Get The App

નાનકડો સમ્રાટ, મોટી મહત્વાકાંક્ષા: નેપોલિયન કોમ્પ્લેક્સનું રહસ્ય

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
નાનકડો સમ્રાટ, મોટી મહત્વાકાંક્ષા: નેપોલિયન કોમ્પ્લેક્સનું રહસ્ય 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

૧૮૦૦ ના દાયકાની શરૂઆતમાં, જેમ્સ ગિલરે નામના બ્રિટિશ કાર્ટૂનિસ્ટ તેના ડેસ્ક પર બેઠા હતા. તેના હાથમાં પેન હતી. તે હસતા હસતા એક નાના કદના વ્યક્તિનું ચિત્ર દોરી રહ્યા હતા. આ વ્યક્તિ મોટો લશ્કરી કોટ પહેરીને, તેના કદ કરતાં મોટા ફર્નિચરની વચ્ચે બૂમો પાડી રહ્યો હતો. આ વ્યંગચિત્ર ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટનું હતું. જેના આક્રમણ અને સતત વિજયોથી યુરોપ ધ્રૂજતું હતું. ૧૮૦૩ના ગિલરેના કાર્ટૂન 'મેનિયાક-રેવિંગ્સ-ઓર-લિટલ બોની ઇન અ સ્ટ્રોંગ ફિટ'માં, નેપોલિયનને એક નાના કદના જુલમી તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જેનો અહંકાર તેના કદ કરતાં મોટો હતો. આ ચિત્ર બ્રિટનમાં ખૂબ લોકપ્રિય થયું અને આગની જેમ ફેલાયું. આ કાર્ટુનના કારણે એક મિથ્યા ધારણા જન્મી હતી. જે કાર્ટૂનિસ્ટ અને તેના વિષય એ બંને કરતાં વધારે લાંબી જીવી છે : આ રીતે 'નેપોલિયન કોમ્પ્લેક્સ'ની કલ્પનાનો  જન્મ થયો હતો. જે દર્શાવતી હતી કે 'નાના કદના પુરુષો, અસુરક્ષાને કારણે, આક્રમકતા અને મહત્વાકાંક્ષા દ્વારા વધુ પડતું વર્તન કરે છે.' તાજેતરમાં 'ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટી'ની વિજ્ઞાન જર્નલ 'ઇવોલ્યુશનરી બિહેવિયરલ સાયન્સીસ' એક અભ્યાસ લેખ પ્રકાશિત થયો છે. જે 'નેપોલિયન કોમ્પ્લેક્સ' ઉપર પ્રકાશ પાડે છે. શું 'નેપોલિયન કોમ્પ્લેક્સ'ની વાત સાચી છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણે ઇતિહાસ, મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની હકીકતો ચકાસવી પડે તેમ છે.

નેપોલિયનની ઉંચાઈ

નેપોલિયન ખરેખર નાના કદનો હતો? શું તેના નામ પરના આ સિન્ડ્રોમમાં કોઈ સત્યતા છે ખરી? કે પછી તે માત્ર એક સાંસ્કૃતિક વ્યંગચિત્ર છે? આ પ્રશ્ન આપણને ઇતિહાસ, મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની હકીકતોને ચકાસવા માટે પડકાર ફેંકે છે. નેપોલિયન બોનાપાર્ટ જે સમયકાળમાં જીવી ગયા, તે સમયના ધોરણો અનુસાર, નેપોલિયનને બટકો કે ટૂંકી ઉંચાઈવાળો ગણી શકાય નહીં. નેપોલિયનની ઊંચાઈ ફ્રેન્ચ પાઉસેસમાં ૫ ફૂટ ૨ ઇંચ તરીકે નોંધવામાં આવી હતી. એક વાત યાદ રાખવી જોઈએ કે તે જમાનામાં, બ્રિટિશ ઇંચના માપ કરતા ફ્રેંચ એકમની લંબાઈ પ્રમાણે, ફ્રેન્ચ ઇંચ વધારે લાંબો રહેતો હતો. જે મુજબ નેપોલિયનની ઊંચાઈ, હાલના માપ પ્રમાણે પાંચ ફૂટ ૬ ઇંચ જેટલી એટલે કે ૧.૬૭ મીટર જેટલી થાય.

તો પછી નેપોલિયનને બટકો શા માટે ચીતરવામાં આવ્યો? આ કામ પાછળ બ્રિટિશ પ્રચારકોનો હાથ હતો. જે નેપોલિયનને બ્રિટિશ સામાન્ય વ્યક્તિ કરતાં પણ નીચો બતાવવા માંગતા હતા. હિસ્ટ્રી.કોમ નોંધે છે કે ગિલરેના કાર્ટૂન, જેમાં નેપોલિયનને તેની મહત્વાકાંક્ષાઓ સામે નાના તરીકે અતિશયોક્તિ સાથે દર્શાવવામાં આવ્યો હતો. એમની આ રજૂઆત, ઊંચાઈની વાસ્તવિક ચોકસાઈ વિશે ઓછી અને માનસિક યુદ્ધમાં વાપરવામાં આવેલી એક યુક્તિ તરીકે વધુ વજૂદ ધરાવતી હતી. ૧૮૦૪માં નેપોલિયનનો રાજ્યાભિષેક દર્શાવે છેકે 'નેપોલિયને પોપ પાયસ સાતમા પાસેથી મુગટ છીનવીને પોતાને મુગટ પહેરાવ્યો હતો. 'જે સ્વનિર્મિત સત્તાનું આધુનિક ઉદાહરણ પૂરું પાડે છે. ઇતિહાસકાર એન્ડ્રુ રોબર્ટ્સ તેમના પુસ્તક 'નેપોલિયન' અ લાઇફ'માં લખે છે, 'તે એવો માણસ હતો. જેણે પોતાની કિંવદંતી બનાવી.' શું આ મહત્વાકાંક્ષા, તેની અસુરક્ષાનો સંકેત હતી. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો, નેપોલિયન કોમ્પ્લેક્સ સૂચવે છેકે મનુષ્યની પ્રેરણા કે મર્યાદાઓ, મનુષ્યની ઉંચાઇ ને લક્ષમણ લેતી નથી. પરંતુ ખામી આપણી સામાજિક અને સાંસ્કૃતિક વિચારસરણીમાં રહેલી છે, જે ઊંચા માનવીની તુલનામાં, નીચા માનવીની પસંદગી કરવામાં ખચકાય છે.

વ્યંગચિત્રથી વૈજ્ઞાનિક સ્ટડી

 ભૂતકાળમાં યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેન્કાશાયરના સંશોધકોએ નેપોલિયન કોમ્પ્લેક્સની ચકાસણી કરવાનું નક્કી કર્યું હતું. ૨૦૦૩ના અભ્યાસમાં નેપોલિયન કોમ્પ્લેક્સનો વિચાર, પ્રાણીઓના સંસારમાં પણ પડઘો પાડે છે. 'ઇવોલ્યુશનરી ઇકોલોજી'માં પ્રકાશિત , સંશોધકો જસ્ટ અને મોરિસએ તલવારબાળા માછલી અને ગોબર ભમરો જેવા જીવોમાં 'નેપોલિયન કોમ્પ્લેક્સ' જેવું વર્તન જોયું છે. હકીકતમાં મુશ્કેલીઓ હોવા છતાં નાના નર, મોટા હરીફોનો સામનો કરતાં અને ઘણીવાર સામેથી લડાઈ શરૂ કરતા હતા. 

જે જીવનસાથી અથવા ભૌગોલિક પ્રદેશ મેળવવા માટે જોખમી હતું. પરંતુ અંતમાં આ પગલું સંભવિત રીતે લાભકારક વ્યૂહ સાબિત થતો. ૨૦૦૭માં તેમણે એક પ્રયોગ ડિઝાઇન કર્યો. તેમણે વિવિધ ઊંચાઈના પુરુષોને લાકડી વડે, ટકોરા મારીને (વૈજ્ઞાનિક રીતે) તેમની પ્રતિક્રિયાઓ માપી. આશ્ચર્યજનક રીતે, નાના પુરુષો તેમના ઊંચા સમકક્ષોની સરખામણીમાં, તેમનો ગુસ્સો ઓછો ગુમાવ્યો હતો. પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી. ૨૦૧૮માં, વ્રિજે યુનિવર્સિટી એમ્સ્ટરડેમના ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાની માર્ક વાન વુગ્ટ અને તેમની ટીમે એક અલગ અભિગમ અપનાવ્યો. તેમણે પુરુષોને સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં મૂક્યા. 'મનુષ્યની ઊંચાઈ, તેના વર્તનને કેવી રીતે પ્રભાવિત કરે છે?' આ વર્તન ઉપરથી વાન વુગ્ટે દલીલ કરી કે આ એક મનુષ્ય ઉત્ક્રાંતિનો વ્યૂહ હોઈ શકે છે : નાના પુરુષો એટલે કે ઓછા શારીરિક રીતે પ્રભાવશાળી, પ્રભાવશાળી અને મોટી વ્યક્તિ સાથે સ્પર્ધા કરવા માટે, પોતાની શક્તિને દાવ ઉપર લગાડવા કરતાં, પોતાની ચાલાકી પર વધારે આધાર રાખે છે. વાન વુગ્ટે 'સાયન્ટિફિક અમેરિકન'ના ઇન્ટરવ્યુમાં કહ્યું, 'જીવનની રમતમાં, ઊંચાઈ ફક્ત એક કાર્ડ છે, અને નાના ખેલાડીઓ તેને અલગ રીતે રમવાનું શીખે છે.' ૨૦૨૨ના 'પર્સનાલિટી એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સિસ' અભ્યાસે બીજું સ્તર ઉમેર્યું. સંશોધકોએ ૩૬૭ લોકોનો સર્વે કર્યો. જેમાં જાણવા મળ્યું કે નાના પુરુષો-સ્ત્રીઓ દ્વારા 'ડાર્ક ટ્રાયાડ' સાથે સંકળાયેલા લક્ષણો, નાર્સિસિઝમ, સાયકોપેથી, અને મેકિયાવેલિયનિઝમ પ્રદર્શિત કરવાની શક્યતા વધુ જોવા મળી હતી.

ઊંચાઈની ઉણપ કે મનની મહત્તા?

'નેપોલિયન કોમ્પ્લેક્સ' શબ્દ ૨૦મી સદી સુધી દેખાયો નહોતો. આ શબ્દ પ્રયોગ દ્વારા ઑસ્ટ્રિયન મનોવિજ્ઞાની આલ્ફ્રેડ આડલરએ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો વિચાર રજૂ કર્યો હતો. આલ્ફ્રેડ આડલર, પોતે ૫ ફૂટ ૫ ઇંચથી થોડો ઓછો ઊંચો વ્યક્તિ હતો. તેણે દલીલ કરી કે વ્યક્તિગત ખામીઓ, જેમ કે કદ, સ્થિતિ અથવા ક્ષમતા, ગમે તે હોય, તે વ્યક્તિઓને અતિશયોક્તિપૂર્ણ વર્તન દ્વારા વધુ પડતું કામ કરવા પ્રેરિત કરી શકે છે. ૧૯૧૨માં આડલરે તેમના પુસ્તક 'ન્યુરોટિક કોન્સ્ટિટયુશન'માં નેપોલિયનને આવી વ્યક્તિના ઉદાહરણ તરીકે દર્શાવ્યા હતા. જેની મહત્વાકાંક્ષા, તેમની પોતાની હીનભાવના- કોમ્પ્લેક્સથી ઉદ્ભવી હતી. જોકે આ પુસ્તકમાં તેમણે આ કોમ્પ્લેક્સને ઊંચાઈ સાથે સ્પષ્ટ રીતે જોડયો ન હતો. આમ છતાં લોકપ્રિય કલ્પનાએ આ વિચારને પકડી પાડયો. ત્યારથી ઓછી ઊંચાઈવાળા એટલે કે બટકા લોકોનો સંદર્ભ લઈને 'નેપોલિયન કોમ્પ્લેક્સ' સમાજ જીવન અને મનોવિજ્ઞાનનો એક વિષય બની ગયો. અહીં સવાલ એ થાય કે 'શું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અથવા વિજ્ઞાનનો આધાર લઈએ તો, 'નેપોલિયન કોમ્પ્લેક્સ'માં સચ્ચાઈ કેટલી છે? 

'નેપોલિયન કોમ્પ્લેક્સ' એટલે કે અપૂર્ણતા કોમ્પ્લેક્સ સાથે ઓળખાયેલ, આ વિભાવના એક સદીથી મનોવિજ્ઞાનીઓમાં ચર્ચાનો વિષય છે. નેપોલિયન કોમ્પ્લેક્સને પરખવા માટે, આપણે ઇતિહાસના પુસ્તકો છોડીને પ્રયોગશાળામાં પ્રવેશવું પડશે. શું નાના કદનું હોવું? ખરેખર પુરુષોને વધુ આક્રમક અથવા મહત્વાકાંક્ષી બનાવે છે? તાજેતરમાં જ 'ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટી'ના ૩૦૦થી વધુ સહભાગીઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે નાની ઊંચાઈના પુરુષો ઊંચાઈથી અસંતોષને કારણે વધુ ઈર્ષ્યા, અને ઈર્ષાનાં કારણે વધારે સ્પર્ધાત્મકતા જન્મે છે. સંશોધન પત્રના તારણો દર્શાવે છે કે 'સામાજિક ઊંચાઈના ધોરણો, મનુષ્યના વર્તન ઉપર પણ અસર કરે છે. જે શારીરિક દેખાવ અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાની, મનુષ્યએ પોતે રચેલી રણનીતિઓનું દર્શન કરાવે છે.'

ઇવોલ્યુશનરી બિહેવિયરલ

'નેપોલિયન કોમ્પ્લેક્સ'ના સંદર્ભમાં, એક સવાલ જરૂર ઉઠશે કે '૨૦૨૫માં રજૂ થયેલ સંશોધન પત્ર શું દર્શાવે છે? 'ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટી'ના વૈજ્ઞાનિકોએ એક તાજેતરના અભ્યાસમાં પુષ્ટિ કરી છે કે ખાસ કરીને નાની ઊંચાઈના પુરુષોમાં 'નેપોલિયન કોમ્પ્લેક્સ' વાસ્તવિક હોઈ શકે છે. અભ્યાસમાં ૩૦૦થી વધુ સહભાગીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સંશોધન ટીમનું નેતૃત્વ ડેનિયલ ટેલબોટ દ્વારા કરવામાં આવ્યું હતું. સંશોધન પત્રનું પ્રકાશન 'ઇવોલ્યુશનરી બિહેવિયરલ સાયન્સીસ' જર્નલમાં કરવામાં આવ્યું છે. અભ્યાસ જણાવે છે કે નાની ઊંચાઈના પુરુષો, ઊંચા પુરુષોની સરખામણીએ વધુ ઈર્ષ્યા અને સ્પર્ધાત્મક વર્તન દર્શાવે છે. જે ઊંચાઈથી અસંતોષ અને સમલિંગી સ્પર્ધા વચ્ચેના સંબંધને દર્શાવે છે.' એટલે કે મનુષ્યની ઊંચાઈ, મનોવૈજ્ઞાનિક ધારણાઓ સામાજિક ગતિશીલતા અને વર્તન પર નોંધપાત્ર અસર કરે છે. સ્ત્રીઓ ઊંચા પુરુષોને રોમેન્ટિક પાર્ટનર અથવા હરીફ તરીકે વધુ આકર્ષક અને શક્તિશાળી ગણે છે. આ વાત નાની ઊંચાઈના પુરુષોમાં અસંતોષ પેદા કરી શકે છે. આ તારણોની સામાજિક અસરો પણ મહત્વની છે. નાની ઊંચાઈના લોકો, ખાસ કરીને જેઓ સામાજિક ઊંચાઈના ધોરણોને કારણે હાંસિયામાં ધકેલાયેલા અનુભવે છે, તેઓ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી શકે છે. આવા લોકોને ટેકો આપવા માટે શારીરિક દેખાવ અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતી રણનીતિઓ વિકસાવવી જોઈએ. જેમ કે શિક્ષણ ઝુંબેશો અથવા કાઉન્સેલિંગ કાર્યક્રમો. આ અભ્યાસ એક લાંબી ચર્ચામાં નવો દ્રષ્ટિકોણ પણ ઉમેરે છે. જે દર્શાવે છેકે 'ઊંચાઈ જેવા શારીરિક લક્ષણો, આપણા વર્તન અને સામાજિક આંતરક્રિયાઓને કેવી રીતે આકાર આપી શકે છે.' જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે. આ અભ્યાસ આખરે વધુ સકારાત્મક અને સમાવેશી સમાજનું નિર્માણ કરવામાં મદદ કરશે.જે નાની ઊંચાઈના લોકોની માનસિક અને સામાજિક પડકારોને સમજવામાં એક મહત્વનું પગલું સાબિત થયું છે.