Get The App

ગંગાસતીના પદોમાં વ્યક્ત થયેલું યોગશાસ્ત્રનું ગહન જ્ઞાન

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
ગંગાસતીના પદોમાં વ્યક્ત થયેલું યોગશાસ્ત્રનું ગહન જ્ઞાન 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- સો રઠ-સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરવીરો અને સતીઓ માટે સુપ્રસિદ્ધ છે. આ ભૂમિ પર જન્મેલાં ગંગાસતી આ ત્રણેયના ગુણધર્મો પોતાની અંદર ધારણ કરતાં હતાં

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ!

નહિતર અચાનક અંધારા થાશે જી

જોત રે જોતામાં દિવસો વયા ગયા, પાનબાઈ!

એક વીશ હજાર છસોને કાળ ખાશે જી...

જાણ્યા રે જેવી આ તો અજાણ છે વસ્તુ પાનબાઈ!

અધુરિયાને નો કે'વાય જી

ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો

આંટી મેલો તો સમજાય જી...

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ!

જાણી લિયો જીવ કેરી જાત જી

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને

બીબે પાડી દઉં બીજી ભાત જી....

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ!

તેનો રે દેખાડું તમને દેશજી

ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો

ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી...

- ગંગાસતી

સો રઠ-સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરવીરો અને સતીઓ માટે સુપ્રસિદ્ધ છે. આ ભૂમિ પર જન્મેલાં ગંગાસતી આ ત્રણેયના ગુણધર્મો પોતાની અંદર ધારણ કરતાં હતાં. ગંગાસતીનો જન્મ ઈ.સ. ૧૮૪૬માં ભાવનગરના પાલીતાણા નજીક આવેલા રાજપરા ગામમાં રાજપુત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ભાઈજીભા જેસાજી સરવૈયા અને માતાનું નામ રૂપાળીબા હતું. ગંગાસતી બાલ્યાવસ્થાથી ધર્મ અને અધ્યાત્મ તરફ અભિરૂચિ ધરાવતા હતા. એવું કહેવાય છે કે તેમણે વાવેલા એક લીમડાનું વૃક્ષ હજુ તેમના આંગણમાં ઊભેલું છે.

સંત કવયિત્રી ગંગાસતીના લગ્ન ભાવનગરના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામના કલભા ગોહિલ અને વખતુબાના પુત્ર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. કહળસંગ પણ ઈશ્વરમાં અપાર શ્રધ્ધા રાખનારા અને ભક્તિ પરાયણ જીવન જીવનારા હતા. તેમને લોકો ભગતબાપુ તરીકે પણ ઓળખતા હતા. તત્કાલીન સમયે રાજપુત - રાજવી કુટુંબમાં એવી પ્રથા હતી કે દીકરી લગ્ન બાદ સાસરે જાય ત્યારે તેની સાર-સંભાળ માટે એક દાસીને સાથે મોકલવામાં આવતી. આ રીતે ગંગાસતીના માતા-પિતાએ રાજપરાના હમીરભાઈ પઢિયારની પુત્રી પાનબાઈને ગંગાસતી સાથે મોકલી હતી. પાનબાઈ અને ગંગાસતી બહેનપણી-સખી જેવા હતા. કહળસંગના ગુરુ ગિરનારના યોગી રામેતવન પાસેથી ગંગાસતીએ પણ અધ્યાત્મ, વેદાંત અને યોગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

એવું કહેવાય છે કે કહળસંગ બાપુમાં દિવ્ય સાધનાથી ચમત્કારિક શક્તિ આવી હતી. તેના થકી તેમણે એક મૃત ગાયને જીવતી કરી દીધી હતી તેનાથી તેમને ભારે પ્રસિદ્ધિ મળી ગઈ હતી. અનેક લોકો તેમના દુ:ખો દૂર કરવા આવવા લાગ્યા ત્યારે તેમને કુદરતના ક્રમમાં દખલ કરવી યોગ્ય ન લાગી. તેમણે જીવતા સમાધિ લેવાનો નિશ્ચય કર્યો. ગંગાસતી પણ તેમની સાથે તૈયાર થઈ ગયા પણ કહળસંગે તેમને અટકાવ્યા અને કહ્યું - જ્યાં સુધી પાનબાઈ આધ્યાત્મિક પરિપકવતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમને જ્ઞાન આપવું. તે પછી પતિની સમાધિ લેવાયા બાદ ગંગાસતીએ પાનબાઈને યોગ અને અધ્યાત્મનું જ્ઞાન કવિતાના પદ કે ભજન રૂપે આપવાનું શરૂ કર્યું. સતત બાવન દિવસ સુધી ગંગાસતી એક નવા પદ, ભજનની રચના કરી પાનબાઈને તે સંભળાવતા અને સમજાવતા, તે પછી ત્રેપનમાં દિવસે ઈ.સ. ૧૮૯૪, વિક્રમ સંવત ૧૯૫૦ના ફાગણ સુદ આઠમના રોજ ગંગાસતીએ પણ સમાધિ લઈ લીધી હતી. એ પછી અમુક કાર્યો પૂરા કરીને પાનબાઈએ ફાગણ સુદ તેરસના દિવસે ગંગાસતીની પાછળ સમાધિ લઈ લીધી.

સંત કવયિત્રી ગંગાસતીનાં ભજનો અધ્યાત્મ-યોગની દ્રષ્ટિએ મૂલ્યવાન રત્નો સમા છે તે આત્મ-સાક્ષાત્કારના અનુભવની નિચોડ રૂપે પ્રકટ થયેલી સરળ સમજૂતી આપતી વાણી છે. ગંગાસતીએ પાનબાઈને યોગમાર્ગની જે સરળ સમજૂતી આપી તેમાં આસનો, સ્વરભેદ, નાડી શોધન (નાડીઓનું શુદ્ધિકરણ) પાંચ પ્રકારના પ્રાણ, સંકલ્પ - નિર્વિકલ્પ, પદાર્થ ભાવનો ત્યાગ, સુરતા-નૂરતા, સોહમ સાધના (હંસયોગ) નાદ-બ્રહ્મ, અજપાજાપ જેવી અનેક યોગ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કરતાં પાનબાઈને ગંગાસતી સૂક્ષ્મ અને ગૂઢ, અગમ અને અગોચર પ્રદેશમાં લઈ જાય છે. વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ પંક્તિનો અર્થ વીજળીના પ્રકાશમાં મોતી પરોવવા એવો થાય છે. આમાં સજગતા, સ્થિરતા, ત્વરિત ક્રિયાનો નિર્દેશ છે. માનવી પાસે જ્ઞાનને ક્રિયામાં પ્રગટ કરવાનો સમય બહુ ઓછો છે. જે વખતે જ્ઞાનનો ચમકારો થયો તે વખતે વૈરાગ્ય કે ભક્તિ રૂપી મોતીમાં મન પરોવવાનું કાર્ય કર્યું તો લાભ છે નહીંતર અજ્ઞાન રૂપી અંધકાર પાછો છવાઈ જવાનો છે.

મહાન યોગી ગોરખનાથે રચેલી ગોરક્ષસંહિતાના પ્રથમ અધ્યાયના ૪૧/૪૨મા શ્લોકમાં કહેવાયું છે - આ જીવ હકારના ધ્વનિથી બહાર આવે છે અને સકારના ધ્વનિથી અંદર જાય છે. તે રીતે તે સદા 'હંસ-હંસ' જાપ કરતો રહે છે. એક દિવસ એક રાતમાં તે લગભગ ૨૧,૬૦૦ જેટલીવાર આ મંત્રજાપ કરતો રહે છે, પણ મોટે ભાગે તે આ પરત્વે અભાન હોય છે. યોગ તેને સભાન, સજગ એટલે કે જાગૃત કરે છે. કર્મ, ભક્તિ કે જ્ઞાન કોઈપણ પ્રકારના યોગથી તેણે આ સજગતા પ્રાપ્ત કરવાની છે. જો મોહજનિત અજ્ઞાનના અભાનપણામાં દિવસ વીતી જાય તો તે નકામો ગયો એમ ગણાય. એટલે ગંગાસતી કહે છે - વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહિતર અચાનક અંધાર થાશે. 'જોત રે જોતામાં દિવસ વયા ગયા પાનબાઈ, એકવીશ હજાર છસો ને કાળ ખાશે.' એકવીશ હજાર છસો એટલે ૬૦ વર્ષ પણ થાય. જીવનના વર્ષો ક્યાં જતાં રહેશે તે ખબર નહીં પડે. એને અંતે અચાનક કાળ આવી જશે. જેને જાણવાનું છે તેને જાણીએ નહીં, જેને મેળવવાનું છે, તેને મેળવીએ નહીં, જેને માણવાનું છે એને માણીએ નહીં તો જીવન નકામું ગયું કહેવાય. આ જ્ઞાન, સમજ અને આવડત બધાને પ્રાપ્ત થતા નથી. આ ગુપ્ત રસનો અટપટો ખેલ 'આંટી' મૂકે તેને પ્રાપ્ત થાય. અહંતા, મમતા, રાગ, દ્વેષ, માયા-મોહ જેવી ગ્રંથિઓ દૂર થાય, બધા ભ્રમના તાળા ખૂલી જાય તો તે પર બ્રહ્મના દર્શન થાય. 'આંટી' એટલે આ ગ્રંથિઓ અને ભ્રમજાળો. 'સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને બીબે પાડી દઉં બીજી ભાત' શબ્દો દ્વારા તે જ્ઞાન આપે છે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ મૂળ સ્વરૂપનું સ્મરણ રાખવાનું છે. રાગ-દ્વેષ, માયા-મોહ એ વિજાતિને સમજી એમાંથી છૂટવાનું છે. સંસારીના સામાન્ય બીબાની છાપ મિટાવી, જ્ઞાન અને યોગથી અસ્તિત્વ પર બ્રહ્મ-અનુભૂતિની નવી છાપ પાડી આપવાનું ગુરુ કાર્ય કરનારી ગંગા સતી 'દેખાડું એ દેશ' કહી પરમાત્માના અગોચર પ્રદેશના દર્શન કરાવે છે.