For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઊંચાઈ અને ઊંડાણ સાથે સંવાદ સાધવો જરૂરી

Updated: Mar 18th, 2023

Article Content Image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- ચડવું અને પડવું એક જ ઘટનાના બે છેડા છે, એક જ પળની બે સંભાવના છે. તેથી જ શિખર પર સાચવવાનું છે અને ખીણમાં વધારે સાચવવાનું છે.

ચી ની તત્વજ્ઞાની લાઓત્ઝે કહેતા 'નવ માળની ઈમારતની શરૂઆત ખોબો માટીથી થાય છે, હજાર કોસવાળી યાત્રાનો પ્રારંભ પણ પગલાંથી થાય છે.' આરંભ અને અંત, શિખર અને ખીણ, સ્વર્ગ અને નર્ક, ચડવું અને પડવું એક જ ઘટનાના બે છેડા છે, એક જ પળની બે સંભાવના છે. તેથી જ શિખર પર સાંચવવાનું છે અને ખીણમાં વધારે સાંચવવાનું છે.

બૌદ્ધોની ઝેન નામની એક ધારામાં એક બાગબાનની અદભૂત કથા છે. તેની ઊંચા વૃક્ષોની માવજત માટે તે અત્યંત ઊંચા વૃક્ષો પરની સલામત ચડ-ઊતર માટેની તાલીમ આપતો. તે બધા શિષ્યોની જ્યારે કસોટી લેવાતી ત્યારે તો દૂર-સુદૂરના લોકો તે જોવા આવતા. તે સમયે પેલા અદભૂત માસ્ટર શિષ્યોને ખલેલ પાડયા વિના જ અદબવાળી મૌન ઊભા રહેતા. હા, શિષ્યોના દરેક શ્વાસ અને દરેક ચાલ પર તેની નજર રહેતી. આવી જ કોઈ કસોટી ચાલતી હતી શિષ્યે વૃક્ષની ટોચ પરની ડાળી કાપી-છાંટીને સરખી કરી. પછી તે નીચે ઉતરવા લાગ્યો. જ્યારે જમીનને માત્ર આઠ-દસ ફિટનું છેટું હતું ત્યારે જ માસ્ટરે તેને સહેજ ઊંચા અને શિસ્તબધ્ધ અવાજમાં કહ્યું, 'બેટા, હવે સંભાળજે... ધ્યાન રાખજે....' આ જોઈ રહેલા એક વૃધ્ધ નગરજને માસ્ટરને પૂછ્યું, 'તે ટોચ પર હતો ત્યારે આપે તેને એક શબ્દ પણ ન કહ્યો, જે પળો ખરેખર જોખમી હતી. પણ જ્યારે તે પડે તો પણ ન વાગે તેટલો નીચો આવી ગયો ત્યારે તમે તેને ચેતવ્યો. આમ કેમ ?' તો માસ્ટર કહે, 'તમને આ સાવ દેખીતું નથી લાગતું. જ્યારે કોઈ ઊંચાઈ પર હોય ત્યારે તો તે સ્વયં સભાન અને અગમચેતી રાખનારો હોય છે. પણ જ્યારે સાવ નીચે ઉતરી જાય છે ત્યારે તે સલામતી અનુભવે છે - નિરાંત અનુભવે છે. બસ, તે પળે જ ચૂક થવાની  સંભાવના સૌથી વધારે હોય છે હવે મને કાંઈ નહીં થાય તેવી ખાતરીની પળે જ, ભુલની શક્યતા સૌથી વધારે હોય છે.'

આમ તો પફોર્મર અને પર્ફોમન્સ વચ્ચે કોઈ નથી - કોઈ ન હોવું જોઈએ. પણ કમનસીબે, શિખર કે સફળતાની પળે મન સજાગ રહેવાને બદલે ઉજવણીની તૈયારી કરવા માંડે છે. જીતની લગોલગ આવી ગયેલ ખેલાડી પત્રકાર પરિષદના સવાલોના જવાબ વિચારવા માંડયો હોય છે, તેથી જ પંચાણું રન સહેલા છે, છેલ્લા પાંચ કરતાં. તેજસ્વી વિદ્યાર્થી બોર્ડનો પેપર લખતા-લખતા જ છાપામાં તેનાં ચહેરાની કલ્પનામાં અંજાય જાય છે. તેથી જ શિખાઉ કરતા સિધ્ધહસ્ત ડ્રાઈવર અકસ્માત વધારે કરે છે. કાર ચલાવવી આવડત કે સ્કીલ છે પણ ધીમે ધીમે કાર આવડત નહીં પણ આત્મવિશ્વાસ ચલાવવા લાગે છે અને અકસ્માત થાય છે. સાચ્ચી વાત તો એ છે કે મનને સફળતાની પ્રક્રિયા દરમ્યાન નાની-મોટી કથાઓ રચવાની છૂટ ન આપવી જોઈએ. અહં કે ઓળખ થકી આંખોમાં ઝળહળાટને ક્ષણભરનો અંધાપો આવે છે. મનનો ઉચાટ પણ આંખોનો મોતીઓ બની જાય છે.

ક્યારેક પર્ફોમન્સની પળે હાજર રહેલાં પ્રેક્ષકોની સંખ્યા થકી પણ અહંનું કદ વધી જાય છે.

આપણે એ ન ભુલીએ કે આપણી સાથે નિરંતર બે ગુરૂઓ હોય છે : 

બહારનો અને અંદરનો. આપણી ઉંચાઈ અને ઊંડાઈ સાથે આપણે અવિરત મૈત્રીપૂર્ણ સંવાદ કર્યા કરવાનો હોય છે !

Gujarat