Get The App

ક્રેડિટ કાર્ડની ઓફર્સથી ગ્રાહકોને ઓછો, બેંક અને કંપનીઓને વધુ ફાયદો!

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
ક્રેડિટ કાર્ડની ઓફર્સથી ગ્રાહકોને ઓછો, બેંક અને કંપનીઓને વધુ ફાયદો! 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- તહેવારોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બેહદ વધી જાય છે. ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવામાં એટલા ફાયદા બતાવાય છે કે તેનાથી ગ્રાહક બિનજરૂરી ખર્ચ કરી બેસે છે...

મા ણસ ક્યાંક બહાર નીકળે ને સાથે રોકડ રકમ લેવાનું ભૂલી જાય તો શું થાય?

કશું જ ન થાય! આજે ચંદ સેકન્ડમાં સ્માર્ટફોનથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. જો એમાંય કંઈ એરર આવે તો સ્કેનરનો ફોટો મોકલીને ફેમિલી-ફ્રેન્ડ્સની મદદથી પેમેન્ટ કરાવી શકાય છે. ઈનફેક્ટ, વૉલેટ સાથે હોય પણ એમાં કેશ નથી હોતી, કેશ રાખવાની જરૂર પણ નથી પડતી. કેશ આપ્યા પછી વધતી-ઘટતી રકમની લેવડ-દેવડ કરવાને બદલે એક વખત સ્કેન કરીને જે બિલ હોય એ ચૂકવી દેવાનું ઈઝી છે.

પરંતુ પાંચ-સાત દશકા પહેલાં માણસ રોકડ લેવાનું ભૂલી જાય તો શું થતું?

કંઈ કેટલીય મુશ્કેલી પડતી. કોઈને રિક્વેસ્ટ કરીને ઉધાર લેવું પડતું. સ્માર્ટફોન તો હતા નહીં, ટેલિફોન પણ બહુ ઓછા લોકો પાસે હતા એટલે માંડ કોઈની હેલ્પ મળતી. 

રોકડ ભૂલી જવાના આવા જ એક કિસ્સામાંથી જન્મ થયો ક્રેડિટ કાર્ડનો.

***

૧૯૫૦ની એક મોડી સાંજે ન્યૂયોર્કના રેસ્ટોરાંમાં થોડા મિત્રો ભોજન પૂરું કરીને નિરાંતે બેઠા હતા. ફ્રેન્ક મેકન્મારા નામના બિઝનેસમેને મિત્રોને જમવા બોલાવ્યા હતા. વેઈટર આવીને ફ્રેન્કના હાથમાં બિલ થમાવી ગયો. ફ્રેન્કે બિલ આપવા કોેટના ગજવામાં હાથ નાખ્યો, પણ વૉલેટ મળ્યું નહીં. બીજા ખીસ્સાં પણ ફંફોસી જોયાં. પછી યાદ આવ્યું કે વૉલેટ ઉતાવળમાં ઘરે જ ભૂલી ગયા છે. બીજા મિત્રોએ વિવેક કરીને બિલ તો પે કરી દીધું, પણ એ ઘટના પછી ફ્રેન્કને વિચાર આવ્યો કે વૉલેટ સાથે ન હોય ત્યારેય બિલ પે કરી શકાય એવો કોઈ વિકલ્પ હોવો જોઈએ. એમાંથી તેને ક્રેડિટ કાર્ડનો વિચાર આવ્યો.

ફ્રેન્કે તેમના બે મિત્રો - રાલ્ફ સ્નેઈડર અને મેટ્ટી સિમોન્ટ સાથે મળીને ડાઈનર્સ ક્લબ બનાવી. ન્યૂયોર્કના રોસ્ટોરાં માલિકોને મળીને ક્રેડિટ કાર્ડનો વિચાર જણાવ્યો. ઘણી ચર્ચા-વિચારણાના અંતે ૨૭ રેસ્ટોરાં માલિકો ૧૯૫૧માં ક્રેડિટ કાર્ડ સ્વીકારવા સહમત થયા. એમાં શરત એ હતી કે રેસ્ટોરાં માલિકોને અમુક રકમ અગાઉથી ચૂકવી દેવાની અને તેના બદલામાં મહિનામાં ગમે ત્યારે ક્લબનું કાર્ડ બતાવીને ભોજન કરી શકાય, રોકડમાં બિલ પે કરવાની કોઈ ઝંઝટ નહીં. ક્રેડિટ કાર્ડ ન્યૂયોર્કના ધનવાનોમાં બેહદ પોપ્યુલર થયું. બે-એક વર્ષમાં ક્લબના ૨૦ હજાર સભ્યોએ ક્રેડિટ કાર્ડ મેળવ્યું.

આ કાર્ડની લોકપ્રિયતા પછી આખરે ૧૯૫૮માં બેંક ઓફ અમેરિકાએ સૌપ્રથમ બેકિંગ ક્રેડિટ કાર્ડ ઓફર કર્યું. બેંકઅમેરિકાર્ડ નામના આ કાર્ડથી દુનિયામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો પાયો નખાયો.

***

શરૂઆતમાં ક્રેડિટ કાર્ડની મેથડ ફ્રેન્ડે બનાવેલી એ જ રહી. પહેલાં પે કરો તો જ એનો ઉપયોગ કરી શકાય. બેંક પાસેથી જેમણે ક્રેડિટ કાર્ડ મેળવવું હોય તેમણે પહેલાં કાર્ડમાં ચોક્કસ રકમ રાખવી પડે. બેંકના કસ્ટમરે કાર્ડમાં ક્રેડિટ રાખવી પડતી હતી એટલે જ એનું નામ ક્રેડિટ કાર્ડ હતું. ડેબિટ કરીને ક્રેડિટ મેળવી શકાય એ વ્યવસ્થા તે વખતે ન હતી. આપણાં બેકિંગ વહીવટને જોઈને બેંક ક્રેડિટ લિમિટ આપે ને આપણે એનો ઉપયોગ કરી શકીએ એની શરૂઆત તો છેક ૧૯૭૦ પછી થઈ.

લગભગ એ જ અરસામાં સ્વાઈપ મશીન વિકસિત થયાં. ક્રેડિટ કાર્ડમાં મેગ્નેટિક પટ્ટીનો ઉપયોગ શરૂ થયો અને સ્વાઈપ મશીન એ રીડ કરીને પ્રોસેસ કરવા માંડયું. ૧૯૭૦ના દશકામાં અમેરિકન બેંકિંગ સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ થવા માંડી હતી. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું સરળ બનવા લાગ્યું હતું. ૯૦ના દશકામાં ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા વધતી જતી. માસ્ટરકાર્ડ અને વિસાકાર્ડ માર્કેટમાં આવી ચૂક્યા હતા. મોલ કલ્ચર વિકલવા માંડયું હતું એ પણ ક્રેડિટ કાર્ડને પ્રોત્સાહક પરિબળ બની રહ્યું. મોટાં શો રૂમ્સ-મોલ્સે બેકિંગ ક્ષેત્ર સાથે એવી ગોઠવણ કરી કે ક્રેડિટકાર્ડના આધારે ડેટા એકઠો થઈ જાય અને ગ્રાહક પાસે સંમતિનું એક ફોર્મ ભરી દેવામાં આવે તો બેંક નિયત રકમ મોલ્સ-શો રૂમ્સને એ કાર્ડના આધારે ચૂકવી આપતી. જોકે, તેમાં વિગત તો જાતે જ ભરવી પડતી. મશીન માત્ર કાર્ડની વિગતો મેળવી શકતું.

૨૦૦૦ આસપાસ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓએ સ્વાઈપ મશીનને નવા સ્વરૂપે રજૂ કર્યું પછી ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારો થયો. બેંકોએ પણ મધ્યમ આવક ધરાવતા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપવાની પૉલિસી બનાવી. તેના પરિણામે ૨૦મી સદીનો છેલ્લો દશકો અમેરિકા, યુરોપમાં ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા માટે ખૂબ મહત્ત્વનો બની રહ્યો અને તેની અસર હેઠળ ભારત જેવા વિકસતા દેશોમાં ક્રેડિટ કાર્ડને પોપ્યુલારિટી મળી.

***

આજે દુનિયાની વસતિ ૮૦૦ કરોડ છે અને ક્રેડિટ કાર્ડનો આંકડો ૧૮૦૦ કરોડને પાર પહોંચી ગયો છે. આ આંકડો જ ક્રેડિટ કાર્ડની વધતી લોકપ્રિયતાની ચાડી ખાય છે. ૨૦૧૯થી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બમણો થઈ ગયો છે. ૨૦૧૮માં ૮૦૦ કરોડ ક્રેડિટ કાર્ડ હતા, ૨૦૨૦ આવતાં આવતાં આ સંખ્યા ૧૨૦૦ કરોડે પહોંચી ગઈ હતી. દુનિયાભરની બેંકોએ છેલ્લાં પાંચ-સાત વર્ષથી ક્રેડિટ કાર્ડ ઈકોનોમી પર ફોકસ કર્યું છે. એમાંય અમેરિકા-યુરોપમાં ક્રેડિટ કાર્ડનું ખૂબ ચલણ છે. અમેરિકામાં તો ૭૩ ટકા વસતિ પાસે એટલીસ્ટ એક ક્રેડિટ કાર્ડ છે. યુરોપની કુલ વસતિ લગભગ ૭૫ કરોડ છે અને ત્યાં એક્ટિવ ક્રેડિટ કાર્ડ્સ છે - ૯૦ કરોડ.

એશિયામાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ્સ વપરાય છે. ચીનમાં ૯૦ કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ્સ છે. ચીન સૌથી વધુ એક્ટિવ ક્રેડિટ કાર્ડ ધરાવતો દેશ છે. ભારતમાં ક્રેડિટ કાર્ડ ધારકોનો આંકડો ૧૧ કરોડે પહોંચ્યો છે અને ખૂબ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં વર્ષે સરેરાશ એકથી દોઢ કરોડ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થાય છે. વ્યક્તિ દીઠ ક્રેડિટ કાર્ડની વાત આવે તો એમાં સાઉથ કોરિયાને કોઈ પહોંચે તેમ નથી. સાઉથ કોરિયામાં દરેક વ્યક્તિ પાસે એવરેજ છ ક્રેડિટ કાર્ડ હોય છે. એશિયન દેશોમાં ક્રેડિટ કાર્ડનો વપરાશ કોવિડ મહામારી પછી નોંધપાત્ર વધ્યો છે.

***

વેલ, અત્યારે આપણે દિવાળીના તહેવારો ઉજવી રહ્યાં છીએ. છેક છેલ્લી ઘડી સુધી ઓનલાઈન-ઓફલાઈન માર્કેટમાં શોપિંગનો ધમધમાટ છે. એમાંય ક્રેડિટ કાર્ડના ડિસ્કાઉન્ટનો પાર નથી. 'ક્રેડિટ કાર્ડના ઈએમઆઈથી આ લઈ જાઓ ને કેશબેક મેળવો!' 'ક્રેડિટ કાર્ડના ઈએમઆઈથી તે લઈ જાઓ ને તોતિંગ ડિસ્કાઉન્ટ મેળવો!' જેવી લોભામણી જાહેરાતોથી શોરૂમ્સના ડિસ્પ્લે ને ઈ-કોમર્સની સ્ક્રીન ઉભરાઈ રહી છે, ત્યારે સવાલ એ છે કે ખરેખર ક્રેડિટ કાર્ડથી ફાયદો કોને થાય છે?

ક્રેડિટ કાર્ડમાં ગ્રાહકોને ઓનલાઈન-ઓફલાઈન બંનેમાં નો-કોસ્ટ ઈએમઆઈની ઓફર્સ મળે છે. કેશબેકનો લાભ પણ મળે છે. તેના કારણે આ વર્ષે શોપિંગની નવી પેટર્ન જોવા મળી કે લોકોએ ડેબિટ કાર્ડ અને યુપીઆઈ પેમેન્ટ ઘટાડીને ક્રેડિટ કાર્ડથી વધુ ખરીદી કરી. ડેબિટ કાર્ડથી ખરીદીમાં ૨૨થી ૨૫ ટકાનો ઘટાડો આવ્યો ને ક્રેડિટ કાર્ડથી શોપિંગમાં ૩૫ ટકા જેટલો વધારો થયો. તેનો અર્થ એ કે ઓફર્સનો લાભ લેવા લોકો છૂટથી ક્રેડિટ કાર્ડ વાપરે છે, પરંતુ તેનાથી ગ્રાહકોને એટલો ફાયદો થતો નથી. પહેલી નજરે કોઈ પ્રોડક્ટ ભલે સસ્તી પડતી હોય, પરંતુ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ મળતું હોવાથી બિનજરૂરી ખર્ચ વધી જાય છે અને તેના કારણે ત્રણ મહિનાથી લઈને વર્ષ સુધી ઈએમઆઈનું ચક્કર શરૂ થઈ જાય છે.

ક્રેડિટ કાર્ડનો ખરો ફાયદો બેંકોને અને પાર્ટનર કંપનીઓને થાય છે. કોઈ એબીસીડી નામની કંપની એક્સવાયઝેડ બેંકના ક્રેડિટ કાર્ડ પર પોતાની પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપે છે એમાં એની પ્રોડક્ટ વેચાય છે એટલે ઓછા નફામાં વધુ ચીજવસ્તુઓ વેચીને ફાયદો મેળવે છે. બેંકો ક્રેડિટ કાર્ડની પ્રોસેસિંગ ફી ને ઈએમઆઈથી લાંબાંગાળે ફાયદો મેળવે છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે ને માત્ર જરૂરીયાત હોય એવી ચીજવસ્તુઓ ખરીદીને ડિસ્કાઉન્ટનો લાભ મેળવવામાં આવે તો જ એનો ખરો ફાયદો થાય છે, પરંતુ એવો ગણતરીપૂર્વકનો લાભ માત્ર ૧૨ ટકા ગ્રાહકો જ મેળવે છે. એ સિવાયના ગ્રાહકો લોભામણી ઓફર્સની માયાજાળમાં ક્રેડિટ કાર્ડની લિમિટ ખર્ચી નાખે છે ને પછી મહિનાઓ સુધી ઈએમઆઈનો બોજ ઉઠાવે છે.  

એક સમયે મહિલાઓને પતિ કે પિતાની સહી વગર ક્રેડિટ કાર્ડ મળતાં ન હતાં

અમેરિકામાં ક્રેડિટ કાર્ડની શરૂઆત થઈ ત્યારે ક્રેડિટ કાર્ડ માત્ર પુરુષોને જ મળતાં હતાં. પુરુષો જ ક્રેડિટ કાર્ડ મેળવવામાં રસ બતાવતા હતા. એ સમયે મહિલાઓને ક્રેડિટ કાર્ડની બહુ જરૂર પડતી નહીં એ કારણ હશે કે પછી બીજું કંઈ, પણ મહિલાઓમાં ક્રેડિટ કાર્ડ લેવાનું વલણ ન હતું. ૬૦ના દશકામાં ક્રેડિટ કાર્ડને લોકપ્રિયતા મળી પછી ઘણી મહિલાઓએ ક્રેડિટ કાર્ડ લેવાનો ઉત્સાહ બતાવ્યો, પરંતુ તે વખતે બેંકો મહિલાઓને ક્રેડિટ કાર્ડ આપતી ન હતી. જો કોઈ મહિલાએ ક્રેડિટ કાર્ડ લેવું હોય તો પુરુષે સાક્ષી બનવું પડતું. લગ્ન પછી પતિ સહી કરે તો ક્રેડિટ કાર્ડ મળતું. લગ્ન પહેલાં પિતા સહી કરે તો જ બેંકો ક્રેડિટ કાર્ડ આપતી. અમેરિકામાં એ મુદ્દે ઝુંબેશ ચાલી. ઘણી મહિલાઓએ આ ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો પછી અમેરિકન સરકારે ૧૯૭૩માં ઈક્વલ ક્રેડિટ ઓપોર્ચ્યુનિટી એક્ટ પસાર કરીને સ્ત્રી-પુરુષ બંનેને ક્રેડિટ કાર્ડ મેળવવાનો સમાન હક છે એવી જોગવાઈ કરી. એ પછીથી દુનિયાભરમાં મહિલાઓ માટે ક્રેડિટ કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો થયો.