નિરક્ષર લહરીબાઈની બીજબેંક .
- આજકાલ-પ્રીતિ શાહ
- લહરીબાઈની વિશેષતા એ છે કે એણે કોઈ સરકારી કે અન્ય કોઈની મદદ વિના આ બીજ બેંક ઊભી કરી છે
૨૦ ૨૩ના વર્ષને ભારતના સૂચનથી યુનેસ્કો દ્વારા 'ઇન્ટરનેશનલ યર ઑફ મિલેટ' તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ઘઉં, ચોખાને મુખ્ય અનાજ તરીકે ઓળખાતા સહુને મિલેટ વિશે ઝાઝી જાણકારી નહોતી અને મિલેટમાં બહુ બહુ તો બાજરી અને જુવારનો સમાવેશ કરતા, પરંતુ મિલેટમાં અનેક પ્રકારના અનાજનો સમાવેશ થાય છે. મિલેટ મેન ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાતા આંધ્રપ્રદેશના ડૉ. ખાદર વલી છેલ્લાં વીસ વર્ષથી મિલેટ વિશે સંશોધન, પ્રચાર અને પ્રસાર કરે છે. જ્યારે આદિવાસી જાતિના ભોજનમાં તો મિલેટ જ મુખ્ય હોય છે. આજે બૈગા આદિવાસી જાતિની લહરીબાઈ મિલેટની બ્રાંડ એમ્બેસેડર છે.
મધ્યપ્રદેશના બૈગા આદિવાસી સમુદાયને વિશેષ રીતે પછાત આદિવાસી સમૂહ માનવામાં આવે છે. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના સિલ્પિદી ગામમાં લહરીબાઈનો જન્મ થયો હતો. તેના દાદી પાસેથી મિલેટ ખાવાથી શું ફાયદા થાય છે તે વિશેની જાણકારી મેળવી. તેના પૂર્વજો ખેતી કરતા અને બીજનો સંગ્રહ કરતા એ જોઈને મોટી થયેલી લહરીબાઈને બીજ એકત્ર કરવામાં અનોખો આનંદ આવતો હતો. આમેય આ જનજાતિ પાસે પેઢી દર પેઢી પ્રાપ્ત થતું પર્યાવરણ અને જૈવ વિવિધતાનું વિશેષ જ્ઞાન હોય છે, દાદી પાસેથી પ્રેરણા મેળવીને અઢાર વર્ષની લહરીબાઈ બીજ એકત્ર કરવા લાગી. તે આસપાસનાં ગામોમાં જઈને જંગલો અને ખેતરોમાંથી બીજ એકઠાં કરતી. ક્યારેય સ્કૂલે ન ગયેલી અને ઉંમરમાં નાની એવી લહરીબાઈને બીજ એકઠા કરતા જોઈને લોકો એની મશ્કરી કરતા અને મજાક કરતા પૂછતા કે આ બીજ શા માટે એકઠા કરે છે ? તેથી એ બધાને ખબર ન પડે તે રીતે બીજ એકઠાં કરવાં લાગી. આજે ૨૭ વર્ષની લહેરીબાઈ પાસે દોઢસો પ્રકારના બીજની એક બીજબેંક બની ગઈ છે. એમાંના કેટલાક બીજ તો એવા છે કે જેની ઓળખ માત્ર આ સમુદાયના બુઝર્ગો જ કરી શકે છે.
લહરીબાઈ ગામમાં બે રૂમના માટીના મકાનમાં રહે છે, જેમાંથી એક રૂમમાં એણે બીજ રાખ્યાં છે અને બીજા રૂમમાં પોતે અને તેના માતા-પિતા રહે છે. લહરીબાઈની માતા ચેતીબાઈને છ પુત્રી અને પાંચ પુત્ર એમ કુલ અગિયાર સંતાનો હતાં, તેમાંથી નવ સંતાનો મૃત્યુ પામ્યા છે. એક પુત્રીના લગ્ન થઈ ગયા છે અને લહરી થોડી ઘણી ખેતી કરીને માતા-પિતાની સેવા કરે છે. આજે લહરીના જીવનના બે મુખ્ય ઉદ્દેશ છે. એક માતા-પિતાની સેવા કરવી અને બીજું બીજબેંકનો વિકાસ કરવો. એણે બીજને સાચવવા માટે માટીની મોટી મોટી કોઠીઓ વસાવી છે, જેમાં બીજ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે. એના બીજા રૂમમાં એક ખૂણામાં કપડાં સૂકાતાં હોય તો તેના બીજા ખૂણામાં ચુલો અને થોડા વાસણ પડયા હોય. મહિને લગભગ ત્રણ હજાર જેટલી આવકમાં લહરીબાઈ ગુજરાન ચલાવે છે.
એના દોઢસો પ્રકારના બીજમાં કાંગની ચાર પ્રજાતિ - ભુરસા કાંગ, સફેદ કલકી કાંગ, લાલ કલકી કાંગ અને કરિયા કલકી કાંગ છે, તો બૈગા સલહાર, કાટા સલહાર અને એંઠી સલહાર મળે છે. ચાર પ્રકારના કોદો અને ચાર પ્રકારના મઢિયા છે. કુટકીની આઠ અને સાંભાની ત્રણ જાતિ મળે છે. તે કોદો અને કુટકીમાંથી પેજ નામનું પીણું બનાવે છે. આ ઉપરાંત બિદરી ખાસ, ઝુંઝુરુ, સુતરુ, હિરવા અને બૈગા રાહના બીજ પણ લહરીબાઈ પાસે છે. લહરીબાઈ પારંપરિક ખેતીને બચાવવા અને તેનો પ્રસાર કરવા માટે સતત પ્રયત્ન કરે છે. તેણે અત્યાર સુધીમાં સાડા ત્રણસો ખેડૂતોને બીજ બેંકમાંથી બીજ આપ્યાં છે. બૈકા ચાકના ચોપન ગામોમાં બીજ આપ્યાં છે. સમનાપુર, બજાગ અને કરંજિયાનાં ગામોમાં પણ ખેડૂતોને બીજ આપ્યા છે. એ ગામડે ગામડે ફરીને ખેડૂતોને સમજાવે છે અને બીજ આપે છે. તેમના પાકનું ઉત્પાદન થઈ જાય એટલે તે બીજ જેટલો પાક ખેડૂતો પાસેથી પાછો લે છે. ઘણી વાર ખેડૂતો એક કિલો બીજની સામે દોઢ-બે કિલો પણ પરત આપે છે.
ડિંડોરી જિલ્લા કલેક્ટર વિકાસ મિશ્રાને જ્યારે લહરીબાઈના બીજ સંરક્ષણની માહિતી મળી, ત્યારે તેઓ એના ગામ ગયા અને બીજ બેંક જોઈ. તેમણે તેનું નામ જિલ્લાની બ્રાંડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યું અને ગણતંત્ર દિવસે કલેક્ટરની સાથે લહરીબાઈએ ધ્વજ ફરકાવ્યો. કલેક્ટરે એની વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી. લહરીબાઈની વિશેષતા એ છે કે એણે કોઈ સરકારી કે અન્ય કોઈની મદદ વિના આ બીજ બેંક ઊભી કરી છે. વિકાસ મિશ્રાએ જોધપુરમાં આવેલ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચર રીસર્ચ સંસ્થામાં દસ લાખની સ્કોલરશિપ માટે લહરીબાઈને અરજી કરી આપી છે. જો આ અરજી મંજૂર થશે તો લહરીબાઈ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકશે. મિલેટ એ પોષણનો ખજાનો છે. પાવરહાઉસ આફ ન્યૂટ્રીશન મનાતા મિલેટમાં પ્રોટીન, ફાઈબર અને પુષ્કળ વિટામીન્સ રહેલા છે. ડાયાબિટીસના રોગમાં અને વજન ઉતારવામાં તે મદદરૂપ થાય છે. લહરીબાઈ જે સ્કૂલે નથી ગઈ તે આનું સંરક્ષણ કરવાનું સમજે છે. એ કહે છે કે આ તાકાતવાળું અનાજ છે. આ અનાજ ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને દીર્ઘાયુષી બનાય છે.
સંજિતની કામયાબી
નોકરી પર રાખતી વખતે એની ડિગ્રી કે અભ્યાસને લક્ષમાં ન લેતાં એનામાં કામ કરવાની કેટલી ધગશ છે તે જોઈએ છીએ
'ઘ ટમાં ઘોડા થનગને આતમ વીઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' ઝવેરચંદ મેઘાણીએ યુવાનીમાં હિંમત અને સાહસની જે વાત કરી છે તે આપણને સંજિત કોંડા હાઉસમાં જોવા મળે છે. આંધ્રપ્રદેશના નેલ્લોરમાં જન્મેલા સંજિત કોંડા હાઉસ બેંગાલુરુમાં રહેતો હતો. એણે ૨૦૧૮માં બારમા ધોરણની પરીક્ષા આપી, ત્યારે એના પિતાએ એને આગળ અભ્યાસ કરવા વિદેશ જવાનું સૂચન કર્યું. સંજિતને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં લા ટ્રોબે યુનિવર્સિટીમાં બી.બી.એ.ના કોર્સ પ્રવેશ મળી ગયો અને ૨૦૧૯માં તે ઓસ્ટ્રેલિયા ગયો. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં વધુમાં વધુ ચાર કલાકના વર્ગો રહેતા અને તે પણ અઠવાડિયાના ચાર જ દિવસ ! તેથી તેને પાર્ટટાઇમ જોબ કરવામાં કોઈ તકલીફ પડી નહીં. એણે યુનિવર્સિટી કેન્ટીનમાં ડિશ સાફ કરવાની નોકરી મેળવી અને અઠવાડિયાના બસો ડૉલર મળવા લાગ્યા. રાત્રે તે યુનિવર્સિટીની નજીક આવેલા બ્રિટિશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો અને સવારે પાંચથી દસ વાગ્યા સુધી એટલે કે દિવસના પાંચેક કલાકની જ ઊંઘ લેતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે તે આવી નોકરી કરતો હતોે તેની એણે પોતાના ઘરે જાણ નહોતી કરી, કારણ કે એના પિતાએ તેની ફી ચૂકવી દીધી હતી. વળી એવી કોઈ આર્થિક મુશ્કેલી તો નહોતી. તેના પિતા ત્રીસેક વર્ષથી સાઉદી અરેબિયન આઇલ કંપનીમાં રિયાધમાં મીકેનીકલ એન્જિનીયર તરીકે કાર્યરત છે. દર મહિને ત્રણ-ચાર દિવસ ભારત આવતા, પરંતુ ૨૦૧૦માં તેમને પ્રમોશન મળ્યું ત્યારથી ભારત આવવાનું ઓછું થઈ ગયું હતું, તેથી આશરે અગિયાર વર્ષની ઉંમરથી જ બેંકમાં જવું, પાસબુક ભરાવવી, ઈલેક્ટ્રીક બીલ ભરવા, ઘર માટે ચીજવસ્તુ લાવવી અને ઘણીવાર તો તેમની બેંગાલુરુમાં આવેલી મિલકતનું ભાડું લેવા પણ સંજિત જતો હતો. આમ નાનપણથી જ સતત કાર્યરત રહેલો સંજિત ઓસ્ટ્રેલિયામાં નાની-મોટી નોકરી કરવા લાગ્યો. પેટ્રોલ પંપની નોકરીમાંથી એને અઠવાડિયે છસો ડૉલર મળતા હતા, પરંતુ સંજિત કહે છે કે તે નોકરીનો લાભ એ થયો કે એને સમજાયું કે કોઈ કામ નાનું નથી. એ કામે એને કસ્ટમર સર્વિસ અને કામ કરવાની પ્રણાલી શીખવી.
ઈ. સ. ૨૦૨૦માં યુનિવર્સિટીમાં સંજિત સ્ટુડન્ટ કાઉન્સિલનો ડાયરેક્ટર બન્યો અને મહિને છ હજાર ડૉલર સ્ટઇપેન્ડ મળવા લાગ્યું. વિદ્યાર્થીઓને લગતી સઘળી પ્રવૃત્તિમાં અગ્રેસર રહીને દરેક ઇવેન્ટ અને ફેસ્ટીવલનું આયોજન કરતો, પરંતુ પાંચમા સેમેસ્ટરમાં સફળતા ન મળતાં એણે નિરાશ થવાને બદલે વ્યવસાય કરવાનું વિચાર્યું. શરૂઆતમાં તેના પિતાએ એને સાથ ન આપ્યો, પણ વ્યવસાય શરૂ કરતાં રોક્યો પણ નહીં. માતા એના નિર્ણયથી નારાજ થઈ. સંજિતે ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના મિત્ર આસર અહમદ સૈયદ સાથે બેસીને ચાનો વેપાર કરવાનું આયોજન કર્યું. આસરને એનો વિચાર ગમ્યો, પરંતુ મેલબોર્નના કૉફીપ્રિય નાગરિકો ચાને સ્વીકારશે કે કેમ તે શંકા હતી. એણે એના બીજા બે મિત્રોનો સાથ લીધો કે જેમને ઓસ્ટ્રેલિયામાં વ્યવસાયનો અનુભવ હતો.
સંજિત અને તેના મિત્રોએ એલિઝાબેથ સ્ટ્રીટમાં એક દુકાન પર પસંદગી ઉતારી કે જે ચાલીસ વર્ષથી કૉફી શોપ હતી, પરંતુ કોરોનાને કારણે તેઓ ખાલી કરીને જતા રહ્યા હતા. આવી જગ્યા મળવા માટે સંજિત પોતાને નસીબદાર માને છે. ૨૦૨૧ના ડિસેમ્બરમાં તેણે પાંચ વ્યક્તિઓ સાથે અને પાંચ પ્રકારની ચા બનાવવા સાથે પ્રથમ 'ડ્રોપઆઉટ ચાયવાલા'ના નામથી સ્ટોરની શરૂઆત કરી. પહેલાં ત્રણ મહિનામાં ખાસ કઈ પ્રગતિ ન થઈ, પરંતુ ઑફિસે જતા લોકો અને વિદ્યાર્થીઓ ચા પીવા આવવા લાગ્યા. માર્ચ મહિનામાં તેણે વેરીબીમાં મોબાઈલ ચાય ટ્રક શરૂ કરી. યુનિવર્સિટીમાં થતાં કાર્યક્રમો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે મોબાઈલ ચાય ટ્રક ચા વેચતી. તેણે ત્રીજો સ્ટોર ઑગસ્ટ મહિનામાં લા ટ્રોબે સ્ટ્રીટમાં શરૂ કર્યો. ૨૭૫ સ્કવેર ફીટની જગ્યામાં ચોવીસ વ્યક્તિ બેસી શકે એવી વ્યવસ્થા કરી.
સંજિત આજે સાત પ્રકારની ચા બનાવે છે. તેને માટે એ ભારતથી ચા મંગાવે છે. એની મસાલા ચા ખૂબ લોકપ્રિય છે. તેની સાથે ટોસ્ટ, બિસ્કિટ, બન મસ્કા, બન મસાલા, ભજિયા વગેરે પણ મળે છે. ફ્યુઝન ગ્રીન ટી અને કેપુચિનો પણ શરૂ કરી છે. 'ડ્રોપઆઉટ ચાયવાલા'માં તે ભારતીય વિદ્યાર્થીઓને નોકરી પર રાખે છે. એ કહે છે કે નોકરી પર રાખતી વખતે એની ડિગ્રી કે અભ્યાસને લક્ષમાં ન લેતાં એનામાં કામ કરવાની કેટલી ધગશ છે તે જોઈએ છીએ. તેના માતા-પિતાને આજે પોતાના પુત્રની પ્રગતિ જોઈને ગૌરવ થાય છે, પરંતુ તેની માતાની ઇચ્છા છે કે સંજિતે સ્નાતકની ડિગ્રી મેળવવી જોઈએ, તેથી સંજિતે ત્રણ વર્ષના સોશિયલ વર્કના કોર્સમાં મેલબોર્નમાં સ્કોટ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો છે અને દર અઠવાડિયે દસ કલાક કૉલેજમાં ગાળે છે. પરદેશની ધરતી પર શૂન્યમાંથી શરૂઆત કરનાર સંજિત આજે દસ લાખ ડૉલરની અર્થાત પાંચથી સવા પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. નાનપણથી જ માતાને ચા બનાવતા જોઈને તેમજ ચા પ્રત્યે આકર્ષણ હોવાને લીધે તેના મનમાં આ વિચાર આવ્યો. તેની ઇચ્છા છે કે તેની માતા ઓસ્ટ્રેલિયા આવે, એના હાથની બનાવેલી ચા પીવે અને પછી પોતાનો અભિપ્રાય આપે !