Updated: Mar 19th, 2023
- રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના!
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- અમેરિકાના પોર્ટલેન્ડમાં જન્મેલા ડિક ફોસ્બરીને ઊંચી કૂદમાં પરંપરાગત પદ્ધતિઓ અનુકૂળ ના આવી તો તેમણે આગવી પદ્ધતિ વિકસાવી ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો
ર સ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ! અમૃત ઘાયલની આ પંક્તિઓ ભાવિ નાગરિકોને નવા સ્ટાર્ટઅપ માટે સ્ટાર્ટઅપ શબ્દના જન્મ પહેલેથી પ્રેેરણા આપતી રહી છે ! પ્રત્યેક મહાન વ્યક્તિની વિશેષતા એ છે કે, તેઓએ પરંપરાગત માર્ગો અને વિચારોથી અલગ જઈને કશું નવું કરવાની કોશીશ કરી. જે કાળની કેડીએ એક સમયે નવીન અને અપ્રચલિત મનાતું તે જ સફળતાનો રાજમાર્ગ બની રહે છે. આવું જ કંઈક અમેરિકાના ઊંચી કૂદના ખેલાડી રિચાર્ડ ડગ્લાસ ફોસ્બરી સાથે પણ બન્યું હતુ. તેમને તેમના સમયમાં પ્રચલિત એવી ઊંચી કૂદની તમામ પદ્ધતિઓમાંથી કોઈ અનુકૂળ ન આવી અને આ જ કારણે તેમણે એક નવી જ પદ્ધતિ વિકસાવી, જેમાં ખેલાડી ઊંચી કૂદમાં જમીનને સમાંતર ઊંચાઈ પર આડા બાંધેલા વાંસ પરથી પહેલા માથુ, પછી ખભા અને છેલ્લે પગને પસાર કરે છે. આ સમયે તેનો ચહેરો આકાશ તરફ રહે છે અને તે પીઠના ભાગે ઉતરાણ એટલે કે લેન્ડ થાય છે.
ડિક ફોસ્બરીએ વિકસાવેલી આ ફોસબરી ફ્લોપ પદ્ધતિ તેના નામ કરતાં વિપરિત એટલી તો સુપરહિટ બની કે, આજે પણ ઊંચી કૂદના ખેલાડીઓની તે પહેલી પસંદ બની રહી છે. ફોસ્બરીએ જોયું કે તેમની પ્રતિભા તત્કાલીન પ્રચલિત પદ્ધતિઓના માપદંડમાં તો ક્યાંય બંધ બેસે તેવી નથી. પોતાની મર્યાદામાં રહીને શ્રેષ્ઠ પરિણામ મેળવવાના વિચારને પગલે જ ફોસ્બરી ફ્લોપ પદ્ધતિનો જન્મ થયો અને આ ફ્લોપ શબ્દ જે ભલભલા માટે ડિપ્રેશન અને ચિંતાનો વિષય બની રહે છે, તેણે જ ફોસ્બરીને રમતોના ઈતિહાસમાં સર્વકાલીન ચિરંજીવ સ્થાન અપાવ્યું છે. તેમની અનોખી શોધને કારણે ટ્રેક એન્ડ ફિલ્ડની ઊંચી કૂદની રમતની તો સીકલ જ બદલાઈ ગઈ.
હાલમાં ઊંચી કૂદનો વિશ્વવિક્રમ આઠ ફૂટ અને ચાર ઈંચ ઊંચાઈને પાર કરવાનો છે, જે ક્યુબાના જેવિયર સોટોમેયરે ૧૯૯૩માં ફોસબરી ફ્લોપની મદદથી જ નોંધાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં રેકોર્ડ અનુસાર ઈ.સ. ૧૯૭૮ પછી જેટલા પણ ઊંચી કૂદના વિશ્વવિક્રમો નોંધાયા કે ઓલિમ્પિકમાં જે ખેલાડીઓ વિજેતા બન્યા તેની પાછળ એકમાત્ર ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ જ કારણભૂત હતી. આ પદ્ધતિ વૈજ્ઞાનિક રીતે અને માનવીય હલનચલનને કુદરતી રીતે જ એટલી અનુકૂળ છે કે, એકવાર તેમાં મહારત હાંસલ થઈ જાય પછી તો તે ખેલાડીને હરાવવો મુશ્કેલ બની જાય છે.
અમેરિકાના ઓરેગનમા આવેલા પોર્ટલેન્ડમાં એક ટ્રક ડ્રાઈવર અને શિક્ષિકાના પરિવારમાં જન્મેલા રિચાર્ડ ડગ્લાસ ફોસ્બરીને નાનપણથી જ સ્પોર્ટસનો શોખ. અમેરિકામાં ઓરેગનના પોર્ટફિલ્ડમાં આવેલા મેટફોર્ડમાં જ તેમનું બાળપણ પસાર થયું. તેમણે શરૂઆતમાં બાસ્કેટ બોલ અને ત્યાર પછી અમેરિકન ફૂટબોલ પર હાથ અજમાવ્યો. જોકે, બંનેમાં તેમની પ્રતિભાને સરેરાશ ગણાવવામાં આવી અને સ્કૂલ લેવલથી તેઓ આગળ વધી ના શક્યા. આખરે તેમણે હાઈસ્કૂલમાં આવતાની સાથે ઊંચી કૂદની રમતને અપનાવી. તે સમયે ઊંચી કૂદમાં પશ્ચિમી ગબડ પદ્ધતિ અને કાતર પદ્ધતિ જ મુખ્યત્વે પ્રચલિત હતી.
કાતર પદ્ધતિમાં ખેલાડીએ કાતરની જેમ એક પગે જમ્પ લીધા બાદ બંને પગને વારાફરતી વાંસને પાર કરાવવાના હોય છે. જેમાં ખેલાડીનું કમરથી ઉપરનું શરીર સીધુ રહે છે અને તેનું ઉતરાણ પગ પર જ થાય છે. આ અત્યંત મુશ્કેલ પદ્ધતિ મનાય છે. જ્યારે પશ્ચિમી ગબડ પદ્ધતિમાં ખેલાડીએ વાંસને ઓળંગતી વખતે શરીરને પણ ફેરવવાનું હોય છે, જે એક પ્રકારે જિમ્નાસ્ટીક જેવું વધુ લાગે છે. ફોસબરીએ ઘણી મહેનત કરી પણ આ પદ્ધતિઓ થકી તેના કૂદકામાં કોઈ સુધારો ના થઈ શક્યો અને તેઓ શાળાકીય સ્તરના જ ખેલાડી રહી જશે તેમ મનાતું હતુ. તેમણે દેખાવ સુધારવા માટેનો નવો રસ્તો શોધવા લાગ્યા.
ફોસ્બરીની સફળતા ભાગ્યને આધારિત નહતી. તેમના કોચીસ પણ તેમને એક સરેરાશ ખેલાડી તરીકે જ જોતા. જોકે તેઓ લોકોના મંતવ્યોને આધારે પોતાની પ્રતિભાનું મૂલ્યાંકન કરવા ઈચ્છતા નહતા અને આ જ કારણે પોતાની મર્યાદામાં રહીને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેમણે નવી સ્ટાઈલ - પદ્ધતિને અજમાવવાનો વિચાર કર્યો. તેમને લાગ્યું કે, જો કૂદકો લગાવ્યા બાદ પહેલા માથુ અને કમર સુધીના ભાગને સમતલ વાંસને પાર લઈ જવામાં આવે અને ત્યાર બાદ બંને પગને સાથે ઉંચકીને કૂદકો પૂરો કરવામાં આવે તો તે વધુ અસરકારક બની રહેશે. આ પ્રકારના કૂદકામાં ચહેરો આકાશ તરફ રહે અને ખેલાડીનુ ઉતરાણ પીઠ પર થાય.
જેમ તળાવમાંથી માછલી કુદીને હોડીમાં આવી ચડે ત્યારે જેવી સ્થિતિ હોય તેવી જ સ્થિતિ આ પ્રકારના કૂદકા વેળાએ થતી. ફોસ્બરી ભાગ્યશાળી હતા કે, તેમને આવો વિચાર આવ્યો ત્યારે જ અમેરિકામાં ઊંચી કૂદમાં જે ઉતરાણનો વિસ્તાર હતો તેમાં પરિવર્તન આવ્યું. શરુઆતમાં માટીમાં અને ત્યાર બાદ પોચા લાકડાને છોલી નાંખીને જે ભૂકો તૈયાર થતો તેનો ઉપયોગ ખેલાડીના ઉતરાણ માટે થતો. આ જ કારણે ફોસ્બરીને તેમની નવી પદ્ધતિના ઉપયોગમાં ઈજા પણ થતી. જોકે ફોસ્બરીએ નવી પદ્ધતિનો પ્રયોગ શરુ કર્યો તેની સાથે જ અમેરિકામાં ઊંચી કૂદના ખેલાડીના ઉતરાણ માટે વધુ પોચા રબરનું વિશાળ ગાદલું મૂકવાનું શરુ કર્યું. જે ફોસ્બરી માટે રાહતની બાબત બની.
કોલેજના સ્તરની સ્પર્ધામાં ડિક ફોસ્બરીએ તેમની નવી પદ્ધતિનો પ્રયોગ જારી રાખ્યો. અન્ય પદ્ધતિ કરતાં તેમની પદ્ધતિમાં ફરક એ હતો કે, ફોસ્બરી ફલોપમાં જેમ જમીનથી સમતલ વાંસને ઊંચો લઈ જવાતો એટલે કે જેમ ઊંચાઈ વધતી તેમ કૂદકાનું સ્થાન દૂર જતું. તે સમયની અન્ય પદ્ધતિમાં ખેલાડી કૂદકાનું સ્થાન એક જ રહેતું. વળી, તેમની કૂદ પહેલાની દોડ પણ અંતમાં વક્રાકાર એટલે કે હોકી-સ્ટીક જેવી હતી. આ જ કારણે ફોસ્બરીની ટેકનિક અન્ય ખેલાડીઓને ભારે પડવા લાગી. તેમણે ૧૯૬૮માં મેક્સિકો ઓલિમ્પિક અગાઉ બે વખત યોજાયેલી ટ્રાયલ્સમાં શાનદાર દેખાવ કરતાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી લીધું.
મેક્સિકો સિટીમાં યોજાયેલી ૧૯૬૮ના ઓલિમ્પિકની ફાઈનલમાં ડિક ફોસબરીએ તેમની નવી પદ્ધતિથી આકર્ષણ જમાવતા ધુરંધરોને હંફાવ્યા. ચાર કલાક ચાલેલી રોમાંચક સ્પર્ધાને અંતે આખરે ફોસ્બરી અને તેનો સાથી ખેલાડી એડ કાર્થેસ સ્પર્ધામાં ટકી રહ્યા હતા અને આખરે ફોસ્બરીએ સુવર્ણ સફળતા મેળવી બધાને દંગ કરી દીધા. તેમણે સાત ફૂટ અને એક ઈંચ ઊંચાઈને પાર કરતાં તે સમયનો અમેરિકન અને ઓલિમ્પિક રેકોર્ડ પણ સર્જ્યો હતો. તે સમયે કેટલાક પરંપરાગત ઊંચી કૂદના નિષ્ણાતોએ ડિક ફોસ્બરીની પદ્ધતિની ટીકા કરતાં તેને 'આળસુ કુદકાબાજ' તરીકે પણ ઓળખાવ્યા હતા. જોકે, દુનિયાભરના કોચીસ અને ખેલાડીઓએ તો તેમની આ પદ્ધતિને બંને હાથથી અપનાવી લીધી.
અમેરિકામાં ડિક ફોસ્બરીનો ભારે આદર-સત્કાર થયો અને તેમને જુદા-જુદા માન-સન્માન પણ આપવામાં આવ્યા. ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક બાદ તેમણે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઈજનેરી સ્નાતક બન્યા પછી વ્યવસાય પણ શરુ કર્યો. તેની સાથે સાથે તેઓએ અમેરિકા અને દુનિયાભરમાં તેમની નવી પદ્ધતિ કે જે ફોસ્બરી ફ્લોપના નામે વિખ્યાત બની તેનો પ્રચાર અને પ્રસાર પણ કર્યો. તેમણે અશ્વેતોના અધિકારોની ચળવળને સમર્થન આપ્યું.
પોર્ટલેન્ડના ડાન્સ ગ્રૂપ સાથે જોડાયેલા ફોસ્બરીએ તેમની લાંબા સમયની પાર્ટનર રહેલી રોબિન ટોમાસીની સાથે લગ્ન કર્યા. પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીની સાથે સાથે તેમણે તેમની પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે ખાસ કાર્યક્રમો પણ શરુ કર્યા અને તેમને ઓલિમ્પિક તેમજ એથ્લેટિક્સમાં પાયાની કામગીરી કરવા બદલ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું. વર્ષ ૨૦૦૮માં તેમને લિમ્ફોમા કેન્સરનું નિદાન થયું અને તેઓ તેમાંથી સફળતાપૂર્વક બહાર પણ આવ્યા હતા.
આજીવન એથ્લેટિક્સ સાથે જોડાયેલા રહેલા ફોસ્બરીએ અમેરિકાની ઓલિમ્પિક-પેરાલિમ્પિક કમિટિના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. પોતાની જ આગવી રાહ તૈયાર કરનારા ફોસ્બરીએ સામાજીક ન્યાય અને વિશ્વશાંતિના પ્રયાસોમાં પણ યોગદાન આપ્યું હતુ. જોકે, કેન્સરે ઉથલો માર્યો અને તારીખ ૧૨મી માર્ચ, ૨૦૨૩ને રવિવારે તેમણે ૭૬ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાયની સાથે એથ્લેટિક્સ જગતે એક પાયોનિયર અને સંશોધકની સાથે ઈતિહાસની એક જિવંત કડી ગુમાવી છે, પણ પોતાની નવી પદ્ધતિને પેટન્ટ કરાવીને તેનો માત્ર પોતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે ઉપયોગ તેમને ક્યારેય આવ્યો નહતો અને આ જ કારણે ઊંચી કૂદની રમતમાં તેમનું નામ કાયમ માટે આખી દુનિયા આદર સાથે યાદ રાખશે.