FOLLOW US

ટૂંટિયું વળી ગયેલા લોકો વચ્ચે ટટ્ટાર ચાલવું

Updated: Mar 18th, 2023


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય મનુષ્યના મૂળભૂત અધિકારો છે. ઇ.સ. ૧૨૧૫ના મેગ્ના કાર્ટો કરાર વડે ઇંગ્લેન્ડના રાજાની અમર્યાદા સત્તા ઉપર અંકુશ મુકાયો હતો

આકરા દિવસો ચાલી રહ્યા છે. ફોનમાં વાત કરતાં ડર લાગે છે. ટ્વીટ કરતાં ડર લાગે છે. જાહેર સ્થળે વાત કરતાં ડર લાગે છે. મંચ પરથી કવિતાપાઠ કરતાં ડર લાગે છે. કોઇ સાંભળી જશે તો ? ટ્રોલિંગ ચાલુ થઇ જશે તો ? કોઇ સંગઠન ધમકી આપશે તો ? સરકારના વાંકમાં આવી જશું તો ? ચૂપ રહેવામાં જ સલામતી છે. હિંદી કવિ બોધિસત્વ કહે છે :

તમે જો વૃક્ષ પેઠે

ચૂપ રહેશો તો

તેઓ તમને તોડીને

પોતાની ખુરશી બનાવી લેશે

વાણિજ્યપ્રિય ગુજરાતી પ્રજાને કેટલીક કહેવતો માફક આવી ગઇ છે. 'આપણે ભલા ને આપણું કામ ભલું,' 'ન બોલ્યામાં નવ ગુણ,' 'સત્તા આગળ શાણપણ નકામું,' 'પાણીમાં રહેવું ને મગર સાથે વેર?'

વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય મનુષ્યના મૂળભૂત અધિકારો છે. ઇ.સ. ૧૨૧૫ના મેગ્ના કાર્ટો કરાર વડે ઇંગ્લેન્ડના રાજાની અમર્યાદા સત્તા ઉપર અંકુશ મુકાયો હતો. ઇ.સ. ૧૭૮૯ના ડેકલરેશન ઓફ રાઇટ્સ વડે ફ્રાંસના નાગરિકોને અધિકારો અપાયા હતા. આવા જ અધિકારો અમેરિકન નાગરિકોને ઇ.સ. ૧૭૯૧માં અપાયા હતા. સ્વતંત્રતા પછી ભારતીયોને પણ મતાધિકાર અને વાણી સ્વાતંત્ર્ય મળ્યાં હતા. આવા અધિકારોની રક્ષા કરવા અહર્નિશ જાગ્રત રહેવું પડે છે. બોધિસત્વની 'તમાશો' શીર્ષક ધરાવતી કવિતા જોઇએ :

તમાશો થઇ રહ્યો છે

અને આપણે

તાળી પાડી રહ્યાં છીએ

મદારી

પૈસાથી પૈસો બનાવી રહ્યો છે

આપણે તાળી પાડી રહ્યાં છીએ

મદારી સાપને

દૂધ પિવરાવી રહ્યો છે

આપણે તાળી પાડી રહ્યાં છીએ

મદારી આપણું લિંગ

બદલી રહ્યો છે

આપણે તાળી પાડી રહ્યાં છીએ

પોતાના જંબુરાનું ડોકું કાપીને

મદારી કહી રહ્યો છે

'તાળી પાડો જોરથી'

અને આપણે

તાળી પાડી રહ્યાં છીએ

'તમાશો' શબ્દની નેગેટિવ અર્થછાયા છે. રસ્તા પરનો મદારી આવા ખેલ કરતો જ હોય છે - હવામાંથી પૈસા બનાવવા, સાપને દૂધ પિવરાવવું, જંબુરાનું (હાથચાલાકીથી) ડોકું કાપવું...પરંતુ આ વક્રવાણી છે. આપણે કલ્પી શકીએ છીએ કે મદારી સત્તાનું પ્રતીક છે - રાજ્યસત્તાનું કે અર્થસત્તાનું કે ધર્મસત્તાનું. આપણને આપણે પડકારીએ છીએ? કે પ્રોત્સાહિત કરીએ છીએ ? જો કે આ કાવ્યનો વિચાર મૌલિક નથી. શરદ જોશીએ 'જાદૂ કી સરકાર' નિબંધમાં આવા પ્રયોગો કરતા જાદુગરને નિમિત્તે ભ્રષ્ટ સરકાર ઉપર કટાક્ષ કર્યા જ હતાં.

મનુષ્ય દ્વારા મનુષ્યનું દમન ઇતિહાસમાં અપવાદ નહિ પણ નિયમ છે. જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું તે દિવસથી બીજા વિશ્વયુદ્ધનો આરંભ થયો. કવિ ઝબિગ્નેફ હર્બર્ટ, પોલેન્ડ વતી નાઝીઓ સામે લડયા હતા. યુદ્ધ પછી પોલેન્ડનો પ્રદેશ રશિયાએ પચાવી પાડયો. સામ્યવાદી સરમુખત્યારશાહીને લીધે પોલેન્ડમાં વાણી સ્વતંત્ર્ય ન રહ્યું. આવા ડરામણા દિવસોમાં હર્બર્ટની કવિતા ઠંડી તાકાત દર્શાવે છે :

જા, ટટ્ટાર થઇને,

ઘૂંટણિયે ફસડાઈ પડેલાંની વચ્ચે થઇને,

પૂંઠ ફેરવી લીધેલાંની વચ્ચે થઇને,

ધૂળ ચાટતાં થયેલાંની વચ્ચે થઇને.

તને ઉગારવામાં આવ્યો છે :

જીવવા માટે નહિ

પણ ગવાહી આપવા માટે

તિરસ્કારજે ખબરીઓને,

બાયલાઓને, જલ્લાદોને

ક્ષમા ન કરીશ.

જેમનો દ્રોહ કરાયો છે

તેમના વતી ક્ષમા કરવાનો

તને અધિકાર નથી.

પર્વત પરનું અજવાળું ઇશારો કરે

ત્યારે તું ઊભો થઇને ઊપડજે

ઉચ્ચારજે મનુષ્યત્વના પુરાતન મંત્રો

ઉચ્ચારજે ફરી ફરી મહાન શબ્દો

તો જ તને બેસવા મળશે

અસીમ રાજ્યના રક્ષકો સાથે

ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત સાથે

હામ રાખ,

જા, ટટ્ટાર થઇને

ટૂંટિયું વળી ગયેલા લોકો વચ્ચે ટટ્ટાર થઇને ચાલવું એ જેવા તેવાનું કામ નથી. ફૂટબોલના મેદાનમાં ઇરાનનું રાષ્ટ્રગીત વાગે ત્યારે ચૂપ રહેવું એ જેવા તેવાનું કામ નથી. ટિયાનાન્મેન સ્કવેર પર રણગાડીઓની પલટન ધસી આવી ત્યારે સીના તાન કે એકલા ઊભા રહેવું એ જેવા તેવાનું કામ નથી. કવિ આવાહન કરે છે - તારે ગવાહી આપવાની છે. એલેક્ઝાંડર સોલ્ઝેનિત્સિને સોવિયેટ યાદના છાવણી - ગુલાગની ગવાહી આપી હતી. એને ફ્રાંકે નાઝીઓના નરસંહારની ગવાહી આપી હતી. કરસનદાસ મૂળજીએ મહારાજ વડે કરાતા ધાર્મિક શોષણની ગવાહી આપી હતી. જલ્લાદોનો પ્રતિકાર કરવાની કોઇ જાદુઈ જડીબુટ્ટી નથી. સત્ય, સાહસ અને સ્વાતંત્ર્યના શાશ્વત શબ્દો વડે જ તેમનો પ્રતિકાર થઇ શકે. મહાન પૂર્વજોની હારોહાર બેસવાનો આ જ માત્ર ઉપાય છે.

ક્યારેક સત્તાધીશોના પ્રચારથી મતિ બહેર મારી જાય. જ્યોર્જ ઓવરવેલની નવલકથા 'નાઇનટીન એટી ફોર'માં સરકારનાં સૂત્રો હતાં - 'યુદ્ધ એ જ શાંતિ છે' 'ગુલામી એ જ આઝાદી છે' 'અજ્ઞાન આપણી શક્તિ છે.' કોઇ ટિપ્પણી કર્યા વગર તમારી સામે 'સુખ સૂચક શિલાલેખ' શીર્ષક ધરાવતી બોધિસત્વની ત્રીજી કવિતાનો અંશ રજૂ કર્યો છે :

રાજ્ય દ્વારા

સૂચિત કરવામાં આવે છે કે

પ્રજા બધી રીતે સુખી છે

સૂચિત કરવામાં આવે છે કે

સુખી પ્રજા પાસે બધું જ છે

જે અને જેટલું રાજા પાસે છે

પ્રધાનો પાસે છે

અધિકારીઓ પાસે છે

સૂચિત કરવામાં આવે છે કે

હવે સત્યનું શાસન છે

રાજ્યમાં કોઇ નિર્ધન નથી

રાજ્યમાં કોઇને શોક નથી

સૂચિ કરવામાં આવે છે કે

રાજ્યમાં જે દુઃખી હોય

તે રાજદ્રોહી છે

સરકારી સેવકોને અધિકાર

આપવામાં આવે છે

કે દુઃખ દર્શાવનારને સમજાવવો

કે અલગ-અલગ નથી હોતાં

સુખ અને દુઃખ

સૂચિત કરવામાં આવે છે કે

પ્રજાના દુઃખે

દુઃખી થાય છે રાજા

માટે રાજાને સુખી રાખવા

પ્રજા ભૂલી જાય પોતાનાં દુઃખ

સૂચિત કરવામાં આવે છે કે

દુઃખ અને દુઃખી પ્રજાને માટે

રાજ્યમાં સ્થાન નથી હવે

કોઇ દુખિયારાની સહાય કરવી

રાજદ્રોહ છે

સૂચિત કરવામાં આવે છે કે

શિલાલેખ અને તેની

સૂચનાઓ પર અવિશ્વાસ

કે આશ્ચર્ય પ્રકટ કરવાં

રાજદ્રોહ છે.

Gujarat
News
News
News
Magazines