જાળમાં ફસાયેલી માછલી
- અર્જુનસિંહ કે રાઉલજી
- બટુક મારો લંગોટિયો યાર હતો, અમે હાઈસ્કુલનો અભ્યાસ સાથે જ કર્યો હતો, ગામ આખામાં અમારી ફ્રેન્ડશિપ વખણાતી હતી. પણ નોકરીએ લાગ્યા પછી મળવાનું થતું નહોતું...
બ સ દોડતી હતી. બાજુમાં બેઠેલી ઓરતનું બાળક રડતું હતું. તેણે ઘડીભર મારી સામે જોયું અને પછી કદાચ પોતાના રડતા બાળકની દયા આવી હોય એમ પોતાના બ્લાઉઝનાં નીચેના બટન ખોલી નાખ્યાં. બાળકને છાતીએ વળગાડી દીધું અને ઉપર સાડીનો છેડો તેના ઉપર નાખી દીધો... હું કદાચ સ્થુળ નજરે જ આ જોઈ રહ્યો હતો, જ્યારે મારું મન તો બટુક અને તેના ઘેર પહોંચી ગયું હતું...! છતાં મારું આ રીતે તાકી રહેવાનું કોઈકને અજુગતું પણ લાગે... મેં નજર હટાવી બસની બહાર દોડાવી... કોઈક પહાડી વિસ્તાર પસાર થઈ રહ્યો હતો, બસની કેટલીક તૂટેલી બારીઓ કર્કશ અવાજે ખખડી રહી હતી...! બહારનું દ્રશ્ય જોવું ગમે તેવું હતું. ચારે તરફ લીલોતરી જ લીલોતરી... મંદ મંદ પવન વાતો હતો... પણ વિચારો બટુક...?! મારી નજર સામે બટુકનો ચહેરો તરવરતો હતો... સરોજભાભી અચાનક ગુજરી ગયા હતા. જોકે તેમનું બેસણું અને બારમા તેરમાની વિધિ પણ પતી ગઈ હતી - ત્યારે તેના પણ દસ દિવસ પછી મને ટાઈમ મળ્યો હતો તેને મળવા જવાનો...!
આમ તો બટુક મારો લંગોટિયો યાર હતો, અમે હાઈસ્કુલનો અભ્યાસ સાથે જ કર્યો હતો, ગામ આખામાં અમારી ફ્રેન્ડશિપ વખણાતી હતી. પણ નોકરીએ લાગ્યા પછી મળવાનું થતું નહોતું - ભાગ્યે જ કોઈક પ્રસંગે અચાનક ભેગા થઈ જઈએ એટલું જ...! છતાં મોબાઈલ અને વોટ્સએપ તથા મેસેજો દ્વારા તો અમે એકબીજાના સંપર્કમાં રહેતા હતા. બટુકને છેલ્લાં ક્યારે મળ્યો હતો - એ પણ યાદ આવતું નહોતું... હા.. તેની વાર્તાઓ અને આર્ટિકલો દ્વારા જુદાં જુદાં મેગેઝિનો અને પેપરોમાં શાબ્દિક મળવાનું થતું હતું - એ અલગ વાત હતી. કદાચ છેલ્લે તેના એકના એક પુત્રના મૃત્યુ વખતે તેની સરોજભાભી વચ્ચે જે અંટસ પડી ગયો હતો, ત્યારે તેનું સમાધાન કરવા ભેગા થયા હતા ત્યારે જ મળ્યા હતા. વાતમાં આમ તો કોઈ દમ નહોતો.. સરોજભાભીના ભાઈ પોતાના ભાણેજને મોસાળમાં રહેવા લઈ ગયા હતા, તે ના પાડતો હતો. તો પણ સરોજભાભીએ ભાઈને ખોટું લાગશે એમ માની લઈ, જવા દીધો હતો, પણ કુદરતનું કરવું ને લઈ ગયા પછી સાતમાં દિવસે જ તેને તાવ આવ્યો અને તે જ રાતે એ દુનિયા છોડી હરિશરણ થઈ ગયો - એ વાતમાં જ એ બંને વચ્ચે અંટસ પડી ગયું... બટુક એક જ રટ લઈ બેઠો હતો કે - મારા ના કહેવા છતાં તેં આપ્યો એટલે જ આ થયું - તેને મનાવતાં નાકે દમ આવ્યો હતો મને...?! તે પછી કિંજલનો જન્મ થયો હતો. આ પછી કદાચ બટુકને મળવાનું બન્યું નહોતું કદાચ...!
બટુકને એડમિટ કર્યો ત્યારે પણ અવાયું નહોતું - સેમિનારમાં હું મસુરી હતો એક મહિના માટે...! રોગોનું ઘર બની ગયું હતું તેનું શરીર. હાઈ બી.પી. તો હતું જ... પછી ડાયાબિટીસ થયો... તેમાંથી જ કિડની ઉપર અસર થઈ - કિડની ફેઈલ તો નહોતી થઈ પણ તેનું ફંકશનીંગ ધીમું થઈ ગયું હતું. કિડની વીક થઈ ગઈ હતી. તે વખતે તો તે કોમામાં જતો રહ્યો હતો, લગભગ બાવીસથી પચ્ચીસ દિવસ આઈ.સી.યુમાં રાખ્યો હતો. સરોજભાભી કહેતા હતાં - તે પણ ફરિયાદના સૂરે, ''તમારા ભાઈ નવો અવતાર આવ્યા હતા, એમ કહે કે મૃત્યુને ભૂલું પાડીને પાછા આવ્યા, પણ તમને એમની ખબર લેવા આવવાનો ટાઈમ ના મળ્યો...'' મેં ફોનમાં જ માફી માંગી હતી અને વહેલામાં વહેલી તકે બટુકની ખબર કાઢવા આવવાનું વચન આપ્યું હતું... પણ થાય શું ? એક તો એટલો બધો દૂર રહેતો હતો હું, અને પાછા સામાજિક પ્રસંગો... પાંચ પાંચ બહેનો હતી મારે... એમના બધા જ પ્રસંગો મારી જવાબદારી હતા. એટલે ટાઈમ નહોતો કઢાતો...! અરે ! કિંજલનો જન્મ થયો, તે મોટી થઈ ગઈ... તો પણ તેને જોવા નહોતી મળી... માંડ અલપઝલપ તેના લગ્નમાં ફ્લાઈંગ વિઝિટ જેમ આવ્યો હતો... મોટા સાળાને આઈ.સી.યુમાં દાખલ કર્યો હતો બોમ્બે... સિરિયસ હતો એટલે તેની ખબર લેવા જતી વખતે ઊભો ઊભો આવ્યો હતો - કિંજલને આશીર્વાદ આપી, નીકળી ગયો હતો - બટુક અને સરોજભાભી કોઈક વિધિ માટે ગયાં હતાં, એટલે મળ્યાં નહોતા.
--- પણ આ વખતે તો બધું ભેગું થયું હતું, સરોજભાભી દેવલોક થયાં હતાં અને બટુકની તબિયત પણ નરમ હતી - કદાચ ભાભીના જવાના આઘાતથી...! પગે સોજા આવી જતા હતા, ખાસ ફરાતું પણ નહોતું. તે ફોનમાં કહેતો હતો એ પ્રમાણે, દાદરા પણ ચઢાતા નહોતા - નીચે સોફા ઉપર જ બેસી રહેતો હતો, ઊભા થવાનું પણ અઘરું લાગતું હતું... કોઈક પકડે તો જ ઊભું થવાય, તે પણ માંડ માંડ... પછી ચાલવાની તો વાત જ ક્યાં રહી ?
બસમાં કંડકટર કોઈક ઉતરનાર પેસેંજર સાથે ઝગડતો હતો. ઉતરનાર પેસેંજરે પોતાના બાકી પૈસા લેવાના હતા, તેનું સ્ટોપ આવતું હતું, એટલે તે પૈસા માંગતો હતો જ્યારે કંડકટર પાસે છૂટા પૈસા નહોતા...! કોઈક બીજા પેસેંજરે તેમાંથી રસ્તો કાઢી આપ્યો, તેણે કંડકટરને ચેન્જ આપ્યું... એટલે વાત પૂરી થઈ ગઈ.
બટુક આમ તો નસીબદાર હતો - માત્ર એક દીકરી જ હતી કિંજલ. જે તેની સાથે જ રહેતી હતી. બટુક અને સરોજભાભી બંને નોકરી કરતાં હતાં એટલે બંનેનું પેન્શન આવતું હતું. સુભાનપુરા જેવા લક્ઝરીયસ વિસ્તારમાં મોટો બંગલો હતો. ખાસ્સું એવું બેન્ક બેલેન્સ પણ હશે. એ બધું કિંજલને જ મળવાનું હતુંને ! બાકી આજના જમાનામાં તો છોકરા હોય - પછી ભલેને એકના એક હોય...?! પણ વૃધ્ધ મા-બાપને પાલવવા કોઈ તૈયાર નથી. દીકરો તો આપણો, પણ વહુ તો પારકીને ? તે શું કામ તકલીફ લે ? આજની છોકરીઓને તો લ્હેરથી, છૂટથી અને કોઈપણ પ્રકારની રોકટોક વિના રહેવું છે - પછી સાસુ સસરાની કચકચ કોને ગમે...?! જ્યારે બટુક એ બાબતમાં નસીબદાર છે... એકલી કિંજલ જ છે - દીકરીને તો બાપની લાગણી થાય જ ને ? અરે ! દીકરીને જેટલી બાપની લાગણી થાય, એટલી કદાચ દુનિયામાં બીજા કોઈને નહીં થતી હોય...! હવે વડોદરા આવવાની તૈયારી જ હતી, તે વખતે જ મને વિચારો અને વિચારોમાં બગાસાં આવવા માંડયા કદાચ ઝોકું ના આવી જાય તો સારું.
વાહ. શું સુંદર બંગલો બનાવ્યો છે ? બહાર વુડન ડેક... નીચે બેઝમેન્ટ... બેઝમેન્ટમાં બે કાર રહી શકે તેવું ગેરેજ. એક BMW કાર તો પડી જ હતી. વુડન ડેક ઉપર ત્રણ જણ બેસી શકે એવો હિંચકો. તે પણ સંખેડાનો. ડેકની પાછળની મોટી દીવાલ ઉપર એક મોટું પેઈન્ટીંગ હતું. એક ઓરત અને એક પુરુષ. પુરુષના હાથમાં માછલી પકડવાની જાળ હતી જે તેણે પાણીમાં નાખેલી હતી. મોટું વિશાળ અને નયનરમ્ય તળાવ હતું - તેનું લીલુકચ્ચ ચોખ્ખું પાણી... તેમાં તરતી વિવિધ પ્રકારની માછલીઓ-સ્પષ્ટ જોઈ શકાતી હતી. ઓરતનો હાથ પુરૂષના ખભા ઉપર હતો - અને પુરૂષના ચહેરા ઉપર હાસ્ય. ગમી ગયું મને આ દ્રશ્ય. પુરૂષ કદાચ બટુક હતો અને ઓરત સરોજભાભી.. એવો આભાસ થતો હતો. મને ઘડીભર તો એ હીંચકે ઝૂલવાની ઈચ્છા થઈ આવી પણ...?!
હું તો બટુકને મળવા અને તેની ખબર કાઢવા આવ્યો હતો. દરવાજો ખોલી અંદર બેઠકરૂમમાં દાખલ થયો. સામે જ સોફા ઉપર બટુક બેઠો હતો - ઉતરેલો ચહેરો. નિરાશ લાગતો હતો. કદાચ હજુ ભાભીના મોતના આઘાતમાંથી હજુ બહાર આવ્યો નહોતો. મને જોયો એટલે બોલ્યો, ''આવ....'' અવાજ પણ માંદલો લાગતો હતો. હું તેની સાથે સોફા ઉપર બેસી ગયો. તેણે સોફાની બાજુમાં રહેલી સ્વીચ દબાવી. ઉપર બેલ વાગ્યો, તે સાથે જ એક કર્કશ અવાજ આવ્યો, 'બેસી રહો છાનામાના... હજુ જમવાનું થયું નથી...' કદાચ કિંજલનો જ અવાજ હતો એ...!
'અરે ! બાપા જમવા માટે બેલ નથી વગાડયો.. આ તો ઠેઠ જામનગરથી આ અમિતકાકા આવ્યા છે એટલે બેલ માર્યો... બાકી મારે જમવાની ઉતાવળ નથી, તમે બંને જમી લો પછી બાઈ સાથે મોકલશો રોજની જેમ તો પણ વાંધો નથી...' બટુક ચીડ સાથે બોલ્યો. હું તો જોતો જ રહી ગયો. બટુકે કહ્યું કે - જામનગરથી અમિતકાકા આવ્યા છે - એની પણ કિંજલ ઉપર કોઈ અસર ના થઈ, કે ના કોઈ પ્રતિભાવ... ! મને થોડુંક ખોટું પણ લાગ્યું. કાકા કેમ છો ? કે તમારી તબિયત કેમ છે ? આંટી નથી આવ્યાં ? ચા કે કોફી શું પીઓ છો ? આમાનું કશું જ નહીં...?! કોઈ આવું વર્તન કરતું હશે આવનાર મહેમાન સાથે ? મારું મન ખાટું થઈ ગયું... અરે ! એ તો ઠીક પણ પાણીનો ગ્લાસ લઈને આવવાની શાલિનતા પણ નહીં. મેં કદાચ ફરિયાદીની નજરે જ બટુક તરફ જોયું, પણ તેની પાસે તેનો કોઈ જવાબ નહોતો તે નીચું જોઈ ગયો. કેટલીયવાર પછી પોતાને કંઈક કળ વળી હોય એ રીતે બોલ્યો, ''ખોટું ના લગાડીશ દોસ્ત... પણ આ કારણથી જ મેં ક્યારેય તને અહીં આવવાનો આગ્રહ કર્યો નથી.. તું અહીં આવે અને આ લોકો આવું કરે તો મારે ભોંઠા પડવું પડે... તને પણ મારી દશા જોઈ દુ:ખ થાય તે નફામાં...!''
ખરેખર દયનીય દશા હતી બટુકની...?! પોતાની જ દીકરી તેની સાથે એવું વર્તન કરે ? વાત માન્યામાં જ નહોતી આવતી - પણ કડવી વાસ્તવિકતા જ હતી. બટુકનું ધ્યાન રાખે એવું કોઈ નહોતું. જાણે કે કોઈક પ્રકારની એ સજા ભોગવી રહ્યો હોય એમ લાગતું હતું.
હું આવ્યો એ વાતને પણ લગભગ દોઢ કલાક જેવો સમય વીતી ગયો હતો, પણ ચા કોફી તો શું પણ કોઈ પાણીનો ગ્લાસ આપવા પણ આવ્યું નહોતું. નીચે ઉતરવાની વાત તો બાજુ ઉપર રહી પણ કિંજલે ઉપર રહ્યા રહ્યા પણ મારી ખબર નહોતી પૂછી...! અરે ! મારી વાત તો પછી આવે પણ તેના બાપને પણ પાણીનોય ભાવ નહોતો પૂછ્યો. બટુકને બે વાર પાણી પીવું હતું, તેનાથી તો ઉઠાય એમ નહોતું-એટલે મેં જ અંદરના રૂમમાં રાખેલા ફ્રીઝમાંથી તેને પાણી આપ્યું હતું. તે રોજ શું કરતો હશે ? પાણી પણ પીધા વગર બેસી રહેતો હશે ? પોતાની સગી દીકરી તેના બાપ સાથે આવું વર્તન કરે ? જાણેકે ઓરમાયો બાપ હોય એમ...?! મારું તો લોહી ઉકળી ઊઠતું હતું આવી દીકરીને આ બધી મિલકત આપવી જ ના જોઈએ - જો તે બાપનું કરવા તૈયાર ના હોય તો...!
ઘડિયાળમાં બપોરના લગભગ બે વાગવા આવ્યા હતા, પણ હજુ સુધી બટુકના ખાવાનું પણ ઠેકાણું નહોતું...! દરરોજ આવું જ થાય છે ? એવું પૂછતાં બટુક ધુ્રસકે ધુ્રસકે રડી પડયો. એ લોકો જમી લે, ત્યાર પછી કામવાળી વાસણો ઘસી લે પછી જ તે ઘેર જતાં જતાં તેની થાળી નીચે લેતી આવે, પાણીનો બોટલ મૂકી આપે અને ઘેર જતી રહે, ત્યારે તેને ખાવાનું...! આવું તો હોય ? રાત્રે પણ તેણે એકલા જ સૂઈ રહેવાનું નીચે... કોઈ દેખરેખ રાખનાર નહીં, કોઈ પાણી પણ આપનાર નહીં, ઘડપણ અને બીમારીમાં તો માણસની જરૂર પડે...! પણ ક્યાંથી લાવે તે તેની સેવા કરનાર માણસ... મારું મન પણ બટુક પ્રત્યેની મારી લાગણીથી ખાટું થઈ ગયું... ના..ના.. આવું તો ના જ ચલાવાય...?! આટલે દૂરથી હું આવ્યો છું તો મારે મારા દોસ્ત માટે કંઈક કરવું જ પડશે. મારો આત્મા જાગી ગયો હતો, આટલું તો વિચારવું જ પડશે...?! તેની સારવાર અને ચાકરી કરે એવા માણસની વ્યવસ્થા કરાવવી જ પડશે...! અને એ જવાબદારી તો કિંજલ અને જમાઈની હતી - તેમને તેમનું સ્થાન બતાવી જ દેવું પડશે...?! એ લોકોએ જો મિલકત જોઈતી હોય અને તેમનાથી બાપની ચાકરી ના થતી હોય તો પછી બટુક માટે કેરટેકરની વ્યવસ્થા કરવી જ પડશે...! મેં મનોમન નક્કી કરી નાખ્યું અને બટુકને કહેવાના બદલે કિંજલને જ બૂમ પાડી.
મારી બૂમની રાહ જોતી હોય એમ તરત જ કિંજલ નીચે આવી અને બોલી, ''બોલો કાકા, તમારે જે કહેવું હોય તે કહેજો પણ પહેલાં મારી વાત સાંભળી લો... મને ખબર હતી જ કે મારા પપ્પા મારી ફરિયાદ કરશે જ... એટલે હું માનસિક રીતે તૈયાર જ હતી...'' એ ઘડીભર શ્વાસ ખાવા રોકાઈ, પછી આગળ બોલી, ''તમે જાળમાં ફસાયેલી માછલી જોઈ છે ? મારી મમ્મીની આખી જિંદગી એ હાલત હતી - પૂછો તમારા ભાઈબંધને...'' તે મારી સામે તાકી રહી અને હું બટુક સામે...?!