કંગના રનૌતની કરમ કહાણી .
- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- ભાજપનાં સાંસદ તરીકે કંગનાએ એક વર્ષ પૂરું કરી નાખ્યું. રાજકારણમાં ગ્રાન્ડ એન્ટ્રી માર્યા બાદ કંગનાનો ભ્રમ આટલો જલદી ભાંગી જશે એવું આપણે ધાર્યું નહોતું. કદાચ કંગનાએ પોતે પણ ધાર્યું નહોતું!
કં ગના રનૌતનો ભ્રમ આટલો જલદી ભાંગી જશે એવું આપણે ધાર્યું નહોતું. કદાચ કંગનાએ પોતે પણ ધાર્યું નહોતું. તાજેતરમાં એણે એક ન્યુઝ ચેનલને લાંબો ઇન્ટરવ્યુ આપ્યો - એક ફિલ્મી સેલિબ્રિટી તરીકે નહીં, પણ એક સાંસદ તરીકે. ભાજપનાં સાંસદ તરીકે કંગનાએ એક વર્ષ પૂરું કરી નાખ્યું છે. એણે કહ્યું, 'મને તો કહેવામાં આવ્યું હતું કે તમારે વર્ષમાં ૬૦-૭૦ દિવસ સંસદ અટેન્ડ કરવી પડશે. બાકીના દિવસોમાં તમે તમારું ફિલ્મોનું કામ કરજો. મને આ વાત ત્યારે એકદમ વ્યાજબી લાગી હતી, પણ હવે સાંસદ બની ગઈ પછી ખબર પડે છે કે રાજકારણનું ક્ષેત્ર તો વધારે પડતું ડિમાન્ડિંગ છે.'
કંગના હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી ચૂંટાઈને સાંસદ બની છે. થોડા દિવસો પહેલાં આ પહાડી ઇલાકામાં વાદળ ફાટતાં ખાસ્સી તારાજી સર્જાઈ થઈ હતી. ખાસ કરીને વાંકદેખાઓની કંગના પર નજર હતી કે જોઈએ તો ખરા, મોટે ઉપાડે નેતા બનેલી આ વંડર વુમન કુદરતી વિપદાની પરિસ્થિતિમાં કેવાક ચમત્કારો કરી દેખાડે છે. કંગનાએ ચમત્કાર તો ન કર્યા, પણ બખાળા જરૂર કાઢ્યા, 'લોકો મારી પાસે એવી એવી ફરિયાદો અને કામો લઈને આવે છે જે કરવાની મારી જવાબદારી છે જ નહીં. જેમ કે, કોઈના ઘરની પાસે નાળું છલકાઈ ગયું હોય તો એ ઠીક કરવાની જવાબદારી પંચાયતની છે, સાંસદની નહીં. કેટલાંય એવાં કામો છે, જે રાજ્ય સરકારે કરવાનાં હોય, પણ લોકો મારી પાસે વધારે પડતી અપેક્ષાઓ લઈને આવે છે. હું કંઈ 'હા, હા... ચિંતા ન કરો, તમારું કામ થઈ જશે' એવું ઠાલેઠાલું બોલીને એમને ખોટું આશ્વાસન ન આપી શકું.'
કંગના હિસાબ-કિતાબ સમજાવતાં કહે છે, 'જુઓ, સાંસદ તરીકે તમને જે ભથ્થું મળે છે એમાંથી તમે ડ્રાઇવર વગેરેને પગાર આપો, એટલે પાછળ ૫૦-૬૦ હજાર રૂપિયા માંડ વધે. હું મારા મતવિસ્તારની મુલાકાત લઉં ત્યારે મારી સાથે ત્રણ-ચાર કાર હોય. આવી એક મુલાકાત પાછળ મને લાખોનો ખર્ચ થઈ જાય. એટલેસ્તો હું કહું છું કે પોલિટિક્સ બહુ મોંઘો શોખ છે. રાજકારણ એ કંઈ પ્રોફેશન નથી. એમપી બની ગયા પછી પણ તમારે કામ કરતા રહેવું પડે છે, કમાવું પડે છે. હા, હેરાફેરી કરનારાઓની વાત અલગ છે.'
'રાજકારણ બહુ મોંઘો શોખ છે' - આ સ્ટેટમેન્ટ કંગનાને બહુ નડવાનું છે, તમે લખી રાખો! અરે, કંગનાનો આ ટીવી ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ થતાં જ હરીફ ચેનલ પર અર્ણવ ગોસ્વામીએ તાબડતોબ મિની-ડિબેટ કરી નાખી હતી: કંગના આ શું બકવાસ કરી રહી છે? રાજકારણ શું 'હોબી' છે? શું કંગના ભાજપ માટે લાયેબિલિટી (બોજારૂપ જવાબદારી) બની ગઈ છે?
કંગનાના પગ વાસ્તવિકતાની ધરતી પર હંમેશાં ટેકવાયેલા હોતા નથી એ ચોક્કસ. એ એવા ખ્યાલમાં રાચતી હતી કે એ ચૂંટણી જીતશે એટલે મોદી સરકાર એને ફટ્ દઈને એકાદ મંત્રાલયનો હવાલો સોંપી દેશે. એ કહે છે, 'જુઓ, હું એક્ટર છું, ડિરેક્ટર છું, પ્રોડયુસર છું, લેખક છું, પદ્મશ્રી છું, એટલે એ અર્થમાં મને લાગે છે કે મેં મારી પાર્ટી માટે ઘણું કર્યું છે. મને ચોક્કસપણે અપેક્ષા હતી કે મને એકાદો પોર્ટફોલિયો જરૂર મળશે.' એક્સક્યુઝ મી! તમે પદ્મશ્રી હો અને સફળ ફિલ્મી હસ્તી હો એટલે તમે કોઈ પણ રાજકીય પક્ષ માટે 'ઘણું કર્યું છે' એમ કેવી રીતે કહેવાય?
નરેન્દ્ર મોદીએ હજુ સુધી કંગનાને અપોઇન્ટમેન્ટ આપી નથી તે હકીકત ઘણી સૂચક છે. કંગના જાહેરમાં આના વિશે કેટલીય વાર બોલી ચૂકી છે. એક બાજુ વડાપ્રધાન પોતાના જ પક્ષની સાંસદ એવી કંગના માટે પાંચ મિનિટ પણ ફાળવતા નથી, જ્યારે બીજી બાજુ સિંગર-એક્ટર દિલજિત દોસાંજને પોતાના નિવાસસ્થાને વન-ટુ-વન મળે છે ને એની સાથે અલકમલકની વાતો કરે છે. કંગનાને દિલજિત દીઠો ગમતો નથી! કિસાન આંદોલન વખતે કંગના અને 'ખાલિસ્તાની સપોર્ટર' હોવાની ઇમેજ ધરાવતા દિલજિત દોસાંજ વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર યુદ્ધ ફાટી નીકળ્યું હતું તે આપણને યાદ છે. અગાઉ પણ દિલજિતને એણે 'કરણ જોહર કા પાલતુ' કહીને અપમાનિત કર્યો હતો. આવો દિલજિત ગીતડાં ગાય ને મોદીસાહેબ પાછા ટેબલ પર તબલાં વગાડીને જુગલબંદી કરે એટલે કંગનાના દિલ પર છૂરીયાં ચાલે જ. તોય જાહેરમાં તો કંગનાએ એવું જ કહ્યું હતું કે, 'પીએમ મોદી કે લિએ સબ બરાબર હૈ, ઇસ લિએ વે દિલજિત સે મિલે.'
કંગના ડે-વનથી મોદીજીની જબરદસ્ત સપોર્ટર રહી છે. કંગનાના ચાહકોને ગમી જાય તેવો આ યોગાનુયોગ જુઓ - ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પહેલી વાર દેશના વડાપ્રધાન બન્યા ને એ જ વર્ષે કંગનાની સૌથી પરિણામકારક ફિલ્મ 'ક્વીન' આવી, જેણે કંગનાને એક અભિનેત્રી તરીકે જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી દીધી. 'ક્વીન'ની આશ્ચર્યજનક સફળતા પછી જ કંગના વઘુને વધુ વાચાળ ને વિવાદાસ્પદ બનતી ગઈ. નરેન્દ્ર મોદી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવામાં કંગના સહેજ પણ સંકોચ કરતી નથી. આજે પણ નહીં. એ ભરી સભામાં કહી શકે છે કે, 'ભારતે ખરી આઝાદી ૨૦૧૪માં મળી હતી.' એ નરેન્દ્ર મોદીનેે બિન્ધાસ્તપણે 'અવતાર' ગણાવે છે અને પોતાને મળેલા 'અંધ ભક્ત'ના બિરુદને એ શૌર્યચક્રની માફક ફ્લોન્ટ કરે છે. લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં તો એ એવું પણ બોલી કે અળવીતરા પાડોશી દેશોની વચ્ચે ઘેરાયેલા રહીને પણ મોદીસાહેબ જે રીતે પંથકમાં શાંતિ જાળવી રહ્યા છે તે બદલ એમને નોબલ પ્રાઇઝ મળવું જોઈએ.
કંગનાના ફ્રસ્ટ્રેશનનું કારણ માત્ર મોદીસાહેબ મળવાનો સમય આપતા નથી, તે નથી. 'ઇમરજન્સી' ફિલ્મના વિવાદ વખતે પડખે ઊભા રહેવાના બદલે પક્ષના મોવડીઓ તરફથી ઠપકો મળવો, ફિલ્મને પ્રમોટ કરવામાં કશી દેખીતી મદદ ન કરવી (બાકી નરેન્દ્ર મોદી અગાઉ જાહેર સભાઓમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'ધ કેરલા સ્ટોરી', 'ધ સાબરમતી રિપોર્ટ્સ', 'છાવા' વગેરે જેવી ફિલ્મોના પ્રશંસાત્મક ઉલ્લેખો કરીને તેને પ્રમોટ કરી ચૂક્યા છે) - આ બધી અપેક્ષાભંગ કરનારી બાબતો છે.
રાજકારણમાં આવ્યા બાદ પોતે નિર્ભ્રાન્ત થઈ રહી છે એવું કંગનાએ આ એક વર્ષમાં કેટલીય વાર કહ્યું છે. જોઈએ, ભાજપ સાથેની રિલેશનશિપ કંગનાના અંગત જીવનની રિલેશનશિપ્સ જેવી વિસ્ફોટક અને ટૂંકજીવી સાબિત થાય છે કે પછી સંતોષકારક અને અર્થપૂર્ણ!
શો-સ્ટોપર
'ભાઈ, આમિર ખાનની વાત જ નિરાળી છે. એ પરફેક્શનિસ્ટ માણસ છે. જ્યાં સુધી એ પોતાની મેરીડ લાઇફને પરફેક્ટ નહીં કરી લે ત્યાં સુધી લગ્નો કરતો જ રહેશે!'
- સલમાન ખાન (આમિર ખાનનાં ત્રીજાં સંભવિત લગ્ન વિશે પૂછાતાં અપાયેલો જવાબ)