Get The App

આપણું જીવનગીત: અંધાર-ઉજાસની જુગલબંદી

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
આપણું જીવનગીત: અંધાર-ઉજાસની જુગલબંદી 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- જીવન આપણી બધી પસંદગીઓનો સરવાળો છે

- આલ્બેર કામુ 

કદાચ, માણસને સૌથી મોટું વરદાન આ પસંદગીનું સ્વાતંત્ર્ય છે. બિલાડી જન્મથી માંડીને મૃત્યુ સુધી બિલાડી જ રહે છે, બાય ડિફોલ્ટ. જ્યારે આપણી માણસાઈ આપણી વિવશતા નથી, પસંદગી છે. આપણે ડો. જેકિલ કે ડો હાઈડ, ઝોરબા કે બુદ્ધ બની શકીએ. અર્થાત, આપણાં  માટે આપણે  શુભ કે અશુભ, નીતિ કે અનીતિ પસંદ કરી શકીએ. આ બન્નેનો સંઘર્ષ કે સંવાદ આપણી અંદર નિરંતર ચાલ્યા કરે છે. આપણી જીવનની દરેક પળ અને પગલું આપણને રચે છે. આપણે સૌ અસ્તિત્વની કોઈ ફિક્સડ અને ફાઇનલ પ્રોડક્ટ નથી. આપણે સૌ અસ્તિત્વનું પળે-પળે ઘડાતું શિલ્પ છીએ, વિકસતું અને વિસ્તરતું ચિત્ર છીએ. આપણે સૌ મેન ઇન પ્રોસેસ કે વર્ક ઇન પ્રોગ્રેસ છીએ. આપણી પસંદગીઓ આપણી સંભાવનાઓ પણ છે. એ યાદ રાખીએ કે આપણે પસંદગી કરવા સ્વતંત્ર છીએ  પણ તેના થકી આવતા પરિણામોના ગુલામ પણ છીએ. અલબત્ત, આપણે તો  પીડામાંથી અને પડકારોમાંથી પણ પાઠ લઈએ છીએ. આપણે વિવેક વાપરીને ઓટથી ભરતીની કે અંધારથી ઉજાસની યાત્રા પણ કરી શકીએ છીએ. કાર્લ રોજર્સ કહે છે, 'જ્યારે હું જેવો જ છું તેવો જ મને સ્વીકારી લઉં છું ત્યારે હું બદલાવ છું'. કદાચ, આપણાં સૌની અંદર એક એવો માણસ વસે છે જેને આપણે ઓળખતા નથી અને હા, તેને ઓળખવાની ઈચ્છા પણ નથી. પણ તેને  ઓળખવો સલાહભર્યુ છે.  આવો, તેને ઓળખવાનો પ્રયાસ કરીએ......

એક અત્યંત પ્રાચીન રૂપક-કથા છે. અમેરિકાના દક્ષિણ પૂર્વમાં એક સ્થાનિક જાતી રહેતી. તેની આગેવાન સ્ત્રી હતી. તેના ગળામાં હંમેશા એક તાવીજ રહેતું. જેમાં બે વિકરાળ વરૂઓ એકમેકની સામે નજર માંડીને જુએ છે તેવી તે આકૃતિ હતી. એકવાર તેના નાનકડાં દીકરાએ આવીને તેનો અર્થ પૂછયો, ત્યારે પેલી જાજરમાન  સ્ત્રીએ  આવો જવાબ આપ્યો:

બેટા, આપણાં સૌની અંદર બે વરૂઓ વસે છે. તેઓ નિરંતર એકબીજા સાથે લડયા કરે છે. જે શ્વેત છે તે સહિષ્ણુ, પ્રેમાળ અને શાંત છે. જ્યારે જે  શ્યામ છે તે આક્રમક, લાલચુ અને ડરામણું છે. 

દીકરો : આ બન્નેમા કોણ જીતશે? 

સ્ત્રી: આપણે જેને પોષણ આપીએ તે.

આપણે પસંદ કરવાનું છે, પ્રેમ કે આક્રમણ, શુભ કે અશુભ? ઉજાસ કે અંધકાર? આ બન્નેનો સંઘર્ષ આપણે જોવાનો છે અને સંવાદ આપણે સાંભળવાનો છે-જીવનભર. સમત્વથી સાક્ષી બનવાનુ છે. આ બંનેની જુગલબંધી જ આપણું જીવનગીત છે. આ બન્ને સહકાલીન છે. આપણો વિરામ તેમને દૂરથી સાક્ષી બની નીરખવામાં છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ આ બન્ને  એક જ વરૂના બે ચારિત્ર્ય છે. જાણે કે, આપણે હાથમાં લાકડીના સમતોલન દ્વારા દોરડા પર ચાલવાનું છે. કોને પોષણ મળે છે તેની સજગતા રાખવાની છે. ખરો જીવન કારીગર કે કિમીઆગર એ તો છે જે પીડાને સૌંદર્ય બનાવી નાખે છે. કશુંક ખોઈને કે બધું ખોઈને પણ જો જાતને પામી જવાતું હોય તો આપણે વિજેતા બની જઈએ છીએ.