- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- બહાર જઈને દિવાળી કરનારાં પરિવારોની સંખ્યા વધતી જ જાય છે. એ બધા પરિવારજનોને ગામમાં ઘર છે - પણ જવું - નથી...
'આ વરસે દિવાળીમાં ક્યાં ફરવા જઈશુ ?' આ પ્રશ્ન આજે કોઈ એક પરિવારનો નથી. હવે તો લગભગ બધાં જ પરિવારો દિવાળી બહાર જ કરે છે. આ પ્રથા થઈ ગઈ છે. બહાર જઈને દિવાળી કરનારાં પરિવારોની સંખ્યા વધતી જ જાય છે. એ બધા પરિવારજનોને ગામમાં ઘર છે - પણ જવું - નથી, દાનત નથી, ઈચ્છા નથી. મૂળ સાથે મુલાકાત કરવાના મનસૂબા મોળા પડવા માંડયા છે. જ્યાં વસવાટ છે એ નગરમાં તોતિંગ બંગલા છે પણ ઘર નથી. વસવાટ છે એ જગ્યા નગરમાં છે ત્યાં ગામ નથી. આમ ગામ અને ઘર વગરના નગરમાં સરેરાશ માણસ નિવાસ કરે છે. આર્થિક રીતે એ ગમે તેવો સમૃદ્ધ હોય પણ એ હૃદયથી રાંક છે. એના રોમેરોમે ફૂટતાં સંવેદનનાં ઝીણાં પુષ્પોની સામે કોઈ જોનાર નથી. એ ફૂલની સુગંધ તો કોણ લે ? કોણ એ સુગંધ વિશે પોતાનો પ્રતિભાવ પણ આપે ? - આવા કોરા જળમાં સ્નાન કરવા જેવી, ઝાંઝવાની સધ્ધર સ્થિતિમાં આજનો માણસ નગરવાસી થઈને જીવે છે. ભૌતિક રીતે સદ્ધર પણ અસંતોષની ઊધઈથી તેનું જીવનવૃક્ષ ખોખલું થઈ ગયું છે.
માથેરાનમાં કે દિલ્લીમાં જઈ દિવાળી કરવાથી ઉપર ઉપરનો ઉજાસ, ફટાકડાના પ્રકાશથી મેળવી શકાય, વીજળીનાં અદ્યતન ઓજારોથી મેળવી શકાય પણ ગામડાના ઘરમાં એકલી એકાકી જીવતી માના ચહેરારૂપી કોડિયામાં પ્રગટતા દીવાની તુલનામાં એ અજવાળાં આવી શકે ખરાં ? શરીર ઉપર નૂતન અદ્યતન વસ્ત્રો ધારણ કરવાથી, મોંઘાં આભૂષણોના પરિધાનથી ભલે પ્રસન્નતા પ્રાપ્ત થાય પણ પરિતોષ ક્યાં ? ગામ અને ઘરની દિવાળી પાસે ઓછા પૈસે પરિતોષ અને પ્રસન્નતા બંનેનો મોટો ખજાનો હોય છે... 'દિવાળી ક્યાં કરીશું ?' પ્રશ્ન જ અસ્થાને હતો. દેશ-દેશાવરથી બધા ફરજિયાત ગામમાં દિવાળી કરવા આવે જ એ નિયમ હતો. ઝાંખુ જોતી માની આંખોમાં જે અજવાળું હોય છે તે નગરની રોશની કરતાં વધારે શાતાદાયી હોય છે. માના કંપતા હાથે ચૂલે ચઢેલા કંસારમાં જે જીવનનો સાર ભર્યો છે એવો બોધપાઠ નગરની રાજભોગ તુલ્ય મીઠાઈમાંથી સાંપડતો નથી જ નથી. વિભક્ત પરિવારની કાજુકતરી સંયુક્ત પરિવારની ખીચડીથી ક્યારેય સ્વાદિષ્ટ ના લાગે.બધા જ દીકરા એ નાનકડા ઘરમાં દેશાવટથી દિવાળીએ ઘરે આવે ત્યારે એ ઘર નાનાં ન્હોતાં પડતાં, ક્યારેય એ ખોરડામાં કોઈ સભ્ય એ સંકડાશ ન્હોતી અનુભવી... આજે ગામની અને ગામના એ ઘરની ઉપેક્ષા શા માટે? ત્યારે તો આત્મીય નજરથી સામેનાની સંવેદનાઓ સમજાઈ જતી અને પ્રસન્નતાના વ્યવહારો દ્વારા તહેવારો ઊજવાતા. ખુશીઓનાં ઝરણાં વ્હેતાં.... આખા ગામના ભાઈઓ ભેગા થાય, પરસ્પર મળે. ભાઈચારો એ રીતે અખંડ રહેતો - તે કેમ વિસરાઈ ગયું ?
દિલ્લી અને માથેરાનની દિવાળીમાં મોંઘી હોટલોના બીલ ભેળો કાળી ચૌદસનો કકળાટ હૃદયમાંથી કાઢીને તમે આપી શકવાના નથી. તમે રાખેલી હોટેલની મોંઘી રૂમના મોંઘા સોફા ઉપર બેસી તમે ગામને પાદર જઈ 'મેર મેરૈયા' કાઢી શકવાના નથી. બારીબહાર અને હોટેલની ભીંતો ઉપર ક્યાં સુધી તાક્યા કરશો? એ ભીંતોમાંથી કે બારીમાંથી ગામમાં રહેતાં સ્વજનો, ઘરમાં રહેતા મા-બાપ તમને આશિષ આપવા આવી શકવાનાં નથી... ચાર-પાંચ સગા ભાઈઓ, બે ત્રણ પિતરાઈ ભાઈઓ - બધા ગામમાં આવે - દિવાળી થાય.. એ દિવાળી સાચી દિવાળી હતી. એ સર્વેની સ્નેહસંવેદના આખા વર્ષનું વસાણું બની રહેતી. બધાં બાળકો, વડીલોને ઓળખે. માન-આમન્યા રાખે. સ્નેહ કેળવાય એવી તાલીમ મળતી.
માથેરાન અને દિલ્લીમાં દિવાળી તો થાય, પણ નાના બે સગા ભાઈઓ કોઈ કારણસર રિસાયા હોય, કોઈ વાતે માઠું લાગ્યું હોય તો તેમની સાથે ગામડાની દિવાળી જે મનમેળ કરાવતી - ભેગા કરતી. હવે ગામડે-ઘરે દિવાળી નહિ કરીને આપણે એકમેકના મનથી દૂરના દૂર થતા જઈએ છીએ. દિવાળી મનામણાનું, ભેગા થવાનું એક થવાનું, સંપીલા બનવાનું કેવું મંગલ ટાણું ગણાતું ? 'ભાઈ' કહીને ભાઈને બોલાવીએ એટલે એનો બધો અહમ ઓગળી જાય. પણ આપણે દિવાળી જ ગામના ઘરમાં કરતા નથી. આપણને મજીયારાની માયા જ રહી નથી. અંદરનું જે છે તે સુખ આપી શકે બહારનું એ બહારનું જ હોય છે. તેમાંથી સંતોષ તો ન જ મળે.
દિવાળી બહાર ઉજવવાના કારણોમાં મુખ્ય તો ગામડા-ઘરમાં અગવડ લાગે છે. બેનોને કામ કરવું પડે છે. પુત્રો-પુત્રી-પત્ની બહાર જવાનો આગ્રહ રાખે છે. બંધ ઘરને ખોલવાની સાફસૂફી કરવાની, માને, બાપને રાખવાની ચીજવસ્તુ નવેસરથી લાવવાની વગેરે જફા જણાય છે તેમાં પાછો ખર્ચોય ખરો, અને કામ ઓછુ વત્તુ કરવાના વિવાદો વગેરેમાંથી છટકી જવા, દૂર રહેવા માટે હવે બધાં જ પરિવારો ગામડે દિવાળી કરતાં નથી, પરંતુ આપણાં બાળકો કાકા-કાકી, ભત્રીજા-ભત્રીજી, ફોઈ-ફુઆને ઘર-વાડાખેતરને કેવળ નામથી જ જાણે છે. દાદા-દાદી, મોટાબાપ-મોટાંબાનો આત્મીય પરિચય ઓછો થતો જાય છે. પહેલાં આત્મીયતા કેળવાતી. સંપ ઊભો થતો. એકબીજાને હૂંફ આપી, સમજતો - એકબીજાની કુનેહ, આવડત અને મર્યાદાઓ જાણવા મળતી એનાથી એને સહાયરૂપ થવામાં સગવડો ઊભી થતી. બાળકોનાં દિલ વિશાળ બનતાં- મારાપણાની સરહદો વિસ્તરતી પરિવારપ્રેમની તાલીમ મળતી. પરિવારજનો પ્રત્યે લોહીની સગાઈનું અનોખું આકર્ષણ અમસ્તું ન્હોતું ? એ દિવાળી જેવા ટાણાં દ્વારા પરિવારભાવના સુદ્રઢ થતી બોલો, 'દિવાળી ક્યાં કરીશું ?' પ્રશ્નને ઊભો કરી આપણે સાચે સાચ કેટકેટલું ગુમાવ્યું છે?


