Get The App

અવસરની વાવણી કરીએ .

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
અવસરની વાવણી કરીએ                          . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- ડૉ. લાલ સિંહ અને તેમની ટીમે પંદરસો હેક્ટર જમીનને હરિયાળી બનાવી. તેમાં સ્થાનિક સમુદાય અને સેલ્ફ-હેલ્પ ગુ્રપનો સાથ લીધો

એ ક સમયે જે જમીન પર રાખના જાડા થર જામી ગયા હોય અને ચંદ્રની સપાટી જેવી ભૂખરી અને સૂકી દેખાતી હોય તે જમીન પર કશું ઊગે ખરું? આવી જમીનની આસપાસ વસનારા લોકોએ પણ આશા છોડી દીધી હતી, પરંતુ થોડાં વર્ષોમાં તો એ જમીન પર હસતું, હરિયાળું ઘાસ જોવા મળ્યું, ત્યારે સહુએ આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા. ડૉ. લાલ સિંહની સાત વર્ષની મહેનત રંગ લાવી. આ વાત છે મહારાષ્ટ્રના વિદર્ભ જિલ્લાની કે જ્યાં કોરાડી, ખાપરખેડા અને ચંદ્રપુર ગામમાં થર્મલ પાવર સ્ટેશન આવેલા છે. આ પાવર સ્ટેશનમાં કોલસો બળવાથી જે રાખ ઊડે છે તે જમીન પર, ખેડૂતોનાં ખેતરમાં અને પાણી પર પથરાય છે. તેનાથી હવા, પાણી અને ખોરાક પ્રદૂષિત થાય છે. આજે હવે હવા ચોખ્ખી થઈ છે, પાણી પીવાલાયક બન્યું છે અને ખેતી થઈ શકે છે. આ બધું અકસ્માતે નથી થયું, પરંતુ કાઉન્સિલ આફ સાયન્ટીફિક અન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ - નેશનલ એન્વાયર્મેન્ટલ એન્જિનિયરીંગ રીસર્ચ ઇન્સ્ટિટયૂટમાં ૨૦૧૩માં વૈજ્ઞાાનિક ડા. લાલ સિંહ જોડાયા અને તેમને આ પ્રોજેક્ટ સોંપાયો. તેઓ અહીં જોડાયા તે પહેલાં ૨૦૦૬માં ઝારખંડમાં એક તળાવ યુરેનિયમથી પ્રદૂષિત થયેલું હતું, ત્યારે તેમણે પાણી અને જમીનને પ્રદૂષણથી મુક્ત કરવા માટે બામ્બૂ પ્લાન્ટેશન કર્યું હતું અને તેમાં તેઓ સફળ થયા હતા.

તેમણે વિચાર્યું કે જો એક તળાવ પુનર્જીવિત થઈ શકતું હોય, તો જમીન પણ થઈ શકે. તેમને આપવામાં આવેલો આ પ્રોજેક્ટ પડકારરૂપ હતો. શરૂઆતમાં નાગપુરથી ચોવીસ કિમી. દૂર બે ગામડાંની પ્રદૂષિત દસ હેક્ટર જમીન આપવામાં આવી. બે વર્ષ એનો જીર્ણોદ્ધાર કરતા થયો અને ચાર વર્ષમાં તો તેમાં પાકની વાવણી થઈ શકે તેવી જમીન બનાવી. ડૉ. લાલ સિંહ અને તેમની ટીમે સાબિત કરી બતાવ્યું કે ઉજ્જડ અને નુકસાન પામેલી જમીનને બચાવી શકાય છે. તેઓ સૌથી પહેલાં તો જમીનમાં કુદરતી મટીરીયલ્સ નાખીને તેની ગુણવત્તા સુધારે છે. ત્યારબાદ સ્થાનિક વૃક્ષો વાવે છે, જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે. ધીમે ધીમે જમીન પર ગ્રીન કવર વધતું જાય છે.

ડૉ. લાલ સિંહ વિચારતા હતા કે માત્ર જમીનને જ નુકસાન નથી થયું, પરંતુ સમગ્ર સમુદાય અસરગ્રસ્ત થયો છે, પાક નિષ્ફળ જાય, આવક ઓછી થાય, ચોખ્ખી હવા ન મળે વગેરે અનેક સમસ્યા ઊભી થાય છે.કારણ કે જમીન નબળી થઈ ગઈ હતી અને વેસ્ટ એકદમ જાડો હતો. નવા જીવન માટે જમીનને તૈયાર કરવી એ વર્ષો લાગે તેવું હતું અને તેમણે ઈકો-રીજુવેનેશન ટૅક્નૉલૉજીથી જમીનનું સ્વાસ્થ્ય સુધાર્યું. તેને માટે તેમણે વિવિધ પ્રકારના ઝડપથી ઊગી શકે તેવા પાંચ લાખ વાંસનાં વૃક્ષો વાવ્યાં. રાખના ઘટકોને સિલિકા કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે પાક ઉપર ચોંટે છે. વાંસ એક એવો પ્લાન્ટ છે જે સિલિકાને આકર્ષે છે એટલે વાંસ ઊગાડવામાં આવે તો ખેતરના પાકને નુકસાન થતું નથી. 

વાંસ વાવવાને કારણે એક કુદરતી ઢાલ બને છે, ધીમે ધીમે હવા ચોખ્ખી થાય છે અને જમીન સ્વસ્થ થાય છે. આ બધું કરવામાં સ્ત્રીઓને રોજગારી મળી છે. વીસ મહિલાઓને ત્રણ વર્ષ કોન્ટ્રેક્ટ પર રાખી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની દ્વારા ત્રણસોે જેટલી મહિલાઓને વાંસનાં વૃક્ષ વાવવામાં રોજગારી મળી. ડૉ. લાલ સિંહ અને તેમની ટીમે પંદરસો હેક્ટર જમીનને હરિયાળી બનાવી. તેમાં સ્થાનિક સમુદાય અને સેલ્ફ-હેલ્પ ગુ્રપનો સાથ લીધો. માત્ર પર્યાવરણની દ્રષ્ટિએ જ નહીં, પણ સામાજિક રીતે પણ પરિવર્તન જોવા મળ્યું. કેટલીય સ્ત્રીઓ છ વર્ષ સુધી મહિને પાંચ હજાર કમાતી થઈ અને તેથી તેનાં બાળકોને શિક્ષણ અપાવી શકી. વિજ્ઞાન, સરકારી સહાય અને લોકો સાથે મળીને શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ ડૉ. લાલ સિંહ અને તેમની ટીમે પૂરું પાડયું છે. 

ડૉ. લાલ સિંહ કહે છે કે ઈકો-રીજુનેવેશન ટૅક્નૉલૉજી માટે પાંચ માપદંડ ચકાસવાના હોય છે. વાંસનો ફાયદો એ છે કે તે બહુ ઝડપથી વીસથી પચીસ ફૂટ ઊંચા થાય છે. કાર્બનનો સંગ્રહ કરી ઑક્સિજન આપે છે. જમીનને વધુ સારી બનાવે છે અને જે મૂડી રોકી હોય તેનું વળતર પણ મળે છે. તે પર્યાવરણની જાળવણી કરે છે, આર્થિક વળતર આપે છે અને સામાજિક ઉન્નતિ થાય તે દ્રષ્ટિએ આ પૂર્ણ સરક્યુલર માડલ છે. તેઓ કહે છે કે અમે વાંસ નથી વાવતા પણ અવસરની વાવણી કરીએ છીએ. ક્લાયમેટ ચેન્જના સમયમાં વાંસે જે ચમત્કાર કર્યો છે તે માત્ર સંશોધન નથી, પરંતુ આશાનું કિરણ છે. હવે પછી તેઓ ઓડિશામાં ફોસ્ફરસથી પ્રદૂષણ ફેલાયું છે તેને માટે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આવેલા અનપરા થર્મલ પાવર પ્લાન્ટની આસપાસ રાખથી પ્રદૂષિત થયેલી જમીન અને પાણી માટે કામ કરવાના છે. તેમનું સૂત્ર છે - નો લેન્ડ ઈઝ બિયોન્ડ સેવિંગ.

સોચ બદલો સમાજ બદલેગા

આજે મૈત્રી આશ્રમમાં પાંચસોથી વધુ નિરાશ્રિત મહિલાઓ અને વિધવાઓ સન્માનપૂર્વક જીવી રહી છે

સ માજસેવિકા તરીકે કામ કરતી વિની સિંહે જીવનના અનેક ચડાવ-ઉતાર જોયા છે. વિનીના દાદા લાહોરમાં બહુ જાણીતા ડૉક્ટર હતા, પરંતુ દેશના વિભાજનના થોડા સમય પહેલાં જ તેમનું અવસાન થયું અને પરિવાર ભારતમાં આવીને શિમલામાં વસ્યો. ૧૯૫૩માં શિમલામાં વિનીનો જન્મ થયો, પરંતુ તે પાંચ વર્ષની હતી, ત્યારે તેઓ દિલ્હી આવ્યા અને પિતાને સારી નોકરી મળી. પિતાએ પોતાના સંતાનોને પગભર બની શકે તેવું શિક્ષણ આપ્યું. દિલ્હીની લેડી ઈરવિનમાં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું અને દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસમાંથી મનોવિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. વિનીની ઇચ્છા હતી કે તે આગળ અભ્યાસ કરીને નોકરી કરે, પરંતુ પિતા કડક સ્વભાવના હતા. વિનીની માતા પણ સતત ડરતી રહેતી કે પતિ ક્યાંક નારાજ ન થઈ જાય. તેમણે વિનીને કહ્યું કે તારે નોકરી કરવી હોય તો વાંધો નથી, પરંતુ લગ્નની ઉંમર થઈ ગઈ હોવાથી પહેલાં લગ્ન કરી લે. પછી જે ક્ષેત્રમાં નોકરી કરવી હોય તે કરજે.

વિની લગ્ન માટે માનસિક રીતે તૈયાર નહોતી, પરંતુ પિતાના નિર્ણય સામે અવાજ ઉઠાવી શકી નહીં. તેના લગ્ન એક સૈનિક પરિવારમાં થઈ. પતિનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો હતો. નાની નાની વાતમાં તેને અપમાનિત કરતો. ક્યારેય પોતાની વર્તણૂકનો પશ્ચાતાપ થતો નહીં. વિની બે પુત્રીઓની માતા બની ચૂકી હતી, તેથી લગ્નના બંધનમાંથી મુક્ત થતા ખચકાતી હતી, પરંતુ લગ્નના સત્તર વર્ષ પછી એક દિવસ તેના પતિ તેમને છોડીને જતા રહ્યા. વિની માટે આ અત્યંત આઘાતજનક અને અજીબો-ગરીબ ઘટના હતી. એને સમજાતું નહોતું કે હવે તેનું ઘર કેવી રીતે ચાલશે? બે પુત્રીઓનો ખર્ચ ક્યાંથી નીકળશે? તો બીજી બાજુ આઝાદીની શાંતિ અનુભવતી હતી. કેન્દ્રીય પર્યટન વિભાગમાં નોકરી મળી. એણે ઘણી ડોક્યુમેન્ટરી બનાવી. એ ડોક્યુમેન્ટરીમાં પોતાનો અવાજ આપ્યો. તે દિવસના પંદર-સોળ કલાક કામ કરતી, જેથી દીકરીઓને સારું શિક્ષણ આપી શકે અને એ પગભર બની શકે. દીકરીઓને અમેરિકા મોકલી અને પોતાના જીવનનો નિર્ણય કરવાની આઝાદી આપી.

વિની જીવનના પાંચ દાયકા પૂરા કરવામાં હતી અને તેની ઓળખાણ અસમ રાઈફલ્સમાં મહાનિર્દેશકના પદ પર કાર્યરત ભૂપિંદર સિંહ સાથે થઈ. પરિચય થયાનો ચાર વર્ષ પછી વિનીએ લગ્નની સંમતિ આપી. વિનીને પ્રેમ અને સન્માન મળ્યા અને ભૂપિંદર સિંહે કહ્યું કે, 'જિંદગી એક જ મળે છે તેથી તારે જે કરવું હોય, જે કરવાની ઇચ્છા હોય તે કર.' લગ્ન પછી તે ઈમ્ફાલ ગઈ ત્યાં એને ખબર પડી કે ઘણી સ્ત્રીઓ પોતાના પતિ દ્વારા એચ.આઈ.વી.થી સંક્રમિત થઈ છે. વિનીએ એમના પતિને પૂછયું કે તેમણે તેમની પત્નીઓને આ વાત જણાવી કેમ નહીં? ત્યારે તેઓએ જવાબ આપ્યો કે પત્નીઓને પતિને છોડવાનો અધિકાર નથી. જો તે મૃત્યુ પામે તો પત્નીએ પણ મૃત્યુ પામવું પડે. આ જવાબ સાંભળીને વિની કાંપી ઊઠી. તેણે ૨૦૦૫માં મૈત્રી સંગઠનની સ્થાપના કરી. તે અંતર્ગત તેણે એચ.આઈ.વી. સંક્રમણ વિરુદ્ધ કાઉન્સેલિંગ તેમજ જાગૃતિ અભિયાન ચલાવ્યું અને મેઘાલયમાં તેનો ઘણો પ્રભાવ પડયો. આ સમય દરમિયાન તેણે જોધપુર નેશનલ યુનિવર્સિટીમાંથી પબ્લિક હેલ્થ પર પીએચ.ડી. કર્યું.

પતિ ભૂપિંદર સિંહ નિવૃત્ત થતાં તેઓ દિલ્હી આવ્યા. મૈત્રી સંગઠન દ્વારા રાંચી અને નવી દિલ્હીના પ્રવાસી મજૂરો સાથે શિક્ષણનું કામ કર્યું અને તેમને સરકારની યોજનાઓથી માહિતગાર કર્યા. ઘરેલુ હિંસા, લૈંગિક સમાનતા, સ્વસ્થ અને સુખી પરિવાર જેવા વિષયો લઈને વર્કશોપ, શેરીનાટક, પોસ્ટર અને બુકલેટનું વિતરણ કર્યું. મૈત્રી સંગઠન આર્થિક ભંડોળ માટે કેટલાક કાર્યક્રમો કરે છે. તેઓ તેમના કાર્યક્રમમાં યુવાનોને જોડે છે અને શીખવે છે રીસ્પેક્ટ હ્યુમેનીટી. જે વડીલો પાસેથી તમે ઘણું બધું મેળવ્યું છે તેને ભૂલો નહીં. એમનો હવે કોઈ ઉપયોગ નથી એમ વિચારીને છોડી ન દો. તેઓ વૃંદાવનમાં વિધવાઓ માટે મૈત્રી આશ્રમ ચલાવી રહ્યા છે. વૃંદાવનની શેરીઓમાં તેમનાં સંતાનો અને સગાંવહાલાં દ્વારા છોડી દેવાયેલી કેટલીય વિધવાઓને ભીખ માગતી જોઈ. આજે મૈત્રી આશ્રમમાં પાંચસોથી વધુ નિરાશ્રિત મહિલાઓ અને વિધવાઓ સન્માનપૂર્વક જીવી રહી છે.

વૃંદાવનમાં મૈત્રી ઘર વિધવા આશ્રમના બોર્ડ પર જ પહચાન, પ્રતિષ્ઠા, સન્માન - એમ ત્રણ શબ્દો લખવામાં આવ્યા છે. આ બધી વિધવાઓને રહેવાની સગવડ અને આરોગ્યની સુવિધા આપે છે. વૃંદાવનને 'સીટી ઑફ વિડો' કહેવામાં આવે છે ત્યાં આશરે પંદરથી વીસ હજાર વિધવાઓ રહે છે. મૈત્રી સંસ્થા ત્યાં 'પ્રોજેક્ટ જીવન' ચલાવે છે તે અંતર્ગત બની શકે તેટલી મદદ કરે છે. પોષણયુક્ત ખોરાક, આરોગ્ય સેવાઓ, વૃદ્ધોની સંભાળ અને સહાય કરે છે, જેથી તેઓ ગૌરવપૂર્વક જીવી શકે. સમાજમાં વિધવા વિશેની માન્યતામાં પરિવર્તન આવે તેવા પ્રયત્નો કરે છે. વિધવા થયા પછી દુ:ખમાં જ જીવન વ્યતીત કરવાને બદલે તેઓ તેમના દુ:ખને હળવું બનાવે છે. વિની સિંહનું સૂત્ર છે સોચ બદલો, સમાજ બદલેગા.