- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- દુનિયામાં એક્સ્પોર્ટ થતાં ફટાકડાઓમાં ચીનનો હિસ્સો 82 ટકા છે
દિ વાળી આપણો લોકપ્રિય તહેવાર છે. ગરીબ-તવંગર બધા જ આ ઉત્સવમાં ભાગ લે છે. સાથે નવું વર્ષ હોવાથી બધા જ ખુશખુશાલ હોય છે. આપણને ફટાકડા ફોડવાનો એટલો શોખ છે કે આપણે શિવાકાશીમાં ભરપુર માલ તૈયાર કરીએ છીએ છતાં આપણે ૬૦૦૦ કરોડથી વધુ રૂપિઆના ફટાકડા વિદેશથી મંગાવીએ છીએ.
ફટાકડાની ખરીદીમાં ૫૬% આપણે રશિઅન માલ લઇએ છીએ, જર્મની પાસેથી પણ ૧૬ ટકા ફટાકડા મંગાવીએ છીએ. આપણા ફટાકડા દક્ષિણ આફ્રિકામાં ખાસ એક્સપોર્ટ થાય છે.
દુનિયામાં સૌથી વધુ ફટાકડા ચીન બનાવે છે. દુનિયામાં એક્સ્પોર્ટ થતા ફટાકડાઓમાં ચીનનો હિસ્સો ૮૨ ટકા છે.
આપણા તામિલનાડુમાં આવેલા શિવાકાશી ફટાકડાની ૧૧૦૦ કરતાં વધુ ફેકટરીઓ ધરાવે છે.
ધી વોલ્ટ ડિઝની કંપની વર્ષે દહાડે સાડાપાંચ- છ કરોડના ફટાકડા ફોડી પ્રજાને આનંદ આપે છે. ભારતના દરેક રાજ્યોમાં દિવાળી દરમ્યાન અવાજ અને વાતાવરણનું પ્રદુષણ ચરમસીમાએ પહોંચી જાય છે. દરેક લકઝરીમાં પીડા છુપાયેલી હોય છે. એમ આ કરોડોના ધૂમાડાનો આનંદ માણ્યા પછી લાખો લોકો - શ્વસન માર્ગના રોગોથી પીડાય છે. આ ધૂમાડા અસ્થમાના દર્દીની હાલત વધુ બગાડી નાંખે છે. બાળકોને શ્વાસમાં તકલીફ પડે છે.
બોંબના ખતરનાક અવાજથી વૃધ્ધોના કાન બહેરા થઈ જાય છે. આ સમય દરમ્યાન શ્વસન માર્ગના રોગોનું પ્રમાણ વધી જાય છે. દાઝવાના સેંકડો કેસ બને છે અને એમ્બ્યુલન્સ દોડતી રહે છે. અવાજની ડોલ્બી રેન્જ નક્કી કરી હોવા છતાં તેની અસર ધૂમાડા સાથે ઊડી જાય છે.
ફટાકડામાં રહેલો સલ્ફર ચામડી પર ફોલ્લા ફેલાવે છે. ફટાકડાના ધૂમાડા એલર્જી ઉત્પન્ન કરે છે. પાવડરની કણ આંખમાં જાય તો અંધાપો આવી શકે છે. ફટાકડાના પાવડરમાં ૭૫ ટકા પોટાશ અને ૧૫ ટકા કાર્બન મુખ્યત્વે હોટર છે.
દિવાળી દરમ્યાન પ્રાણીઓની-પક્ષીઓની સ્થિતિ દયનીય થઈ જાય છે. તેઓ દુર સુદુર સ્થાનાન્તર કરે છે. કૂતરાને આપણા કરતા અવાજ છ ઘણો મોટો સંભળાય છે. નહીં ફૂટેલા ફટાકડા પરથી પસાર થતા પ્રાણીઓ કયારેક તે મોડા ફૂટતા દાઝી જાય છે.
તમારા પાલતુ ડોગને પાણી અને આહારની વ્યવસ્થા રાખજો. તેના દાંત થરથરે તો ગભરાશો નહિ. સ્ટ્રીટ ડોગનો પણ ખ્યાલ રાખજો. તેમને પણ આ દિવસો દરમ્યાન આહાર-પાણી મળવાની મુશ્કેલી પડે છે. પરંતુ તે કોને કહી શકે ?


