Get The App

અર્પણ કરાવાનું છે સમર્પણ નહીં

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
અર્પણ કરાવાનું છે સમર્પણ નહીં 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'દીદી, આ પુરુષની જાત જ આવી છે. તમે જેટલો ભાવ આપો એટલું એ તમને દુ:ખ પહોંચાડે. તમે એને પડતા મુકી દો તો તમારી વાંહે વાંહે આવે...'

'હે લ્લો... ક્યાં છે, કેટલા વાગે આવે છે.' - માલવિકાના અવાજમાં જાણે કે તોફાન હતું.

'બેબ, હું થોડો કામમાં છું. આજે મળી શકાય તેમ નથી. કાલે વાત કરીશું. અત્યારે અટવાયેલો છું.' - શૌનકે એકદમ ફ્લેટ જવાબ આપ્યો અને માલવિકાનો પ્રેમનો ઊભરો ઠરી ગયો.

'કેમ આવું કરે છે, મેં તને કહ્યું હતું કે, મમ્મી-પપ્પા રાજકોટ જાય છે. આજે અને આવતીકાલે હું એકલી જ છું. આપણે ઘરે સાથે રહેવાનું નક્કી કર્યું હતું ને. હવે કેમ ફરી જાય છે.' - માલવિકાએ આજીજી શરૂ કરી.

'માલુ, પ્લીઝ અત્યારે દલીલો ના કરીશ. હું નથી આવવાનો. હું અત્યારે કોઈની સાથે છું, હમણા વાત થાય એમ નથી. ફ્રી થઈને કોલ કરું છું.' - શૌનકે કહ્યું અને ફોન કટ કરી દીધો.

શૌનકની પ્રતિક્રિયાથી માલવિકાનો ફ્યૂઝ ઉડી ગયો. તેણે કેટકેટલા સપનાં જોયા હતા, કેટકેટલી તૈયારીઓ કરી હતી. બધું જ ધૂળધાણી થઈ ગયું. પોતાની વસ્તુઓ અને અન્ય સામગ્રી પાછી મુકતા મુકતા તો માલવિકાના આંસુઓ ગાલ ઉપર ધસી આવ્યા. 

માલવિકા અને શૌનક એકબીજા બેચમેટ, ફ્રેન્ડ્સ અને તેનાથી આગળ કહીએ તો પ્રેમીઓ. બંને જણા ગ્રેેજ્યુએશનના લાસ્ટ યરથી એકબીજાની સાથે છે. માસ્ટર્સ પૂરું કરીને હાલમાં બંને પીએચડી કરી રહ્યા હતા. માલવિકા ઈમ્પેક્ટ ઓફ ઈન્ડિયન સોસાયટી ઓન બ્રિટિશ લિટરેચર નામની થીમ ઉપર પીએચડી કરી રહી છે. બીજી તરફ શૌનલ કોલોનિયાલિઝમ એન્ડ ચેન્જિસ ઈન ઈન્ડિયન એજ્યુકેશન જેવા વિષય ઉપર પીએચડી થિસિસ તૈયાર કરી રહ્યો છે. બંને ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં મિત્રો બન્યા હતા. આ મિત્રતા ધીમે ધીમે આગળ વધતી ગઈ અને પ્રેમમાં પરિણમી અને હવે તો લગભગ આદત સુધી પહોંચી ગઈ છે. તેમાંય માલવિકાને તો વળગણ થઈ ગયેલું છે. 

માલવિકા ઉદાસ ચહેરે પોતાના રૂમની બાલ્કનીમાં જઈને બેસી ગઈ. હજી તો સવારના અગીયાર વાગ્યા છે. હમણાં સેજલ જમવાનું બનાવીને અને સાફસફાઈ કરીને જતી રહેશે પછી સાંજે મેં તેને આવવાની ના પાડી હતી અને આવતીકાલે પણ બોલાવી નથી. મમ્મી પપ્પા પણ નથી. શૌનક આવવાની ના પાડે છે. મનમાં ને મનમાં બધું યાદ કરીને ફરીથી રડી પડી.

'દીદી, બેન આજના માટે તો મગ પલાળીને ગયા હતા તો બનાવી દઉં છું. સાંજના માટે કોઈ તૈયારી કરવાની છે. મારે મોટાભાગનું કામ પતી ગયું છે. હવે રસોઈ કરવાની છે.' - માલવિકાના રૂમમાં પ્રવેશતા જ સેજલે કહ્યું.

'હા તો મગ બનાવી દે. તારા માટે પણ બનાવી દેજે. તને ફાવે તો અહીંયા જ મારી સાથે જમવાનું રાખને નહીંતર ટિફિન લઈ જજે. સાંજની ચિંતા ના કરીશ હું કંઈક કરી લઈશ. આવતીકાલે સાંજે આવજે એટલે રાત્રે મમ્મી-પપ્પા માટે કંઈક વ્યવસ્થા કરી શકાય.' - માલવિકાએ જવાબ આપ્યો અને સેજલ રૂમમાં સાફ-સફાઈ કરતા કરતા સાંભળીને જતી રહી.

સેજલના ગયા પછી પણ માલવિકાને ત્યાંથી ઊભા થવાની ઈચ્છા નહોતી પણ મધ્યાને આવેલો સૂર્ય તેને બહાર બેસવા દેવા તૈયાર નહોતો. તડકાથી કંટાળીને માલવિકા રૂમમાં આવી. થોડીવાર બેડ ઉપર લંબાવી દીધું અને પછી નાહીને તૈયાર થઈ અને નીચે આવી.

સેજલે જમવાનું બનાવી રાખ્યું હતું. પોતાનું ટિફિન ભરી લીધું હતું અને જવાની તૈયારી કરતી હતી. તેણે ઈશારો કરીને થાળી પીરસવાનું પુછયું અને માલવિકાએ પણ ઈશારામાં હા પાડી દીધી. સેજલે થાળી પિરસીને ડાઈનિંગ ટેબલ ઉપર મુકી દીધી અને પોતાનું ટિફિન લઈને નીકળી ગઈ. 

માલવિકા લંચ કરવા બેઠી પણ તેનું જરાય મન નહોતું છતાં થોડું ખાધું અને બાકીનું ફ્રીજમાં પાછું મુકીને સોફા ઉપર આવીને પટકાઈ. થોડીવાર ટીવી જોયું ન જોયું અને મોબાઈલ હાથમાં લઈને બેઠી. ફોનની ગેલેરી ખોલી અને એકપછી એક તસવીરો જોતી ગઈ અને ભૂતકાળના પ્રવાસે નીકળી પડી.

શૌનક સાથેની પહેલી મુલાકાત, તેની સાથેની મિત્રતા, તેની સાથેના પ્રવાસ, એકબીજા સાથે રહેવાના પ્રયાસ અને બીજું ઘણું તેની પાસે હતું. તેની પાસે નહોતું તો માત્ર એક જ સુખ કે આજે શૌનક આવ્યો નહીં. તેનું મન હજી વિચલિત હતું. તે જાતભાતના વિચારો કરતી હતી. તેની નબળાઈ એ હતી કે, તેના મમ્મી-પપ્પાને તે શૌનક વિશે વાત કરી શકતી નહોતી. 

શૌનકે પણ પોતાના ઘરે આ વિશે વાત કરી નહોતી છતાં તે આ સંબંધને આગળ વધારવા તૈયાર હોય તેમ લાગતું હતું. તેણે ઘણી વખત આ સંબંધને આગળ લઈ જવાની વાત કરી હતી પણ ક્યારેય બંનેએ પ્રયાસ નહોતો કર્યો. હા જવાનીના જોશમાં કેટલીક છુટછાટ લીધી હતી પણ પસ્તાવું પડે તેવું કોઈ પગલું ભર્યું નહોતું. 

આ વિચારો કરતી કરતી માલવિકા ઉંઘી ગઈ અને ફોન હાથમાંથી સરકી ગયો. સમય પણ સરકતો જતો હતો સાંજે ઘરનો ડોરબેલ વાગ્યો ત્યારે તેની આંખ ઉઘડી. જોયું તો ઘડિયાળમાં સાત વાગવા આવ્યા હતા. તેણે દરવાજો ખોલ્યો તો સામે સેજલ હતી.

'દીદી, તમે ઘરમાં જ છો. હું આ તરફ નીકળી તો મેં જોયું કે, સંધ્યાકાળ થયો છતાં બહાર કોઈએ દીવો નથી કર્યો, મંદિરની લાઈટ પણ બંધ છે અને પાછળની લાઈટ પણ ચાલુ નથી કરી. તમે તો ઘરે જ છો. બોલો કંઈ કામ છે તો હું બેસું નહીંતર જાઉં.' - સેજલ બોલી.

'સારું થયું તું આવી ગઈ. હું એકલી એકલી કંટાળી ગઈ છું. એક કામ કર તારા વરને કહી દે કે તું આજે અહીંયા રોકાવાની છું. આપણે સાંજે સાથે જમીશું અને વાતો કરીશું. મને પણ સારું લાગશે.' - માલવિકાએ કહ્યું. 

'હેલ્લો, હું આજે સરોજબેનના ઘરે રોકાવાની છું, માલુ દીદી એકલા છે એટલે. તમે તમારું જોઈ લેજો. મને ફોન કરીને વતાવતા નહીં.' - માલવિકાની વાત સાંભળીને સેજલે કંઈક વિચાર્યું અને તરત જ ફોન કરીને જે કહેવાનું હતું કે કહી દીધું અને ફોન કટ કરી દીધો.

સેજલે ચા મુકી અને માલવિકા ફ્રેશ થવા ગઈ. તે બહાર આવીને હિંચકા ઉપર ગોઠવાઈ અને ફોન હાથમાં લઈ સરસ મજાનું ચાઈનીઝ ફૂડ ઓર્ડર કરી દીધું. થોડીવારમાં સેજલ પણ ચાના બે કપ લઈને બહાર આવી. બંને વાતોએ વળગ્યા.

'દીદી, સાચું બોલો શૌનક ભાઈ હારે ઝઘડયા છો ને. આજે તમારો ફ્યૂઝ ઉડેલો જોઈને લાગે છે.' - સેજલે સવાલ કર્યો.

'ના.. એવું કંઈ નથી, પણ...' - માલવિકા થોડી ખચકાઈ.

'દીદી, એવું જ છે. બેન અને સાહેબ રાજકોટ ગયા છે અને તમે શૌનકભાઈને બોલાવ્યા હશે પણ તે નહીં આવ્યા અને તમારું પ્લાનિંગ ફરી ગયું. બોલો હું પારખી ગઈ ને.' - સેજલે પહેલાં ગુગલી નાખ્યા પછી સીધી સિક્સ ફટકારી.

'અરે એવું કશું જ નથી. તું ખોટું વિચારે છે. મારો મુડ તો બીજી બાબતે ખરાબ છે.' - માલવિકાએ કહ્યું.

'દીદી, આ પુરુષની જાત જ આવી છે. તમે જેટલો ભાવ આપો એટલું એ તમને દુ:ખ પહોંચાડે. તમે એને પડતા મુકી દો તો તમારી વાંહે વાંહે આવે. તમે જેટલી ગરજ બતાવશો એટલું એ વધારે હેરાન કરશે અને તમે દુ:ખી થાશો. મેં ભોગવેલું છે. મારો વર આવું જ કરતો હતો. હવે એની જેમ મેં પણ એને પડતો મુકી દીધો છે.' - સેજલે કહ્યું.

'સોરી યાર, તારી વાત સાચી છે. શૌનકે મારા બધા પ્લાન ખરાબ કરી દીધા. મને ગુસ્સો પણ આવે છે અને રડવું પણ આવે છે.

 સાલું કાયમ મારે જ બધું જતું કરવાનું, સહન કરવાનું, કોઈપણ કામ માટે હા પાડવાની, તેની જીદ પૂરી કરવાની. મારું કોઈ અસ્તિત્વ જ નહીં.' - માલવિકા વાત કરતા કરતા ગળગળી થઈ ગઈ.

'દીદી, ખોટું ના લગાડતા પણ રમતો મેલો એ શોનકા ને. થોડા દિ તમે જ વાત ના કરશો. ફોનેય ના ઉપાડતા. મળવાય ના જતા. જૂઓ પૂંછડી પટપટાવતો આવશે. મારો વરેય મને બહુ હેરાન કરતો હતો. આવું જ કરતો. મેંય પસી પડતો મેલ્યો તો. છ મહિના પાહે નોતો આવવા દીધો. એમાંય જો હાથ ઉપાડે તો હુંય હામે વરગાડી દેતી તી. આ લોકો વાર્યા વરે એવા જ નથી.' - સેજલે કહ્યું અને માલવિકા ખડખડાટ હસી પડી.

'અરે એવું ના કરાય. તું કિશોરને સામે મારે છે.' - માલવિકાએ હસવું રોકતા કહ્યું.

'હખણો ના રે તો મારવું પડે. આપણે કંઈ ઈની જાગીર થોડા છીએ. આપણેય માણહ છીએ. ઈને કુણે હક આલ્યો આપણને મારવાનો. દીદી એક વાત હાવ હાચી છે, આપણે જાત અર્પણ કરી છે પણ સમર્પણ નથી કર્યું. આપણે હારે જીવન જીવવાનું છે, ગુલામી નથી કરવાની. આપણે હારે રેવાની ગરજ છે તો ઈને પણ હોવી જ જોઈએ. તમે પણ ઈને પડતા મેલો, આનંદ કરો, જુઓ પૂંછડી તમારી વાંહે પટપટાવીને આવશે.' - સેજલે કહ્યું અને માલવિકાના ચહેરે સ્મિત આવી ગયું.