Get The App

સૌભાગ્ય અખંડ હતું, દાંપત્ય નહીં .

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
સૌભાગ્ય અખંડ હતું, દાંપત્ય નહીં                 . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- આજે મારી મમ્મીને નવી નક્કોર સાડી પહેરાવો. તેના જન્મદિવસે જ મેં તેને ગિફ્ટ કરી હતી તે સાડી મમ્મીને પહેરાવો અને તેમાં જ તેના અંતિમ સંસ્કાર થશે

'હે લ્લો મામા, મમ્મી એક્સપાયર થઈ ગઈ છે. તમે ઝડપથી ઘરે આવી જજો.' - પૃથાએ ફોન કરીને માહિતી આપી.

'માસી, મમ્મી ધામમાં ગઈ, કાલે સવારે આઠ વાગ્યે અંતિમ વિદાય રાખીશું. તમે શક્ય એટલા ઝડપથી આવી જજો. મેં મામાને કહી દીધું છે.' - પૃથાએ માસીને પણ જાણ કરી દીધી. 

પૃથાએ એક નજર પોતાની મમ્મીના નશ્વરદેહ ઉપર કરી અને પછી ઘરમાં તૈયારીઓ કરવામાં જોતારાઈ ગઈ. તેના મનમાં દુ:ખ, પીડા, એકલતાનો અખૂટ દરિયો ઘુઘવવા લાગ્યો હતો પણ તેણે પાપણોના કિનારે મક્કમતાની મજબૂત દીવાલ ચણી કાઢી હતી. પૃથાને કદાચ જાણ હતી કે, હવે જે સ્થિતિ બદલાશે તેમાં તેણે જ પોતાની મરેલી મા અને પોતાની જાત માટે સજ્જ થવાનું છે. ઘરના ડ્રોઈંગરૂમમાં આવી તેણે સોફા ખસેડીને સાઈડમાં કર્યા, સેન્ટર ટેબલને પૂજા રૂમ પાસે ખેસેડી દીધું. પાણીની બોટલ માટે કોઈને ફોન કરીને ઓર્ડર કરી દીધો.

હજી તો રાતના નવ વાગ્યા હતા. આખી રાત કાઢવાની હતી અને સવારે આઠ વાગ્યા સુધી સમાજને, પરિવારને, સગાને, મિત્રોને બધાને સમજવાના અને સમજાવવાના હતા. લગભગ વીસેક મિનિટ થઈ અને મનુમામા, અંજુમામી, દેવાયાની બા, કાંતિદાદા, નિકિ મામી, મનીષા ફોઈ, કેતન ફૂઆ બધા જ આવી ગયા. મામાએ આવીને સમાચાર આપ્યા કે, વિધિ અને કુમાર વડોદરાથી નીકળી ગયા છે બાર-એક વાગ્યા સુધીમાં આવી જશે.

સગાવહાલ ભેગા થવા લાગ્યા હતા, આડોશપાડોશના લોકો આવ્યા, પૃથાના કેટલાક મિત્રો આવ્યા. ઘરના કમ્પાઉન્ડમાં બધા ભેગા થવા લાગ્યા અને લગભગ રાતના બે વાગ્યા. સવારે પાંચ વાગ્યે સરોજીનીને તૈયાર કરજો અને અંતિમવિદાયની સામગ્રીને બધું લાવવાની વ્યવસ્થા કરી દો. 

વિધી અને મનિષા ખાસ ધ્યાન રાખજો, સરોજીની અખંડ સૌભાગ્યવતિ હતી તેથી તેને તે પ્રમાણે સજ્જ કરજો. લાલાચુંદડી, ચુડીઓ, માથે મોડ બધું જ મુકવું પડશે તો ઘરમાંથી કાઢીને મુકો એક તરફ. 

- ઘરના વડીલ દેવયાની બાએ આદેશ આપ્યો.

'દાદી એવું કશું જ નહીં થાય. મારી માએ આખી જિંદગી એકવાયું જ જીવન જીવ્યું છે. તેને કોઈ લાલ ચુંદડી, ચુડીઓ, કશું જ મુકવું નથી. કયા સૌભાગ્યની તમે વાત કરો છો.' - પૃથાએ સહેજ મોટા અવાજે કહ્યું અને ઘરમાં સોપો પડી ગયો.

'દીકરી, તારો બાપ વ્રજેશ હજી જીવે છે. તારી મમ્મીના માથા તેના નામનું સિંદુર પુરાયેલું હતું. સરોજીની સૌભાગ્યવતિ હતી. તો પછી તેની અંતિમક્રિયા પણ તેવી રીતે જ થવી જોઈએને.' - દેવયાનીબાએ તેને શાંતિથી સમજાવતા કહ્યું.

'તમે કયા સૌભાગ્યની વાત કરો છે. લગ્નના બે વર્ષ કોઈ માણસ સાથે રહી, એક દીકરીને જન્મ આપ્યો અને પછી તેનો વર ભાગી ગયો. બીજી કોઈ સ્ત્રી જોડે રહેવા લાગ્યો અને આજે પચ્ચીસ વર્ષે પણ તેની સામે જોવા નથી આવ્યો એ સૌભાગ્ય.' - પૃથાનો આક્રોશ વધતો જતો હતો.

'બેટા, પણ વ્રજેશ અને સરોજીની જાતે જ જુદા રહેવાનું નક્કી કર્યું હતું. તારી મમ્મીએ જ છૂટાછેડા લેવાની ના પાડી હતી. તારા પપ્પા હજી જીવતા છે. આપણાથી એવું ન કરાય.' - મનિષાફોઈએ સમજાવવાનો પ્રયાસ કર્યો.

'ફોઈ, તમારો ભાઈ જીવતો હશે, દેવયાની બાનો ભત્રીજો જીવતો હશે, મારો બાપ અને સરોજીનીનો વર તો ક્યારનો મરી ગયો. પચ્ચીસ વર્ષ પહેલાં જ મરી ગયો હતો. અમારા માટે તો ખરો જ.' - પૃથાએ કહ્યું અને મનિષા ફોઈ અવાક રહી ગયા.

'તમે કેવા માણસની તરફેણ કરો છો. એક એવો પુરુષ જેણે ક્યારેય કોઈ સ્ત્રીને પોતાની ગણી જ નહીં. સરોજીની સાથે લગ્ન કર્યા. એક સંતાનનો જન્મ થયો. નોકરી માટે દિલ્હી જતો રહ્યો. ત્યાં પ્રિયા સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો. બે-ચાર વર્ષ પછી મુંબઈ જતો રહ્યો. ત્યાં સલોની, કામ્યા અને સવિતા સાથે સંબંધો બાંધ્યા.' - પૃથા અકળાઈ.

'બેટા, એ જેવો હતો તેવો પણ તારી મા માટે તો પતિ જ હતો. જ્યાં સુધી વ્રજેશ જીવતો છે ત્યાં સુધી તો સરોજીની સૌભાગ્યવતિ જ ગણાય. તેને એ રીતે જ તૈયાર કરવી પડે.' - દેવયાની બાએ હળવાશથી કહ્યું.

'દાદી, પ્લીઝ તમે બળજબરી ન કરશો. મારી મમ્મીએ તેના નામનું સિંદુર પચ્ચીસ વર્ષ પહેલાં જ ભુંસી નાખ્યું હતું. હવે તેના નામનો સાડલો પહેરીને અંતિમક્રિયા તો નહીં જ થવા દઉં.' - પૃથા હવે મક્કમ થતી જતી હતી.

'તારી મમ્મીની અતિંમક્રિયા માટે તૈયાર કેવી રીતે કરવાની. તેને ચોખ્ખા કપડાં તો પહેરાવા જ પડશે ને. તેને કયા કપડાં પહેરાવીશું તું જ જણાવ. સૌભાગ્યવતિને લાલ સાડી કે ચુંદડી મુકવા પડે.' - વિધિમાસી વચ્ચે પડી.

'માસી તમે તો વચ્ચે આવતા જ નહીં. જે માણસને તમે સગા ભાઈથી વધારે માન્યો હતો તે જ તમારી બહેનને છોડીને નાસી ગયો હતો. તમારી બહેને આખી જિંદગી સંઘર્ષ કર્યો. શૂન્યમાંથી સર્જન કર્યું અને હવે જ્યારે તે અંતિમચરણમાં છે ત્યારે એ નફ્ફટ માણસની સાથે જોડીને તમે તેના આત્માને અભડાવવા માગો છો.' - પૃથાએ કહ્યું.

'તારી બધી દલીલો બરાબર છે પણ સરુ આખરે તો તેની પત્ની છે અને તેથી આપણે તે રીતે જ કરવું પડે. વ્રજેશ પણ આવ્યો છે. તે બહાર જ બેઠો છે. સરુને અંતિમવખત જોવા આવ્યો છે.' - મનુમામાએ પૃથાના માથે હાથ મુકીને હળવાશથી કહ્યું.

'મામા, એ માણસને અત્યારે જ કહો કે અહીંયાથી જતો રહે. મારી મમ્મીના શરીર ઉપર તેનો પડછાયો પણ પડવા નહીં દઉં. આ ઘર સરોજીની પંડયાનું અને પૃથા પંડયાનું છે. વ્રજેશ દયાશંકર પંડિત અમારા માટે પચ્ચીસ વર્ષ પહેલાં જ મરી ગયો હતો. તેનો જે ફ્લેટ હતો તે તેના મા-બાપ માટે હતો. આ ઘર મારી માએ બનાવેલું છે. અમારા ઘરમાં તેનો પ્રવેશ તો નહીં જ થાય. કાઢો એને બહાર.' - પૃથાએ ઘાંટો પાડયો.

'બેટા, સમાજમાં તારું અને મમ્મીનું ખરાબ દેખાય. તું કેમ જીદ કરે છે.' - નિકિ મામીએ કહ્યું.

'મામી, તમે તો સાક્ષી છો મમ્મીની મહેનતના. તેણે કઈ હદે સંઘર્ષ કર્યો હતો. દિલ્હી નોકરી મળી અને વ્યાભીચારીને પાંખો મળી. સતત પરસ્ત્રીગમન અને જુદા જુદા શહેરોની રખડપટ્ટી કરતો રહ્યો. તેણે ક્યારેય કોઈ સ્ત્રીને વ્યાભીચારની વસ્તુથી વધારે સમજી જ નથી. હવે મારી માના મૃતદેહ ઉપર અધિકાર કરવા આવ્યો છે.'

'તમે કયા સમાજની વાતો કરો છે. આ નપુંસક સમાજ ત્યારે ક્યાં હતો જ્યારે પેલો માણસ મારી મમ્મીને છોડીને જતો રહ્યો હતો. મારી મમ્મીએ મજૂરી કરીને મને ભણાવી, ગણાવી, પેલા માણસના મા-બાપને સાચવ્યા, તેમની સેવા-ચાકરી કરી. તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ મનિષાફોઈને અત્યાર સુધી સાચવી. મારી માએ એકલા હાથે છેલ્લાં પચ્ચીસ વર્ષ જંગ લડયો હતો. નાની નાની વાતે નાકના ટેરવાં ચડાવતો અને વાતો કરતો આ સમાજ ત્યારે ખૂણામાં બેસીને તાળીઓ પાડતો હતો. મારી માએ આખી જિંદગી નોકરી કરીને હપતા ભરીને આ ઘર ઊભું કર્યું ત્યારે સમાજનો કયો માણસ મદદ કરવા આવ્યો હતો. સમાજમાંથી કોણ મારી સ્કુલ કે કોલેજની ફી ભરવા આવ્યું હતું. મમ્મીને હાર્ટનો પ્રોબ્લેમ થયો ત્યારે તેની દવાઓ માટે પૈસા આપવા કયો સમાજ અને તેના લોકો આવ્યા હતા. સમાજ બધી બાજું વાતો જ કરે છે. મને કોઈ સમાજની પડી નથી.' - પૃથાએ કહ્યું.

'સારું. તને ઠીક લાગે તેવું કરીએ. બોલ, શું પહેરાવવું છે તારી મમ્મીને.' - દેવાયનીબા બોલ્યા.

'એક વાત બહુ જ સ્પષ્ટ છે કે, તેનું સૌભાગ્ય અખંડ હતું પણ દાંપત્ય તો પચ્ચીસ વર્ષ પહેલાં જ મરી પરવાર્યું હતું. તેના સૌભાગ્ય ઉપર તમારો ભત્રીજો સફેદી પાથરીને જતો રહ્યો હતો. આજે મારી મમ્મીને નવી નક્કોર સાડી પહેરાવો. તેના જન્મદિવસે જ મેં તેને ગિફ્ટ કરી હતી તે સાડી મમ્મીને પહેરાવો અને તેમાં જ તેના અંતિમ સંસ્કાર થશે. સૌથી પહેલાં તમારા વ્રજેશને રવાના કરો નહીંતર આજે અહીંયાથી બે નનામી નીકળશે. આજે કોઈની પત્ની, કોઈની બહેન, કોઈની નણંદ કે કોઈ સામાજિક બંધનો ધરાવતી સ્ત્રી નહીં માત્ર મારી મા સરોજીની પંડયાની નનામી નીકળશે. આ સમાજના તમામ પોકળ બંધનોથી મુક્ત થયેલી એકલપંડે સંઘર્ષ કરીને જીવતી રહેલી સ્ત્રીની અંતિમયાત્રા.' - પૃથાએ કહ્યું અને દેવયાની બાએ તેની વાત સ્વીકારી લીધી.

Tags :