- સરદાર @150-હસિત મહેતા
- ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થઈ આવ્યા પહેલાંની વલ્લભભાઈની સૌથી લાંબી વકીલાત આ બોરસદ કોર્ટની જ હતી. અહીંથી તેમણે બાહોશ વકીલ તરીકેની પ્રતિષ્ઠા મેળવી હતી
ઈ.સ.૧૯૦૦ પછી ગોધરામાં વલ્લભભાઈની વકીલાત અને બોરસદમાં ગુરુબંધુ વિઠ્ઠલભાઈની વકીલાત બરાબર જામી હતી. બંને પોતપોતાના માર્ગે વ્યવસાયમાં ગળાડૂબ હતા. તેમાંય વલ્લભભાઈ તો અસીલ માટે વધારે ગંભીર, મહેનતું અને કાયદાની ગૂંચોને વિચક્ષણ રીતે ઉકેલી જીતવા માટે એગ્રેસિવ રહેતા, સફળ થતાં અને નવા અસીલો મેળવતા. આ કારણે તેમની વકીલાત ધાર્યા કરતાં વધારે ઝડપથી જામી અને પ્રસરી.
આમ તો તેઓ પહેલેથી જ સફળ વકીલ થઈને વધુ નાણાં કમાવવા માટે કૃતનિશ્ચયી હતા. સમાજજીવનમાં સક્રીય થઈને લોકસેવા કરવાની જીવન નેમનો અણસાર સુદ્ધાં તેમણે અહીં સુધીની પચ્ચીશી દરમ્યાન કદી પરખાવા દીધો ન હતો. વધુ ને વધુ ધનપ્રાપ્તિનો એકમાત્ર ધ્યેય તેમની નજર સામે હતો, કારણ કે તેમને ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થઈ આવવાની તાલાવેલી જાગી હતી. તેથી પોતાના અસીલને જીતાડવા માટે તેઓ યેનકેનપ્રકારેણ સક્રીય થતાં. આમ તો કોઈ અસીલ કોરટનો કેસ જીતે કે હારે, તોય વકીલને તો એમની ફી મળવાની જ હોય. પણ વલ્લભભાઈ જાણતા કે એ એક અસીલ જીતે તો ફી ની સાથેસાથે નવો અસીલ મળે, પ્રતિષ્ઠા વધે, ધન પ્રાપ્તિમાં ગતિ આવે.
એ સમય એવો હતો કે જાહેરજીવનની નિસ્બતમાં ઊંડી મૂલ્ય નિષ્ઠા રહેતી હતી. આપણા કેટકેટલાં લોકનેતાઓ વ્યવસાયે વકીલ હતા. તેથી તેઓ અંગ્રેજ સરકારને, ઘમંડી અધિકારીઓને, સમાજની અવ્યવસ્થાઓ કે કુરિવાજોને તર્કબદ્ધ રીતે પડકારી શકતા અને પહોંચી વળતા. આ જ માર્ગે ગાંધીજીથી મહંમદઅલી ઝીણા સુધીના અગણિત રાજપુરુષો વકીલાતના વ્યવસાયેથી જ જાહેરજીવનના મંચ ઉપર આવ્યા હતા.
પરંતુ જેમ ગાંધીજીના વકીલાતકાળમાં સત્યનિષ્ઠા અને મૂલ્યનિષ્ઠાના અનેક પ્રસંગો નોંધાયેલા છે, તેવું વલ્લભભાઈની બાબતમાં જોવા-જાણવા મળતું નથી. ગાંધીજીએ તો પોતાના અસીલોને સત્યની સલાહ આપીને ગુન્હાના અણધાર્યા એકરારો કરાવ્યા હોવાના દાખલા છે. વળી તેમણે વકીલાતમાં સાચા-જૂઠાં કેસો, અસીલો અને ઘટનાઓને પ્રાધાન્ય આપીને નીતિમત્તાના ધોરણોને અવિચળ રાખ્યાં હતા. પરંતુ વલ્લભભાઈની વકીલાતમાં આવો અભિગમ અડગપણે જળવાયો હોવાનું જણાયું નથી. કારણ કે તેમને મન તો અસીલને જીતાડવો, ઉદ્ધત અધિકારીને ધમકાવવો, નબળા વિરોધીને હરાવવો અને ઘમંડી મેજિસ્ટ્રેટનું ઘમંડ ઉતારવાનું અર્જૂનલક્ષ્ય જ જીવનકર્તવ્ય હતું.
પેલી તરફ બોરસદથી વિઠ્ઠલભાઈએ તેમને સંદેશો મોકલ્યો કે ગોધરા છોડીને બોરસદ કોરટમાં વકીલાત શરૂ કરો, અને આ બાજુથી વલ્લભભાઈએ ગોધરાને વિદાય આપવા ઘરવખરીના પોટલા બાંધવા શરૂ કર્યા. એ વર્ષોમાં હજુ તેઓ બે પાંદડે થયા નહોતાં, એટલે બોરસદની ઘરવખરી માટે પણ નડિયાદ જઈને જૂનો સામાન ખરીદવાની મજબૂરીથી તેઓ છૂટી શક્યા ન હતા. વળી બોરસદ જઈને પણ તેમણે વિઠ્ઠલભાઈને માથે નહીં પડવાનો પાક્કો નિર્ધાર કર્યો હતો.
બોરસદમાં વિઠ્ઠલભાઈની વકીલાત જામેલી હોવા છતાં, તેમનો ઘરસંસાર ત્યાં ચાલતો હોવા છતાં, વલ્લભભાઈ ત્યાં જુદું મકાન ભાડે રાખીને જ રહ્યાં. આ રીતે એક જ ગામમાં સગાભાઈથી જુદા રહેવા પાછળ બે ભાઈઓ વચ્ચે કોઈ અણબનાવ હોય કે મનમેળાપ ઓછો હોય તેમ નહોતું. પરંતુ ઉપરઉપરથી તેઓએ આવો દેખાવ જરૂર કર્યો હતો, અને આખા બોરસદ પંથકમાં એવો ભ્રમ ફેલાવ્યો હતો કે બે ભાઈઓને ઝાઝુ બનતું નથી.
આમ કરવાનું એકમાત્ર કારણ વકીલાતના વ્યવસાયને વધારવા સિવાય બીજું કશું જ નહોતું. બે ભાઈઓ વચ્ચે આવા બનાવટી અણબનાવનો પવન એવો તો ફૂંકાયો કે કેટલીયે વાર બંને ભાઈઓ બોરસદ કોર્ટમાં આમને-સામને થયા હોય તેવા કેસો અને અસીલોના દાખલા નોંધાયા હતા. અસીલો તો ઠીક, અમલદારો પણ આ બંને ભાઈઓને એક જ કેસમાં સામસામે દલીલો કરતાં જોઈને માનવા લાગ્યા હતા કે તેમની વચ્ચે સ્હેજેય બનતું નથી. આ રીતે 'હાથીના દાંત ચાવવાના જુદાં અને બતાવવાના જુદા' રાખીને વલ્લભભાઈની બોરસદની સફળ, લાંબી અને ચડતીપડતીવાળી વકીલાતનો આરંભ થયો હતો.
ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થઈ આવ્યા પહેલાંની વલ્લભભાઈની સૌથી લાંબી વકીલાત આ બોરસદ કોર્ટની જ હતી. અહીંથી તેમણે બાહોશ વકીલ તરીકેની એવી તો પ્રતિષ્ઠા મેળવી હતી, કે ખુદ મુંબઈ સરકારને તેમનાં આક્રમક વકીલાતપણાથી બચવા ધમપછાડા કરવા પડયા હતા. અહીં જ વલ્લભ-વિઠ્ઠલની જોડીએ પોતાની વચ્ચે અણબનાવનો નાટકીય દેખાડો કર્યો હતો, તો સરકારે તેમની આક્રમક વકીલાતથી બચવા બોરસદથી કોર્ટને ખસેડી, અને તો ય વલ્લભડરથી છૂટકારો ના મળતાં તેને નાટયાત્મક વળાંકે બોરસદ પરત લાવવી પડી હતી.


