ગરીબ દર્દીના સ્મિતની ખોજ .
- આજકાલ-પ્રીતિ શાહ
- 'હું ભૌતિક ઇચ્છાઓથી મુક્ત સાદું જીવન જીવું છું અને એમાં મને શાંતિ મળે છે. સાથીઓ દ્વારા મળતું સન્માન અને દર્દીઓનું સ્મિત મારા આત્માને ઊર્જાથી ભરી દે છે.'
બિ હારના ખગડિયા જિલ્લાના નાના ગામમાં ખેડૂત પિતાને ત્યાં ડૉ.એસ.એમ. જીયાઉર રહમાનનો જન્મ થયો હતો. નાનકડા ગામમાંથી તેમની યાત્રા શરૂ થઈ અને તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત ખાનગી હૉસ્પિટલમાં કાર્ડિયાક ડિપાર્ટમેન્ટમાં ઊંચા પગારની નોકરી મેળવી, પરંતુ એક દિવસ તેઓ બધું છોડીને પોતાના માદરે વતનમાં પાછા ફર્યા. બન્યું એવું કે રોજની જેમ જ તેઓ હાસ્પિટલ પહોંચ્યા, ત્યારે ત્યાં એક ગરીબ દર્દી આવ્યો. એ અત્યંત થાકેલો, ચિંતાતુર અને વ્યગ્ર લાગ્યો. ડૉકટરે તેનું બ્લડપ્રેશર માપ્યું. તેમણે જોયું કે ઉપરનું બ્લડપ્રેશર ૧૫૦ હતું, પરંતુ નીચેનું તો માત્ર ચાલીસ જ હતું. એ બિહારના કોઈ ગામડામાંથી આવતો હતો. બિહારનું નામ સાંભળતા ડૉક્ટરને રસ પડયો અને અત્યંત આશ્ચર્ય થયું કે આ દર્દી બિહારથી અર્થાત્ બારસો કિમી.ની મુસાફરી કરીને તબિયત બતાવવા માટે છેક દિલ્હી આવ્યો છે ડૉક્ટરને હજી બીજો આંચકો મળવો બાકી હતો. તેમણે પૂછયું કે, 'બિહારમાં ક્યાં રહે છે ?' ત્યારે જવાબ મળ્યો, 'ખગડિયા !'
આ જવાબ તેમના હૃદય સોંસરવો ઉતરી ગયો. તેઓ વિચારવા લાગ્યા કે દિલ્હી એક એવી જગ્યા છે જ્યાં દર્દીઓને વર્લ્ડ ક્લાસ સારવાર મળે છે, તો બીજી બાજુ મારા વતનના લોકો પારાવાર તકલીફ અને પરેશાની ભોગવે છે કે જેમને સામાન્ય રોગ માટે પણ આટલે દૂર સુધી આવવું પડે છે ? બસ, એ જ ક્ષણે એમણે પોતાના વતનમાં જઈને દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું. રહમાન પોતે એક સામાન્ય કુટુંબમાં જન્મ્યા હતા, તેથી સામાન્ય માનવીના દુ:ખદર્દને સારી રીતે સમજી શકતા. ખેડૂત પિતા પાસે પાંચ એકર જમીન અને ત્રણ ભેંસ હતી. તેઓ પોતાના બાળપણને યાદ કરતા કહે છે કે આવા સંજોગોમાં પણ તેમના પિતાએ ક્યારેય ખેતી કરવાનું કે ભેંસની દેખરેખ રાખવાનું કહ્યું નહોતું. તેમની માતાએ પણ તેમને ક્યારેય ઘંટીએ જઈને અનાજ દળાવવું કે ઘરના અન્ય કોઈ કામ ચીંધ્યા નથી. તેઓ બંને તેમને અભ્યાસ પર ધ્યાન આપવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
ડૉ. રહમાન પાંચ-છ વર્ષના હતા, ત્યારે તેઓ તેમની માતા અને નાના ભાઈ સાથે હૉસ્પિટલ ગયા હતા. તે સમયે તેમની પાસે પૂરતા પૈસા હતા નહીં, તેથી તેમની માતાએ કમ્પાઉન્ડરને એક જ કેસમાં બંનેની સારવાર થઈ શકે તો સારું તેવી વિનંતી કરી, પરંતુ તેણે બહુ આઘાત થાય, તે રીતે જાકારો આપ્યો. રહમાન કહે છે કે આ બધું સમજવા માટે તેમની ઉંમર ઘણી નાની હતી, પરંતુ તે સમયે તેમણે ખૂબ શરમ અનુભવી. જોકે ડૉક્ટર ખૂબ દયાળુ હતા. તેમણે સારી રીતે સારવાર આપી અને એ ડૉક્ટર કાયમ માટે તેમના 'રોલ મૉડેલ' રહ્યા. ત્યારે તેમણે મનમાં ગાંઠ વાળી કે એક દિવસ તે ડૉક્ટર બનશે અને પૈસાના અભાવને કારણે કોઈ દર્દીને પાછા નહીં જવું પડે. તેની સાથોસાથ એવું બન્યું કે મોટા થતાં સ્કૂલમાં એક દિવસ બાયોલોજીના શિક્ષકે તેમને પ્રશ્ન પૂછયો અને રહમાને ત્વરિત જ તેનો ઉત્તર આપ્યો, ત્યારે શિક્ષકે કહ્યું કે એક દિવસ તે ડૉક્ટર બનશે. આને કારણે તેમના સહાધ્યાયીઓ તેમને 'ડૉક્ટરસાહેબ' કહીને ચીડવતા.
દિલ્હીના એક ચેરિટેબલ ટ્રસ્ટની સ્કોલરશિપને કારણે તેમણે પટના મેડિકલ કૉલેજમાં અભ્યાસ કર્યો. દ્રઢ મક્કમતાથી અભ્યાસ કર્યો અને ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું. ત્યારબાદ એપોલો હાસ્પિટલમાં નોન-ઇનવેસિવ કાર્ડિયાકમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું. દિલ્હીમાં ઊંચા પગારની નોકરીમાં સ્થાયી થયા, પરંતુ વતનનો સાદ સાંભળીને ખગડિયા પાછા આવ્યા. ૨૦૧૦માં ખગડિયામાં પચાસ પથારીની સગવડતા ધરાવતું નેશનલ મેડિકેર હાસ્પિટલ ઍન્ડ રીસર્ચ સેન્ટર શરૂ કર્યું. નિયમિત ચેક-અપ સાથે ઇમરજન્સી સર્વિસ અને સાપ કરડે તો તેની સારવાર પણ મળે તેવી વ્યવસ્થા કરી. તેઓ સવારે ૧૧થી રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપે છે અને ઘણી વાર ઇમરજન્સી આવતા મોડી રાત સુધી હૉસ્પિટલમાં કામ કરતા હોય છે. આ ક્રમ છેલ્લાં પંદર વર્ષથી ચાલે છે.
ડૉ. રહમાને અત્યાર સુધીમાં હજારો દર્દીઓની સારવાર કરી છે. તેઓ રોજના આશરે સિત્તેર જેટલા દર્દીઓની સારવાર કરે છે. તેમની કન્સલ્ટેશન ફી માત્ર પચાસ રૂપિયા છે, પરંતુ કેટલાક દર્દીઓ પાસે તો પચાસ રૂપિયા પણ હોતા નથી. તેઓ કહે છે કે શહેરોમાં સ્વાસ્થ્યસેવા વ્યવસાય છે, જ્યારે અહીં જીવતા રહેવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. ઘણા એમને પૂછે છે કે શહેરની નોકરી છોડીને અહીં આવ્યાનો અફસોસ થાય છે ? ત્યારે તેઓ કહે છે કે, 'હું ભૌતિક ઇચ્છાઓથી મુક્ત સાદું જીવન જીવું છું અને એમાં મને શાંતિ મળે છે. મારા દર્દીઓ છઠ પૂજા અને મકરસંક્રાંતિ વખતે મીઠાઈ, ગોળ, ઘી, શકરિયા, શાકભાજી જેવી વસ્તુઓ ભેટરૂપે લાવે છે, તેમનો આ કૃતજ્ઞાતાના ભાવ કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં વધુ મારા ઘરને ભરી દે છે. સાથીઓ દ્વારા મળતું સન્માન અને દર્દીઓનું સ્મિત મારા આત્માને ઊર્જાથી ભરી દે છે.' સેવાભાવી ડૉ. રહમાન ગરીબ અને વંચિત સમુદાયને સકારાત્મક રૂપે બદલીને નવી વિરાસતનું નિર્માણ કરી રહ્યા છે.
ઝીરો વેસ્ટ જીવનનું ધ્યેય
એક જિન્સ બનાવવામાં વીસ હજાર લીટર પાણી વપરાય છે. એક બાજુ લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામે છે અને બીજી બાજુ ખોરાકનો બગાડ થાય છે.
મા તા-પિતા સામાન્ય રીતે પોતાના સંતાનોને સંપત્તિ અને સંસ્કારનો વારસો આપતા હોય છે, જ્યારે સહર મન્સૂરને તેના પિતાએ પ્રકૃતિપ્રેમનો વારસો આપ્યો છે. બઁગાલુરુમાં ઉછરેલી સહર નાની હતી, ત્યારે જ પિતાને ગુમાવી ચૂકી, પરંતુ આજેય તેમને યાદ કરતાં કહે છે કે તેઓ હંમેશા સવારે કબ્બન પાર્કમાં ચાલવા જતા હતા અને શનિ-રવિમાં તે સાથે જતી હતી. અમારા માટે રજાનો દિવસ એટલે બીચ પર જઈને સ્વિમિંગ કરવું, વૉટરફોલ જોવા જવું, પાર્કમાં જવું, ઝાડ પર ચડવાનું અને મોટા ભાગે તેના પરથી પડતા - આમ આખો દિવસ ખૂબ મોજ-મજા કરતા. નાનપણથી જ પર્યાવરણમાં રસ લેતી સહરે યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાં એન્વાયર્મેન્ટલ લૉ અને એન્વાયર્મેન્ટલ ઇકોનોમિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે જિનેવામાં કામ કર્યું.
સહર મન્સૂરે જાણ્યું કે આજની પર્યાવરણની દરેક સમસ્યા જે કચરો ઉત્પન્ન થાય છે, તેની સાથે જોડાયેલી છે. જે પ્લાસ્ટિક બૉટલનું પાણી પાંચ મિનિટમાં પીએ છીએ તે પ્લાસ્ટિક જમીનમાં સાતસો વર્ષ સુધી રહે છે. તેનાથી જ શાકભાજી ઉગાડીએ છીએ. તેના નાના કણો તમારી જાપાનીઝ વાનગી સુશી નામની વાનગીમાં તમારી ભોજનની પ્લેટમાં પીરસાય છે, કારણ કે બિનશાકાહારી સુશી નામની વાનગીમાં માછલીનો ઉપયોગ થાય છે. તે પરદેશમાં જે સંસ્થાઓ સાથે જોડાયેલી હતી તેમાં નીતિવિષયક નિર્ણયો લેવાતા, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ જોવા મળતું નહીં. તેને થયું કે ભારતમાં કચરાની શું પરિસ્થિતિ હશે તેથી તે ૨૦૧૫માં બઁગાલુરુ આવી અને સેલ્કો ફાઉન્ડેશન સાથે જોડાઈ. એણે બઁગાલુરુમાં કચરો વીણનારા સમુદાય પર ધ્યાન આપ્યું. સામાન્ય નાગરિક તો તેની આસપાસ કચરાના ઢગલા થયા હોય કે તેમાંથી દુર્ગંધ આવતી હોય તો જ તેના પર ધ્યાન આપે છે. જ્યારે કચરો વીણનારા તૂટેલા કાચના ગ્લાસ, સેનિટરી પેડ અને સિરીંજ જેવી વસ્તુઓ ખુલ્લા હાથે છૂટા પાડી રહ્યા હતા. આ બધું સહર માટે ચોંકાવનારું હતું. એણે વિચાર્યું કે પૃથ્વી ગ્રહને અને લોકોને હાનિ ન પહોંચે એવી જીવનશૈલી અપનાવવી અને એવો વ્યવસાય કરવો જેમાં સામાજિક, પર્યાવરણીય અને આથક ત્રણ બાબતો સમાવિષ્ટ હોય. તે ઝીરો વેસ્ટ જીવનશૈલી વિશે વિચારવા લાગી. તેણે તેના દાદીને પૂછયું કે જ્યારે શૅમ્પૂની બોટલ નહોતી આવતી, ત્યારે વાળ શેનાથી સાફ કરતા હતા ? દાદીએ કહ્યું કે વાળ ધોવા માટે અરીઠા, શિકાકાઈ અને લીમડાનો ઉપયોગ થતો હતો. લાખો લોકો સ્ટીલના ટીફીનમાં ભોજન લઈ જાય છે, બોમ્બે ટિફિનવાલા દ્વારા હજારો લોકોને રોજગારી મળે છે અને ઘરનું શુદ્ધ ભોજન મળે છે.
સહર મન્સૂરે પોતાના જીવનમાં જ પ્રયોગ શરૂ કર્યા. ઝીરો વેસ્ટ જીવનશૈલી માટે પ્રયત્ન કર્યો. જોકે તે જણાવે છે કે સંપૂર્ણપણે ઝીરો વેસ્ટ જીવન નથી અપનાવી શકી, પરંતુ ઘણો ઓછો વેસ્ટ તો કરી જ શકાય છે. તેમાંથી બેર નેસેસીટીઝનો જન્મ થયો. બેર નેસેસીટીઝ દ્વારા એવાં ઉત્પાદનો તૈયાર કર્યા કે તેનાથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. તેને ખાસ કોઈ અનુભવ નહોતો, પરંતુ પર્યાવરણના પ્રેમને કારણે અને પૃથ્વી ગ્રહના જતનને માટે તે ઘણું શીખી, તેથી તે પોતાની જાતને 'એક્સીડેન્ટલ આંત્રપ્રિન્યોર' ગણાવે છે. સાબુ, મોઇશ્ચરાઇઝર, શેમ્પૂ, ડીયોડોરન્ટ, બામ, લિપ બામ જેવાં ઉત્પાદનો ઑનલાઇન અને ઑફલાઇન શીખી. તેણે બામ્બૂ ટૂથબ્રશનો તેનાં ઉત્પાદનોમાં સમાવેશ કર્યો છે, કારણ કે દર વર્ષે આશરે ચારથી સાડા ચાર અબજ ટૂથબ્રશ લેન્ડફિલમાં જાય છે, જેને ડીકમ્પોઝ થતાં બસોથી સાતસો વર્ષ થાય છે. સહર મન્સૂર સ્થાનિક અને કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને ઉત્પાદનો બનાવે છે, જે પૃથ્વી ગ્રહ પર નકારાત્મક અસર છોડતા નથી.
તેઓ અર્થશાસ્ત્રી, પર્યાવરણવિદ્, સંશોધક અને ગ્રાહકને સરક્યુલર ઈકોનોમી તરફ લઈ જાય તેવી ઈકોસિસ્ટમ ઊભી કરવા માગે છે. તેમના વેરહાઉસમાં મહિલાઓ જ કામ કરે છે. આજે ભારતના દસ રાજ્યોમાં આશરે પચાસ સ્ટોરમાં તેના ઉત્પાદનો મળે છે. તેઓ પેકેજિંગ પર વિશેષ ધ્યાન આપે છે અને તેનો પુન:ઉપયોગ થઈ શકે એવું પેકેજિંગ કરે છે. તેણે અત્યાર સુધીમાં અઢી લાખ જેટલા ઉત્પાદનો વેચીને છ કરોડ એંશી લાખ પ્લાસ્ટિક યુનિટ અને દોઢ લાખ કિલો કચરો લેન્ડફિલ અને સમુદ્રમાં જતા અટકાવ્યો છે. કાર્ટિયર યંગ લીડર ઍવૉર્ડ ઉપરાંત અનેક ઍવૉર્ડ મેળવનાર સહર મન્સૂરે 'બેર નેસેસીટીઝ : હાઉ ટુ લિવ એ ઝીરોવેસ્ટ લાઇફ' નામનું પુસ્તક લખ્યું છે. તે કહે છે કે એક જિન્સ બનાવવામાં વીસ હજાર લીટર પાણી વપરાય છે. એક બાજુ લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામે છે અને બીજી બાજુ ખોરાકનો બગાડ થાય છે. ૨૦૫૦માં દરિયામાં માછલી કરતાં પ્લાસ્ટિક વધારે હશે. તે કહે છે કે કપડાં એ બીજી ચામડી છે. તેઓ નેચરલ ફેબ્રિકના કપડાં જ પહેરે છે. તમે શું કરી શકો છો અને શું નહીં તે બીજાને ન કહેવા દો. સાહસ કરીને જીવનને જીવંત અને સુંદર બનાવવું જોઈએ.