞાાન છે. આમાં સૂર્યવિજ્ઞાાન ખાસ મહત્ત્વનું છે કેમ કે સૂર્ય જ બધા વિજ્ઞાાનોનું મૂળ સ્વરૂપ છે. સર્જન, સ્થિતિ અને સંહાર સૂર્યને અધીન છે. ઇચ્છા શક્તિ, જ્ઞાાનશક્તિ અને ક્રિયા શક્તિનો પ્રસાર સૂર્યથી જ થાય છે. યોગ પણ એક વિજ્ઞાાન જ છે. માત્ર પ્રણાલીનો ભેદ છે. યોગમાર્ગમાં વિજ્ઞાાન અને વિજ્ઞાાનમાર્ગમાં યોગ એક બીજાના સહાયકો છે.' ગૂઢ અને રહસ્યમય ગણાતા 'જ્ઞાાનગંજ' નામના સિદ્ધાશ્રમમાં લાંબા સમય સુધી રોકાઈને તેમણે સૂર્યવિજ્ઞાાન, મંત્ર વિજ્ઞાાન વિશે દિવ્યજ્ઞાાન પ્રાપ્ત કરી આ રીતે પદાર્થ પરિવર્તનની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ચેતનાની મહાશક્તિમાં, યોગશક્તિમાં ઇશ્વર અને ધર્મમાં શ્રદ્ધા જગાવવા માટે તથા લોકકલ્યાણ અર્થે તે યોગશક્તિ અને મંત્રશક્તિના પ્રયોગો કરતા.
સંસ્કૃત ધાતુ-ક્રિયાપદ 'યમ્' પરથી યંત્ર શબ્દ બન્યો છે. એમાં વહન કરવાનો ભાવ પણ છે એટલે યંત્રને વાહન કે સંગ્રાહક પણ કહેવાય. મૂર્તિ પણ યંત્રનું જ એક અન્ય સ્વરૂપ છે. જેમાં ચેતના 'મૂર્ત' થયેલી છે તે મૂર્તિ તંત્ર એટલે સુયોગ્ય ગોઠવણીની વ્યવસ્થા. તંત્રને આપણે આધુનિક પરિભાષામાં 'કોર્ડિનેટિંગ સીસ્ટમ' કહી શકીએ. કુલાર્ણવ તંત્રમાં ભગવાન શિવ પાર્વતીને કહે છે - 'શરીર મિવ જીવસ્ય દીપસ્ય સ્નેહવત્ પ્રિયે । મન્ત્રમિત્યાહુરેનતસ્મિન્ દેવ: પ્રીણાતિ પૂજિત: ।। હે પ્રિયા, જેમ શરીર માટે આત્મા અને દીવા માટે ઘી કે તેલ તેમ દેવ માટે મંત્ર છે. દેવ મંત્ર થકી યંત્રમાં ઊતરે છે.
યંત્ર એટલે મૂર્તિ એ દેવ ચૈતન્યને સંગ્રહી રાખે છે. તંત્ર એ પ્રક્રિયાને સુપેરે સિદ્ધ કરવાની કાર્યવાહી, વ્યવસ્થા કહે છે. તંત્રમાં પૂજા વિધિ પણ આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા એ દેવ-ચેતનાની ઊર્જાને સક્રિય કરવાની કામગીરી છે. આમ, મૂર્તિ એ દેવો કે ઇશ્વર સાથે જોડાવાનું (સં-યોગ) કરવાનું સાધન છે. એ રીતે જોડાયા પછી એની સાથે સંવાદ વાર્તાલાપ થઇ શકે છે. મહાભારતમાં આલેખન થયેલું જ છે કે એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યની 'મૂર્તિ'ના માધ્યમથી જ ધનુર્વિદ્યાનું જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું. રામકૃષ્ણ પરમહંસની ઉત્કૃષ્ટ ઉપાસનાથી કાલી માતાની મૂર્તિમાંથી મહાકાલી માતાએ પ્રગટ થઇ એમને દર્શન આપ્યા હતા.'
ગ્રીસ દેશની રાજધાની એક્રોપોલિસમાં યૂરેકથમનું પ્રસિદ્ધ મંદિર છે. ઇ.સ. ૧૭૯૯માં થોમસ બૂ્રસ એલ્પિન નામના બ્રિટિશ રાજદૂત તુર્કસ્તાનમાં સત્તારૂઢ હતા. તેમના આદેશથી તુર્કી અધિકારીઓએ એ મંદિરને તોડીને એની મૂર્તિઓ ઇંગ્લેન્ડ લઇ જવા પ્રયાસ કર્યો હતો. મંદિરની બહારની દીવાલ તોડયા બાદ મજૂરોએ મુખ્ય દેવતાની મૂર્તિ ઉખાડવા એની બેઠકથી એને હટાવી એ વખતે એમાંથી એવી ભયાનક મોટી ચીસ નીકળી હતી જે સાંભળીને મોટાભાગના મજૂરો ભોંય પર પડી ગયા હતા, એમનું લોહી પણ થીજી ગયું હતું અને મરણ પામ્યા હતા. એ પછી ત્યાંની બીજી મૂર્તિઓને હટાવવાનું કામ અટકાવી દેવાયું હતું. યૂૂરેકથમનું આ રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.