- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- 'હે પ્રભુ, આપ તો અંતર્યામી છો અને મારી તપસ્યાનું કારણ પણ જાણો છો. હું આગામી ૧૦૦ વર્ષ સુધી જે યજ્ઞાકાર્ય કરવા માગું છું, એમાં પુરોહિતપદ પર વિરાજમાન થવાની કૃપા કરો, નાથ!'
પુ રાણોએ બે પ્રકારનાં અગ્નિ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. વસ્તુત: તો અગ્નિનાં અનેક પ્રકારો છે, પરંતુ 'જાતવેદ' અને 'ક્રવ્યાદ' એમાં મુખ્ય છે. પવિત્ર કાર્યો અર્થાત્ યજ્ઞા, હોમ-હવન, વાસ્તુકાર્ય, વિવાહકાર્ય વગેરેમાં જે પ્રકારનો અગ્નિ પ્રગટ થાય છે, એને નામ આપવામાં આવ્યું : જાતવેદ! બીજી બાજુ, તામસિક (પંચમકારયુક્ત વામાચાર/કૌલાચાર તાંત્રિક સાધના) તથા સ્મશાનમાં અગ્નિદાહ વેળા જે અગ્નિ પ્રગટ થાય છે, તેને નામ આપવામાં આવ્યું : ક્રવ્યાદ! આ બંનેની પોતપોતાની મહત્તા છે. ક્રવ્યાદ અગ્નિનાં પ્રાગટયની કથા અત્યંત રોચક છે, જેનાં તાણાંવાણાં ભગવાન શ્રીકૃષ્ણ અને દ્વાપરયુગ સાથે જોડાયેલાં છે.
પૌરાણિક કાળમાં રાજા શ્વેતકિ થઈ ગયા. ઉચ્ચકોટિનાં ઉપાસક! એમણે નિશ્ચય કર્યો કે આવનારા ૧૦૦ વર્ષ સુધી તેઓ એક મહાન યજ્ઞાનું આયોજન કરશે, જેમાં રાત-દિવસ આહુતિઓ અર્પણ થશે અને સો વર્ષ સુધી અસ્ખલિત યજ્ઞાકાર્ય ચાલશે. હવે આટલું ધરખમ કાર્ય કરવા માટે પુરોહિત પણ સક્ષમ તથા સામર્થ્યવાન જોઈએ. સમસ્યા એ હતી કે કયા પુરોહિત એવા હોય, જે સો વર્ષ માત્ર એક જ યજમાન અને એક જ યજ્ઞાકાર્ય પાછળ ખર્ચી નાખે? અને એ પણ એમના સ્વયંના અંગત જીવનના ભોગે! કલ્પના કરી જુઓ, આજની તારીખે કોઈ કર્મકાંડી પંડિત અથવા બ્રાહ્મણને કહીએ કે આપે લાગલગાટ પચાસ-સાઠ વર્ષો સુધી એક જ યજમાન માટે હવનકાર્ય કરવાનું છે, ભોજન ઈત્યાદિની વ્યવસ્થા થઈ જશે, પરંતુ વ્યક્તિગત જિંદગી જીવવાનો અવસર ન પણ મળે! દક્ષિણા ભલે કદાચ કરોડો રૂપિયાની મળે, તો પણ આટલાં તોતિંગ કાર્ય માટે કોઈ રાજી ન થાય.
બસ, આ જ દ્રશ્ય એ સમયે પણ જોવા મળ્યું. રાજા શ્વેતકિને એકપણ કર્મકાંડી પંડિત એવા ન મળ્યા, જેઓ એમને સો વર્ષ સુધી લાગલગાટ યજ્ઞા કરાવી શકે. અંતે, તેઓ શોધખોળ કરીને થાક્યા. છેવટે નિર્ણય લેવામાં આવ્યો કે રાજા શ્વેતકિ ભગવાન મહાદેવનું તપ કરશે અને એમને જ સ્વયંના પુરોહિતપદે ધારણ કરશે!
કઠિન તપસ્યા કરવાના નિર્ણય સાથે રાજા શ્વેતકિએ સાધના આરંભી અને મહાદેવ તો છે જ ભોળાનાથ! થોડા વર્ષોની સાધના પશ્ચાત્ એમની કૃપા વરસી અને રાજા શ્વેતકિ સમક્ષ તેઓ પ્રગટ થઈ ગયા.
મહાદેવ દ્વારા વરદાનની ઈચ્છા વ્યક્ત કરવાનું કહેવામાં આવતાં રાજા શ્વેતકિએ ભાવવિભોર થઈ કહ્યું કે, 'હે પ્રભુ, આપ તો અંતર્યામી છો અને મારી તપસ્યાનું કારણ પણ જાણો છો. હું આગામી ૧૦૦ વર્ષ સુધી જે યજ્ઞાકાર્ય કરવા માગું છું, એમાં પુરોહિતપદ પર વિરાજમાન થવાની કૃપા કરો, નાથ!'
ભગવાન શિવ તો રહ્યા સ્મશાનવૈરાગી! આખો દિવસ ભસ્મ ધારણ કરી ધ્યાનસ્થ રહે અને નિરંતર સૃષ્ટિના કલ્યાણ માટે સમાધિ અવસ્થામાં વિદ્યમાન રહે. સાક્ષાત્ દેવી મા પાર્વતી માટે પણ ઘણીવાર એમને ધ્યાનમાંથી બહાર લાવવા મુશ્કેલ થઈ જાય. શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામીએ એક વખત એમના પ્રવચનમાં કહ્યું હતું કે મહાદેવ કદી પક્ષપાતી ન થયાં. વિષ્ણુ ભગવાન તો દેવતાઓના પિતરાઈ હોવાને નાતે હજુ પણ ઘણી વખત દેવતાઓનો પક્ષ લઈ લેતાં, પરંતુ મહાદેવ માટે તો સૌ કોઈ એકસમાન! કોઈ જાતના ભેદભાવ વિના સહુ કોઈ એમની શરણાગતિ લઈ શકે, વરદાન પણ માગી શકે. મહાદેવની શરત માત્ર એટલી કે જો હું ઉપલબ્ધ હોઈશ, તો અવશ્ય સહાયતા કરવા માટે તત્પર રહીશ; પરંતુ ધ્યાનસ્થ હોઉં તો ખલેલ નહીં પહોંચાડવાની!
રાજા શ્વેતકિએ માગેલા વરદાનનાં પ્રત્યુત્તરમાં મહાદેવે અત્યંત માર્મિક અને મધુર સ્મિત સાથે કહ્યું કે, 'હું તો સ્મશાનમાં રહેનારો એક અઘોરી! કર્મકાંડના વિધિ-વિધાન અને પુરોહિત બનીને આટઆટલાં વર્ષો સુધી આપને યજ્ઞા કરાવવાનું મને ન પોસાય; પરંતુ આપે મારું તપ કર્યુ છે, એટલે એનું ફળ તો અવશ્ય આપીશ.'
રાજા શ્વેતકિ એકાગ્રચિત્ત થઈને પોતાના ઈષ્ટના મુખમાંથી સ્ફુરી રહેલાં શબ્દોને સાંભળી રહ્યા હતા.
ત્યારબાદ, મહાદેવ પાસેથી જે આદેશ પ્રાપ્ત થયો, એના થકી અગ્નિદેવને કેટલી મોટી સમસ્યાનો સામનો કરવો પડશે, એનું અનુમાન રાજા શ્વેતકિને તો શું... કદાચિત્ સમસ્ત બ્રહ્માંડને નહોતું! જાણીશું આવતાં અંકે.


