Get The App

'કભી કભી' ખયાલોં મેં પુલાવ? .

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
'કભી કભી' ખયાલોં મેં પુલાવ?                              . 1 - image

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી

- ફિલ્મની ખરાબમાં ખરાબ વાત એ પણ છે કે ઈન્ટરવલ પછી અમિતાભ એટલો જ કઢંગો, વિચિત્ર અને પોતાનું જ હરતું ફરતું કાર્ટૂન હોય એવો દેખાય છે!

'ક ભી કભી' નામનો ખયાલી પુલાવ આજે પણ જેને પસંદ છે એમણે સંગીતકાર ખૈયામનો આભાર માનવો જોઈએ. અને જેને આજે પણ 'કભી કભી' જોતાં દિમાગનું દહીં થઈ જાય છે તેમણે પણ સંગીતકાર ખૈયામને જ જવાબદાર ગણવા જોઈએ!

કારણ શું? તો મામલો એવો હતો કે પ્રોડયુસર ડિરેક્ટર યશ ચોપરા સાહિર લુધ્યાનવીની એક નઝમ ઉપર ફીદા થઈ ગયા હતા. સાહિર સાહેબે એ નઝમ કંઈ કેટલીયે વાર ઉર્દૂ મુશાયરાઓમાં પેશ કરી હતી. જેમાંથી એકવાર યશજીના કાને પડી... અને ત્યાં જ ચોંટી ગઈ!

એમણે નક્કી કર્યું કે આ નઝમની આસપાસ જ એક ફિલ્મ બનાવવી છે. હવે લોચો એ થયો કે એમની અગાઉની ફિલ્મ 'દીવાર'નું જેણે સંગીત આપેલું એ આરડી બર્મને આ નઝમની ધૂન બનાવવાની કોશિશ તો કરી... પણ પછી ના પાડી દીધી.

યશજી ગયા એનાથી પણ અગાઉ બનાવેલી ફિલ્મ 'દાગ'ના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ પાસે. એમણે તો હાર્મોનિયમ પર હાથ મુકતાં પહેલાં જ નનૈયો ભણી દીધો! એવું જ 'અંદાઝ'ના સંગીતકાર શંકર-જયકિશનવાળા શંકરજી સાથે થયું!

છેવટે કોઈએ કહ્યું કે તમે ખૈયામ સાહેબને આ નઝમ બતાવી જુઓ. કેમ કે, ખૈયામ પોતે ઉર્દૂ શાયરીના બહુ ઊંડા અભ્યાસુ છે... અને લો, ખૈયામ સાહેબે હાર્મોનિયમ ઉપર એ નઝમનો કાગળ મુક્યો અને થોડીવારમાં ધૂન બનાવી કાઢી!

બસ, પછી તો શું? યશજીએ કહ્યું 'આ ફિલ્મનાં તમામ ગીતો હવે તમે જ કંપોઝ કરશો!'

***

તમે કહેશો કે મન્નુભાઈ, આમાં ખૈયામ સાહેબનો વાંક ક્યાંથી આવ્યો? ગાયનો તો હિટ હતાં! પણ મારા સાહેબો, જો ખૈયામે એ ધૂન જ ના બનાવી હોત તો એની આસપાસ વારતા જ ના બની હોત ને?

હવે જો મામલાની ભીતરમાં 'તહેકીકાત' કરવામાં આવે તો અસલી 'મુજરીમ'નું નામ રહી રહીને બહાર આવે છે... જે છે યશજીનાં ધર્મપત્ની, યાને કે પેમિલા ચોપરા! પૂછો ક્યું? કેમકે મિ લોર્ડ, એ ગીતની 'આસપાસ' વાર્તા બનાવવાને બદલે મેડમે કંઈ ભલતી જ વાર્તા બનાવી કાઢી! હવે પત્નીએ બનાવેલી વાર્તા 'વાહિયાત છે' એવું કહેવાની હિંમત ક્યો પતિ કરી શકવાનો હતો?

***

જોકે ફિલ્મમાં સારામાં સારી વાત એ છે કે અમિતાભ બચ્ચન એમાં શરૂઆતની વીસેક મિનિટ સુધી એટલો 'ચિકનો' યાને કે સોહામણો અને હેન્ડસમ દેખાય છે કે વાત ના પૂછો!

પણ ફિલ્મની ખરાબમાં ખરાબ વાત એ પણ છે કે ઈન્ટરવલ પછી અમિતાભ એટલો જ કઢંગો, વિચિત્ર અને પોતાનું જ હરતું ફરતું કાર્ટૂન હોય એવો દેખાય છે! શરૂઆતમાં જે એકથી એક સ્ટાઇલિશ અને હજારોની કિંમતવાળા ફર-કોટ પહેરીને ફરતો દેખાય છે એ જ અમિતાભને ઈન્ટરવલ પછી એવાં ચીતરી ચડે તેવાં નાઇટ ગાઉનો પહેરાવ્યાં છે કે જાણે મુંબઈની ફૂટપાથ પર લાગેલા 'સેલ'માંથી ઉપાડી લાવ્યા હોય!

એમાંય વળી બચ્ચન સાહેબની 'ઉંમર' બતાડવા માટે કાન પાસેનાં થોભિયાંમાં દિવાલ ધોળ્યા પછી બચેલો ચૂનો બચ્યો હોય તેની 'સફેદી' લગાડી છે! એટલું ઓછું હોય તેમ મૂછોની જગ્યાએ કાળી સેલોટેપ ચોંટાડીને ઉપર ચૂનાની પીંછી વડે સફેદ લીટા કર્યા છે!

***

ફિલ્મમાં અમિતાભને 'કવિ' બતાડયો છે. એટલે જ્યારે રાખીનાં લગ્ન 'મા બાપના કહેવાથી' બીજે ઠેકાણે થઈ જાય છે ત્યારે આ કવિશ્રી લગ્નની ભેટ રૂપે પોતાનો 'કવિતા સંગ્રહ' આપે છે! તે વખતે અમને થયું, કે હશે, બિચારો કવિ પોતે જ કડકો હોય તો આપી આપીને બીજી શું ગિફ્ટ આપે?

પણ પેલા મોંઘા મોંઘા ફર-કોટ, ઓવરકોટ અને સ્ટાઇલીશ સ્વેટરો એ કવિ ક્યાંથી લાવતા હશે? ત્યારે અમને હતું કે હશે, કવિના કોઈ દોસ્તની ઈમ્પોર્ટેડ ગારમેન્ટની દુકાન હશે.

પણ રાખી પરણી જાય પછી ખબર પડે છે કે બોસ, આ બચ્ચનનો બાપ (ઈફતેખાર) તો આખેઆખી ખનિજ ખોદવાની ક્વોરીનો માલિક છે! સાલું, તો પછી ક્યા હિસાબે રાખીના મા-બાપે અમિતાભને બદલે શશીકપુરની જોડે ચોકઠું ગોઠવ્યું? (પામેલાજી, જવાબ આપે... જનતા જાણવા માગે છે) અને હા, રાખીનાં મા-બાપને તો ફિલ્મમાં ક્યાંય બતાડયાં જ નથી! બોલો.

***

એવું જ મોટું 'હલાડુ' ઘૂસાડવા માટે બીજાં એક મા-બાપ જવાબદાર છે. વાત એમ છે કે નીતુ સિંહ, જ્યારે રિશી કપૂર (જે શશીકપૂર અને રાખીનો દીકરો છે) તેના પ્રેમમાં પડે છે, અને બન્નેનાં રંગેચંગે લગ્ન લેવાનું નક્કી થાય છે ત્યારે નીતુ સિંહના મા-બાપ યાને કે પરીક્ષિત સહાની અને સીમી ગરેવાલને યાદ આવે છે કે 'અરેરે... આપણી દીકરીને તો આપણે દત્તક લીધેલી છે! એટલે હવે તો એને જણાવી જ દેવું જોઈએ...'

હવે તમે જ વિચારો, આ મા-બાપ તો જાણતાં જ હતાં કે બિચારી વહિદા રહેમાન જ્યારે જવાન હતી ત્યારે પરણ્યા પહેલાં જ પ્રેમમાં પડીને પ્રેગનન્ટ થઈ ગયેલી... અને પછી એનો પ્રેમી વિમાન અકસ્માતમાં મરી ગયેલો... એટલે જ બિચારીએ દીકરીને દત્તક આપી દીધેલી!

પછી જ્યારે નીતુ સિંહ હરખપદૂડી થઈને 'મુઝે મેરી માઁ સે મિલના હૈ. ઔર પૂછના હૈ કિ તુમને ઐસા ક્યું કિયા...' જેવા સવાલો લઈને અમિતાભના બંગલે પહોંચે ત્યારે નકરાં કકળાટનાં પોટલાં જ થવાનાં ને? (જોકે આવી વાહિયાત વાર્તા બાબતે યશ ચોપરાજી, પોતાના ઘરમાં કકળાટનાં પોટલાં નહીં ઘૂસાડવા માગતા હોયને, એટલે!)

***

અમે જ્યારે 'મૈં પલ દો પલકા શાયર હું' પાછળની કહાણી સાંભળેલી ત્યારે અમારી છાતીમાં સાહિર સાહેબ માટે ખૂબ જ આદરભાવ ઉપજી આવેલો. પણ ફિલ્મમાં 'હેપ્પી એન્ડીંગ' બાજુ લઈ જવા માટે સાહિર સાહેબે પોતાની જ નઝમની 'પેરોડી' લખેલી કે 'મૈં હરએક પલ કા શાયર હું, હર એક પલ મેરી જવાની હૈ...' ત્યારે અમારી છાતી મિનિમમ બાર ઈંચ જેટલી સંકોચાઈ ગયેલી.

અને એટલે જ, 'તેરી ચોટી કો પકડ, લે જાઉંગા મૈં ઘર, ચાહે ચલે છૂરિયાં...' જેવા શબ્દો માટે અમે સાહિર સાહેબને માફ કરી દીધેલા!

***

એમ તો બચ્ચન સાહેબને પણ 'મેરે બાબુજી કા બદલા' લેવાનું ઝનૂન આ જ ફિલ્મથી ચડયું હશે. કેમકે જ્યારે એમણે જોયું કે પોતાના ઘેઘુર અવાજમાં રિસાઇટ થયેલી કવિતા 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...'ને ગાયનોના આલ્બમમાં સમાવી લીધી છે, ત્યારે જ એમણે નક્કી કર્યું હશે કે બાબુજી, યાને કે, હરિવંશરાય બચ્ચનની લખેલી બે ચાર ડઝન કવિતાઓ પોતાના અવાજમાં રેકોર્ડ કરીને શ્રોતાઓને માથે મારવી જ છે!

= 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...'નાં બે વર્ઝન છે. એક ખુશીનું અને બીજું વિરહનું. રસપ્રદ વાત એ છે કે સાહિર લુધ્યાનવીએ આ ઉદાસ વર્ઝન વરસો પહેલાં લખ્યું હતું.

= પરદા ઉપર 'રાખી ગુલઝાર' એવી ક્રેડિટ પહેલીવાર આ ફિલ્મમાં અપાઈ હતી.

= રાખીના લગ્નના દ્રશ્યમાં અમિતાભના માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાયની ઝલક કન્યાદાન કરતાં દેખાય છે!

= 'કભી કભી'ને સંગીત અને પટકથા માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા પણ અભિનય માટે એક પણ નહીં!

= રિશી કપૂર આ ફિલ્મમાં વિકીનો રોલ કરવા તૈયાર નહોતા. એમને ડર હતો કે અમિતાભ બચ્ચન જ છવાઈ જશે પરંતુ શશી કપૂરે રિશી કપૂરને મનાવ્યા હતા.

= શરૂઆતમાં ફિલ્મની વાર્તા અમિતાભ, રાખી, શશી કપૂર અને વહીદા રહેમાનની આસપાસ જ હતી પરંતુ યશ ચોપરાની પત્નીએ એક મેગેઝિનમાં એક માતા પોતાની દત્તક આપી દીધેલી દીકરીને મળે છે એવો લેખ વાંચ્યા પછી તેને 'સબ-પ્લોટ' તરીકે લેવાનું નક્કી થયું... જેના લીધે વાર્તાની આખી 'પથારી' ફરી ગઈ!