આપણા સ્વાસ્થ્યમાં મહત્ત્વનો રોલ ભજવતાં કરોડો બેક્ટેરિયા
- હોટલાઈન- ભાલચંદ્ર જાની
- એક સ્વસ્થ મનુષ્યના શરીરમાં અલગ અલગ પ્રજાતિનાં કરોડો સુક્ષ્માણુઓ ગજબની ભૂમિકા ભજવે છે. આપણા પાચનતંત્રને સહાય કરી ઈમ્યુનીટી વધારે છે
કા ળમુખા કોરોનાના કહેરથી કંટાળેલી પ્રજા વાઈરસ કે બેક્ટેરીયાની વાત નીકળતા જ મોઢું મચકોડે છે. લોકો વાઈરસની વાતો સાંભળીને કંટાળી ગયા છે. પણ ગભરાવ નહીં, આપણે અહીં એવા બેક્ટેરિયાની વાત કરવાની છે જે માનવમિત્ર છે. એટલું જ નહીં, આપણા શરીરમાં કરોડોની સંખ્યામાં ઘર બનાવીને રહે છે. તાજેતરમાં કોરોના વાઈરસ સંબંધી સંશોધન કરતા કરતા વિજ્ઞાાનીઓને બીજા અનેક સુક્ષ્માણુઓ વિશે ઘણી જાણકારી મળી છે.
વિજ્ઞાાનના વિકાસની સાથેસાાથે માનવશરીર સાથે જોડાયેલી અનેક ગોપનીય હકીકતો પ્રકાશમાં આવી છે. જીવવિજ્ઞાાન અને ખાસ કરીને બાયોટેકનોલોજીના વિકાસ પછી ખબર પડી છે કે મનુષ્યદેહ અને સુક્ષ્માણુ (બેક્ટેરિયા) વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. એક સ્વસ્થ વ્યક્તિના શરીરના અલગ અલગ અંગોના કોષોમાં કુલ મળીને અબજો સુક્ષ્માણુ રહેલા હોય છે. આ સુક્ષ્માણુમાં બહુ મોટો હિસ્સો બેકટેરીયાનો હોય છે.
આ બેકટેરીયાનો કોષ મનુષ્યના કોષ કરતા અનેકગણો નાનો હોવાથી નરી આંખે બિલકુલ નથી દેખાતો. બાયોટેકનોલોજીના વિકાસની સાથે હવે આ સુક્ષ્માણુનું જનીનિક બંધારણ કેવું છે અને માનવશરીરમાં તેઓ શું કામ કરે છે એનો ગહન અભ્યાસ કરવાનું સહેલું બન્યું છે. હજી તો વિજ્ઞાાનીઓઆ અભ્યાસ કરવાની શરૂઆત કરી છે ત્યાં જ તેમને આશ્ચર્યજનક સત્યો જાણવા મળ્યા છે અને તેમને ખાતરી છે કે આ અભ્યાસના માધ્યમથી ભવિષ્યમાં ચોક્કસ વધારે ઉપયોગી માહિતી મળી શકશે.
આ સુક્ષ્માણુ કેટલા વ્યાપક છે એ સમજવા માટે હાથનું ઉદાહરણ જ પુરતું છે. જો સુક્ષ્માણુને ધ્યાનમાં રાખીને એક પુખ્ત વ્યક્તિના હાથનો અભ્યાસ કરવામાં આવે તો દરેક આંગળીઓ પર અને હથેળીમાં એકબીજા કરતા સાવ અલગ હોય એવા સુક્ષ્માણુઓની પ્રજાતિ જોવા મળે છે.
એકલા હાથમાં જ સુક્ષ્માણુ લગભગ ૧૫૦ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. વળી, આ હાથ મહિલાનો હોય તો એમાં ૧૫૦ કરતા પણ ઘણી વધારે પ્રજાતિ જોવા મળે છે. જોકે એ વાત અલગ છે કે વિજ્ઞાાનીઓ હજી આ ભેદભાવનું મુળ કારણ શોધી શક્યા નથી.
સંશોધનના આધારે ખબર પડી છે કે માનવશરીરમાં રહેલા તમામ સુક્ષ્માણુ માનવી માટે અગત્યના છે, પણ પાચનતંત્રમાં અને ખાસ કરીને આંતરડાની દિવાલમાં રહેલા બેકટરીયા બહુ મહત્ત્વના છે. આંતરડાની દિવાલમાં રહેલા બેકટરીયા એટલે કે ગટ બેકટેરીયા માનવી સાથે સાચા અર્થમાં સહજીવન જીવે છે. તેમનો ઉદ્ભવ અને વિકાસ મનુષ્યના આંતરડામાં જ થાય છે અને મનુષ્ય જે આહાર લે છે એ આહારમાંથી જ એનું પોષણ થાય છે. આમ, આ બેકટેરીયાના વિકાસ અને જીવનકાળ માટે મનુષ્યની હાજરી બહુ જરૂરી છે.
માણસના આંતરડામાં રહેલા હજારો બેક્ટેરિયાનો અભ્યાસ કર્યા બાદ વિજ્ઞાાનીઓ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે માણસ આપણે ઘારીએ છીએ તેવા માનવકૂળનો નથી.
મેરીલેન્ડના ઇન્સ્ટીટયૂટ ફોર જેનોમીક રીસર્ચના વિજ્ઞાાનીઓ કહે છે કે, માણસની પાચનક્રિયા અને પ્રતિકાર તંત્રમાં આ બેક્ટેરીયાનો વ્યાપક ફાળો ને ધ્યાનમાં લેતા જણાય છે કે માણસના માનવકૂળનો નહીં પરંતુ કોઇ પરોજીવી પ્રાણી હોવાનું સૂચવે છે જેનું જીવન એકબીજા ઉપર અવલંબીત છે.
મણસના શરીરમાં રહેલા બેક્ટેરીયા ઉપર આ અભ્યાસમાં રોગો, પોષણ અને સ્થૂળતા વિશે અગત્યની કડી પ્રાપ્ત થઇ છે જે ભવિષ્યમાં વધુ અસરકારક દવાઓ ઉત્પન્ન કરવાના કામમાં લાગી શકશે.
જોકે જેમ મનુષ્ય માટે આ બેકટેરીયા માટે બહુ ઉપયોગી છે એમ આ બેકટેરીયા પણ મનુષ્ય માટે બહુ મહત્ત્વના છે. આંતરડાની દિવાલમાં રહેલા આ ગટ બેકટેરીયા ખોરાક પાચનની ક્રિયા યોગ્ય રીતે થાય એ માટે તથા રોગપ્રતિકારક તંત્ર (ઈમ્યુનિટી) ની સક્ષમતા જળવાઈ રહે એ માટે બહુ જરૂરી છે.
મનુષ્યના શરીરમાં પાચનક્રિયા માટે ઉત્સેચકોની હાજરી જરૂરી હોય છે અને આ ઉત્સેચકો ગટ બેકટેરીયાએ ઉત્પન્ન કરેલા સુક્ષ્મ કણોની હાજરીમાં જ યોગ્ય રીતે કામ કરી શકે છે. આમ, જો ગટ બેકટેરીયા ન હોય તો ઉત્સેેચકો બરાબર કામ ન કરી શકે જેના કારણે આખી પાચનક્રિયા અવરોધાઈ જાય. આ સિવાય એવા કેટલાક પુરાવાઓ મળ્યા છે જેના આધારે કહી શકાય કે હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં પણ ગટ બેકટેરીયાનું મહત્ત્વનું પ્રદાન છે. આમ, કહી શકાય કે વ્યક્તિનું પોષણ કરતી પાચનક્રિયા અને તેની ભુખને અસર કરતા પરિબળો આડકતરી રીતે ગટ બેકટેરીયાના કાબૂમાં છે.
માણસના મળમાં ૫૦ ટકા કરતા ય વધુ બેક્ટેરીયા હોવાનું વિજ્ઞાાનીઓ જાણતા હતા. આંતરડામાં રહેલા આ બેક્ટેરીયાના અનેક સમૂહો હોય છે. વિજ્ઞાાનીઓએ એક હજાર કરતાં ય વધુ પ્રકારના એકસો અબજ બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો છે.
આ વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર માણસનું શરીર બેક્ટેરીયા અને માનવ કોષોના મિશ્રણથી બનેલું મનાય છે. બીજા શબ્દોમાં માણસ શરીરના લગભગ ૮૦ ટકા કોષો તો ખરેખર બેક્ટેરીયા છે.
આપણા શરીરમાં રહેલા આ બેક્ટેરીયાનો સમૂહ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. તેમાં રહેલાં આરોગ્યપ્રદ બેક્ટેરીયાના સમૂહમાં વધારો કે ઘટાડો કે ફેરફાર આપણી ચયાપચન ઉપર અસર કરી આંતરડાના રોગો જન્માવે છે. આ બેક્ટેરીયાઓ આપણા ખોરાકનું પાચન કરે છે. ખોરાકમાં રહેલાં વિટામીન, સાકર દ્રવ્યો, રેસાઓનું તે વિઘટન કરે છે. કેટલાક વિટામીનને માણસનું શરીર પચાવી શકતું નથી તે આ બેક્ટેરિયા દ્વારા પાચન થાય છે.
વિજ્ઞાાનીઓના જણાવ્યા પ્રમાણે છેક માનવની ઉત્પતિની શરૂઆત કાળથી આ બેક્ટેરિયા માનવ શરીરને ઉપયોગી થઇ રહ્યા છે.
આ અભ્યાસ માટે ઘણાં વર્ષોથી એન્ટીબાયોટીક ન લીધી હોય તેવી બે વ્યક્તિના મળના નમૂના લઇ વિજ્ઞાાનીઓએ તેમાં રહેલાં બેક્ટેરિયાના ડી.એન.એ.નું પૃથ્થકરણ રજૂ કર્યું હતું.
બંને વ્યક્તિઓમાં એક સ્ત્રી અને એક પુરુષ તેમજ એક શાકાહારી અને એક માંસાહારી હતા. આ બેક્ટેરિયામાં વિજ્ઞાાનીઓને ૬૦,૦૦૦ જીન મળી આવ્યા છે. જે માણસ કરતા બમણી સંખ્યામાં છે.
આંતરડામાં રહેલા આ બેક્ટેરિયા જુદી જુદી જાતની દવાઓનું પણ વિઘટન કરે છે. આ અભ્યાસ જુદી જુદી વ્યક્તિઓના જુદા જુદા રોગ માટે અનુકૂળ દવા શોધવાના કામમાં પણ લાગી શકશે.
સંશોધકોએ એક ગ્લાસ પાણીમાં શરીરને ફાયદાકારક હોય એવા એક કરોડ બેક્ટેરિયા મૌજુદ હોવાનું શોધી કાઢ્યું છે. બેક્ટેરિયા શરીર માટે નુકસાનકારક જ હોય એવી પરંપરાગત માન્યતાઓને સ્વચ્છ પાણીના એક ગ્લાસમાં રહેલા સારા બેક્ટેરિયા ધ્વસ્ત કરી દીધી છે.અગાઉના સંશોધનોએ સાબિત કર્યું છે કે દિવસમાં પાંચ લિટર પાણી પીવાથી શરીર નિરોગી રહે છે. માણસ ભોજન વગર થોડો સમય રહી શકે છે, પણ પાણી વગર લાંબો વખત કાઢી શકતો નથી.
પાણી શરીરની મુખ્ય જરૂરિયાત છે. એમાં ઘણાં બધા તત્ત્વો હાજર હોય છે, પણ માઇક્રોબીસ એન્ડ એનવાયરમેન્ટ્સ જર્નલમાં છપાયેલા એક નવા સંશોધન પ્રમાણે એક ગ્લાસ પાણીમાં એક કરોડ જેટલા બેક્ટેરિયા હોય છે, એ પણ શરીર માટે જરૂરી હોય એવા સારા બેક્ટેરિયા!
આ બેક્ટેરિયા પાણીની ઉપરી સપાટી ઉપર ચીપકેલા હોય છે અને તેના કારણે પાણીને શુદ્ધ રહેવામાં મદદ મળે છે. ઘણી વખત પ્રોસેસ કરેલા પાણીમાં ખરાબ યાની કે શરીર માટે હાનિકારક બેક્ટેરિયાની સાથે સાથે શરીર માટે ફાયદો કરતા બેક્ટેરિયા પણ નાશ પામે છે. સંશોધકોના મતે કુદરતી રીતે ઝરણાઓમાંથી શુદ્ધ થયેલા પાણીમાં શરીરને ફાયદાકારક જેટલા તત્ત્વો મૌજુદ હોય છે એટલા પ્રોસેસ થયેલા કે જમીનમાંથી કાઢવામાં આવેલા પાણીમાં નથી હોતા.
પાણીમાં એક જ ગ્લાસમાં બેક્ટેરિયાની વિભિન્ન કેટલીય સ્પીસિસ હોય છે. એ સ્પીસિસમાં કેટલીક એવી હોય કે જેનાથી શરીર નિરોગી રાખી શકાય છે. આવા બેક્ટેરિયા આપણો ખોરાક પચાવવાથી લઈને નબળાઈ સામે પણ રક્ષણ આપે છે. પાણી પીવાથી શરીરમાં એનર્જીનો સંચાર થાય એ પાછળ આવા સારા બેક્ટેરિયાની ભૂમિકા અગ્રીમ છે.
આ વિજ્ઞાાનીઓ હવે પછીના સંશોધન દરમ્યાન માણસના મોમાં રહેલા ૮૦૦ જાતના બેક્ટેરિયાના અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છે.
ગટ બેકટેરીયા વિષયક સંશોધન સાથે સંકળાયેલા એક સંશોધક કહે છે કે આ પ્રકારના ગટ બેકટેરીયા વ્યક્તિને અગત્યના જનીનો પણ પ્રદાન કરે છે. માનવ શરીરના જીનોમમાં જેટલા જનીનો રહેલા છે એના કરતા સો ગણા જનીનોનો લાભ મનુષ્યને આ ગટ બેકટેરીયાના માધ્યમથી મળે છે. મનુષ્યોમાં એક વ્યક્તિનું જીનોમ બીજી વ્યક્તિને લગભગ મળતું આવે છે, પણ બે વ્યક્તિઓ વચ્ચે ગટ બેકટેરીયા દ્વારા પ્રદાન કરવામાં આવતા જનીનો વચ્ચે ભારે તફાવત હોવાને કારણે બે મનુષ્યોની તંદુરસ્તી વચ્ચે પણ ભારે તફાવત જોવા મળે છે.
બે મનુષ્યોના ગટ બેકટેરીયાનો તફાવત તેમની અલગ અલગ ખાનપાનની આદતોને આભારી હોય છે. જ્યારે વ્યક્તિ ખાંડ અને ચરબીથી ભરપુર આહાર લે છે ત્યારે તેના ગટ બેકટેરીયાની વિવિધતામાં ઘટાડો થાય છે. આ ઘટાડાને કારણે ઉર્જા સર્જનની પ્રવૃત્તિના સંતુલનમાં ભંગાણ પડે છે. આનાથી વિરૂદ્ધ પરિસ્થિતિમાં વ્યક્તિ જ્યારે પ્રોટીન અને વિટામીનથી ભરપુર વનસ્પતિ ખાવાનું શરૂ કરી દે છે ત્યારે ગટ બેકટેરીયાની વિવિધતામાં વધારો થાય છે અને ખોરવાયેલું સંતુલન ફરી સરખું થઈ જાય છે. જોકે હજી તો આ પ્રારંભિક તારણ છે અને સંશોધકો આ પ્રક્રિયાનો વધારે ગહન રીતે અભ્યાસ કરી રહ્યા છે.
આંતરડાની દિવાલમાં રહેલા ગટ બેકટેરીયાની અલગ અલગ પ્રજાતિ અને પ્રકારનો અભ્યાસ કર્યા પછી સંશોધકોને ખબર પડી છે કે બે વ્યક્તિઓમાં રહેલા અલગ અલગ ગટ બેકટેરીયા બે વ્યક્તિઓની ભિન્નતાનું મોટું કારણ છે. જોકે સંશોધન પછી એ પણ ખબર પડી છે કે એક જ પરિવારના સભ્યોના ગટ બેકટેરીયામાં થોડી ઘણી સામ્યતા જોવા મળે છે, પણ પરિવાર સિવાયની વ્યક્તિઓના ગટ બેકટેરીયા વચ્ચે ખાસ સામ્યતા જોવા મળતી નથી.
આ સિવાય વ્યક્તિના શરીરમાં રહેલા સુક્ષ્માણુઓની પ્રજાતિનો આધાર જે તે જગ્યાની ભૌગોલિક સ્થિતિ ઉપર પણ છે. આ કારણોસર જ ચીનના લોકોના શરીરમાં રહેલા સુક્ષ્માણુઓ અમેરિકાના લોકોના શરીરના સુક્ષ્માણુ કરતા સાવ અલગ જ હોય છે. આમ, સંશોધકોને એ ખબર પડી છે કે વિશ્વમાં અલગ અલગ લાખો પ્રજાતિના સુક્ષ્માણુ છે, પણ આ સુક્ષ્માણુના જનીનિક બંધારણમાં શું તફાવત છે એ વાતન તાગ હજી સુધી પૂરેપૂરો નથી મળી શક્યો.
બેકટેરીયાની કરોડો પ્રજાતિઓના કારણે ક્યાં કારણોસર ગટ બેકટેરીયા વ્યક્તિના આરોગ્ય પર ઉડી છાપ છોડે છે એ શોધવાનું કામ દુષ્કર થઈ ગયું છે. આ બેકટેરીયા વિશે બીજી રસપ્રદ માહિતી મળી છે કે આ બેકટેરીયાનું આયુષ્ય બહુ અલ્પ હોય છે અને એક જ વ્યક્તિના શરીરમાં તેની હજારો પેઢીઓ વસવાટ કરે છે. બેકટેરીયાની આ લાક્ષણિકતાએ વિજ્ઞાાનીઓમાં ભારે આશ્ચર્ય સર્જ્યું છે.
આ લાક્ષણિકતાનો અભ્યાસ કરીને વિજ્ઞાાનીઓ બે તારણ પર પહોંચ્યા છે. પહેલાં તારણ મુજબ વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિના જનીનોમાં ફેરફાર ન થતો હોવા છતાં તેના શરીરમાં વસવાટ કરતા બેકટેરીયાના જનીનોમાં સતત ફેરફાર થતો રહે છે. માનવશરીરમાં રહેલા ગટ બેકટેરીયા બહુ સંવેદનશીલ હોય છે અને આસપાસના વાતાવરણમાં થતો નાનો ફેરફાર ખાસ કરીને દુષિત ખોરાકનો સંપર્ક એનું જનીનિક બંધારણ બદલી નાખવા સક્ષમ છે.
આ લાક્ષણિકતાને કારણે ગટ બેકટેરીયા દુષિત ખોરાકને કારણે થતા રોગોનો ભોગ શરીર ન બને એ માટે રોગપ્રતિકારક તંત્રને વધારે કાર્યક્ષમ બનાવે છે. સંશોધકોના બીજા તારણ પ્રમાણે ઉત્ક્રાંતિના કારણે મનુષ્યો અલગ અલગ પ્રકારનો આહાર ગ્રહણ કરવા માટે અને એનું પાચન કરવા માટે સક્ષમ બન્યો છે એ પાછળ આ ગટ બેકટેરીયા જવાબદાર છે.
ગટ બેકટેરીયાના જનીનિક બંધારણમાં ફેરફાર થઈને એની જે નવીનવી અલગ પ્રજાતિ બને છે એ મનુષ્યને અલગ અલગ નવા ખોરાકના પાચનમાં મદદ કરે છે. આમ, શરીરની કાર્યક્ષમતા અને ખાસ કરીને પાચનતંત્ર તથા રોગપ્રતિકારક તંત્રની સક્ષમતા જાળવી રાખવા શરીરમાં રહેલા કરોડો સુક્ષ્માણુ બહુ અગત્યના છે.