- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'કાંતારા' સિરીઝની સુપરહિટ ફિલ્મોના રાઇટર-ડિરેક્ટ-એક્ટર ઋષભ શેટ્ટીએ ભૂતકાળમાં એંઠા કપ-રકાબી પણ ઉપાડયા છે ને પ્રોડયુસર સાહેબના ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું છે. સાચી દિશામાં કરેલો સંઘર્ષ માણસના વ્યક્તિત્વને ધારદાર બનાવી દેતો હોય છે...
ઓ ડિયન્સને સૌથી પહેલું કન્ફ્યુઝન તો આ હતું: ત્રણ વર્ષ પહેલાં આવેલી ફિલ્મ જો 'કાંતારા' હોય, તો થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલી સિક્વલનું નામ 'કાંતારા-પાર્ટ ટુ' હોવું જોઈએને? તેને બદલે 'કાંતારા: અ લેજન્ડ: ચેપ્ટર વન' એવું ટાઇટલ કેમ છે? આ સવાલનો જવાબ જોકે ફિલ્મ જોતી વખતે મળી જાય છે. આ ફિલ્મ સિક્વલ નહીં, પણ પ્રિક્વલ છે. 'કાંતારા' (૨૦૨૨)માં જે પાત્રો જોયા હતા એમના પૂર્વજોની વાત આ લેટેસ્ટ ફિલ્મમાં થઈ છે. ભવિષ્યમાં ફિલ્મનો ત્રીજો ભાગ આવશે તેનું ટાઇટલ 'કાંતારા: ચેપ્ટર-ટુ' હશે, જે આગલી બન્ને ફિલ્મોની સિક્વલ હશે.
'કાંતારા' સિરીઝ હિટ છે, તો એના રાઇટર-ડિરેક્ટર અને હીરો એવા ઋષભ શેટ્ટીનું જીવન પણ કંઈ ઓછું રોમાંચક નથી. ષભ પોતાના નામનો અંગ્રેજી સ્પેલિંગ ઇૈજરચમ (રિશબ) કરે છે. એમનું મૂળ નામ તો પાછું પ્રશાંત છે. 'કાંતારા' અને 'કાંતારા-ચેપ્ટર વન' જોનાર દર્શકને તરત થાય કે આ ફિલ્મ લખનાર-બનાવનાર પોતાના પંથકનાં રીતિ-રિવાજો તેમજ લોકસંસ્કૃતિ વિશે તગડી સમજ ધરાવે છે. વાતેય સાચી. ષભનો જન્મ કર્ણાટકના ઉડુપી જિલ્લાના કેરાડી નામના એક ટચુકડા ગામમાં થયો છે, અને 'કાંતારા' સિરીઝની બન્ને ફિલ્મોની કથા આ દરિયાકાંઠાના વિસ્તારમાં આકાર લે છે. એમના પિતા ભાસ્કર શેટ્ટી વ્યવસાયે જ્યોતિષ. આમ, ઋષભનો ઉછેર જ કથા-કહાણીઓ એ જાતજાતની માન્યતાઓ વચ્ચે થયો છે.
'કાંતારા' એટલે માયાવી વન. આપણા કલ્ચરમાં 'માતાજી આવવા' કે 'દેવ આવવા' એ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિનોમિના છે. માણસના શરીરમાં માતાજી અને દેવ ઉપરાંત પૂર્વજનો 'આત્મા' પણ પ્રવેશી શકે છે! આ આખી વાતને શ્રદ્ધા-અંધશ્રદ્ધાના ત્રાજવામાં તોળ્યા વગર હાલ નોંધવા જેવું એ છે કે ભારતના પ્રાંતે-પ્રાંતમાં, ઉત્તરથી લઈને દક્ષિણમાં બધે જ, કોઈક ને કોઈક સ્વરૂપે આ માન્યતા અસ્તિત્ત્વ ધરાવે છે. ભારત જ શું કામ, વિદેશમાં પણ આ પ્રકારની આસ્થાનું અસ્તિત્ત્વ છે જ. 'કાંતારાં' સિરીઝની બન્ને ફિલ્મો દેશ ઉપરાંત વિદેશમાં પણ વિજયપતાકા લહેરાવી શકી તેનું આ મુખ્ય કારણ છે. મેક્સિકો, આર્જેન્ટિના, સ્પેન જેવા દેશોને ધ્યાનમાં રાખીને આ વખતે 'કાંતારા-ચેપ્ટર વન'ને ખાસ સ્પેનિશ ભાષામાં ડબ કરવામાં આવી છે!
ઋષભ શેટ્ટીના નાનપણમાં સમાંતરે બે વસ્તુઓ બની. ઋષભના ગામમાં ઘણી વાર પ્રોજેક્ટર પર ફિલ્મો દેખાડવામાં આવતી. એક બાજુ પ્રોજેક્ટરનું મશીન ખર્ર્ર્ અવાજ કરતું ચાલતું હોય ને સામે કામચલાઉ પડદા પર ફિલ્મ ચાલતી હોય. નાનકડા ઋષભને કૌતુક થાય કે, પડદા પર દેખાય છે એ માણસો શું આ મશીનમાં ભર્યા હશે? ડો. રાજકુમાર નામના કન્નડ સુપરસ્ટારની ફિલ્મો ઋષભને બહુ ગમે. ઘરમાં પછી તો ટીવી આવી ગયું હતું. ટીવી પર કોઈ પણ ભાષાની ફિલ્મ આવતી હોય, નાનકડો ઋષભ આંખો ફાડીને તે જોયા કરે. ઋષભના વ્યક્તિત્વનાં મૂળિયામાં રોપાયેલી બીજું મહત્ત્વનું તત્ત્વ એટલે યક્ષગાન. ઋષભ જ્યાં મોટા થયા તે પંથકમાં યક્ષગાનનું ભારે મહત્ત્વ. યક્ષગાન દક્ષિણ કર્ણાટકનો એક પારંપરિક નાટયપ્રકાર છે, જેમાં પુરુષ કલાકાર ચહેરા પર લાઉડ મેકઅપ કરીને દર્શકો સામે પર્ફોર્મ કરે. ઋષભ છઠ્ઠા ધોરણથી ચહેરા પર રંગરોગાન કરીને યક્ષગાન કરવા લાગ્યા હતા. અતિ તોફાની એવા ઋષભને એક વાત ક્રમશ: સમજાઈ રહી હતી: મને અભિનય કરવો ગમે છે, મને પર્ફોર્મન્સ આપવું ગમે છે!
તેથી જ બારમા ધોરણ પછી કોમર્સનું ભણવા પિતાજીએ એમને બેંગલુરુ મોકલી આપ્યા ત્યારે એમના મનમાં ફિલ્મ લાઇન અને અભિનયની દુનિયા જ રમતી હતી. તેઓ ફિલ્મી સમાચારો પર નજર રાખે. ક્યા એક્ટરને કઈ રીતે ફિલ્મોમાં કામ કરવાનો ચાન્સ મળ્યો ને એવી બધી વાતો ધ્યાનપૂર્વક વાંચે. આ જ અરસામાં એમણે પૈસા કમાવા માટે બેંગલોરમાં નાનાં-મોટાં કામ કરવાનું શરુ કર્યું. એક કામ હતું, બહેનની સ્કૂટીના આગળના ભાગમાં મિનરલ વોટરના વીસ-વીસ લીટરના
બે બાટલા મૂકી, ઘરે ઘરે કે ઓફિસે-ઓફિસે પહોંચાડવા જવાનું. એક વાર એક કાર્યક્રમમાં મિનરલ વોટરના બાટલા પહોંચાડવાનું કામ મળ્યું. ત્યાં ગયા પછી ખબર પડી કે આ તો ગર્વમેન્ટ ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટયુટના ઉદ્ધાટનનો કાર્યક્રમ છે. ઋષભે પૂછપરછ કરી, ફી વગેરે વિગતો જાણી, એડમિશન લઈ લીધું.
એક્ટિંગનો ડિપ્લોમા મળી ગયા પછી ઋષભને પહેલું કામ 'સાઇનાઇડ' નામની કન્ન્ડ ફિલ્મમાં મળ્યું. એમને કહેવામાં આવ્યું: જો, ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પૂરું થઈ ગયું છે, આખી ટીમ રેડી છે, એક ક્લેપર બોયની જગ્યા ખાલી છે. કરીશ? ઋષભ કહે: હા, હા. કેમ નહીં! આ ફિલ્મના અનુભવને કારણે ઋષભને ખાસ કરીને ડિરેક્શનની કળા વિશે ઘણી પ્રારંભિક સમજ મળી.
ફિલ્મ પૂરી થયા પછી ઋષભ સ્ટ્રગલ આગળ વધતી ગઈ. છ-સાત ફિલ્મોમાં અભિનેતા તરીકે રોલ મળ્યા, અમુકમાં તો મેઇન હીરોની ભૂમિકા હતી, પણ ફિલ્મ અનાઉન્સ થાય ત્યાં સુધીમાં બીજો કોઈ એક્ટર ગોઠવાઈ ગયો હોય. ડિપ્લોમા મેળવ્યો એ વાતને ચાર-પાંચ વર્ષ થઈ ચૂક્યાં હતાં. ઋષભ પાસે નહોતું કામ કે નહોતાં ફદિયાં. તેઓ મુંબઈ આવી ગયા. તેઓ કંઈ પણ કામ કરવા તૈયાર હતા. અંધેરી (પશ્ચિમ)માં એક પ્રોડક્શન હાઉસમાં એમને ઓફિસ બોયની નોકરી મળી. ઓફિસ બોય એટલે સાદી ભાષામાં, પ્યુન. સૌને ચા-કોફી આપવાની, એંઠા કપ ઉપાડવાના, જરુર પડે ત્યારે ડ્રાઇવર તરીકે કામ કરવાનું. પગાર ક્યારેક મળે, ક્યારેક ન મળે, પણ હા, મુંબઈ રહીને ઋષભ હિન્દી બોલતાં અને વડાપાઉં ખાતા સરસ શીખી ગયા! આ વર્ષ હતું ૨૦૦૮નું.
નાણાભીડ વધી એટલે ઋષભે વિચાર્યું કે આના કરતાં કોઈ ટીવી સિરીયલમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર (એડી) તરીકે કામ શોધું, કેમ કે એડીને રોજના પાંચસો જેટલા રૂપિયા મળી જતા હોય છે. આ કામ પણ મળ્યું. ટીવી સિરીયલના સેટ પર એમની મુલાકાત રક્ષિત શેટ્ટી નામના હમઉમ્ર યુવાન સાથે થઈ. રક્ષિતે પૂછ્યું: સાંભળ, 'તુગલક' નામની ફિલ્મથી હું હીરો તરીકે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારવાનો છું. તું એમાં વિલનનો રોલ કરીશ? ઋષભે હા પાડી. જોકે મનોમન તેઓ વિચારતા હતા કે રક્ષિત ફિલ્મી પરિવારનું ફરજંદ છે, એને બધું તૈયાર ભાણે મળી ગયું છે, આ નેપો કિડ મારા જેવા માણસની સ્ટ્રગલ વિશે શું જાણે? પણ સાથે કામ કર્યા પછી ઋષભને સમજાયું કે ના, ફિલ્મોની બાબતમાં રક્ષિત મારા જેટલો જ પેશનેટ છે. ઋષભની જેમ રક્ષિત પણ આજે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર-ડિરેક્ટર છે.
ઋષભની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ૨૦૧૮માં આવી, જેણે બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ અવોર્ડ જીતી લીધો. એક પછી એક ફિલ્મો આવતી ગઈ - એક્ટર તરીકે, ડિરેક્ટર તરીકે. કોવિદ કાળમાં જ્યારે આખી દુનિયા ઊંધીચત્તી થઈ રહી હતી ત્યારે ઋષભ એક એવી ફિલ્મ લખી રહ્યા હતા, જે એમને એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી દેવાના હતા. આ ફિલ્મમાં પ્રકૃતિ અને મનુષ્યના સહઅસ્તિત્ત્વની વાત હતી. ઋષભે ૯૬ દિવસમાં ફિલ્મ શૂટ કરી નાખી. તેઓ હીરો તરીકે પોતાના ફેવરિટ એક્ટર ડો. રાજકુમારના દીકરા પુનિત રાજકુમારને લેવા માગતા હતા, પણ વાત જામી નહીં એટલે આખરે પોતે જ હીરો બની ગયા. બીજાઓ તો ઠીક, ખુદ ઋષભે પણ કલ્પના નહોતી કરી કે આ ફિલ્મ કર્ણાટકમાં જ નહીં, આખા ભારતમાં એક બોમ્બની જેમ ફૂટશે. આ ફિલ્મ એટલે - યુ આર રાઇટ - 'કાંતારા' (૨૦૨૨)... અને 'કાંતારા' પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે.
૧૬ કરોડના ખર્ચે બનેલી 'કાંતારા'એ જો ૪૦૦ કરોડની કમાણી કરી હોય તો સવાસો કરોડના બજેટમાં બનેલી 'કાંતારા- ચેપ્ટર વન' ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલાં તેર દિવસમાં ૪૬૫ કરોડ કમાઈ લીધા છે. વિદેશની માર્કેટને પણ ધ્યાનમાં લઈએ તો આ આંકડો ૭૦૦ કરોડને સ્પર્શી જાય છે. ૪૨ વર્ષીય ઋષભ હવે પછી 'જય હનુમાન' અને છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત એક ફિલ્મમાં એક્ટર તરીકે દેખાશે તે પણ ભેગાભેગું નોંધી લો. 'કાંતારા- ચેપ્ટર ટુ' તો ખરી જ!
શો-સ્ટોપર
હું જ એક્ટર હોઉં ને હું જ ડિરેક્ટર હોઉં તો શૂટિંગ વખતે બધું મેનેજ કેવી રીતે કરી શકું છું, એમ? જ્યાદા સોચતા નહીં હૂં મૈં. યહી સિક્રેટ હૈ. અગર સ્ટોરી મિલ ગઈ, મેરે કો સ્ટ્રાઇક કિયા, તો મૈં હોલ્ડ નહીં કર સકતા.
-ઋષભ શેટ્ટી


