Get The App

ફ્લેર જોંગ : પગ વિના જ હવાની સાથે વાતો કરતી ડચ એથ્લીટ

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
ફ્લેર જોંગ : પગ વિના જ હવાની સાથે વાતો કરતી ડચ એથ્લીટ 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- 16 વર્ષની ઉંમરે બીમારીના કારણે પગ ગુમાવનારી ફ્લેરે પેરાલિમ્પિકમાં ત્રણ અને પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાત ગોલ્ડ મેડલ જીત્યા  

હા ર હી જીત કી જાન હૈ, હૌસલોં પર નજર કિજીએ  - દરેક પ્રયાસ કેવા ઉત્સાહ સાથે કરવામાં આવે છે, તેના પર જ સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો હોય છેે. જ્યારે કોઈ પણ કામ જીવ રેડીને કરવામાં આવે ત્યારે ભાગ્યનું પાસું પણ પલ્ટાઈ જતાં વાર લાગતી નથી. એક સમયે અત્યંત દુષ્કર લાગતી સફળતાને સખત મહેનત અને ઉત્સાહ સાથેના પ્રયાસો થકી હાંસલ કરી શકાય છે. સફળતાના શિખર પર પહોંચ્યા બાદ તો આખી દુનિયાની નજર વિજેતા પર હોય છે, પણ તે પહેલા તેણે એકાંતના અંધકારમાં કરેલા પ્રયાસોમાં તો તેની સાથે માત્ર તેનો બુલંદ ઈરાદો જ સાથ આપનારો બની રહે છે. આ જ કારણે ઈરાદાની મક્કમતા અને અડગતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, કારણ કે તે પાયો છે,જેના પર જ વ્યક્તિત્વની ઈમારત રચાય છે. 

નેધરલેન્ડની પેરા એથ્લીટ ફ્લેર જોંગ આત્મવિશ્વાસ અને મક્કમ ઈરાદાના જીવંત પ્રતીક સમાન છે. સમય તમારી સામે ગમે તેવો મુશ્કેલ પડકાર ફેંકે, પણ તેને પાર કરીને આગળ વધવાનો જુસ્સો તો સાબૂત હોય, તો સફળતાને કોઈ પણ વિઘ્ન અટકાવી શકતું નથી. ફ્લેર જોંગ માત્ર નેધરલેન્ડ જ નહીં, પણ દુનિયાના દિગ્ગજ પેરા એથ્લીટ્સમાં સ્થાન ધરાવે છે. પેરાલિમ્પિક્સમાં ત્રણ અને પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાત સુવર્ણ અને એક કાંસ્યચંદ્રક વિજેતા બની ચૂકેલી ફ્લેરના બંને પગ કુદરતે છીનવી લીધા છેે. આમ છતાં આજે તે પ્રોસ્થેસિસ લેગને સહારે એટલે કે ફાઈબરની કૃત્રિમ પગનું કામ કરતી બ્લેડ્સને સહારે રેસિંગ ટ્રેક પર હવાની સાથે તાલ મીલાવીને દોડ લગાવી રહી છે.

બ્લેડ રનર્સની યાદીમાં ફ્લેરનું નામ પણ હવે વૈશ્વિક સ્તરે ગાજતું થયુ છે. ફ્લેર કૃત્રિમ પગને સહારે એટલી ઝડપથી દોડી શકે છે કે, જો તેને સર્વાંગ એટલે સામાન્ય એથ્લીટ્સની સાથે રેસમાં ઉતારવામાં આવે તો તે હરિફોને હંફાવે તો જરુર! નવી દિલ્હીમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ૧૨મી આવૃત્તિએ ફ્લેરની કારકિર્દીની નવી ઓળખ આપી છે. ૨૯ વર્ષીય એથ્લીટ નવી દિલ્હીમાં પહેલીવાર કોઈ વૈશ્વિક સ્પર્ધામાં એક સાથે ત્રણ સુવર્ણચંદ્રક જીતવામાં સફળ રહી હતી. તેણે ટી૬૪ કેટેગરીની ૧૦૦ મીટરની દોડ અને લાંબી કૂદમાં તો છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ મેજર ટાઈટલ ન ગુમાવવાનો સિલસિલો તો જાળવી જ રાખ્યો હતો. આ ઉપરાંત તેણે યુનિવર્સલ કેટેગરીમાં ૪ બાય ૧૦૦ મીટરની કેટેગરીમાં નેધરલેન્ડની ટીમને સ્વર્ણિમ સફળતા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી.

પેરા એથ્લીટ તરીકેની કારકિર્દીની શરુઆતમાં માત્ર ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડમાં જ ભાગ લેતી ફ્લેરમાં ઉર્જાનો ભંડાર છે. તેમાં ય પ્રોસ્થેસિસ લેગ એટલે કે ફાઈબર બ્લેડને સહારે સંતુલન રાખવાથી લઈને મુવમેન્ટની કુશળતાને વિકસાવ્યા બાદ તેણે લાંબી કૂદની સ્પર્ધામાં પણ ભાગ લેવાનું શરુ કર્યું અને થોડા જ વર્ષોમાં તેણે નવી જ ઊંચાઈને હાંસલ કરી લીધી. ફ્લેરના નામે ૧૦૦ મીટર અને લાંબી કૂદની ટી-૬૨ કેટેગરીનો વિશ્વવિક્રમ પણ છે. તેણે તેના વિભાગમાં ૧૦૦ મીટરની દોડ ૧૨.૧૯ સેકન્ડમાં પૂરી કરતાં નવો કિર્તીમાન નોંધાવ્યો હતો. જ્યારે ઊંચીકૂદમાં તેનો વર્લ્ડ રેેકોર્ડ ૬.૮૧ મીટરનો છે. તેણે આ સતત ત્રીજી પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેની બંને સ્પર્ધામાં દબદબો જાળવી રાખતાં સુવર્ણ સફળતા મેળવી છે. 

૨૯ વર્ષની ફ્લેરે છેલ્લા બે ઓલિમ્પિકમાં પણ કુલ મળીને ત્રણ સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. ટોકિયોમાં વર્ષ ૨૦૨૧માં યોજાયેલા ટોકિયો ઓલિમ્પિકમાં તો તેણે લાંબી કૂદમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જે પછી ગત વર્ષના પેરિસ ઓલિમ્પિક તેનો લાંબી કૂદનો સુવર્ણ તો જાળવ્યો જ હતો, સાથેસાથે ૧૦૦ મીટરમાં ટોચનું સ્થાન મેળવીને તેની પ્રતિભાને શિખર પર પહોંચાડી હતી. આ ઉપરાંત યુુરોપીયન ચેમ્પિયનશિપ સહિતની પેરા એથ્લેટિક્સની વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તો તેની સફળતાનો આગવો સિલસિલો જારી રહેવા પામ્યો છે. દિવસે દિવસે ફ્લેરના પર્ફોર્મન્સમાં નિખાર આવતો જાય છે અને તે પોતાના જ વિશ્વવિક્રમોને વધુ ઊંચાઈ પર પહોંચાડવા માટેનો પ્રયાસ કરતી રહી છે. 

વિશ્વભરના દિવ્યાંગો માટે આદર્શ અને ઉદાહરણ સમાન બની રહેલી ફ્લેર જન્મે તો અન્ય બાળકો જેવી સામાન્ય જ હતી. નેધરલેન્ડના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્યુર્મેરેન્ડ નામના શહેરમાં જન્મેલી ફ્લેરનું સ્વપ્ન એક સ્પર્ધાત્મક નર્તકી બનવાનું હતુ. તે પોતાની ફિટનેસની સાથે શરીરને વધુને વધુ લચીલું બનાવવા તરફ વિશેષ ધ્યાન આપતી અને સ્થાનિક ડાન્સરોના ગ્રૂપની સભ્ય પણ હતી. ડાન્સમાં પગનું મહત્વ વિશેષ હોય છે કારણ કે દરેક નવા મુવમાં સંતુલન જાળવવા તરફ ધ્યાન આપવાનું હોય છે. કિશોરાવસ્થામાં પ્રવેશેલી ફ્લેરની જિંદગીમાં ૧૬ વર્ષની ઉંમરે એક અસાધારણ અને આંચકાજનક વળાંક આવ્યો. 

ફ્લેરનો ૧૭મો જન્મદિવસ નજીક હતો, અને ફ્લેરને ખુદને પણ તેની ખુબ જ ઉત્સુકતા હતી. અલબત્ત, શાળાએ પાછી ફરેલી ફ્લેરને અચાનક ઠંડી લાગવા માંડી અને તેના શરીરની તમામ તાકાત હણાઈ ગઈ હોય તેવો અહેસાસ તેને થવા માંડયો. આ પછી તરત તેેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોક્ટરો તેની હાલત જોઈને ચોંકી ગયા, કારણ કે તેને જવલ્લે જ જોવા મળતું બેક્ટેરિયલ ઈન્ફેક્શન લાગું પડયું હતુ. આ ઈન્ફેક્શનની અસર એટલી ઝડપી હતી, કે, માત્ર એક જ દિવસમાં તેનો જમણો પગ કાપવાનો કપરો નિર્ણય તબીબોને લેવો પડયો. તેેના ડાબા પગને પણ ઈન્ફેક્શનના કારણે ગંભીર અસર થઈ હતી. ફ્લેરની જિંદગી તો બચી ગઈ, પણ તેનું ડાન્સર બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ચૂક્યું હતુ. વળી, તેનો ડાબો પગ હતો, પણ તેના કારણે ફ્લેરને હલન-ચલનમાં વધુ મુશ્કેલી પડતી હતી.

એકાદ વર્ષ સુધી આવી જ પરિસ્થિતિમાં જિંદગીને ફરી ગોઠવવાની કોશીશ કર્યા બાદ ફ્લેરે આખરે ડાબો પગ પણ કપાવી નાંખવાનો કપરો નિર્ણય લીધો. બીજા ઓપરેશનમાં સર્જાયેલા કોમ્પલીકેેશન્સને કારણે તેને છ મહિના સુધી સંઘર્ષ કરવો પડયો. જોકે હવે તેને ચાલવામાં ખાસ મુશ્કેલી પડતી નહતી. તેનામાં ભરપૂર જોશ હતુ અને તેેણે માત્ર બેસી રહેવા કરતાં કંઈક નવી પ્રવૃત્તિમાં જીવ પરોવવાનું નક્કી કર્યું. આ દરમિયાન વર્ષ ૨૦૧૩ના ઓક્ટોબર મહિનામાં નેધરલેન્ડમાં નેશનલ પેરાલિમ્પિક ટેલેન્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ફ્લેર પર પહોંચી. તેણે બ્લેડને સહારે દોડતા અને ઉછળતા ઘણા એથ્લીટ્સને જોયા. આ સાથે તેની આંખોમાં પણ આશાનો નવો ચમકારો થયો અને તેણે પેરા એથ્લીટ બનવાનો નિર્ણય લીધો.

શરૂઆતમાં તો ફાઈબરની બ્લેડ પહેરીને ચાલવામાં અને સંતુલન જાળવવામાં તેને મુશ્કેલી પડતી. જોકેે થોડા સમયમાં તેણે આ કૌશલ્ય પણ શીખી લીધું અને વર્ષ ૨૦૧૪ થી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. આ દરમિયાન તેની મુલાકાત પેરા એથ્લીટ્સના કોચ ગ્યુઈડો બોન્સેન સાથે થઈ. બોન્સેનના માર્ગદર્શનમાં ફ્લેરની કારકિર્દીએ ધીરે ધીરે આગેકૂચ કરી અને એક જ વર્ષમાં તે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ગઈ. આ પછી તેણે ૨૦૧૬ના રિયો પેરાલિમ્પિકમાં પણ ભાગ લીધો. પ્રથમ પ્રયાસમાં તો તેને સફળતા ન મળી, પણ તેનો અનુભવ તેને માટે નિર્ણાયક સાબિત થયો. 

કારકિર્દીની શરૂઆતમાં ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડમાં ભાગ લેતા ફ્લેરે ૨૦૧૮માં લાંબી કૂદમાં ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું અને જાણે ચમત્કાર થયો.

લાંબી કૂદની તાલીમને કારણે ફ્લેરની ૧૦૦ મીટરની દોડનું પર્ફોર્મન્સ પણ સુધરવા લાગ્યું અને ૨૦૨૧ના ટોકિયો પેરાલિમ્પિકમાં તેણે લાંબી કૂદમાં સુવર્ણચંદ્રક સાથે ખાતું ખોલાવી દીધું. આ પછી તો ૨૦૨૨ અને ૨૦૨૩ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે-બે સુવર્ણચંદ્રકો બાદ પેરિસ ઓલિમ્પિકમાં પણ ડબલ ગોલ્ડની સિદ્ધિ તેણે હાંસલ કરી.

હવે નવી દિલ્હી ખાતેની પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડન હેેટ્રિક સર્જનારી ફ્લેર તેની કારકિર્દીને વધુ ઊંચાઈએ પહોંચાડવા માટે પ્રયત્નશીલ બની છે. ફ્લેર કહે છે કે, મારે દુનિયાને દેખાડવું છે કે, દિવ્યાંગતા એ કોઈ મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિ પછી ભલે ને એક સર્વાંગ હોય કે દિવ્યાંગ, તે તેની ધારણા બહારની સિદ્ધિઓ માત્ર દ્રઢ ઈરાદા અને મહેનત થકી પ્રાપ્ત કરી શકે છે.