સુપરમેન : વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી....
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
ગોડ ઈઝ ડેડ.
ઈશ્વર મરી ચૂક્યો છે - આ એક વાક્ય લખીને જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેએ સર્જેલો ખળભળાટ હજુ શમ્યો નથી. અલબત્ત, આજે આ વાક્યની ચર્ચા કરીને સૂતેલા સર્પને છંછેડવો નથી. પણ ઈશ્વરનો ઇન્કાર કરનાર આ જીનિયસ ચિંતકે એક કલ્પના કરી હતી. એ હતી 'ઓવરમેન'ની કલ્પના. ઈશ્વરમાં માણસ જે અલૌકિક શક્તિઓ આરોપિત કરે છે, એ ક્યારેક એ પોતે પણ ધરાવી શકે... એવો કંઇક એનો સૂર હતો. દેવતાઈ અવતારોની રાહ જોવા કરતાં માનવમાંથી જ કોઈ ગાંધી, આઈન્સ્ટાઈન, અમિતાભ કે ફેડરર જેવો 'ઓવરમેન' પેદા થઇ શકે છે. એક રીતે નાઝી ચળવળ પાછળ બ્લ્યુ બ્લડ આર્ય જાતિ પેદા કરવાનાં ખયાલી પુલાવનું બીજ પણ આમાં હતું!
નિત્શે કરતાં જુદા જ એવા આઘ્યાત્મિક એંગલથી આપણા મહર્ષિ અરવિંદે એમની ખૂબ જાણીતી એવી 'અતિમનસના વિસ્તાર' વાળી વાત તરતી મૂકી હતી. માણસમાં પેઢી દર પેઢી વઘુ સ્માર્ટ, વધુ તેજસ્વી બાળકો પેદા થતાં જાય છે. પૃથ્વી પર આવા પ્રચંડ મેધાવી પ્રજ્ઞાપુરુષો (અને અફકોર્સ સ્ત્રીઓ)નું પ્રમાણ વધતું જશે અને નકામા, નિર્બળ, નિસ્તેજ, નિર્માલ્ય માનવીઓનું અસ્તિત્વ કુદરત જ નેચરલ સિલેકશનથી ઘટાડતી જશે. (ડાર્વિન મીટ્સ ડિવાઇનિટી !) ડિજીટલયુગના કદમ પછી આમ પણ બધા નહિ પણ નાની ઉંમરે એઆઇ જેવી ટેકનોલોજીમાં મહારત મેળવી અબજો કમાતા અમુક સ્માર્ટ જુવાનો વધુ હોશિયાર અને ચબરાક બનતા જતા હોય એવું નથી લાગતું ?
ખેર, બકરી અને માણસમાં 'મેં... મેં... મેં...'નો ઘ્વનિ સરખો જ નીકળે છે. કોમિક હીરો સુપરમેનના ડ્રેસ પર જો 'એસ' લખેલો દેખાતો હોય, તો દરેક કોમિક જીંદગી જીવતા કોમનમેનની છાતી પર પણ કેપિટલ 'આઈ' કોતરાયેલો હોય છે. અલબત્ત, એ કદી દેખાતો નથી ! સુપરમેનનું સપનું એ આપણો જ વિરાટ પડછાયો છે. અજેય, અભેદ્ય, આકર્ષક, અદ્ભુત અને અલૌકિક વ્યકિતત્વની માનસિક તલાશનો જવાબ !
***
ધાર્મિક પુરાણકથાઓ હોય કે વિદેશી કોમિક બુક.... દરેકના, અરે ફાલતુ ફિલ્મોના પણ વીરનાયકોમાં આટલી વાતો તો લાગુ પડવાની. શિવથી સ્પાઈડરમેન અને હનુમાનથી હરકયુલીસ સુધી આ બધી મહાપરાક્રમની વાતોના છેડા લંબાવીને ગૂંચળું વીંટાળી શકાય. મૂળભૂત રીતે જેને વારંવાર વૈદિક સનાતન કહે છે ઓનલાઈન જમાનામાં લોકો એમણે વેદ ને ઉપનિષદ સરખા વાંચ્યા નથી. આપણા ધાર્મિક ક્રિયાકાંડ ને પૂજાપાઠ મોટા ભાગના પૌરાણિક કથાઓ ને પાત્રો પર આધારિત છે. કેવી રીતે કાલ્પનિક પાત્રો જનમાનસ પર પક્કડ જમાવે ને એમનું વિશ્વ વાસ્તવિક લાગવા લાગે એ આખી પ્રક્રિયા સમજવા માટે નજર સામે વીસમી સદીના વિવિધ અમેરિકન કોમિક્સના સુપરહીરોઝ પાછળનો ગ્લોબલ ક્રેઝ સમજવો પડે. એમાં પણ 'સુપરમેન' નામનો એક જમાનાનો અમેરિકાની ઓળખાણ જેવો હીરો આ બધી ફિલસૂફી ઉપરાંત પણ કંઈક જુદી જ માયા ધરાવે છે. આખી દુનિયા જેમાંથી બટકું ભરવા માંગે છે, એ 'બિગ એપલ' (ન્યૂયોર્કનું હુલામણું નામ) પણ એમાં છુપાયેલું છે, અને એની ડાળી જેવા યુ.એસ.એ.ના મેગ્નેટનું મેજીક પણ!
પ્રેસિડેન્ટ ટ્રમ્પસાહેબને જેને ફરીથી ગ્રેટ બનાવવો છે એ પૃથ્વી પરનો એકમાત્ર સત્તાવાર સુપરપાવર એવો દેશ 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા' આખરે શું છે ? એનાં મૂળિયાં શું ? એનો ઇતિહાસ શું ? એની સંસ્કૃતિ શું ? ભારતમાં જ નહિ, યુરોપમાં પણ લોકો આ સવાલોને હંસીમજાક અને ટીકાટિપ્પણનો મુદ્દો બનાવે છે. વૈજ્ઞાનિક વિકાસમાં પ્રમાણમાં પાછળ ગણાતા ભારતથી લઇને હાઈ ટેક ગણાતા જર્મની... દરેક દેશની નવી પેઢી અમેરિકન કલ્ચરમાં કંઇક વિશેષ આનંદ અનુભવે છે. અમેરિકાના ખરા અસ્તિત્વને માંડ બે સદી થઇ છે, પણ જગતભરની નદીઓ આ ડોલરિયા સમુદ્રમાં ઠલવાઇ જવા માટે બે કાંઠે ઉભરાઇ જાય છે, એટલે તો સીઝફાયરમાં એનું માન રહે છે. અને એટલે જ યુ.એસ.એ.નું નામ છે : કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટસ ! પરદેશી પંખીડાંઓ ઉર્ફે બહારના વસાહતીઓનો દેશ ! ભારતીયો, ચાઈનીઝ, સ્પેનિશ, મેકસિકન, ફ્રેન્ચ, બ્રિટિશ, આફ્રિકન.. અમેરિકા દરેક પ્રજા, દરેક રંગનું છે !
લોહિયાળ આંતરવિગ્રહ અને વિકરાળ રંગભેદ જોઈ ચૂકેલા અમેરિકાની સક્સેસનું સિક્રેટ એ કે મુખ્યત્વે ત્યાં સમય જતા મહત્વ વ્યકિત કઈ ભાષા, દેશ, રંગ કે જાતની છે, એનું રહ્યું નથી, મહત્વ છે, એની ક્ષમતાનું, એની પ્રતિભાનું અને એની આવડતનો ઉપયોગ કરવાની તથા આર્થિક વળતર મેળવવાની આઝાદીનું ! દેશમાં યુ.એસ. વિઝા કોન્સ્યુલેટ સામે લાગતી લાંબી કતારો આ 'લેન્ડ ઓફ લિબર્ટી'ની ઇમેજને આભારી છે. અમેરિકન કલ્ચર (જો એવું કંઇ હોય તો) શા માટે રવાના શીરાની જેમ લસરક દરેકના ગળે ઉતરી જાય છે ? મેકડોનાલ્ડસથી મિકી માઉસ શા માટે બધે જ એકસરખા લોકપ્રિય બને છે ? પોપસોંગ્સ, એમટીવી, ડાયનોસોર, હોલીવૂડ, હુ વોન્ટસ ટુ બી મિલિયોનર (કૌન બનેગા કરોડપતિ !), સિડની શેલ્ડન હોય સિડની સ્વીની... આ બધાના ઝંડા કેમ માત્ર અમેરિકાને બદલે બધે જ લહેરાય છે ? એનાથી ક્યારેક વધુ ટેલન્ટ કે ક્રિએટિવિટી બીજા દેશોમાં હોવા છતાં દુનિયાથી દૂર સમંદરપાર બેઠેલા અંકલ સેમ (અમેરિકાનું લાડકું નામ)ની ગોદ કેમ બધાને વ્હાલી લાગે છે ? આઇન્સ્ટાઇન કે સ્પીલબર્ગ જેવા યહૂદીઓ અમેરિકન બને છે. ઓસ્ટ્રેેલિયન મેલ ગિબ્સન કે નિકોલ કિડમેન અમેરિકન સુપરસ્ટાર ગણાઈ ગયા. બ્રાઝિલ, આર્જેન્ટિના ઇત્યાદિ દક્ષિણી દેશોના રિકી માર્ટિન કે જેનીફર લોપેઝ કે નીગ્રો કાર્લ લુઇસ અને મુસ્લિમ મોહમ્મદ અલી પણ અમેરિકન થઇ જાય છે. બ્રિટિશ જેમ્સ બોન્ડ અને ફ્રેન્ચ ઓપેરા અમેરિકામાં જીવંત છે. ઇટાલિયન પિત્ઝા અને મેક્સિકન ટાકો હોય કે જર્મન 'સિન્ડ્રેલા' અને આફ્રિકન 'લાયન કિંગ' ... બધું હવે અમેરિકન છે !
આ કોયડો ઉકેલવાની ઘણી ચાવીઓ છે, જેમાંની એક ગુરુચાવી છે - સરલીકરણ ! સિમ્પ્લી ફેકેશન ! અમેરિકા પર હજારો વર્ષોના ભવ્ય અને ભાતીગળ ઇતિહાસનો બોજ નથી. જેમ શાસ્ત્રીય સંગીત કરતાં રિમિક્સ ઝોક વધુ સરળ લાગે છે, એમ અમેરિકન લાઇફસ્ટાઇલ એન્ડ કલ્ચર પણ સમજવા - અપનાવવામાં સરળ છે. દાખલા તરીકે, અમેરિકન ટ્રેેડિશનલ ડ્રેસ શું ? જીન્સ-ટી શર્ટ ! અમેરિકન ટ્રેડિશનલ ફૂડ શું ? ફાસ્ટ ફૂડ ! અમેરિકન ઝંડાના રંગો પણ બ્રિટિશ છે. ભૂતકાળના નામે કોલંબસની એન્ટ્રી પછી ખતમ થઇ ગયેલા નેટીવ અમેરિકન યાને રેડ ઇન્ડિયન્સ છે.. અને બોલીવૂડ કે ભાંગડા પણ ત્યાં ગુંજી ઊઠે છે.
આવું કેમ થયું ? પ્રયત્નપૂર્વક થયું નથી. આપમેળે થયું છે. બિકોઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ એ નેશન ઓફ ઇમિગ્રન્ટસ ! માટે અવનવા દેશ અને બેકગ્રાઉન્ડના માણસોને સમજાય અને અપીલ કરે એવો જીંદગીની મોઝમજાનો નકશો તૈયાર થતો ગયો છે. પણ દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી નીતારવાની... એક 'મેલ્ટિંગ પોટ' સર્જી દેવાની પ્રક્રિયા આસાન નથી. એમાં ઘણુ પીલાવું પડે છે. કાળા લોકો કે એશિયન લોકો રાતોરાત સ્વીકૃત નથી થયા... હજુ પણ બહારથી સ્વસ્થ દેખાતા શરીરમાં અંદર શ્વેતકણો અને રોગના જંતુઓ વચ્ચેનું યુઘ્ધ ચાલુ જ છે. 'માગા' (મેક અમેરિકા ગ્રેટ અગેઇન)ના નામે થોડા વહેલા આવીને વસેલા હવે આવીને વસવા આવનાર સામે અત્યારે જે રીતે નફરતી જંગે ચડયા છે, એમાં સાઉથ આફ્રિકાથી આવીને નાસાને સહાય કરતા નંબર વન અબજપતિ બનેલા ઈલોન મસ્કે પારખ્યા મુજબ અમેરિકાની મહાનતાનું ફેબ્રિક હાથે કરીને ફાડવાની નાદાની છે.
***
સુપરમેનનું પાત્ર દાર્શનિક રીતે અમેરિકન જીવનમાં આ 'ઇમિગ્રન્ટસ'નું પ્રતિનિધિત્વ કરે છે. સુપરમેન ઉર્ફે કાલ એલ ઉર્ફે ક્લાર્ક કેન્ટ અમેરિકન બોર્ન સિટિઝન નથી ! એ દૂરની આકાશગંગાના ગ્રહ ક્રિપ્ટનનો વતની છે ! એના મૂળ, એનું કુળ, એની ખરી ભાષા, એનું ખરું કુટુંબ બધું જ અલગ છે. એના ગ્રહમાં જે સામાન્ય ગણાય એવી બાબતો પૃથ્વી પર અસામાન્ય શક્તિરૂપ ગણાય છે ! એને એની આગવી ઓળખાણ - 'સ્પેશ્યલ આઇડેન્ટીટી' અમેરિકામાં (કે ધરતી પર) મળે છે, માટે હવે પૃથ્વી અને પૃથ્વીવાસીઓ એને પોતીકા લાગે છે. છતાં ય ઘણી વખત પોતે પૃથ્વીવાસી નથી, એ સત્ય નકારાત્મક રીતે (મોટે ભાગે ખલનાયકો દ્વારા નબળાઇ તરીકે) એની સામે વિકરાળ મોં ફાડીને ઉભું રહે છે ! એ વખતે જગત ઉપરાંત ટકી રહેવા માટે એણે જાત સાથે પણ લડવું પડે છે. એની પ્રેયસી લોઇ લેને પણ આ સત્ય સ્વીકારીને એને પ્રેમ કરવો પડે છે... અને એક 'બહાર'નો માણસ અમેરિકન જીવનમાં લોકપ્રિયતા, પ્રેમ, પરિવાર, પ્રતિષ્ઠા બધું જ મેળવે છે. એ અમેરિકન સિટીઝન બનીને અમેરિકાના દુશ્મનો સામે લડે છે.
પણ સુપરમેનની લડત ટ્રમ્પ જેવી વ્હાઈટ સુપ્રિમસીના પૂર્વગ્રહ કે સ્વાર્થપ્રેરિત નથી. એ બાળકોનો નાયક છે, ચૂંટણીનો નેતા નથી. એ લડે છે ન્યાય, સત્ય અને શાંતિની ખાતર ! જે વળી બીજી રીતે જોઈએ તો પરમેશ્વરના પાશ્ચાત્ય પ્રતિનિધિ એવા ઇસુ ખ્રિસ્તનો સંદેશો છે. બાઇબલની કથાઓ અને ચર્ચના પોલિટિકસને બાજુએ મૂકો તો આ ગાંધીજીના સંદેશ જેવી 'યુનિવર્સલ' વાત છે. જાનના જોખમે પણ સુપરમેન આ મૂલ્યોને વળગી રહેવાની કોશિશ કરે છે. અને એ સંઘર્ષમાં પરિવારને પણ દાવ પર લગાડીને મોતના મુખમાં પહોંચે છે. 'મેન'માંથી 'સુપરમેન' બનેલા મહાત્મા મોહનદાસ ગાંધીએ પણ આ જ પરાક્રમ કરી બતાવેલું ને ?
સુપરમેનના કેરેકટરની એક ઓર સ્પેશ્યાલિટી પણ છે, જે રાજ કપૂરે પોતાની ફિલ્મોમાં આબાદ ઉપસાવી હતી. એક નાના ગામડાનો માણસ મોટા શહેરમાં આવીને પોતાની જાતને સાબિત કરવાનો જંગ છેડે એ વાત ભારત આસાનીથી સમજી શકે છે. ગંગા કિનારેવાલા કંઇક છોરાઓ આજે મુંબઇના 'મોટા માણસો' બની ગયા છે. ચરોતરનાં ગામડાંઓમાં રહેતા પાટીદારો ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા જઇને પોતાનો પાવર બતાવે છે. અભણ પટેલો પરદેશમાં કોઠાસૂઝ અને આપબળના જોરે મોટા વેપારી બની જાય છે. દક્ષિણ ભારતના લૂંગીધારી ગામડિયાઓ બિલ ગેટની 'સિલિકોન વેલી'ના સર્જકો બને છે. પંજાબ દા પુત્તરો સરસોં કા ખેતમાંથી નીકળીને દુનિયા હલાવી દે છે.
નાના ગામમાંથી મોટા શહેરમાં વટ પાડી દેવાની વાત બહુમતી જનતાને હીરોઇક લાગે છે. આ પણ એક બહુ મોટું યુઘ્ધ છે, અને એના વિજેતાઓ સલામીને લાયક છે ! સુપરમેન પણ 'સ્મોલવિલે' નામના નાનકડા ગામમાં ઉછરેલો છે. અને પછી 'મેટ્રોપોલિસ' (જે દેખાવે અને સ્વભાવે ન્યૂયોર્ક જ છે !) જેવા કાલ્પનિક મહાનગરમાં સુપરમેન તરીકે સ્થાપિત થાય છે ! 'સ્મોલ'થી જે ભડવીર નર કે નારી 'મેટ્રો' સુધી પહેચાન બનાવીને પોતાના જૌહર બતાવે - એ દરેક સુપરમેન કે સુપરવુમન છે.. ભલે ને એમની કોમિકબૂક, ટીવી સિરિયલ કે ફિલ્મો ન બને.... કે આવા લાંબાલચ વિશ્લેષણવાળા લેખો એમના પર ન લખાય !
***
સારું છે, જેમ્સ ગને સુપરફ્લોપ ઝેક સ્નાઇડરના તેર મણનો તોબરો ચડાવી ફરતા ભૂખરાભૂંડા સુપરમેન થકી ફસડાઈ પડેલી ડીસી યુનિવર્સને ફરી અસલી બ્લ્યુ રેડ યેલો વાળો બ્રાઇટ ક્લરફુલ સુપરમેન આપ્યો છે. ફિલ્મ આઈમેક્સમાં જોવા જેવી ધમાકેદાર મસાલેદાર બની છે. હા, જેની યાદો ગયા બુધવારના શતદલના લેખમાં વિગતે તાજી કરેલી એ ૧૯૭૮ની ક્લાસિક એવી ક્રિસ્ટોફર
રીવવાળી સુપરમેન ભારતમાં રિલીઝ થઈ એમાં હવામાં ઊડતા કરેલો આઇકોનિક ફૅન્ટેસીવાળો કિસિંગ સીન હતો, પણ ૨૦૨૫ના સંસ્કારી સેન્સર બોર્ડે ભારતમાં રિલીઝ થયેલી નવી સુપરમેનમાં ઈરાની મુલ્લા બનીને ૩૩ સેકન્ડના આઇકોનિક કિસિંગ સીન પર પવિત્ર કાતર મારી દીધી !
ખેર, ૬ ફીટ ૪ ઇંચનો ડેવિડ કોરેનસ્વેટ ક્રિસ્ટોફર રીવ પછીનો સૌથી ચાર્મિંગ સુપરમેન છે. જેમ્સ બોન્ડ તરીકે જામી શકે એવા હેનરી કેવિલ કે બ્રેન્ડન રૂથ કરતાં પણ જોવો ગમે છે. ફિલ્મની શરૂઆત જોરદાર છે, પણ પછી ગાર્ડિયન ઓફ ગેલેક્સી જેવો મલ્ટીકેરેક્ટર ખીચડો છે. સુપરમેન વલ્નરેબલ બતાવવામાં સતત માર ખાતો રહેતો વીક થઈ ગયો હોય એવું લાગે. થોડોક સમય તો મિસ્ટર ટેરિફિકની લોન્ચ ફિલ્મ હોય એવું લાગે છે. લૂથર તરીકે નિકોલસ હોલ્ટ એટલો પ્રભાવી નથી. ઓર્ડીનરી પ્લોટનો ક્લાઈમેક્સ પણ ઢીલો છે. દરેક સુપરમેનમાં એક ટ્રેડમાર્ક ગ્રાન્ડ સેવિંગ સીન હોય ડેમ સાંધવા કે પ્લેન બચાવવા જેવો એ અહીં નથી. કૂતરા ક્રિપ્ટોમાં જલસો પડી જશે. બેઝિકલી, આ કૉમિક્સ વાંચતા હો એવી જ બનાવાઈ છે. એટલે ફિલ્મ બની છે ફાસ્ટ પેસમાં ભાગતી ફેમિલી એન્ટરટેઇનર ને મોટા પડદે જોવા જેવી ભપકાદાર. પણ આથી વધુ સારી બની શકત.
બ્રાયન સિંગરને સુપરમેન રિટર્ન્સ બનાવી એમાં વધુ સિરિયસ ડેપ્થ હતી. એમાં દુનિયા માટે સુપરમેન હોય એ પણ લવમાં રિજેક્ટેડ ફીલ કરે ને મેન તરીકે હાર્ટબ્રેક અનુભવે ને અંતે તાકાત હોવા છતાં મહોબ્બતનો કબજો કરવાને બદલે ત્યાગ કરે એવી સુંદર વાત હતી.
જેમ્સ ગનની ફિલ્મ વાંદરાઓને ઇન્ટરનેટના બોટ્સ બતાવી ઉતાવળે પૂરું સમજ્યા વાઇરલ થતા વીડિયો જોઈ સાંભળી જજમેન્ટલ બનીને પોતાના જ હિતરક્ષક ને ઇસુની જેમ ક્રોસ પર ચડાવે કે સોક્રેટિસની જેમ ઝેર આપે એની ઉભડક વાત કરી છે. આમ પણ પોતે પહોંચી ના વળે એવી કેપેસિટી કે ટેલેન્ટ કે પોપ્યુલારિટીના વખાણ સાથે સમાજ એની છૂપી જલન પણ અનુભવે છે. ને નીતિ સાથે નિસ્બત એને હોતી નથી. તમાશા સાથે હોય છે ! સુપરમેન અહીં કહે છે કે કોઈ સ્થિતપ્રજ્ઞા મહાત્મા જેવા સુપર હોવા કરતા પેઇન ને પ્લેઝર અનુભવી સંઘર્ષ કરતા હ્યુમન બનવાને એ ગિફ્ટ માને છે ! એને ઊંચાઈઓ પર એકલા બેસવું ઓડ છે કારણ કે એનો કોઈ જોડ, કોઈ મેચ નથી. પણ છતાં એને ચાહતા લોકો એનાથી નબળા હોવા છતાં એને ગમે છે. શક્તિઓના જોરે એને બીજા પર રાજ નથી કરવું. બસ, પ્રેમ કરવો ને મેળવવો છે. પેરન્ટ્સનો હોય કે પ્રેયસીનો. એટલે એ એકલો અહીં નથી જીતતો. મિત્રો એને જીતાડે છે.
મેન સુપરમેન બને છે ત્રણ બાબતોથી : મોરાલિટી, જસ્ટીસ, ફ્રીડમ. આ ત્રણેને જાળવવા સુપરમેન લડે છે અને મથે છે. એમાં એ હાર્મની યાને કોઈ રંગ, જાતિ, કૂળ કે રાષ્ટ્રના પણ ભેદ વિના માણસની સારપ સાચવીને અને પોતાના ભૂતકાળ બાબતે અહંકાર અનુભવ્યા વિના પ્રકૃતિના ખોળે એક થવા માટેની શીખ મનોરંજન સાથે આપે છે.
***
સુપરમેન હોવું વરદાન છે : ઊંચે ઉડવાનું આરપાર જોવાનું ને કવચ જેવા મજબૂત થવાનું. પણ એ શ્રાપ છે, એકલા પડી જવાનો. લોકોની અપેક્ષાઓ બોજ નીચે કાયમ જાતને સાબિત કરતા રહેવાનો. બીજાનું ભલું કરવા પણ સાચું કરતા કહેતા જવામાં દુશ્મનો ઊભા કરવાનો. અને આ દબાણ છતાં કર્મપથ છોડયા વિના એ કમિટેડ રહેવાનું પસંદ કરે છે.
રિચાર્ડ ડોનર ક્રિસ્ટોફર રીવની મહાન સુપરમેનમાં એક સીન હતો. પિતા જોર એલના પૃથ્વી પર માનવજાતના ઇતિહાસમાં દખલ નહિ કરવાના કમાન્ડમેંટનો ભંગ કરીને પણ પૃથ્વી ને પ્રેમિકાને બચાવવા ધરતીના આંટા અવળા ફેરવે છે ને ફરી એ ઘડી પાછી લાવે છે. પોતાની પાસે સુપરપાવર હોવા છતાં અંતે એનું શું કરવું ને શું ના કરવું એનું ડહાપણ તમને સુપરહીરો કે સુપરહીરોઈન બનાવે છે.
એકચ્યુલી, સુપરમેનનું કેરેક્ટર ભારતવાસીઓને સમજવું હોય તો ઉદારહણ રાજા રામજીનું આપી શકાય. ભારતમાં ઘણા ભગવાનો પૂજાય છે. પણ રામનો એક ગ્રેસ યાને ગરિમા છે. એ યુવાન હોવા છતાં ઠાવકા લાગે, જાનકીના પ્રિયતમ હોવા છતાં ધીરગંભીર લાગે. અતુલ્ય શક્તિશાળી હોવા છતાં એમનો ડર ન લાગે. પ્રચંડ પ્રભાવશાળી હોવા છતાં સ્વયંશિસ્ત એમનામાં એવી કે ઊગતી નવી પેઢી માટે આદર્શનું ઉદાહરણ બને. સુપરમેનનું પણ કંઈક આવું જ છે. સુપરહીરોની દુનિયામાં એ પહેલેથી ડિગ્નીફાઇડ છે. પ્રેમાળ પાલક મા બાપનો આજ્ઞાંકિત દીકરો. સંવેદનશીલ, સંસ્કારી અને સરળ. મોટા કદ છતાં મીઠડો લાગે એવો. એ ઉદ્ધત થાય નહીં, એલફેલ એ તો ન બોલે, એની હાજરીમાં પણ જેમતેમ તોફાન થાય નહીં. ડેડપુલ કે ફ્લેશ જેવાએ તો એટેન્શનમાં રહેવું પડે ! સ્પાઇડરમેન કન્ફ્યુઝ્ડ ટીનએજર અને બેટમેન ગર્ભશ્રીમંત કે આયર્નમેન શોખીન નબીરો એવું સુપરમેનનું નહીં. એને પહેલેથી જ પાવરનો નશો નથી. પણ એના થકી બીજાનું ભલું કરવાનો જ અભિગમ છે.
૧૯૮૩માં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુપરમેનના સર્જક સીગલે કહેલું કે 'અમારા હીરોની નકલ ઘણાએ કરી. રોમાંચક ઘટનાઓ ને પાત્રો આવ્યા બીજા. (કેપ્ટન માર્વેલ ને કેપ્ટન અમેરિકા સીધા સુપરમેનમાંથી પ્રેરિત પાત્રો છે. સ્પાઈડરમેનના કોસ્ચ્યુમ પર સુપરમેનનો દેખીતો પ્રભાવ છે. આયર્નમેન તો ઠીક સુપર સોનિક મેન જેવી ફિલ્મો પણ મૂળે સુપરમેનના પડછાયામાં છે ! ) પણ એક બાબત સુપરમેનને અનોખી બનાવે છે એ એની દુનિયાના શોષિતો, વંચિતો, પીડિતો માટેની જન્મજાત સહાનુભુતિ અને બાળકો માટે બોય સ્કાઉટ જેવો સારા વાણીવર્તનવિચારનો આદર્શ ! સુપરમેન પહેલેથી જ ધરતી પર એવા સંસ્કારી સ્નેહાળ માતાપિતા પાસે ઉછર્યો છે કે એ સારપ બાબતે કન્ફ્યુઝ્ડ નથી. સદાચારી હોવું એ એને પૃથ્વી પર જીવવાની પ્રાથમિકતા લાગે છે.'
ફાસ્ટ ફોરવર્ડ
'હું સવારે ઉઠું ત્યારે થોડો ગભરાયેલો હોઉં છું કે શું કરવું ? હું જે કરીશ એ બરાબર હશે કે નહિં ? ને હું પ્રયત્ન કરું છું. મારાથી જે શ્રેષ્ઠ નિર્ણય લેવાય એ લઈને બેસ્ટ ચોઇસ કરવાનો. અને એમાં હું ઘણી વાર ભૂલો કરું છું. પણ એ જ મને માણસ બનાવે છે. ને માનવતા એ જ મારી સૌથી મોટી સુપરસ્ટ્રેન્થ છે'
( સુપરમેનનો સંવાદ )