- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'પ્રીતાંક અહીં આવ પપ્પા પાસે બેસ. જો હું તારા માટે જાતજાતના ફટાકડા લાવ્યો છું. પપ્પાજી' અંધકાર સે ક્યોં ગભરાયે, આઓ પાપા એક દીપ જલાયે.'
ગૌ રવકુમાર આમ તો મોટા સરકારી અધિકારી હતા, પણ બાળ મનોવિજ્ઞાનથી સાવ અજાણ. તેમનાં પત્ની આભાદેવી શાળાનાં શિક્ષિકા, પણ બાળ ઉછેરનાં સિદ્ધાંતોની લેશમાત્ર પરવા ન કરે. એવાં ધૂની કે ધૂનમાં શું બોલી નાખો એનો કશો ભરોસો જ નહીં.
પ્રીતાંકને એ બન્નેનાં વર્તન સામે ભારે અસંતોષ. ગૌરવકુમાર વાતવાતમાં કહેતાં : 'મને તો મારો મોટો દીકરો ગીતાંક ગમે. કેવો શાણો અને સમજદાર છે ! વિનયશીલ પણ ભારે. સવારના પહોરમાં 'પ્રણામ પપ્પા'' કહ્યા બાદ જ ચા-નાસ્તો કરે.
અને આભાદેવી વાત વાતમાં કહેતાં 'મને તો મારો નાનો દીકરો પ્રીતાંક ખૂબ જ વહાલો છે. ચોથા ધોરણની પરીક્ષા આપી પણ હજીયે એના માતૃપ્રેમનાં સહેજ પણ ઓટ નથી આવી. આજે પણ એ પંદર-વીસ મિનિટ મારા ખોળામાં ન સૂવે તો એને ચેન ના પડે. કોણ જાણે મારો મોટો દીકરો ગીતાંક આવો ધીર-ગંભીર અને વેઠિયો ક્યાંથી નીકળ્યો ? એની ખેલકૂદની ઉંમરમાં આટલો ગંભીર કેમ થઇ ગયો છે, એ જ સમજાતુ નથી. એના બાપ પર ગયો લાગે છે નક્કી. અને મારો નાનો પ્રીતાંક નટખટ, તોફાની... મળતાવડો, બોલકો બધાનું મન મોહી લે તેવો... મને તો મારો પ્રીતાંક જ બહુ વહાલો લાગે છે.'
ગૌરવકુમાર દીકરાઓની વાત નીકળે એટલે આભાદેવી પર વ્યંગ કરવાની એકેય તક જતી નહોતા કરતાં : 'અરે આભા, તારા પ્રીતાંકમાં 'કલ્ચર' જેવું કશું છે ખરું ? જોને ફૂલફટાકિયો થઇને ફર્યા કરે છે. બર્થ ડેના દિવસે રૂપિયા દસ હજાર મિત્રો પાછળ ખરચી નાખ્યા. મોટો માલેતુજારનો દીકરો ન જોયો હોય તો. એનાં કરતાં આપણો ગીતાંક લાખ દરજ્જે સારો. વાપરવા પૈસા આપ્યા હોય તો પણ એમાંથી બચાવીને આપણને પૈસા પાછા આપે.' આભાદેવી તરત જ ગૌરવકુમારને બોલતાં અટકાવી ને કહેતાં : 'અરે પ્રીતાંકની રમવા ખેલવાની ઉંમર છે. થોડો મોટો થશે એટલે આપોઆપ શાંત થઇ જશે. મોટો થઇને પ્રીતાંક આપણું નામ ન કાઢે તો મને ફૂટ કહેજો. તમારો આ દેવદાસ ગીતાંક જિંદગીમાં કશું ઉકાળવાનો નથી.'
નાનપણથી જ આવા અણગમતા સંવાદો ગીતાંક સાંભળતો આવ્યો હતો. ક્યારેક તો શાળામાં એ એકલો-એકલો રડી પડયો હતો. દાદીમા ગીતાબા ગીતાંકનું દર્દ જાણતાં હતાં. પરંતુ ગીતાંકનો પક્ષ લઇને આભાદેવીને ઠપકો આપવાનું જોખમ તેઓ લઇ શકે તેમ નહોતાં. તેઓ હૃદયની બીમારીને કારણે આભાદેવીનાં સંપૂર્ણ આશ્રિત હતાં. તેઓ ગીતાંકને સમજાવતાં : 'બેટા, હું તારી મમ્મીની દયા પર જીવું છું. શબ્દોનાં બાણ તારે એકલાએ સહેવાં પડે છે એવું નથી. પણ કરવું શું ? તું તો પાંખો ફૂટશે એટલે ઊડીને મનગમતી ડાળે બેસી જઇશ. પણ મારા જેવા ઊડવાની તાકાત ગુમાવી બેઠેલા પંખી માટે માળામાં પડયા રહેવા સિવાય બીજો રસ્તો શો છે, બેટા ? અને પ્રીતાંક તારો નાનો ભાઈ છે એ આજે નહીં તો થોડો મોટો થઇને પણ તારું મહત્વ સમજી જશે.'
અને હકીકતમાં પ્રીતાંકને મોટાભાઈ ગીતાંક સામે કોઈ ફરિયાદ જ નહોતી. એ તો પોતાની મસ્તીમાં જ મસ્ત હતો. મોટોભાઈ ગીતાંક એક નંબરનો મૂજી છે એવું આભાદેવી વારંવાર બોલતાં હતાં એટલે પ્રીતાંક તેની પાસે જતો નહોતો. બાકી બીજી કોઈ રીતે તે ગીતાંકનું અપમાન કે તેની અવહેલના નહોતો કરતો. ગીતાંકને પ્રીતાંક ખૂબ જ વહાલો હતો. તે પણ તેનાં નિર્દોષ તોફાન-મસ્તી જોઇને ખૂબ ખુશ થતો હતો.
એક દિવસ મંદિરેથી દેવદર્શન કરીને પાછા વળતાં આભાદેવીની કારને અકસ્માત નડયો અને આભાદેવીનું સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઊડી ગયું.
આભાદેવીના અચાનક ચાલ્યા જવાથી નાના પુત્ર પ્રીતાંક પર ખૂબ જ માઠી અસર પડી હતી. ગૌરવકુમાર પણ આઘાતમાં સરી પડયા હતા. ઘરનું વાતાવરણ શોકમય બની ગયું હતું. ગીતાંક બધાંને સંભાળતો હતો. ગીતાંક પણ એટલો મોટો નહોતો કે પોતાના પપ્પાની જવાબદારી સંભાળી શકે. પણ દાદીમા ગીતાબાની સલાહ પ્રમાણે પપ્પાજી ગૌરવકુમારની પણ સંભાળ રાખતો હતો. દિવાળીના દિવસો નજીક હતા... નાનકડા પ્રીતાંકનું મન ફટાકડામાં હતું. પણ પપ્પા ગૌરવકુમારનો કડક આદેશ હતો 'હવે ક્યારેય આ ઘરમાં દિવાળી નહીં મનાવાય. ગીતાંક, તું પ્રીતાંકને સમજાવી દેજે. નહીં તો એ મારા હાથની થપ્પડ ખાશે. તારી મમ્મીએ જ એને અતિશય લાડ કરીને બગાડી મૂક્યો છે.' ગૌરવકુમારની વાત સાંભળી પ્રીતાંક ધૂ્રસકે ને ધૂ્રસકે રડવા માંડયો હતો. એ સુનમુન બેસી રહેતો હતો. કોઈ સાથે વાતચીત કરતો નહોતો. બે હાથ જોડીને ભગવાન સાથે વાત કરતો : 'હે ભગવાન, તમે મારી મમ્મીને કેમ તમારી પાસે બોલાવી લીધી ? હું એકલો પડી ગયો છું. આ ઘરમાં બીજું કોઈ મને પ્રેમ નથી કરતું. કાશ હું મમ્મી સાથે ગાડીમાં હોત અને મારું પણ મૃત્યુ થઇ ગયું હોત તો સારું.'
પ્રીતાંકના શબ્દો સાંભળી ગીતાંકનો જીવ કપાઈ જતો હતો. એટલે પ્રીતાંકને ભેટીને ગીતાંક પણ રડવા માંડયો. ગીતાંકને રડતો જોઇને પ્રીતાંક વધારે રડવા લાગ્યો, 'ભાઈ, આજે હું તમારી સાથે સૂઈ જઈશ, તમે મને તમારી સાથે જ રાખશો ને ? મને મમ્મી વગર બહુ બીક લાગે છે.' પ્રીતાંકની વાત સાંભળી ગીતાંકે તેને છાતી સરસો ચાંપીને કહ્યું : 'પ્રીતાંક, તું અને હું કાંઈ જુદા થોડા છીએ ? જ્યાં હું ત્યાં તું. તારે જરાય ડરવાની જરૂર નથી હું માત્ર તારો મોટોભાઈ છું એવું ના માનતો. તને જે કરવાનું મન થાય તે કરજે. તું મને તારી મમ્મી માની લે, આજથી હું તારી મમ્મી. બસ એક જ તકલીફ છે કે, હું મમ્મીની જેમ સાડી નહીં પહેરી શકું.' અને ભાઈની આવી વાત સાંભળી પ્રીતાંક ખડખડાટ હસી પડયો અને મોટાભાઈની કોટે વળગી પડયો.
બસ ત્યારથી ગીતાંક નાનાભાઈનો પડછાયો બની ગયો હતો. પ્રીતાંકની બધી જવાબદારી ગીતાંકે ઉપાડી લીધી હતી. સવારે ઉઠાડી, ચા-નાસ્તો કરાવી, નવડાવી તૈયાર કરી સ્કૂલે મૂકવા જવાનું કામ પણ ગીતાંકે ઉપાડી લીધું હતું. પ્રીતાંકે લેશન કર્યું છે કે નહીં, તેણે રીસેસમાં નાસ્તો કર્યો હતો કે નહીં બધું ધ્યાન ગીતાંક રાખતો હતો.
ગૌરવકુમાર ઘણીવાર ગીતાંકને ઠપકો પણ આપતા કહેતા : 'ગીતાંક, હું જોઉં છું કે ઘણાં સમયથી તું તારા અભ્યાસને ભોગે પ્રીતાંક પાછળ બહુ સમય આપે છે. પહેલાં એને આભાએ બહુ લાડ કરીને બગાડયો હતો હવે તું એને ફટવી રહ્યો છે.' ત્યારે ગીતાંક કહેતો : 'પપ્પાજી, એ નાનો છે એનો આ નાજુક સમય છે એને સાચવી લેવાનું બહુ જરૂરી છે. મમ્મીની એને જરાપણ ખોટ ન સાલે તે જોવાનું કામ આપણું છે. તમે જરાપણ ચિંતા ન કરશો નહીં.
મારો કોલેજનો અભ્યાસ બગડશે કે નહીં, પણ મારો નાનો ભાઈ બગડશે- એની મને વધુ ચિંતા છે.'
દિવાળીના દિવસો નજીક આવી પહોંચ્યા હતા. પ્રીતાંક તેના સમવયસ્ક દોસ્તોને ફટાકડા ફોડતો જોઇને ઉદાસ મને ઓટલા પર બેઠો હતો. આભાદેવીના અવસાનને બે મહિના પૂરા થઇ ગયા હતા. 'પણ ઘરમાંથી શોકનું વાતાવરણ એવું ને એવું હતું. નાનકડા પ્રીતાંકને ઉદાસ જોઇને ગીતાંકનો જીવ બળતો હતો. એક દિવસ સવારે એ પપ્પા ગૌરવકુમાર પાસે ગયો. ગૌરવકુમારે તેને પોતાની પાસે બેસાડયો અને કહ્યું : 'બેટા, કેમ આજે પપ્પાની યાદ આવી ? પ્રીતાંકની સેવામાંથી ફુરસદ મળી ખરી ! તારી મમ્મી વગર હું કેટલો ઉદાસ છું એનો ખ્યાલ તેં કર્યો છે ખરો ?''
ત્યારે શાંતચિત્તે પપ્પાને સાંભળી રહેલા ગીતાંકે કહ્યું : 'પપ્પાજી, હું તમારા દુ:ખથી અજાણ નથી. પણ પ્રીતાંક નાનો છે, અણસમજુ છે મમ્મી એનો પડછાયો બનીને જીવતાં હતાં એટલે એને અત્યારે સથવારાની વધારે જરૂર છે. પપ્પા, તમારું અને પ્રીતાંકનું દુ:ખ ઓછું કરવા તો હું આવ્યો છું. ક્યાં સુધી આમ ભૂતકાળના વિષાદમય પડછાયાની ચાદર ઓઢીને જીવ્યા કરશો. દિવાળીના દિવસોમાં ય એક દીપક પ્રગટાવવાની કેમ ના પાડો છો પપ્પા ? પપ્પા પ્લીઝ, પ્રીતાંક ખાતર ઘરના વાતાવરણમાં ફેરફાર લાવવાની બહુ જરૂર છે.' ગૌરવકુમારને વિચારતાં કરી મૂકે એવા ડાયલોગ કહીને ગીતાંક ત્યાંથી ચાલ્યો ગયો.
અમાવાસ્યાના અંધકારની સવારી આવી રહી હતી. આસપાસના ઘરોમાંથી બાળકોનો શોરબકોર સંભળાઈ રહ્યો હતો. ફટાકડા, તારામંડળ, ફૂલઝડી, બોમ્બ, તડતડિયાં લઇને બાળકો પોતપોતાના ટેનામેન્ટના કમ્પાઉન્ડમાં ભાગદોડ કરી રહ્યાં હતાં.
અને ગીતાંકની નજર એકાએક પ્રીતાંકને શોધવા લાગી. પ્રીતાંક બધું ભૂલીને બીજા બાળકો સાથે એકાકાર થઇ ગયો હતો. બીજા બાળકોને ફટાકડા ફોડતાં જોઇને તે તાલીઓ પાડતો હતો.
ગીતાંક દોડતો અંદર જઇને દાદીમાને બોલાવી લાવ્યો : 'દાદીમા, જુઓ આપણો પ્રીતાંક સાવ બાળક બની ગયો છે. બીજા બાળકોને ફટાકડાં ફોડતાં જોઇને કેવો ખુશ થાય છે.... પણ પોતે ફટાકડા માગતો નથી. આટલી સમજ એનામાં આવી ગઈ છે. ક્યાં ગયો આપણો પહેલાંનો જિદ્દી પ્રીતાંક ! દાદીમા, તમે પપ્પાને સમજાવોને તો હું પ્રીતાંક માટે ફટાકડા અને મીઠાઈ લઇ આવું.' ગીતાંકની આ વાત પાછળ ઊભેલા તેના પપ્પા ગૌરવકુમાર સાંભળતા હતા. તેઓ તાડૂક્યા : 'ખબરદાર જો, ફટાકડા ફોડવાનું નામ લીધું છે તો. અને મીઠાઈ ? ગીતાંક તને થયું છે શું ? તારી મમ્મીનાં અવસાનનો તને સહેજ પણ ખેદ નથી. એ તને પ્રેમ નહોતી કરતી એટલે તું એને યાદ નથી કરતો ? તું ઉદાસ નથી ? બેટા, મૃત્યુનો મલાજો રાખતાં શીખ. તું કાંઈ નાનો નથી.'
ુપપ્પાની દિલને ચોંટી જાય એવી વાત સાંભળી ગીતાંક રડી પડયો : 'પપ્પાજી, તમે શું બોલ્યા ? મમ્મી તો મને ખૂબ જ વહાલા હતાં. હું તમારાં બધાંના દુ:ખ ઓછાં કરવાનો પ્રયત્ન કરું છું. મારું દુ:ખ હું કોને કહું ? પ્રીતાંકને જોઇને મારો જીવ બળે છે. પ્રીતાંકને દુ:ખી જોઇને મમ્મીનો આત્મા દુ:ખી થશે પપ્પા, પ્રીતાંકને ખુશ જોઇને મમ્મીનો આત્મ ખુશ થશે. તમે પરમીશન આપો તો હું પ્રીતાંક માટે ફટાકડા લઇ આવું.'
પપ્પાના ઉત્તરની રાહ જોયા વગર જ ગીતાંક બજાર જવા ઉપડી ગયો. થોડીવાર પછી ગીતાંક પાછો આવ્યો. ગૌરવકુમાર ઉદાસ વદને આરામખુરશીમાં ઓટલા પર બેઠાં હતાં. અચાનક તારામંડળ સાથે ગીતાંક આવી પહોંચ્યો... ગૌરવકુમારને લાગ્યું કે કોઈ પાછળથી આવીને એમની કોટે વળગી ગયું છે.
ગીતાંક તારામંડળ લઇને એમની આંખો આગળ ધરી રહ્યો હતો.
ગૌરવકુમારે કરડાકીભર્યા સ્વરમાં કહ્યું : 'ગીતાંક, આ બધું શું તોફાન માંડયું છે ? કૉલેજમાં આવ્યો છતાં તારામાં ગંભીરતા ના આવી.'
પણ ગીતાંકે આજે પપ્પાજીની એકપણ વાત નહીં માનવાનો સંકલ્પ કર્યો હતો.
ગીતાંકે પ્રીતાંકને બૂમ પાડીને બોલાવ્યો. 'પ્રીતાંક અહીં આવ પપ્પા પાસે બેસ. જો હું તારા માટે જાતજાતના ફટાકડા લાવ્યો છું. પપ્પાજી' અંધકાર સે ક્યોં ગભરાયે, આઓ પાપા એક દીપ જલાયે.'
અને વિષાદને અંધકારભરી અમાવાસ્યાની રાતને સોંપીને ગૌરવકુમાર પણ ગીતાંકના હાથમાંનું તારામંડળ ઝૂંટવીને નાચવા માંડયા. ગીતાંક પપ્પાના પલટાયેલા વર્તનને સ્નેહપૂર્વક નિહાળી રહ્યો હતો.


