જેઠ જાય છે અને અષાઢ આવે છે
- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- 'તમારા બોલ ભગવોંન હાચા પાડે જે ધણીએ. આટલી રખેવાળી કરી છે અને આખા જગતની રખેવાળી કરે છે એ બૌ દયાળુ છે. એ સૌનું સારું કરશે..'
ખે તરમાં પાવડાથી ખાતરના પૂંજા ફોળતા ખેડૂતના ડિલ પરથી રેલાની જેમ પરસેવો પડે, એ જેઠ મહિનો એટલે આકરા તાપનો મહિનો. વૈશાખ મહિનામાં જે ક્રોધ કરવાનો બાકી રહી ગયો હોય એ બધો જ ક્રોધ જેઠના ભાગે આવે. ગ્રીષ્મની બધી ગરિમા પ્રગટ કરનારો જેઠ મહિનો. મોગરાનાં પુષ્પોને ઉઘડવાનો કાળ. ઉકળાટને વધારે અવકાશ મળે આ મહિનામાં. ઉનાળુ બાજરીને પાકી જવાનો અને એને ખળે લાવી ખરી કરી ઘરે લઇ જવાનો મહિનો એટલે જેઠ મહિનો. અખાતરીએ કરેલા શુકનનાં પગલાં પાડવાનો મહિનો. ગરમાળો, ગુલમહોર અને લીમડો પોતાની કાયાને પુષ્પો-પર્ણોના આભૂષણોથી શણગારે છે. આમ્રવૃક્ષ ફળે છે અને જાંબુડીનો ગર્ભ સીમંત ભરાવીને જાંબુડીનુ સૌભાગ્ય ચમકાવે છે.
ખેડુતો પરસેવાના રેલે ન્હાય છે. નવરાં થયેલાં ખેતરો આકાશ તરફ મીટમાંડી રહ્યાં છે, અને ટ્રેકટરો અને ગાડાં છાણિયાં ખાતર લઇને ખેતરોને સમૃધ્ધ કરવાના મનસુબા વેરી રહ્યાં છે. તડકાના પ્રહારો વાસંતી વીંઝણામાં સહ્ય બને છે. મોગરાની રજ લઇ સરી જતો પવન તડકાની કાયા ઉપર લેપ કરે છે. અશોકનાં વૃક્ષો પર રાતાં ફૂલોની ટશરો છે આવા આકરા દિવસોની ડાળ ઉપર કૃષિકો હીંચકા ખાય છે ત્યારે પણ એ કૃષિકોની આંખમાં અષાઢની આશાનાં સપનાં છે.
આવા કાળઝાળ જેઠના દિવસોમાં એક વટેમારગુ કોઇ ખેડૂતના છાપરા આગળથી નીકળ્યો.. સવારના દસ થવા આવ્યા હશે પણ તાપ તો બપોરના એક જેટલો લાગે... વટેમારગુને લાગેલી તરસ.. છાપરું જોઇ થોભ્યો.. લીમડા નીચે ઊભો રહ્યો. લીમડા નીચે ભૂખ્યાં એક ગાય અને એક ભેંસ બેઠાં બેઠાં હાંફે. અમસ્તો એણે ગાયને માથે હાથ મેલ્યો... ઘરમાંથી એક આધેડ બાઇએ બહાર ડોકું કાઢ્યું.. પછી 'બહાર આવી...' આવો, ભા.. ચ્યમ આબ્બુ થ્યું ?' બાઇએ કળશ્યો પાણી આપ્યું. ઘરમાં ખેડૂત ન હતો.બાળ બચ્ચાનો આવાજ પણ નહીં. પેલા વટેમારગુએ કહ્યું - 'કંઇ કામ નથી ભા, આ તો જતો'તો ને ગાય ભાળી, તાપ હતો છાંયડે ઊભો રહ્યો. તમે પોણી આલ્યું.. ભલું થજો તમારું ભા' વટેમારગુ બોલ્યો.
વટેમારગુએ કીધું 'હોજા ગાઁમથી આઉ છું. પ્રતાપપુરા જઉ છું..' બાઇએ કહ્યું - 'પરતાપપરા કુને ઘેર ?'
'પશા રૉમાને ઇયાં !' વટેમારગુ બોલ્યો.
'ઓહો ? ચ્યમ ?' પેલી બાઇએ પૂછ્યું.
'બૂન, વાત ઇમ સ્ય ક મારી છોરીને કાઢી મેલી છે. હવે આજે મને બોલાયો છ ક્અ આઓ વેવાઇ આજે વજાપરો કરી દઇએ, અમે તેડીશું પણ લખત કરીને'
બાઇએ કહ્યું - 'બેહો ભૈ, મુ ચા મેલું... તમે મારા ઘેર ચ્યોંથી ? રહ્યો નહિ ? આકરો તાપ.. ઢોરને થોડાં ભુસ્યાં રખોંય ? તે વિઠલભાને ત્યાં ખાતર વેરવા જ્યા અને ઇયાંથી ઢોરાં માટે ચાર લાવસી. તમેબેહો'
વટેમારગુએ કહ્યું - 'ભા તમારી ચા પીને ચિયા ભવે ચૂકવું ?'
પણ ઘડીવાર બેહુ... 'લ્યો ભા, લેંમરાનો છાંયો છે.'
ચા લઇને બાઇ આવી. સામે બેઠી. પછી કેટલો આકરો તાપ પડે છે અને એવો આકરો બફારો છે, વટેમારગુના મનમાં પણ એણે જોયો.. 'છોરીના બાપને નમતું રેવું ભા !' એ બોલી..
'ઓવ્અ, ઑમ તો વજાપરો થૈ જ્યો છ્અ પણ અહાઢ મૈને તેડવા આબ્બાનું કો'તાતા એનું પાકુ કરી આવું - અને એ વજાપરા પરમાણે બધુ બરાબર છે એની ભાળ કાઢી આવું... એટલે જૌ છું જે લખત કરવાનું છ્અ એ કરી આઉ'.
બાઇએ કહ્યું - 'એ પશા રૉમાવાળા ઑમ આકરા પણ બે જણા દબઇને કે'તો મૉની જૉંય પાછા.. ભા, મુંય પરતાપપરાની છું એટલે ખબેર્ય, છોરીને તેડી જશી.'
'આ અમારેય પટેલ ઍકાવા.. પૈણે ચાર વરહ થ્યોં અને - ઢોરાં હાચવીએ..' અને આકાશ તરફ જોઇ કહે - 'અહાડ આવશે'ની રાહ જોઇએ, પટેલ ખાતર વેરવા અને ચારો લેવા જ્યા'
વટેમારગુ કહે - 'બાઇ, તમે આંગણે ઢૉરની સેવા કરો છો એ પુણ્યનું કૉમ છે - એટલે કહુ છું. આ મોટી સેવા છે - તમે સુખી થશો, તમારી હૉમે ભગવાન જોશે.. કૌસું એ તો 'જેઠ ભલે રહ્યો પણ અહાઢ આવશે' એમ કહી હાથ જોડી વટેમારગુ ઊભો થયો...
એટલામાં તો પેલો પટેલ પાછો આવ્યો વટેમારગુને રામરામ કર્યા. પેલો ખેડુ માથે ચારો ઉપાડેલો તે ઢોરાંને નાખ્યો. 'ભલા મૉણહ, બેંહો જવાય છઅ.'
વટેમારગુને બેસાડી પેલો ખેડુ પૂછવા માંડયો -
'હવે રૉટલા ખઇને જજો. શીદ જાવું છે ? ઢોરાં રાજીરાજી થઇ ચારો ખાતો હતાં.
'પરતાપપરા છોરી માટે.' વટેમારગુ બોલ્યો.
'ઑવ્અ, એ પે'લું... આપરી સેડૂની જાત્યને તો વિવા વાજન, ઓણાં જિયાણાં પત્યા પછી જ જેઠમાં જ નવરાશ મળે.. જુઓ મુંય ખાતર વેરીને આયો, ભૂસ્યાં ઢોર માટે ચાર લઇ આયો, છોરીનું કૉમ પહેલું કરવાનું.'
આ જેઠ મહિનામાં ગાડાનાં પૈડાં સિંચાય અને ગાડા પર ઝાકળા મંડાય. ગાડામાં ઉકરડા ભરાય ને ખેતરે ઠલવાય. કોહેલું સોના જેવું ખાતર, ને મહીંથી વીંછી પણ નીકળે. એવું ખાતર વેરીને પટેલ પરસેવે રેબઝેબ આવેલો એ પટેલે આંગણે આવેલા વટેમારગુને ધરપત આપતાં કહ્યું - 'આભલે ભૈ જુઓ, 'જુઓ આ પાછોતર જેઠ - ઊગમણે કોલમડી બંધાણી છે અને વરહાદની એંધોંણી કેવરાય. કાલ્ય આવશે.'
વટેમારગુએ 'હા માં હા' ભણીને કહ્યું - 'હા ભૈ હા, ઉપરવારો છે. તાપ પછી ટાઢક કરે. જેઠ પછી અહાડ આવે... દુ:ખ પછી સુખ આવે..'
'હાવ હાચી વાત' ખેડૂત બોલ્યો.
વટેમારગુએ પ્રેમથી રોટલો દાળ ખાધાં. નિરાંતે નીકળ્યો.. 'ભા આવજો, અને તમારી છોરીનું કો'મ પતી જશે હોં ભા' એવો સધિયાર પણ આપ્યો વટેમારગુએ કહ્યું - 'તમારા જેવા મહેનતુ મૉણહના આશરવાદ ફળે તમેય હખી થજો'
ખેડૂત અને બાઇએ વટેમારગુને હાથ જોડયા... 'તમારા બોલ ભગવોંન હાચા પાડે જે ધણીએ. આટલી રખેવાળી કરી છે અને આખા જગતની રખેવાળી કરે છે એ બૌ દયાળુ છે. એ સૌનું સારું કરશે..' એમ મનોમન બોલી બાઇ છાપરામાં ગઈ....
વટેમારગુ અને પટેલ બાઇને કોઇજ ઓળખાણ નથી સાવ જ અજાણ્યાં છે.. બંને દુ:ખી છે. બંને ભગવાન સામે હાથ જોડીને ઊભાં છે... બંને અષાઢની રાહ જુએ છે...
આવતીકાલે અષાઢ બેસવાનો છે. આકાશ તરફ સૌની નજર છે. સૂર્ય અટવાઇ જાય એવાં વાદળો ઘેરાશે. આભમાં વીજળી ઝબૂકશે. એ ચમકારે પૃથ્વી ઉપર જવાનો માર્ગ મેઘ જોઈ લેશે... અને અષાઢના દિવસોમાં મેઘ સૌનો આધાર બનીને ઉતરી આવશે - અષાઢમાં આવેલો વરસાદ કાળજાં ઠારશે. ખેતરો ઠારશે. હૈયાં ઠારશે. ધરાને ખૂણે ખાંચરે બાઝેલ ઝાળાં ધૂળ - સાફ કરી નાખશે... પૃથ્વી ઉપર જાણે જગન મંડાશે. મેઘ-પૃથ્વીનું મિલન થશે. ઇશ્વર જાણે હેઠે ઊતરશે... રૂપેરી-સોનેરી વાદળીઓ પૃથ્વીની કઠોરતાને કોમળ બનાવશે... વૃક્ષો નૃત્ય કરશે અને ચારેપાથી તૃપ્તિના ઑડકાર સંભળાશે... અષાઢ નવી આશા લઇને આવવાનો છે. હળોતરાં થશે, હળે બળદો જોતરાશે. કંસાર રંધાશે. સીમની શકલ બદલાઈ જશે, ધરતી લીલી બની જશે, મોલ વવાશે જેમ રાત પછી દિવસ, દુ:ખ પછી સુખ નિશ્ચિત છે તેમ જેઠ પછી અષાઢ પણ નિશ્ચિત છે. એ અવશ્ય આવશે... અને માનવજાતની આશાઓ અવશ્ય પૂર્ણ કરશે.. આશાઓ બંધાય અને પૂરણ પણ થાય.
આ વર્ષે મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં ભલે કોરોનાએ પૃથ્વી ઉપર ત્રાસ ફેલાવ્યો - તાપ વરસાવ્યો પણ હવે અષાઢની આશા છે - પ્રજાજીવનને ઠારવા મેઘ સ્વરૂપે ભગવાન પધારી કોરોનાને લઇ જશે એવી આશા રાખીએ.