- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- રાજા બલિએ કહ્યું કે ત્રીજો પગ તમે મારા માથા પર રાખી શકો છો અને વામન દેવે બલિના માથા પર ત્રીજો પગ મૂકતા એ પાતાળમાં જતો રહ્યો
મ હાકવિ કાલિદાસે કહ્યું છે, 'उत्सवप्रियां खलु मनुष्यां ।' અર્થાત્ 'મનુષ્યોને ઉત્સવો ખૂબ પ્રિય હોય છે' અને હકીકતમાં આવા ઉત્સવો આપણને આપણી રોજિંદી વ્યસ્ત જિંદગીમાં નવો માહોલ આપે છે. એક અર્થમાં કહીએ તો જિંદગીના બોજને બાજુએ મૂકીને માનવી ઉત્સવોમાં મનભર મોજ માણે છે. પોતાના મનનાં તાપ, સંતાપ, ગત વર્ષની અને ભૂતકાળની વેદનાઓ આ સઘળું ભૂલીને એનું મન જાણે કોઈ મુક્ત આકાશમાં ઉડ્ડયન કરતું હોય તેવો અનુભવ કરે છે, પણ આજે બન્યું છે એવું કે એ ઉત્સવોનો બાહ્ય ઢાંચો રહ્યો છે, પણ એનો પ્રાણ અંતિમ શ્વાસ લે છે.
એક જમાનામાં સહુ કોઈ સાથે મળીને દિવાળીના તહેવારનો અનોખો આનંદ ઉજવતા હતો. જ્યારે આજે લોકો દિવાળીના તહેવારના કુટુંબ મેળાને ભૂલીને અને પરસ્પરની સ્નેહ સાંકળને વિસરીને સમાજ પ્રવાસ કે પર્યટનના શોખમાં ડૂબી ગયો છે. અગાઉ આ ઉત્સવો સહુ કોઇને આનંદદાયી અને સાર્વજનિક લાગતા હતા, એને બદલે આજે આ ઉત્સવોએ કેવું રૂપ ધારણ કર્યું છે ! એક અર્થમાં કહીએ તો પશ્ચિમની જીવનશૈલીનાં આક્રમણે આપણા ઉત્સવોનો આત્મા હણી નાખ્યો છે. આમાં આપણે પણ એટલા જ દોષિત છીએ, કારણ કે એ ઉત્સવની પાછળની ભાવનાને સમજવાને બદલે માત્ર યંત્રવત્, 'આગે સે ચલી આતી હૈ'- એમ માનીને રૂઢિગ્રસ્તતાથી અથવા ક્યાંય ઉત્સવની ભાવનાને ભૂલીને એની ઉજવણી થાય છે.
પ્રત્યેક ઉત્સવ એ તો માત્ર એક બાહ્ય રૂપ છે. એની ખરી ભાવના તો એની ભીતરમાં છુપાયેલી હોય છે. આજે એ બાહ્ય રૂપનો મહિમા વધતા એમાં જડતા, યાંત્રિકતા અને ગતાનુગતિતતા આવી ગઈ છે, જેથી શક્તિ, સમય અને સંપત્તિનો બગાડ થાય છે. આજે આપણે ભારતીય સંસ્કૃતિનું ઘણું ગૌરવગાન કરી રહ્યા છીએ, ત્યારે એ વિચારવું જોઇએ કે આ ઉત્સવો આજે આપણા જીવનવિકાસમાં કેમ પ્રેરક બનતા નથી ? શા માટે આપણા જીવનને એ નવી ઊર્જા નવી આશા અને નવી ચેતના આપી શક્તા નથી ? શાને કારણે આપણા જીવનપથના ભોમિયા જેવા ઉત્સવોને એવી રીતે ઉજવીએ છીએ કે જ્યારે આપણે સાવ એની મૂળ ભાવનાથી ભટકી ગયા હોઈએ.
જેમકે કાળીચૌદસને નરક ચતુર્દશી કહેવામાં આવે છે અને એનું કારણ એ છે કે પ્રાગજ્યોતિષપુરનો રાજા નરકાસુર સહુને રંજાડતો હતો. એમણે ૧૫,૦૦૦ કન્યાઓને કેદ કરી હતી અને સત્યભામાએ નારી ઉદ્ધાર કરવા માટે ભગવાન કૃષ્ણની સહાયથી ચતુર્દશીને દિવસે નરકાસુરનો નાશ કર્યો. ત્રાસમાંથી મુક્ત થયેલા લોકોએ અમાસની અંધારી રાતને દીવાઓ પ્રગટાવીને પ્રકાશિત કરી નાખી. આ દિવસે મહાકાલીનું પૂજન થાય, ત્યારે એ વિચારવું જોઇએ કે બીજાને પીડે તે શક્તિનો દુર્વ્યય છે. માત્ર પોતાના સ્વાર્થ માટે પ્રયોજાય તે સ્વાર્થપરાયણતા છે. કોઇના રક્ષણ માટે પ્રયોજાય તે કાલી છે અને પ્રભુકાર્ય માટે વપરાય તે મહાકાલી છે અર્થાત્ આ દિવસે એક બાજુ અસૂરનો નાશ છે, તો બીજી બાજુ દીવાઓનું પ્રાગટય છે.
ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ આ પાંચ પાંચ જુદા જુદા પ્રકારનાં આંતર ઉત્સવોનું સ્નેહમિલન છે. પ્રત્યેક દિવસનો વિશિષ્ટ મહિમા છે અને એથીયે વધારે એ માનવજાતિના પ્રેય અને શ્રેય સાથે જોડાયેલો છે. જેમ કે ધનતેરસે લક્ષ્મી પૂજા કરી અને વિચાર કર્યો કે લક્ષ્મી એ ચંચળ નથી, પરંતુ લોભી કે પરિગ્રહી માનવીની મનોવૃત્તિ એ લક્ષ્મીની બાબતમાં ચંચળ હોય છે અને આથી જ લક્ષ્મીનો દુર્વ્યય કરનાર દુર્ગતિ પામે છે અને એને પ્રસાદી માનનાર સૃષ્ટિમાં સત્કાર્યો કરે છે.
જ્યારે કાળીચૌદસે ઇશ્વર પ્રત્યાર્થે શક્તિ પ્રયોજવાની વાત
કરે છે. સત્તાલોભી દુર્યોધન સદૈવ એની સત્તા અને અહંકારનો વિચાર કરે છે, બાણાવળી કર્ણ અત્યંત શક્તિશાળી હોવા છતાં એ પોતાની શક્તિ અહંકારી દુર્યોધનના ચરણે ધરી દે છે. જ્યારે યજ્ઞાયાગાદિ કરનાર અને પ્રભુ કાર્યમાં પોતાની શક્તિ પ્રયોજનાર અર્જુન માટે કાળીચૌદસનો આદર્શ છે.
દીપાવલીનો તહેવાર એ ચોપડાપૂજનનો દિવસ છે. બહાર સમગ્ર વર્ષનું આર્થિક સરવૈયું કાઢવામાં આવે છે અને ભીતરમાં દિવાળીએ દીવા પ્રગટાવી ગત વર્ષની આંતરિક પ્રાપ્તિ અને અપ્રાપ્તિનો વિચાર કરવામાં આવે છે. આ સરવૈયું કાઢતા એટલે કે દિલમાં દીવો પેટાવતા આપણા ભીતરમાં પડેલા રાગ-દ્વેષ, કટુતા એ સહુ કોઇને દૂર કરવાનો વિચાર કરીએ છીએ અને નવા વર્ષેને નવા ઉમદા વિચારોથી પ્રારંભ કરવાનું વિચારીએ છીએ.
દિવાળીનો સંબંધ આપણી કેટલીયે પુરાણકથાઓ સાથે છે. અગિયારમી સદીમાં પ્રસિદ્ધ અલ-બિરુની ઉર્ફે અબુરેહને એના હિંદુસ્તાનનાં પ્રવાસમાં દિવાળીના તહેવારનું જે વર્ણન કર્યું છે એ જોતા એમ લાગે છે કે એ સમયે પણ આજની માફક જ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો હતો. પુરાણકાળમાં શિવ અને વિષ્ણુનું મહત્ત્વ વધ્યા પછી એમના ઉપાસકોએ પોતાના પ્રિય દેવને માટે દીપાવલીને અનુસરીને અનેક કથાઓ રચી અને અગાઉની વિધિઓ અને તહેવારો સાથે પોતાના પ્રિય આરાધ્ય દેવોનો સંબંધ જોડયો. એ પછીના સમયમાં શ્રીકૃષ્ણની ઉપાસના વધતા 'કૃષ્ણચરિત્ર'માં પણ દીપાવલીને અનુસરીને કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું.
દિવાળી એ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને આનંદદાયક તહેવાર છે. યમ અને યમીની મુલાકાત એટલે રાતનાં અંધકારને દૂર કરીને તેને દિવસના જેવી પ્રકાશિત કરવી. આ રીતે અજ્ઞાન આવરણ એ અંધકાર છે તેને દૂર કરી દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય તેવું કરવું તે દિવાળીના તહેવારનો મુખ્ય ઉદ્દેશ છે. જ્યારે નૂતન વર્ષને એક આગવી દ્રષ્ટિથી જોવામાં આવે છે. એ દ્રષ્ટિ છે દુષ્ટ કે અધમ માણસોમાં રહેલા શુભ તત્ત્વને જોવાની. આ નૂતન વર્ષને બલિ પ્રતિપદા કહેવામાં આવે છે. આમાં દાનવીર બલિનો વામન પરાભવ કરે છે એ ઘટના રહેલી છે. સતયુગમાં ભક્ત પ્રહલાદના પૌત્ર દૈત્ય રાજવી બલિ હતા. રાજા બલિએ આખાય સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવ્યો, ત્યારે ગભરાયેલા દેવતાઓ વિષ્ણુ પાસે મદદ માગવા પહોંચ્યા અને પછી વિષ્ણુએ સ્વયં દેવ માતા અદિતીને ત્યાં વામનદેવ તરીકે જન્મ લીધો.
નર્મદાના કિનારે રાજા બલિ અશ્વમેઘ યજ્ઞા કરતા હતા, ત્યારે વામનદેવ એ યજ્ઞામાં પહોંચી ગયા અને બલિએ એમનું સ્વાગત કરીને દાન માગવા કહ્યું, ત્યારે વામન ભગવાને કહ્યું કે, 'મારે માત્ર ત્રણ પગ જમીન જોઇએ છે.'
રાજા બલિએ વચન આપ્યું અને વામન દેવે એક પગથી પૃથ્વી અને બીજા પગથી આકાશ માપી લીધું. આ સમેય રાજા બલિએ કહ્યું કે ત્રીજો પગ તમે મારા માથા પર રાખી શકો છો અને વામન દેવે બલિના માથા પર ત્રીજો પગ મૂકતા એ પાતાળમાં જતો રહ્યો. વામન દેવ એની દાનવીરતાથી પ્રસન્ન થયા અને એને પાતાળનો રાજવી બનાવ્યો. આ રીતે વર્ણાશ્રમ વ્યવસ્થાના નાશ માટે પ્રયત્ન કરનાર બલિનો વામને પરાભવ કર્યો.
વળી બલિનો પરાભવ કરનાર ભગવાન વિષ્ણુએ સુવર્ણ અને સ્ત્રી તરફ જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ આપી. દીપાવલીએ લક્ષ્મી એટલે કે સુવર્ણ તરફ જોવાની સાચી દ્રષ્ટિ આપી તો ભાઈબીજના દિવસે નારીને માતા કે બહેનની દ્રષ્ટિએ જોવાનો ઉપદેશ આપ્યો. ભારતીય સંસ્કૃતિએ બતાવ્યું કે નારીએ ભોગ્ય કે ત્યાજ્ય નથી, બલ્કે પૂજ્ય છે અને આથી જ દીપોત્સવીએ ખરેખર તો દિલમાં દીવો પ્રગટવો જોઇએ. એમાં ભાવનાઓનો પ્રકાશ રેલાવો જોઇએ, જો માત્ર બાહ્ય રીતે દીપક પ્રગટાવવામાં આવે એ એક બાહ્ય ક્રિયા થઈ, પણ સાચી ક્રિયા તો દિલમાં દીવો પ્રગટાવવાની છે. કારણ એ કે દિલમાં દીવો પ્રગટે પછી ધનતેરસનો ઉત્સવ સૂચવે છે તેમ આપણે લક્ષ્મીનો સદ્કાર્યમાં
ઉપયોગ કરીએ, કાળીચૌદસે સાચી શક્તિની ઓળખ પામીને પ્રભુભક્તિમાં મન પરોવીને, દીપાવલીએ દીપક પ્રગટાવીને 'ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઇ જા'ની ભાવના સેવીએ અને બેસતા વર્ષે ભૂતકાળની ભૂલો, નિર્બળતાઓ, કામનાઓ એ સઘળું ઓળખીને અને પછી ભૂલીને ભાવિ જીવનનો શુભ સંકલ્પ કરીએ, તો ભાઈબીજના દિવસે નારી તરફ જોવાની યોગ્ય દ્રષ્ટિ કેળવીએ. ગુફામાં રહેનારો આદિ માનવી સંસ્કૃત બન્યો એનો પુરાવો ભાઈ-બહેનનો સંબંધ છે. આ પાંચેય કલ્યાણકારી ભાવનાઓ આપણા જીવનમાં આવે તો આપણું જીવન સદાને માટે દીપોત્સવી મહોત્સવ સમાન બની રહેશે.
મનઝરૂખો
જર્મનીના પ્રજાપ્રેમી સમ્રાટ જ્યોર્જ જોસેફ વેશપલટો કરીને પોતાના રાજ્યમાં ઘૂમતા હતા. એક દિવસ એક નાનકડી ગલીમાંથી પસાર થતા હતા, ત્યારે એક ચીંથરેહાલ યુવકે એમને રસ્તામાં થોભાવીને કહ્યું, 'અરે ભાઈ, મારી માતા લાંબા સમયથી બીમાર છે. એની સારવારમાં મારું સઘળું ધન ખર્ચાઈ ગયું છે. જો હવે તમે મને થોડી રકમ આપો, તો અંતિમ વખત એનો ઇલાજ કરાવવા ઇચ્છું છું. મારી મદદ કરશો ?'
સમ્રાટ જ્યોર્જ જોસેફે થોડી રકમ આપી અને કહ્યું, 'જા, તું ડૉક્ટરને બોલાવી લાવ. તું મને તારું સરનામું આપી દે.' સમ્રાટ જ્યોર્જ જોસેફ એ ગરીબ યુવાનને ઘેર પહોંચી ગયા. એમણે જોયું તો એક વૃદ્ધા ખાટલા પર સૂતી હતી. બાજુમાં એક નાનો બાળક રડતો બેઠો હતો. સમ્રાટે ડૉક્ટર તરીકે પોતાની ઓળખ આપીને એ વૃદ્ધ સ્ત્રીને એની બીમારી અંગે પૃચ્છા કરી. એ મહિલાએ કહ્યું, 'મારા પતિની આવક પર ઘર ચાલતું હતું, પરંતુ થોડા સમય પહેલાં એમનું મૃત્યુ થયું. ઘરમાં અત્યારે કોઈ કમાનાર નથી. મારા મનમાં સતત એ ચિંતા રહે છે કે જો હું મૃત્યુ પામીશ, તો મારાં અનાથ બાળકોનું શું થશે ? આ ચિંતાએ જ મને બીમાર પાડી દીધી છે.''
સમ્રાટે કાગળ પર કંઇક લખ્યું અને એ વૃદ્ધાને આપતાં કહ્યું, 'આમાં મેં તમારી બીમારીની દવા લખી છે. તમારા દીકરાને મોકલીને મંગાવી લેજો.' આમ કહીને એ ચાલ્યા ગયા. થોડી વારે વૃદ્ધાનો પુત્ર ડૉક્ટરને લઇને આવ્યો, ત્યારે એ વૃદ્ધાને કહ્યું, 'હમણાં થોડીવાર પહેલાં જ એક ડૉક્ટર આવી ગયા અને આ કાગળ પર કંઇ દવા લખી ગયા છે.'
આગંતુક ડૉક્ટરે એ કાગળ વાંચીને કહ્યું, 'તમારી પાસે તો એક અનોખો ડૉક્ટર આવ્યો હતો, જે તમારી બીમારીનો સ્થાયી ઇલાજ કરી ગયો છે. એ કોઈ સાધારણ ડોક્ટર નહોતા, પરંતુ આપણા દેશના સમ્રાટ જ્યોર્જ જોસેફ હતા.' સમ્રાટ જ્યોર્જ જોસેફે એ કાગળ પર લખ્યું હતું કે 'વૃદ્ધા અને એના પરિવારને રાજકોશમાંથી નિયમિત રીતે ધન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.'


