મંદિરો અને બેન્કો પાસે અધધ સોનું .
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ઓક્સફોર્ડ ગોલ્ડ ગુ્રપનાં અહેવાલ અનુસાર ભારતમાં પણ દક્ષિણ ભારતીય મહિલાઓ પાસે વધુ સોનું છે. ભારતના કુલ સોનાના અંદાજે 40 ટકા જેટલો હિસ્સો દક્ષિણ ભારતમાં છે
ઝ પાટાબંધ વધતા જતાં સોનાના ભાવો રોજ બજારમાં તરખાટ મચાવે છે. એક તોલા સોનાનો ભાવ એક લાખ રુપિયા હોય ત્યારે ઘેર ઘેર તેની ચર્ચા થાય તે સ્વભાવિક છે. મધ્યમ વર્ગનું કોઇ ઘર એવું નથી કે જ્યાં આંઠ દશ તોલા સોનું ના હોય. શ્રીમંતોમાં સોનાનો ક્રેઝ સામાન્ય બનતો જાય છે. મધ્યમ વર્ગમાં તો સંકટ સમયની સાંકળ છે તો પૈસાદારોમાં તે બે નંબરી રોકાણ છે. શ્રમજીવીઓ માટે તે સપનાં સમાન છે. આમ પણ લોકો એવું માનતા થયા છે કે બેંકોમાં સાત ટકે પૈસા ફિક્સ ડિપોઝીટમાં મુકી રાખવા તેના બદલે સોનામાં કરેલું રોકાણ બમણા કરતાં વધુ વળતર આપે છે. સોનું એ સમૃધ્ધિની નિશાની છે. મધ્યમ વર્ગમાં લગ્ન સમયે દીકરીને રિવાજ પ્રમાણે દશ બાર તોલા સોનું આપવાનું હોય છે. સોના પ્રત્યેની આ અભૂતપૂર્વ ઝંખનાને કારણે જ ભારત આજે સુવર્ણના ઢગલા પર બેઠેલો દેશ છે એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. વિશ્વમાં સોનાનો સૌથી વધુ જથ્થો ભારતીયો પાસે છે. ભારતના નાગરિકો પાસે ૨૫,૦૦૦ ટન સોનાનો જથ્થો હોવાનો અંદાજ છે. આ જથ્થો વિશ્વની ટોપ-૧૦ સેન્ટ્રલ બેન્કોના કુલ જથ્થા કરતાં પણ વધારે છે. એમાં અમેરિકા, જર્મની, ઈટલી, ફ્રાન્સ, રશિયા, ચીન, સ્વિત્ઝર્લેન્ડ, ભારત, જાપાન અને તુર્કીનો સમાવેશ થાય છે જિઓ પોલિટિકલ અને જિઓ ઈકોનોમિકલ પરિબળોને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ સતત વધી રહ્યાં છે.
સોનાના ભાવ વધારાને પગલે ભારતીય નાગરિકો પાસે સોનાનો જથ્થો છે એના મૂલ્યમાં પણ નોેંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૦ ગ્રામ સોના ભાવ રૃા. ૭૫,૫૪૯ હતા એ મુજબ ભારતના લોકો પાસે સોનાનો જે જથ્થો હતો એનું મૂલ્ય રૃા. ૧૮૮.૯૦ લાખ કરોડ જેટલું હતું. આ મૂલ્ય હવે વધીને રૃા. ૨૨૦ લાખ કરોડ જેટલું થયું છે.
છેલ્લાં એક વર્ષમાં સોનાના ભાવમાં ૩૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ ૨૦૨૪માં ૧૦ ગ્રામ સોનાના બાવ રૃા. ૬૮,૪૨૦ હતા એ મે ૨૦૨૫ માં વધીને રૃા.એક લાખ જેટલો થયો છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ અનુસાર ભારતીય મહિલાઓ પાસે કુલ મળીને આશરે ૨૫ હજાર ટન જેટલું સોનું છે. જે ઝવેરાતના રૂપમાં દુનિયામાં કુલ સોનાનો આશરે ૧૧ ટકા જેટલો હિસ્સો થાય છે અને દુનિયામાં સૌથી વધુ પણ છે.
ભારતીય મહિલાઓ પાસે જેટલું સોનું છે તે દુનિયાના શીર્ષ પાંચ દેશોના સંયુક્ત સુવર્ણ ભંડાર કરતાં પણ અધિક છે. જો તુલના કરવામાં આવે તો અમેરિકા પાસે ૮ હજાર ટન સોનું છે. જર્મની પાસે ૩૩૦૦ ટન, ઈટાલી પાસે ૨૪૫૦, ફ્રાન્સ પાસે ૨૪૦૦ ટન અને રશિયા પાસે ૧૯૦૦ ટન સોનું છે. જો આ દેશોના સુવર્ણ ભંડારનો સરવાળો કરી નાખવામાં આવે તો પણ ભારતીય મહિલાઓ પાસે તેનાથી વધુ સોનું છે.
ઓક્સફોર્ડ ગોલ્ડ ગુ્રપનાં અહેવાલ અનુસાર ભારતમાં પણ દક્ષિણ ભારતીય મહિલાઓ પાસે વધુ સોનું છે. ભારતના કુલ સોનાના અંદાજે ૪૦ ટકા જેટલો હિસ્સો દક્ષિણ ભારતમાં છે. આમાં પણ એકલા તામિલનાડુની હિસ્સેદારી ૨૮ ટકા જેટલી છે. બીજી તરફ રિઝર્વ બેન્ક છેલ્લાં ઘણાં મહિનાથી સતત સોનાની ખરીદી કરી રહી છે. આરબીઆઈનાં કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને ૧૦.૨ ટકા થઈ ગયો છે. કેન્દ્રીય બેન્કનાં તાજા આંકડા અનુસાર નવેમ્બરનાં અંત સુધીમાં દેશનો સુવર્ણ ભંડાર વધીને ૮૭૬.૧૮ ટન થઈ ગયો હતો. જે ગત વર્ષની તુલનામાં ૯ ટકા જેટલો વધુ છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા અનુસાર, ગત માર્ચ દરમિયાન દેશનો સોનાનો ભંડાર ૮૭૯.૫૮ ટન થયો છે. માર્ચ, ૨૦૨૪ના રોજ દેશની કુલ ગોલ્ડ રિઝર્વ ૮૨૨.૦૯ ટન હતી અને તે સમયે ફોરેક્સ રિઝર્વમાં તેનો હિસ્સો માત્ર ૮ ટકા હતો. ત્યાર બાદ જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં આરબીઆઈએ સરેરાશ ૬.૬ ટન સોનું ખરીદ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ને બાદ કરતાં બાકીના ૧૩ મહિનામાં આરબીઆઈએ સરેરાશ ૬.૩ ટન સોનું ખરીદ્યું હતું. ચીનની સેન્ટ્રલ બેંક, પીપલ્સ બેંક ઓફ ચાઇના અનુસાર, તેણે માર્ચમાં ૩ ટન (૦.૦૯ મિલિયન ઔંસ) સોનું ખરીદ્યું હતું. છ મહિનાના વિરામ બાદ પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સતત પાંચમા મહિને (નવેમ્બર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધી) સોનું ખરીદ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ચીનનો સોનાનો ભંડાર ૧૩ ટન વધીને ૨,૨૯૨ ટન થયો છે. એક અહેવાલ મુજબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ સોનાની ખરીદી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં કરવામાં આવી હતી, જ્યારે કુલ ૬૬ ટન સોનું અનામતમાં ઉમેરવામાં આવ્યું હતું. આ પછી, ૨૦૨૨-૨૩માં ૩૫ ટન અને ૨૦૨૩-૨૪માં ૨૭ ટન સોનું ખરીદવામાં આવ્યું. જિયો હોટ સ્ટાર પર રિલીઝ થયેલી 'આરબીઆઇ અન લોક્ડ : બિયોન્ડ ધી રૂપી' નામની દસ્તાવેજી ફિલ્મમાં રિઝર્વ બેંકના સિક્રેટ વોલ્ટની ઝલક દેખાડવામાં આવી હતી, આ વોલ્ટમાં સાડા બાર કિલોની એક એવી સેંકડો સોનાની ઇંટો સંઘરવામાં આવે છે. અત્રે એ વાત પણ જણાવી દઈએ કે દેશના મોટાભાગના સોનાના ભંડાર ઈંગ્લેન્ડ અને અન્ય વિદેશી બેંકોમાં રાખવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૪ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, ભારત સૌથી વધુ સોનું ખરીદનારા ટોચના દેશોમાં સામેલ હતું.
મુંબઇના બુલિયન માર્કેટે એક ટન સોનાનો ભાવ અંદાજે ૧૦૦૦ કરોડ રુપિયા મુક્યો છે. હવે એ વિચારો કે ભારતના મંદિરો પાસે ૪૦૦૦ ટન સોનું હોય તો તે કેટલા રુપિયા થયા? ઘરો અને મંદિરોમાં મળીને ૨૯,૦૦૦ ટનનો હિસાબ પણ ગણવો જોઇએ. જો આ સોનાનો ઉપયોગ ભારતની ગરિબાઇ દુર કરવામાં આવે તો ચમત્કાર થઇ શકે એમ છે. મંદિરોમાં સોનાના ધુમટ્ટ, ભગવાનના આભુષણો, મુગટ, દરવાજા વગેરે બનાવવા માટેની રીતસરની સ્પર્ધા ચાલે છે. ભારતમાં કોઇ મંદિર એવું નથી કે જ્યાં સોનાનું છત્ર ના હોય.
ભારતના મંદિરોમાં સોનાના ઢગલાં છે એમ કહી શકાય. કેરળના પદ્દમનાભ સ્વામી મંદિરના ચાર ભોંયરાની થોડા સમય પૂર્વે તપાસ સુપ્રીમ કોર્ટના આદેશથી કરાઇ ત્યારે ૨૨ અબજ ડોલરનું સોનું (૨૦૧૧માં સોનાનો ભાવ ૨૬,૦૦૦નો હતો) ગણવામાં આવ્યું હતું. તેનું વજન ૧૩૦૦ ટન જેટલું હતું.
બહુ પ્રસિધ્ધ્ એવા તિરૂપતિ બાલાજી મંદિરમાં દર વર્ષે આશરે એક ટન સોનું દાનમાં આવે છે. આ મંદિરને વિશ્વનું સૌથી શ્રીમંત મંદિર ગણવામાં આવે છે. આ મંદિરનું સાડા ચાર ટન સોનું બેંકોમાં પડેલું છે. તેનું વ્યાજ ૮૦ કિલો વજનના સોનાની કિંમત જેટલું આવે છે.
સોનાની દેશમાં વધતી માગને સંતોષવા માટે લોકો, મંદિરો તથા ધર્માદા ટ્રસ્ટ પાસે સંગ્રહાયેલા ૨૯,૦૦૦ ટનના સ્ટોકને બહાર લાવવાનાં પગલાં વિચારવાનું સૂચન થોડા વર્ષો પહેલાં ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશને કર્યું હતું.
આ સંગ્રહાયેલું સોનું બહાર લાવવામાં આવે તો વર્ષે ૨૦૦થી ૩૦૦ ટન જેટલા માલની પુરવઠામાં આપૂર્તિ થાય અને આયાત પરનું અવલંબન પણ ઘટી શકે.
તિરૂમાલા તિરુપતિ દેવસ્થાનમ્ના ટ્રસ્ટીઓ દ્વારા ગયા વર્ષે જ જાહેર કરેલી વિગતો પ્રમાણે આ મંદિર ટ્રસ્ટ પાસે ૧૪ ટનથી વધુ સોનું છે. રૃા. ૧૪,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની ફિક્સ્ડ ડિપોઝીટ છે. આ ટ્રસ્ટ આખા દેશમાં ૯૬૦ પ્રોપર્ટી ધરાવે છે જેની કુલ વેલ્યુ ૮૫,૭૦૫ કરોડ રૂપિયા થાય છે. કહે છે કે આ મિલકતોની આજના માર્કેટ ભાવ પ્રમાણે કિંમત આંકો તો ૨ લાખ કરોડથી વધી જાય.
છેલ્લાં બે વર્ષમાં મંદિરની હુંડીમાં દર્શનાર્થીઓ દ્વારા ધરાવતી રોકડ રકમનો આંકડા પણ ૭૦૦ કરોડથી વધી ગયો છે.
કેરળના વિખ્યાત અને ધનાઢ્ય મંદિરો અયપ્પા મંદિર અને સાબરીમાલા મંદિરનો વહીવટ કરતાં ધ ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ-ટીડીબી દ્વારા રિઝર્વ બેન્કની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો લાભ લેવા માટે ૫૦૦ કિલો સોનું જમા કરાવ્યું છે. આ સોનું જમા કરાવવાથી વર્ષે પાંચ કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.
આરબીઆઇ આ સોના પર વર્ષે અઢી ટકા જ વ્યાજ આપશે.
તામિલનાડુના મંદિરોને દાનમાં મળેલા ૨૧૩૮ કિલો વજનના સોનાના દાગીના પીગાળવાનો નિર્ણય ત્રણ વર્ષ પૂર્વે રાજ્યની સ્ટાલિન સરકારે લીધો હતો. આ સોનાની કિંમત વર્તમાન બજાર ભાવ પ્રમાણે ૨૦,૦૦૦ કરોડથી વધુ થાય. એક અંદાજ પ્રમાણે ભારતના વિવિધ મંદિરોના ટ્રસ્ટ પાસે હજુ પણ આશરે ૩૦૦૦ ટન સોનું ફાજલ પડી રહ્યું છે.
તમિલનાડુના ૨૧ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા ૧૦૦૦ કિલોગ્રામથી વધુ સોનાની સામગ્રીને પીગાળીને ૨૪ કેરેટના સોનાના બિસ્કિટમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને બેંકોમાં જમા કરવામાં આવ્યા છે. સોનાના બિસ્કિટના આ રોકાણને કારણે તેને વાર્ષિક ૧૭.૮૧ કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું છે.
આ મંદિરો પૈકી તિરુચિરાપલ્લી જિલ્લાના સમયપુરમમાં અરુલમિગુ મરિઅમ્મન મંદિરે રોકાણ યોજના માટે સૌથી વધુ (લગભગ ૪૨૪.૨૬ કિલોગ્રામ) સોનું આપ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્યના અમુક મંદિરોએ પણ આ દિશામાં પહેલ કરી છે. જાન્યુઆરી ૨૦૦૯થી ૨૦૨૩ના સમયગાળામાં તુળજા ભવાની માતાજીના ચરણે અર્પણ કરવામાં આવેલ ૨૦૪ કિલો સોનું તથા ૩ ટન ચાંદીના દાગીનાને ગાળવામાં આપ્યા છે. શિરડી સાંઇ મંદિર પાસે ૪૦૦ કિલોથી વધુ સોનું છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં શિર્ડીસાંઇ સંસ્થાન, તુળજા ભવાની મંદિર અને સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ તેમને મળતા સોના-ચાંદીના દાગીના ગાળી આરબીઆઇમાં ડિપોઝીટ તરીકે રાખે છે.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ ૯૬ કિલો સોનું બેન્કમાં મૂકવામાં આવ્યું હતું. આ સિવાય સોમનાથ મંદિર, દ્વારકાધીશનું મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર જેવાં અનેક મંદિરો પાસે પણ સુવર્ણજથ્થો છે. વિચારવા જેવી વાત એ છે કે ઊપરોક્ત વિગતો પ્રમાણે ભારતની પ્રજા પાસે અઢળક સોનું છે. મંદિરો અને રિઝર્વબેન્ક પાસેના સોનાના અણમોલ જથ્થાને ધ્યાનમાં રાખીએ તો ભારતની ગણના વિશ્વના સૌથી શ્રીમંત દેશ તરીકે થવી જોઈએ. પરંતુ અફસોસ, કે વાસ્તવિકતા જુદી છે.