64 યોગિની, 56 કલુવા, 51 ભૈંરોં અને લાંગુરા!

- સનાતન તંત્ર - પરખ ઓમ ભટ્ટ
- પોતાના ગુરુ, મંત્ર અને દેવતા પર જેમનો અતૂટ વિશ્વાસ હોય, એવા અલ્પશિક્ષિત લોકો પણ જ્યારે આનો પ્રયોગ કરે છે ત્યારે સૌથી વધારે લાભદાયી નીવડે છે...
વિ દ્વાનોનો મત છે કે આજ સુધીમાં કુલ સો કરોડથી વધારે શાબર મંત્રોની રચના કરવામાં આવી છે, જેમના વિશે કેટલાક ગ્રંથોમાં માહિતી આપવામાં આવી છે. ઃ
૧. શ્રી મત્સ્યેન્દ્રનાથ રચિત ૩૩ કરોડ ૫૫ લાખ મંત્ર
૨. શ્રી ચરપટીનાથ રચિત ૯ કરોડ ૭ લાખ મંત્ર
૩. શ્રી રેવણનાથ રચિત ૨ કરોડ ૩ લાખ મંત્ર
૪. શ્રી ભર્તરીનાથ રચિત ૭ કરોડ ૪ લાખ મંત્ર
૫. શ્રી નાગનાથ રચિત ૧ કરોડ ૧ લાખ મંત્ર ૬. શ્રી જાલંધરનાથ રચિત ૩૪ કરોડ ૧૨ લાખ મંત્ર. ૭. શ્રી કાનિફનાથ રચિત ૬ કરોડ ૮ લાખ મંત્ર
૮. શ્રી ગોરખનાથ અને શ્રી ગહનીનાથ રચિત ૮ કરોડ ૧૦ લાખ મંત્ર
આ મંત્રોની ખાસિયત એ છે કે તેમાં ૬૪ યોગિની, ૫૬ કલુવા, ૫૧ ભૈંરોં અને લાંગુરાનો ઉલ્લેખ જોવા મળે છે. એમના વિશે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ.
૧. ૬૪ યોગિની ઃ આ વિષય એટલો સુદીર્ઘ છે કે પ્રત્યેક યોગિની અને એમના સ્વરૂપો અંગે સેંકડો લેખ લખી શકાય અને છતાં પેટાળ સુધી તો ન જ પહોંચી શકાય. સાવ સરળ ભાષામાં કહેવું હોય, તો યોગિની એટલે મા આદિશક્તિની સંગિની શક્તિઓ અર્થાત્ એમની સખીઓ. એમના આશીર્વાદ અને કૃપા પણ મહાશક્તિ જેટલા જ ફળદાયી નીવડે છે. ૬૪ યોગિનીઓના નામ ઓનલાઈન માધ્યમો પર સહેલાઈથી ઉપલબ્ધ છે. આમાંના કેટલાક સ્વરૂપો સંપૂર્ણ સાત્ત્વિક, અમુક તદ્દન રાજસિક અને કેટલાક અત્યંત તામસિક છે. દરેક સ્વરૂપોની પોતપોતાની અલાયદી સાધનાઓ પણ છે, જેને મોટેભાગે ગુરુના નિર્દેશન હેઠળ કરવામાં આવે છે. શાબર મંત્રોમાં એમનો ઉલ્લેખ 'જોગિની' તરીકે કરવામાં આવે છે. ગુજરાતમાં આપણે જેને 'જોગણી મા' તરીકે પૂજીએ છીએ, એ વાસ્તવમાં 'યોગિની' જ છે. 'યોગિની'નો અપભ્રંશ થઈને શબ્દ બન્યો 'જોગિની' અને એનો પણ અપભ્રંશ એટલે 'જોગણી'!
૨. ૫૬ કલુવા ઃ રાજસ્થાનની પ્રથા અનુસાર, જો કોઈ સાત મહિનાનું (સતમાસી) બાળક જન્મ્યાનાં ગણતરીના દિવસોની અંદર જ મંગળવાર અથવા શનિવારે અવસાન પામે, તો તેની પ્રેેતાત્માને કલુવા તરીકે ઓળખવામાં આવે છે. આવા મૃતદેહને સામાન્યતઃ અગ્નિદાહ નહીં, પરંતુ જમીનમાં દફન કરવામાં આવે છે. કેટલાક વિધિ-વિધાનો થકી તેના આત્મા પાસે અમુકતમુક કાર્યો કરાવી શકાય છે. વધુ ઊંડાણપૂર્વક વાત કરવી એટલે મુનાસિબ નથી, કારણ કે આ નિમ્ન કોટિની સાધના છે; જે અંધશ્રદ્ધામાં વધારો કરવા ઉપરાંત સંસારના દુષ્કર તથા માયાવી ચક્રમાં વધુ ને વધુ જકડવાનું કામ કરે છે. આમ છતાં, જો જિજ્ઞાાસા હોય તો સુરેન્દ્રનગરમાં થઈ ગયેલાં ઉપાસક સ્વ. મોહનલાલ અગ્રવાલ લિખિત પુસ્તક 'અઘોર નગારા વાગે' માં 'કચ્ચા કલુવા' અંગે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી છે. કઈ રીતે ભગવતી મા તારાની કૃપાને કારણે તેઓ કલુવાથી રક્ષણ પ્રાપ્ત કરી શક્યા, એનો હચમચાવી નાખતો કિસ્સો એમાં વર્ણવાયેલો છે. તદુપરાંત, બ્લેક એન્ડ વ્હાઈટ સાઉથ ઇન્ડિયન ફિલ્મ'બ્રહ્મયુગમ્' જોઈ જવી! 'કલુવા'ને દક્ષિણ ભારતની સ્થાનિક ભાષાઓમાં 'ચાતન' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાતનના વિષયવસ્તુ પર જ આ ફિલ્મ આધારિત છે.
૩. ૫૧ ભૈંરોં ઃ દેવી મા સતીએ જ્યારે એમના પિતા દક્ષ પ્રજાપતિના મહાયજ્ઞામાં આત્મવિલોપન કર્યું, ત્યારે દેવીના શબને પોતાના ખભે ઊંચકીને મહાદેવે તાંડવ મચાવ્યું. પોતાના સુદર્શન ચક્રની મદદથી ભગવાન વિષ્ણુએ સતીના દેહના ૫૧ ટુકડાં કર્યા. આ ભાગો જ્યાં સ્થાપિત થયાં, ત્યાં શક્તિપીઠોની રચના થઈ. સતીના અંગોની સાથોસાથ એ પ્રત્યેક શક્તિપીઠ પર એક-એક ભૈરવની પણ સ્થાપના થઈ. 'ભૈંરોં' અર્થાત્ 'ભૈરવ'! દરેક શક્તિપીઠ પાસે પોતપોતાના ક્ષેત્રપાળ ભૈરવ હોય છે. દાખલા તરીકે, વિશ્વની પ્રમુખ તંત્રપીઠ-શક્તિપીઠમાં જેની ગણના થાય છે એ મા કામાખ્યા (ગુવાહાટી, આસામ)ના ક્ષેત્રપાળ છે 'ઉમાનંદ ભૈરવ'! ૫૧ ભૈરવ-સ્વરૂપોમાંથી કોઈક એક અથવા એથી વધારે ભૈરવનો ઉલ્લેખ મોટાભાગના શાબર મંત્રોમાં જોવા મળે છે.
૪. લાંગુરા ઃ 'લંગૂર'માંથી અપભ્રંશ થઈને બન્યો 'લાંગુરા' શબ્દ! વાનરોની એક પ્રજાતિને લંગૂર તરીકે ઓળખવામાં આવે છે. શાબર મંત્રોના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, હનુમાનજીનો ઉલ્લેખ લાંગુર તરીકે કરવામાં આવે છે.
શાબર મંત્ર અબોધ અથવા જિદ્દી બાળકની ભાષા જેવા હોય છે. આ પ્રકારનું બાળક યેનકેન પ્રકારેણ પોતાનું કાર્ય કરાવીને રહે છે. એવી જ રીતે, જો કોઈ સાધક બાળકની માફક નિષ્કપટ અને નિર્મળ હોય, તો શાબર મંત્રો અત્યંત તીવ્રતા સાથે ફળ આપે છે. પોતાના ગુરુ, મંત્ર અને દેવતા પર જેમનો અતૂટ વિશ્વાસ હોય, એવા અલ્પશિક્ષિત લોકો પણ જ્યારે આનો પ્રયોગ કરે છે ત્યારે સૌથી વધારે લાભદાયી નીવડે છે; કારણ કે તેમના મનમાં શહેરી માનસિકતા નથી હોતી. તેઓ ભગવાન પર સંશય કરવાને બદલે મંત્રને આધીન ઊર્જામાં વધુ વિશ્વાસ ધરાવતાં હોય છે. શાબર મંત્રોના કેટલાક ખાસ પ્રયોગો અને બીજી જાણવા જેવી બાબતો વિશે આવતાં અંકે ગોષ્ઠિ કરીશું.