- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- માણસ ગ્રંથ ખોલી શકે છે પરંતુ ગ્રંથિ ખોલી શક્તો નથી. તેને રાગદ્વેષ જેવી ગ્રંથિઓ ઓગળી ગઇ છે એના માટે નિગ્રંથનો બોધ આપ્યો
'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'ની એક મહત્ત્વની બાબત એ છે કે એમાં પ્રશ્નોત્તરી દ્વારા દર્શન (તત્ત્વજ્ઞાન) પ્રગટ કરવામાં આવ્યું છે. આ દ્રષ્ટિએ જોઇએ તો 'શ્રીમદ્ ભગવદ્ગીતા'માં કુરુક્ષેત્રના રણમેદાન પર અર્જુન એનો સંશય પ્રગટ કરે છે અને શ્રીકૃષ્ણ એનો ઉત્તર આપે છે. એવી જ રીતે બૌદ્ધધર્મમાં ભિખ્ખુ આનંદ પ્રશ્ન કરે છે અને ભગવાન બુદ્ધ એનો ઉત્તર આપે છે. 'બાઈબલ'માં ઇસુ ખ્રિસ્તને એમના શિષ્યો દ્વારા પુછાતા પ્રશ્નો અને ઉત્તરો મળે છે, જ્યારે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પ્રશ્નો અને ઉત્તર બંને શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી પ્રાપ્ત થાય છે.
'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'માં છ શંકા દર્શાવી છે અને એની સાથોસાથ એ શંકાઓનું સમાધાન આપ્યું છે. એક અર્થમાં કહીએ તો, આ ગ્રંથિઓને છોડનારો ગ્રંથ છે. મનની ઘણી ગાંઠોને અધ્યાત્મથી ઉકેલી આપે છે અને એ અર્થમાં કરુણા, કવિતા અને કલ્યાણનો ત્રિવેણી સંગમ અહીં સધાયો છે. કરુણા એટલે સમગ્ર માનવજાતિ અને પૃથ્વી પરની અન્ય જાતિઓ પ્રત્યેની કરુણા. કલ્યાણ એટલે સર્વધર્મ સમભાવ નહીં, પણ સર્વ જીવ સમભાવ અને કવિતા એટલે હોઠ પર રમે, હૃદયમાં એનો ગુંજારવ થાય અને આત્મામાં એ ખીલવા લાગે. 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' એ અર્થમાં આત્માની અમૃત કલા છે.
અહીં કોઈ મતાગ્રહ, પક્ષપાત કે કષાયનું ખંડન-મંડન નથી, પરંતુ આત્માના માર્ગ પર પથરાયેલું સત્યનું અજવાળું જોવા મળે છે. વળી અન્ય ગ્રંથોની માફક અહીં વર્ણનો કે દ્રષ્ટાંતો જોવા મળતા નથી, તો બીજી બાજુ સૈદ્ધાંતિક તાત્વિક ગ્રંથ જેવી કઠિનતા પણ જોવા મળતી નથી. બલ્કે એક સહજતાનો અનુભવ થાય છે. એની પ્રથમ પંક્તિ જ માનવીને જાગૃત કરે છે અને એની સામે સવાલ કરે છે કે, 'તારો અસલી ચહેરો કયો? તારી સ્થિતિ કઇ? તું હજી તારા સ્વરૂપને એટલે કે આત્મસિદ્ધ સ્વરૂપને સમજ્યો નથી.' જીભે પરમાત્માનું નામ લે છે અને જીવનમાં પ્રપંચ કરે છે. બહારના કોલાહલમાં જીવનારને ભીતરનો અવાજ ક્યાંથી સંભળાય ! એની આંખોમાં એક તરસ છે, પરંતુ એ મૃગજળની તૃષ્ણાની જ તરસ છે. અધ્યાત્મ માટેનો તલસાટ નથી. એનું આખું જીવન કોઈ બીજાના હાથમાં છે અને માણસ જેટલો પોતાના આત્માથી દૂર એટલો વધુ પરાધીન.'
એનો જીવ સત્તા, સંપત્તિ કે સૌંદર્યની મૂર્છામાં ડૂબેલો છે, ત્યારે આત્મા પોતે કોણ છે તે જાણ્યા વિના બધી કળા, બધી ક્રિયા કે બધી વિદ્યા ગાર પર લીપણ કરવા જેવી છે. સાચું તત્ત્વ સમજ્યા વિના, જાતને જાણ્યા વિના અનંત દુ:ખ પામ્યો છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર એટલે આત્માની સિદ્ધિનો સનાતન માર્ગ અને એ માર્ગ એવો છે કે જે સર્વથી રહિત શુદ્ધાત્માનું પ્રાગટય અને પરમ પદમાં સિદ્ધલોકમાં અનંતકાળ સુધી સુસ્થિતતા દર્શાવે છે. અહીં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એવું અનંતચતુષ્ટય પ્રગટ થયું છે. જેનું વાણી દ્વારા વર્ણન ન થઇ શકે, કારણ કે તે વાણીનો વિષય નથી. આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્મા વિષયક છ શંકાઓ અને એના સમાધાનની વાત કરી છે.
શ્રીમદ્ જેવા જ્ઞાની પુરુષની એક કરુણા બહિર્મુખ હોય છે અને બીજી કરૂણા અંતર્મુખ બહિર્મુખ કરૂણા અને જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિથી ઘેરાયેલા માનવીઓને પીડામાંથી મુક્ત કરવાનું કામ કરે છે. અંતર્મુખ કરુણા એ એવી કરુણા હોય છે કે જેનો અનુબંધ આત્મા સાથે હોય છે. એક કરુણાને શરીરને લક્ષમાં રાખવામાં આવે છે. જ્યારે અહીં દેહાતીત અવસ્થાનો વિચાર કરવામાં આવે છે. કર્મરહિત થયા વિના દેહરહિત થવાતું નથી. અને કર્મરહિત તો જ થવાય જો રાગદ્વેષ રહિત થવાય.
આમ આત્મસિદ્ધિશાસ્ત્ર એ દેહહિતની નહીં, પણ આત્મહિતની વાત કરે છે. જેને માત્ર આત્મહિત જ ખપે છે, એ તરફ લક્ષ્ય કરે છે તેને માટે આ કૃતિ ઉપયોગી છે. વ્યક્તિ જીવનમાં ભિન્ન ભિન્ન પ્રયોજનથી કાર્ય કરતી હોય છે, એ પુત્રેષણા, લોકેષણા કે વિત્તેષણાથી ઘેરાયેલી હોય છે. આવી રીતે સત્તા, સંપત્તિ કે સુખની પાછળ દોડતી હોય તેવી વ્યક્તિઓને જેમાંસ્વહિત દેખાય છે તેને માટે આત્મસિદ્ધિ નથી. આ આત્મસિદ્ધિ એ તો જે આત્મહિતનું ચિંતન કરે છે, તેને માટે છે. આવી આત્મશુદ્ધિને આત્મસાત કરવા માટે પહેલી શરત આત્માર્થી બનવાની છે. આત્મહિત દ્વારા માનવહિત જોનારા જ્ઞાનીપુરુષો એ માત્ર પોતાની આત્મસમાધિમાં રમમાણ રહેતા હોય છે. એમને સંસારમાં આવવાની પણ આવશ્યક્તા હોતી નથી. મૌન, એકાંત અને સર્વસંગ પરિત્યાગમાં એ ડૂબેલા હોય છે પરંતુ કોઈ મુમુક્ષુ જીવ હોય તો એનું કલ્યાણ કરવાના હેતુથી આવા જ્ઞાનીપુરુષો આવું સર્જનકાર્ય કરતા હોય છે. ધ્યાન, સમાધિ અને આંતરિક અવસ્થામાંથી બહાર આવીને કોઈ સત્પાત્ર હોય, તો તેનો ઉદ્ધાર કરતા હોય છે. એમાં પણ જ્યારે વીતરાગના મૂળમાર્ગ પર અનેક આવરણો આવી ગયા હોય અને ક્યાંક તો બાહ્યાડંબરના વાદળોએ મૂળ માર્ગને ઢાંકી દીધો હોય ત્યારે આવા સત્પુરુષ પોતાનું સત્યદર્શન આપે છે.
વળી બીજી બાજુ ધર્મ પર સંકુચિત સાંપ્રદાયિકતા વર્ચસ્વ જમાવીને બેઠી હોય તેવે સમયે ધર્મના મૂળ તત્ત્વોને બતાવવા અને એમાં રહેલો આત્મસત્યનો પ્રકાશ પ્રગટાવવા પ્રયત્ન કર્યો છે અને આને માટે જેઓ રાગ અને દ્વેષથી રહિત છે એવા વીતરાગની ઓળખ આપી.
માણસ ગ્રંથ ખોલી શકે છે પરંતુ ગ્રંથિ ખોલી શક્તો નથી. તેને રાગદ્વેષ જેવી ગ્રંથિઓ ઓગળી ગઇ છે એના માટે નિગ્રંથનો બોધ આપ્યો.
અને સૌથી વધુ તો 'વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય'
આત્માર્થી જીવને સમ્યક્પણું પ્રાપ્ત થાય તેથી આ મોક્ષનો માર્ગ સ્પષ્ટપણે વર્ણવ્યો છે. આમાં સ્પષ્ટતા છે, ગોપન નથી, આત્માર્થીને સમજાય એવી સરળતા છે. મુંઝવણ થાય એવા બધા પ્રશ્નોનો જવાબ છે. ગુરુ શિષ્યના સંવાદરૂપે રચના છે.
આત્માની તળેટીમાંથી આત્મસિદ્ધિના શિખર સુધીની અંતર્યાત્રાનું આમાં વાત છે. પહેલી વાત છે આંગણુ ચોખ્ખું કરવાની, પહેલું કામ છે આત્માની શુદ્ધિનું. આત્મશુદ્ધિ વિના સઘળું વ્યર્થ છે., એના વિના ભક્તિ લાગણીવેડા થઇ જાય અને યોગ વ્યાયામ થઇ જાય અને તેથી આત્મ ઓળખનાર ઉપાયો બતાવને અહીં આત્મસિદ્ધિની પ્રક્રિયા બતાવી છે.
સદ્દેવ, સદગુરુ અને સદ્ધર્મની પ્રાપ્તિ થાય તો જ મોક્ષ પ્રાપ્ત થાય.
આત્મસિદ્ધિશાસ્ત્રમાં જૈનદર્શનના દ્રવ્યાનુયોગનો નિચોડ પ્રાપ્ત થાય છે. આ જૈનદર્શનનાં પાસાંઓનો આમાં સમાવેશ થયો છે. કર્મવાદ, મોક્ષવાદ, જ્ઞાન અને ક્રિયા, નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, બોધિબીજ, ગુરુશિષ્ય, ભેદજ્ઞાન વગેરેનાં સઘળાં રહસ્યો આમાં સમાયેલા છે. દેહમાં હોય તે તો ખરું પણ દેહાતીત પણ ખરું. આમ સર્વશાસ્ત્રોનો સાર આમાં આપ્યો છે. અનેકાંતવાદના પાયા પર આત્મસિદ્ધિશાસ્ત્ર છે.
જૈન, બૌદ્ધ, સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા-ઉત્તરમીમાંસા (વેદાંત) અને ચાર્વાક એ છએ દર્શનોની વાત કરી છે. અન્ય દર્શનોની માન્યતાઓને પૂર્વપક્ષ રૂપે રજૂ કરી છે, પરંતુ એની રજૂઆત ન્યાય પૂર્ણ રીતે કરી છે. અન્ય દર્શન વિશે ક્યાંય એક પણ નિમ્નસ્તરનો શબ્દપ્રયોગ નથી. કારણ કે તે ખંડનમંડન કરવા નીકળ્યા નથી. પણ ષડદર્શનના અભ્યાસ પછી આત્મસિદ્ધિનો પંથ બતાવવા નીકળ્યા છે. આથી જ પં.સુખલાલજીએ આને આત્માનું અનુપમ ઉપનિષદ આત્મોપનિષદ કહ્યું છે.
સાથોસાથ ધર્મક્ષેત્રે ફેલાયેલી ભ્રમણાઓનું ખંડન કર્યું છે. જડ ક્રિયાવાદીઓ, શુષ્કજ્ઞાનીઓ અને કુગુરુ વિશે એમણે પ્રહાર કર્યા છે અને ધર્મમાં બંધાઈ ગયેલા જાળાઓને કે મતમાંતરોને ધર્મ એ વ્યક્તિ સ્વભાવ હોવાથી એમાં કોઈ ભેદ ન હોય. એમાં કોઈ આગ્રહ કે હઠાગ્રહ ન હોય, મત, પંથ, વેશના ભેદ વિના જે કોઈ સાધક યથોત્તર મોક્ષમાર્ગને સાધે છે, તે અવશ્ય મોક્ષને પામે છે.
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ,
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.
આ રીતે આગમના સમસ્ત સિદ્ધાંતોનો નિચોડ આ ગ્રંથમાંથી મળે છે, એનું અવગાહન કરીને એને આત્મસાત કરવાથી અને આત્મપરિણત કરવાથી સાંતસુધારસ પ્રાપ્ત થાય છે.
આથી જ તત્ત્વચિંતક પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ કહ્યું, 'આત્મસિદ્ધિ વાંચતાં અને તેનો અર્થ પુન: વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રીમદ્ રાજચંદ્રે આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. શ્રીમદ્ની આ સર્વશ્રેષ્ઠ રચનામાં એમની આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેની સાધનાનું નવનીત સાંપડે છે. આ એક અનુપમ અમર કૃતિથી જ શ્રીમદ્નું નામ સદાકાળને માટે અમર થવા પર્યાપ્ત છે.'
ગુજરાતી ભાષામાં પ્રવાહ રૂપે નીકળેલી આ સહજ મોક્ષલક્ષી વાણી સાધકોનાં કંઠમાં એના કાવ્યત્વને કારણે સદાય નિવાસ કરે છે અને મુમુક્ષુના હૃદયને સદૈવ પુલકિત કરે છે.


