Get The App

અમેરિકી મહિલા ફૂટબોલર ટોબિન હિથ સુપરસ્ટાર રોનાલ્ડો-નેમારની બરાબરીએ

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકી મહિલા ફૂટબોલર ટોબિન હિથ સુપરસ્ટાર રોનાલ્ડો-નેમારની બરાબરીએ 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- અમેરિકાના ફૂટબોલ ઈતિહાસની સૌથી ક્લાસિકલ ફૂટબોલર ટોબિન બે વખત ફૂટબોલ વર્લ્ડ કપ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે

શ્રે ષ્ઠતા સુધી પહોંચવાની ધગશ હોય તો ગમે તેવી પરિસ્થિતિને મહાત આપીને આકાશી ઊંચાઈને હાંસલ કરી શકાય. સફળતાના અનેક પરિમાણ હોય છે અને તે વ્યક્તિની મહાનતાને એવો આકાર આપે છે કે, જેના થકી તે પોતાના સમકાલીન સિતારાઓની વચ્ચે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ સિદ્ધિઓ શીખર સુુધી પહોંંચી શકે છે, પણ ત્યાં પહોંચ્યા બાદ વ્યક્તિત્વની વિશેષતા મહત્વની બની રહે છે. જે પોતાની સાથે સાથે તેની આસપાસના વાતાવરણમાં પણ એવો પ્રભાવ પાડે છે કે, તેની યાદ લાંબા સમય સુધી લોકહૃદયમાં વસી જાય છેે. 

આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલમાં તમામ મેજર ટ્રોફી જીતી ચૂકેલી અમેરિકાની ટોબિન હિથ તેની ઝડપ અને બોલ પરના ગજબનાક નિયંત્રણને કારણે આગવી ઓળખ ધરાવે છે. તેણે ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય અને ૨૧ વર્ષની પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી તરીકેની કારકિર્દીમાં કુલ મળીને ૨૫૦થી વધુ મુકાબલામાં ભાગ લઈને ૬૦થી વધુ ગોલ ફટકારવામાં સફળતા મેળવી છે. આક્રમણ પંક્તિની ફૂટબોલર તરીકે અમેરિકાની ફૂટબોલ ટીમમાં આગવું સ્થાન ધરાવતી ટોબિને બે વખત વર્લ્ડ કપ અને બે વખત ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે, જે તેની કારકિર્દીની વિશેષ ઉપલબ્ધી સમાન બની રહી છે. 

ફૂટબોલના મેદાનમાં ટોબિનની કુશળતા દાદ માંગી લેે તેવી રહી છે. બોલ પર ઝડપથી નિયંત્રણ મેળવવાની સાથે હરિફ ટીમના ડિફેન્ડરો અને ગોલકિપરોને થાપ આપવામાં તેની નીપૂર્ણત્તા વિશેષ છે. વળી, ટીમના એક સભ્ય તરીકે સાથી ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની સાથે નિર્ણાયક તબકકે પોતે ગોલ ફટકારવાની તક જતી કરીને, તે એવા અસરકારક -પીનપોઈન્ટ પાસ આપે છે કે, જેના પર બોલને ગોલમાં મોકલવા માટે સાથી ખેલાડીને માત્ર એક જ ટચની જરુર પડે. તેની રમતની આ વિશેષતાના કારણે તેણે અમેરિકા જ નહીં, વિશ્વ ફૂટબોલ જગતમાં ચાહકોનો આગવો વર્ગ ઉભો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

વિશિષ્ટ આંતર સુઝ અને ફૂટબોલર તરીકેની કુદરતી મુવમેન્ટ ધરાવતી ટોબિન હિથ જાણે ફૂટબોલ રમવા માટે જ જન્મી હોય તેવું ઘણા જાણકારો માને છે. તે ફૂટબોલના મેદાનમાં પણ મેચ દરમિયાન મોટાભાગે દરેક વખતે એવા યોગ્ય સ્થાન પર પહોંચી જ જાય કે, જ્યાં તેની ઉપસ્થિતિની અપેક્ષા કોચ કે નિષ્ણાતો રાખતા હોય. આ જ કારણે તેને 'મોસ્ટ ગિફ્ટેડ પ્લેયર' તરીકેની ઓળખ મળી છે. ટોબિને તેની વિશિષ્ટ પ્રતિભાને ભારે સંઘર્ષ અને મહેનત થકી નિખાર આપ્યો છે અને આ જ કારણે તેને અમેરિકાના ઈતિહાસની કૌશલ્યની દ્રષ્ટીએ પૂર્ણતાની સૌથી નજીક પહોંચેલી ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે અને તેને આ ઓળખ ખુદ અમેરિકાના ફૂટબોલ ફેડરેશને આપી છે.

ટોબિનની પ્રતિભાનો ચમકારો કલબ ફૂટબોલમાં પણ જોવા મળ્યો છે. ન્યૂ જર્સી વિઝાર્ડસથી સિનિયર ફૂટબોલર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરીને તેણે આર્સેનલ સહિતની મોટાભાગની મહિલા ફૂટબોલની મેજર કલબો તરફથી રમી ચૂકી છે. આખરે સિયાટ્ટલની રૅન કલબ તરફથી તેણેે કારકિર્દીના આખરી મુકાબલા ખેલ્યા હતા. તેની કારકિર્દી પોર્ટરલેન્ડ થ્રોન્સ એફસી તરફથી કારકિર્દીની ઊંચાઈઓને સ્પર્શ કરવામાં સફળ રહી હતી. તેણે સાત વર્ષના કાર્યકાળ દરમિયાન આ કલબ તરફથી બે વખત અમેરિકાની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ લીગ જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત તે બે વખત નેશનલ મહિલા ફૂટબોલ લીગનો શિલ્ડ અને વિમેન્સ કપમાં પણ વિજેતા બનનારી ટીમનું અભિન્ન અંગ રહી ચૂકી છે.

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આગવી ઓળખ ધરાવતી ટોબિનનો જન્મ ન્યૂ જર્સીના મોરિસન ટાઉનમાં થયો હતો. તેના પિતા જેરી અને માતા સિન્ડીએ તેની મોટી બહેનોની જેમ જ તેની પ્રતિભાને રમતના મેદાનમાં આગળ ધપાવવા માટે તમામ સગવડ કરી આપી. ટોબિનના પગલે તેના નાના ભાઈએ પણ સ્પોર્ટસમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. પરિવારની સાથે તેણે શરુઆત તો ફૂટબોલથી કરી. જોકે તેને રસ તો તમામ રમતોમાં પડતો. દરિયાના મોજા પર સવાર થઈને આગળ વધવાની સર્ફિગની રમત હોય કે પછી ટેનિસ, બધામાં ટોબિન આગળ જ હોય. તેેનામાં ઉભરાતી ઉર્જાનો દરિયો રમતના મેદાનમાં ચારેબાજું જોવા મળતો. 

તમામ રમતો પર હાથ અજમાવ્યા બાદ ટોબિને આખરે ફૂટબોલ પર પસંદગી ઉતારી અને તેમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. શાળાજીવન દરમિયાન જ તેેણે અભ્યાસની સાથે સાથે ફૂટબોલ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું અને આ જ કારણે તેણે જુનિયર કલબ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી. તેની સાથે સાથે હાઈસ્કૂલની ટીમને પણ નવી ઊંચાઈએ પહોંચવામાં મદદ કરી. નોર્થ કારોલીના યુનિવર્સિટીની ટીમમાં સામેલ થયા બાદ ટોબિને ફૂટબોલની પ્રેક્ટિસ શરુ કરી અને તે છોકરાઓની ટીમ સાથે પ્રેક્ટિસમાં જોડાતી. તેની ઝડપ અને કૌશલ્યમાં આ કારણે વધુ નિખાર આવ્યો અને તેણે તેની કોલેજને પ્રતિષ્ઠિત એનસીએએ ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને કુલ આઠ ગોલ ફટકાર્યા. આ પછી વધુ બે વખત તેણે કોલેજને રાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવી.

જુનિયર ફૂટબોલમાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી ચૂકેલી ટોબિની પસંદગી  કોલેજ ફૂટબોલ દરમિયાન જ તેેની પસંદગી અમેરિકાની મહિલા ફૂટબોલ ટીમમાં થઈ હતી અને વર્ષ ૨૦૦૮માં તેને પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટીમમાં તક મળી. ત્યાર બાદ ૨૦ વર્ષની ઉંમરે તે ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતનારી ટીમમાં સામેલ હતી. ત્યાર બાદ ૨૦૧૧ના ફૂટબોલ વર્લ્ડ કપમાં અમેરિકાની રનરઅપ ટીમમાં પણ તે સામેલ હતી. 

સતત ફુટબોલ રમવાના કારણે તેની કારકિર્દીને ઈજાનું ગ્રહણ પણ લાગ્યું, છતાં તેણે મક્કમ ઈરાદા સાથે પુનરાગમન કર્યું અને ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં અમેરિકાની મહિલા ફૂટબોલ ટીમને ફરી વખત સુવર્ણ ચંદ્રક અપાવ્યો. કલબ અને આંતરરરાષ્ટ્રીય સ્તરના ફૂટબોલમાં સફળતાના નવા શિખરોને સર કરી રહેલી ટોબિને આખરે ૨૦૧૫માં કેનેડામાં અને ત્યાર બાદ ૨૦૧૯માં ફ્રાન્સમાં યોજાયેલા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમને ચેમ્પિયન બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. ખેલાડીના કૌશલ્યો પરથી મુલ્યાંકન કરનારી ફિફા ૧૬ ગેમ દ્વારા ટોબિનના કૌશલ્યને પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી નેમારની બરોબરીએ મૂકવામાં આવ્યા.

ફિફા-૧૬ દ્વારા ફાઈવ સ્ટાર  સ્ક્રીલ્સ ધરાવતી માત્ર બીજી મહિલા ખેલાડી તરીકે ટોબિનને પસંંદ કરવામાં આવી, જે તેની ફૂટબોલર તરીકેની કારકિર્દીની સૌથી યાદગાર અને સન્માનજનક પળ હતી. તે અગાઉ માત્ર બ્રાઝિલની માર્ટા જ આ ઉંચાઈને હાંસલ કરી શકી હતી. આંતરરાષ્ટ્રીય અને કલબ ફૂટબોલર તરીકેની લાંબી કારકિર્દી બાદ આખરે ટોબિને ૩૭ વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેની સાથે મહિલા ફૂટબોલમાં એક યાદગાર સફરનો અંત આવી ગયો છે. નિવૃત્તિ બાદ પણ તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલના વિકાસ માટે કાર્યરત રહેવા માટે કટિબદ્ધ છે.

Tags :