- ભારત એટલે તહેવારોની હારમાળાનો દેશ તેમાં પણ લગ્નની સીઝન ઉમેરો એટલે અવિરત ઉજવણી અને ઉલ્લાસના તરંગો સર્જતો આગવો દેશ
- દેશ વિદેશમાં વસતા નાગરિકોમાં આપણી સંસ્કૃતિ માટેનું ગૌરવ વધતું જાય છે : પરંપરા જાળવવાનો મહિમા પણ જોઈ શકાય છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- બીજા તહેવારોમાં ઉપવાસ કે એક ટાણા હોઇ શકે પણ એક દિવાળીનો તહેવાર જ એવો છે કે જેમાં જીભ અને પેટને ખુલ્લા મૂકી દેવાતા હોય છે.
ત હેવારોને લીધે જીવન કેટલું ઉત્સાહમય લાગતું હોય છે. દિવસો પણ જાણે કેટલા ઝડપથી વીતે. હજુ હમણા તો ગણપતિ સ્થાપનનો ઉમળકો અને વિસર્જન નજર સામે તરવરે છે. ત્યારે યાદ આવે કે તે પછી તો નવરાત્રીનાં નવ દિવસો પણ પૂર્ણ થઇ ગયા અને લો આવી ગઈ દિવાળી. આગામી અઠવાડિયું પણ આ જ રીતે પસાર થઇ જશે. ભારતના પૂર્વજો અને ઋષિ પુરુષોએ પ્રત્યેક એક બે મહિને કોઈને કોઈ તહેવાર આવે તેની હારમાળા રચી કમાલની દ્રષ્ટિ અપનાવી છે. સદીઓથી ભારત ગરીબ અને કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. જો કે હવે ભારતને અલ્પવિકસિત કે પૂર્ણ ગરીબ તો ન જ કહી શકાય આમ છતાં ભારતના નાગરિકોમાં વિરાટ જનસંખ્યા ગરીબ ઉપરાંત મધ્યમ વર્ગની પણ છે. મહત્તમ ભારતીય નાગરિકોનું જીવન સંઘર્ષમય અને તનાવભર્યું રહેતું હોય છે. ભારતના નાગરિકો શ્રદ્ધાળુ અને વિવિધ ભગવાન, દેવ, દેવીઓ અને સદગુરુમાં શ્રદ્ધા ધરાવે છે. પ્રત્યેકના આશ્રમો, મંદિરો અને યાત્રા સ્થળો છે. તમામ ધર્મોના તહેવારો પણ ઉમેરીએ તો જાણે ભારત જેટલી તહેવારોની હારમાળા વિશ્વના કોઈ દેશમાં નથી.
હાડમારી અને પડકારોને લીધે ભારતના નાગરિકોના તનાવનો પારો ઉંચે જાય તે સાથે તહેવારનું આગમન થાય અને તહેવાર જાણે ભાગદોડ ભરી જીંદગીમાં સ્પીડ બ્રેકરનું કામ કરે છે. ગરીબ હોય કે તવંગર તેની પોતાની શ્રદ્ધા અને ક્ષમતા પ્રમાણે તહેવાર ઉજવે છે.
તહેવાર પાછળની દ્રષ્ટિ અર્થતંત્રને ધબકતું રાખવાનું પણ છે. ફૂટપાથ પરના ફેરિયાથી માંડી સુપર મોલ બધું ધમધમતું હોય. રૂપિયો એક હાથમાંથી બીજા હાથમાં ફરતો રહે. તેમાં પણ પુષ્ય નક્ષત્ર આવે એટલે સોના ચાંદી બજારમાં ચમક આવે. શુભ પ્રસંગે જ વાહન ખરીદવાનું એટલે વાહનનાં વેપારીઓની કમાણીના પૈડા પણ પુરપાટ ઝડપે ફરે.
જો કે છેલ્લા વર્ષોમાં એક આવકાર્ય લાક્ષણિકતા ઉમેરાઈ છે અને તે છે તહેવારની રાત્રે પરિવાર, મિત્રો કે સોસાયટીમાં સહ ભોજનની ઉજાણી કરવી. તેમાં પણ તહેવાર પ્રમાણે ફરસાણ કે મીઠાઈનો મહિમા છે.તહેવાર નિમિત્તે મેગા ફિલ્મ પણ રીલીઝ થાય. હવે તો ગણપતિ સ્થાપન જેને ઘેર થયું હોય તેમને ત્યાં સ્થાપનના તમામ દિવસે જે સગા સ્નેહીઓ દર્શન કરવા આવે તેઓને ભોજન થઇ જાય તે માત્રામાં અવનવી વાનગીઓ પિરસવામાં આવતી હોઈ દિવાળી પછીના બેસતા વર્ષ જેવો માહોલ જોઈ શકાય છે. આપણે તો પાછા એટલાં ઉત્સવ ઘેલા કે અમેરિકામાં આપણા ભારતીયો કદાચ ન ઉજવતા હોય પણ આપણે ભારતમાં હેલોવીનથી માંડી નાતાલની ઉજવણી પણ સમાન ધોરણે કરીએ.
હવે તમામ તહેવારોમાં વર્ષમાં બે વખત આવતી લગ્નની સીઝન ઉમેરો. કદાચ કોઈ વિદેશીને આ બધા તહેવારો અને લગ્નસરાની માંડીને વાત કરો તો તેઓ કદાચ વિચારતા હશે કે 'તો પછી તમે નોકરી - ધંધો ક્યારે કરો છો.' જો કે આ વિદેશી વ્યક્તિને ખબર નથી હોતી કે ભારતના ૧૦૦ કરોડ જેટલા ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો મોડી રાત્રી સુધી ઉજવણી કરીને વહેલી સવારે કામ ધંધે જવા નીકળી પડે છે. જોડાવું - અળગા થઇ જવું (એટેચ-ડીટેચ) ભારતીય પ્રજાને ભગવદ ગીતા થકી ગળથૂથીમાં મળ્યા છે.
વિદેશમાં વસતા ભારતીયો આપણી સંસ્કૃતિ અને તહેવારોને ત્યાં જીવંત રાખે છે. છેલ્લા વર્ષોમાં તો આ પ્રમાણ આવકાર્ય રીતે વધ્યું છે આમ છતાં તેઓ તહેવાર, લગ્નની સીઝન વખતે ભારતની યાદમાં આંખો ભીની કરી લે છે. વિદેશમાં ભારતની બધી વાનગી, થાળી, ફરસાણ અને નમકીન - ચાટ મળે છે પણ ભારતમાં રેસ્ટોરન્ટનો માહોલ, ખુમચો, તે ભીડ, થોડી અસ્વછતતા અને અબોવ ઓલ માતૃભૂમિની સોડમની ખોટ તેઓને સાલે છે. ભારતમાં રહેતા હતા ત્યારે બારી બહારથી આવતા ટ્રાફિકના, ઢોલ નગારાનાં અને ફેરિયાઓના અવાજ ઘોંઘાટ લાગતો હતો અને ગુસ્સા સાથે બારી બંધ કરી દેવાતી હતી પણ હવે વિદેશની નીરવ શાંતિમાં તે જ ભારતના ઘોંઘાટને સાંભળવા માટે કાન તરસે છે. અજબનો ખાલીપો અનુભવાય છે. આ જ રીતે વિદેશમાં તહેવાર તો ઉજવાય છે પણ તે અવાજ કહો કે ઘોંઘાટ અને ધમધમાટ ક્યાંથી લાવવો. વિદેશમાં હવે નવી પેઢી પણ વિચારતી થઇ છે કે જીવનને માણવું પણ એટલું જ જરૂરી છે. સામાજિક જીવન પણ શ્વાસનું કામ કરે છે. ભારત પરત આવવાના મુખ્ય કારણોમાં ઉજવણી અને સામાજિક મેળાવડા, પરિવાર અને હૃદય સાથેનું જોડાણ કરવું તેનો સમાવેશ થાય છે.
કદાચ મોદી સરકાર આવ્યા પછી સનાતન ધર્મ, આપણા રામાયણ, મહાભારત જેવા ગ્રંથો, ભગવદ ગીતા, ઉપનિષદ, સંસ્કૃત ભાષા અને તહેવારોની ઉજવણી અને માહોલ બેવડાયો છે. ભારત અને ભારતીય સંસ્કૃતિ માટેનું ગૌરવ વધ્યું છે. ફિલ્મો, ઓ.ટી.ટી પ્લેટફોર્મ પરની શ્રેણી અને સ્ટેજ પર પણ આપણા ભગવાન, તત્ત્વ જ્ઞાન, અવતાર, પોડ કાસ્ટિંગ, ભજનો, નામ સંકીર્તનની આગવી દુનિયા ઉભી થઇ છે. વાલીઓ પણ સંતાનોને સંસ્કૃતિના સંસ્કાર આપવામાં રસ બતાવે છે. અગાઉ એક બહોળો વર્ગ પોતાને વધુ સભ્ય, ભદ્ર અને શ્રીમંત તેમજ આધુનિક માનીને મંદિર, તહેવારો, યાત્રા પ્રવાસ તો ગરીબો, શ્રમજીવી અને મધ્યમ વર્ગના નાગરિકો ઉજવે તેવા દંભમાં રાચતા હતા તેઓ પણ હવે ઉજવણીમાં સામેલ થયા છે અને તેમના સંતાનો શાસ્ત્રોના શ્લોક સંસ્કૃતમાં બોલી શકે છે તેનું ગૌરવ અનુભવે છે. તેવી જ રીતે અગાઉના વર્ષોમાં ધર્મ, યાત્રા અને તહેવારો તો વડીલ વયના નાગરિકો અને વૃદ્ધો જ ઉજવે તેવી યુવા પેઢીની માનસિકતા હતી પણ હવે યુવા જગત સત્સંગમાં રસ લેતું થયું છે. તહેવારોની ઉજવણી અને સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ સ્ટેટસ અને ફેશન બનતી હોય તો પણ ભલે.
પ્રત્યેક બદલાતી પેઢીને તેમના જમાનાની દિવાળી જ ઉમળકો અને ઉલ્લાસ આપનારી લાગતી હોય છે. તેઓ તેમની રીતે સાચા પણ હોઇ શકે. પોસ્ટ કાર્ડથી નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવાતી હતી તે પેઢીને વોટ્સ એપથી તત્કાળ પહોંચી જતા અને એક સાથે ગ્રુપમાં મોકલાતા શુભેચ્છા સંદેશથી સંવેદનાના વ્યક્તિગત સ્પર્શનો અભાવ જણાતો હોઇ કંઈક ખટકે છે. ઘરમાં બનતા મઠિયા અને ઘૂઘરાના ધમધમાટની યાદ તેઓને ચાટ અને ભાજી પાઉં આરોગતા વિવશ બનાવી દે છે. તેઓનું કહેવું છે કે આ તો બારેમાસ ખાતા જ હોઈએ છીએ ને.
જો કે નવી પેઢીએ અગાઉની પેઢીનું જોયું અનુભવ્યું નથી એટલે તેઓને તેઓ શું ગુમાવી રહ્યા છે તેનો એહસાસ નથી. આમ જોવા જઈએ તો સિનિયર સીટીઝન અને બાળકો તેમજ યુવાનો વર્ષ દરમ્યાન પ્રસંગો અને તહેવારોમાં મળે છે. લગ્ન પ્રસંગ ધામધૂમ અને જલસા સાથે માણે છે. પ્રવાસ, ફિલ્મો, નાટકો અને વાહન હોઇ હરવા ફરવાની રીતે પણ જૂની પેઢી જીવનને માણે છે. આમ સતત જુના જમાનાનું જ સારુ હતું તે રટણ કરતા રહી દુ:ખી થવાની જરૂર નથી. સતત બે યુગની તુલના કરતા રહેવી કે પછી 'અમારા જમાનામાં તો..'થી શરુ થતા વાક્યો શક્ય એટલા ઓછા બોલવા રહ્યા. સાક્ષી ભાવે બધું જોતા રહેવું અને પરિવર્તન જ સંસારનો નિયમ છે તે ગીતા જ્ઞાન કામે લગાડવું.
અગાઉ જણાવ્યું તેમ ભારતીય સંસ્કૃતિ અને વારસા માટેનું આપણું ગૌરવ વધતું જાય છે. બાળકો અને યુવા પેઢીના હાથમાં તે સલામત હોવા સાથે વિશ્વમાં પ્રસાર પણ પામી રહ્યો છે.
આજે પણ રંગોળી, રોશની, દિવા, શોપિંગ થાય છે. શુભેચ્છા અને મીઠાઈની આપ લે થાય છે. ભલે રેડીમેડ પણ નાસ્તા, નમકીનની જમાવટ તો થાય જ છે. લક્ષ્મી અને ચોપડા પૂજન અને દેવ દર્શનનો તેમજ વડીલોના આશીર્વાદનો મહિમા છે જ. બજારની ભીડ દિવાળીના પર્વના ઉત્સાહનો સેન્સેક્સ બતાવે છે.
દિવાળી અને નવું વર્ષ આપણને રિચાર્જ, રિફ્રેશ અને રીક્રિએટ તો કરે જ છે. બીજા કોઈ તહેવારમાં આવો નવોદય નથી અનુભવાતો.
બીજા કોઈ તહેવાર પછી આપણે રોજિંદા જીવનમાં તરત સેટ થઇ જઈએ છીએ પણ દિવાળી પછી થોડા દિવસો ખાલીપો એક ખૂણામાં ડોકાતો હોય છે.
બીજા તહેવારોમાં ઉપવાસ કે એક ટાણા હોઇ શકે પણ એક દિવાળીનો તહેવાર જ એવો છે કે જેમાં જીભ અને પેટને ખુલ્લા મૂકી દેવાતા હોય છે.
દિવાળીના આ દિવસોમાં જેઓ પરિવારથી દૂર છે કે પછી પૂરતી આવક ન ધરાવતા હોય તેઓને પણ રૂપિયા, મીઠાઈ કે નાસ્તા આપવા જોઈએ. જો વ્યક્તિ કે પરિવારની દિવાળી તેના માપદંડ પ્રમાણે ખુશી કે સંતોષ સાથે વીતશે તો તેનું આખુ વર્ષ પ્રસન્નતા સાથે વીતશે. આ વર્ગને મીઠાઈ કરતા પણ સમાજ તેને સન્માન આપતાં ઉજવણીમાં સામેલ કરે છે તે જ તેઓની ખુશી છે.
સમાજમાં ક્યાંય 'કહીં દીપ જલે કહીં દિલ'નું વાતાવરણ ન હોવું જોઈએ. 'જ્યોત સે જ્યોત જલાતે રહો પ્રેમ કી ગંગા બહાતે રહો.'
જ્ઞાન પોસ્ટ
Spiritually, life is a festival, a celebration. Joy is of the essence of life.


