For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંહનો રાજ્યાભિષેક હોતો નથી!

Updated: Mar 18th, 2023


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- આજે યહૂદી પ્રજા અમેરિકાના અર્થતંત્ર પર જબરી પકડ ધરાવે છે. આ પ્રજાએ પોતાની તાકાત અને સામર્થ્યથી જગતના ચોકમાં પ્રભાવ પેદા કર્યો છે

સા ઈઠ લાખની વસ્તી હોય અને એની આજુબાજુ પિસ્તાળીશ કરોડ શત્રુઓ સતત આક્રમણ કરવા માટે ઝનૂનથી થનગનતા હોય, તો થાય શું ? આવે સમયે એ જ દેશ પોતાના અસ્તિત્વ ટકાવી રાખે. જેની પાસે અણનમ ખમીર અને ઝઝૂમવાની અખૂટ તાકાત હોય. આજે એવો કોઈ દેશ હોય તો તે ઈઝરાયેલ છે. વિશ્વનાં દેશો ઈઝરાયેલની તાકાત આગળ માથું ઝુકાવે છે. એનું જાસૂસીતંત્ર દુનિયાભરમાં અજોડ કહેવાય છે અને આ એવી ખમીરવંતી પ્રજા છે જેણે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાની શોધ કરી. જેણે રેતાળ રણને નંદનવન બનાવ્યું અને જેણે પોતાના ધર્મને અને હિબુ્ર ભાષાને આગવી અસ્મિતા આપી. હિબૂ્ર ભાષાની યુનિવર્સિટી રચીને એણે જગતભરમાં વિખરાયેલી યહૂદી પ્રજાને એક તાંતણે બાંધી. ગુજરાત પણ આવું કરી શકે. ખેર ! ઈઝરાયેલમાં બે વ્યક્તિ વચ્ચે ઝગડો થાય, સામસામા આરોપો, આક્ષેપો અને અપશબ્દો ઉછાળવામાં આવે, પણ જો કોઈ ગુસ્સે થઈને એને એમ કહે કે, 'હું તને શાપ આપું છું કે તારી માતૃભાષા છીનવાઈ જજો', ત્યારે સામી વ્યક્તિ એને શાપ પાછો લેવા માટે આજીજી કરે છે, કારણ કે આ પ્રજા આને સૌથી મોટો અપશબ્દ માને છે'

એક સમયે આ નાનકડા દેશના પુરુષો યુદ્ધ ખેલવા જતા અને સ્ત્રીઓ ખૂંખાર કેદીઓની જેલમાં પહેરો ભરતી હતી. આજે તો એ સ્થિતિમાં પણ પરિવર્તન આવ્યું છે અને એનું કારણ એ છે કે આ પ્રજાએ એના પારંપરિક મુલ્યોની હિફાજત કરી છે. ગુજરાતને યાદ કરાવવું જોઈએ કે ભારતીય દર્શનોનાં સમર્થ અભ્યાસી અને ચિંતક ડૉ. એસ્તેર સોલોમન એ યહૂદી હતા અને એમણે 'શ્રીમદ્ ભગવદ્  ગીતા' કે પછી જૈનદર્શનનાં અનેકાંતવાદ વિશે જે લખાણો કર્યા છે, તે આજે પણ પ્રમાણભૂતતાની દૃષ્ટિએ સહુને સ્વીકાર્ય બને છે.

થોડાં વર્ષ પૂર્વે એક યહૂદી અધ્યાપકને મનમાં એવી ઈચ્છા જાગી કે મારે મારા અંતિમ શ્વાસ મારા માદરે વતન ઈઝરાયેલમાં લેવા છે. એણે ઈઝરાયેલ સરકારને વિનંતી કરી અને સાથે કહ્યું પણ ખરું કે હું અધ્યાપન-કાર્યમાંથી નિવૃત્ત થયો છું. પણ કોઈપણ કામ કરવા માટે સશક્ત છુું. ઈઝરાયેલની સરકારે એમને ઉત્તર વાળ્યો કે, 'તમને પ્રોફેસર નહીં, પણ બાર્બરની નોકરી આપી શકાય તેમ છે.' અને એ પ્રોફેસર હસતે ચહેરે પોતાના વતનમાં એ કામ કરવા માટે દોડી ગયા. આ છે એ પ્રજાની પોતાના વતન માટેની વતનપરસ્તી.

આજે એ જ યહૂદી પ્રજા અમેરિકાના અર્થતંત્ર પર જબરી પકડ ધરાવે છે. આ પ્રજાએ પોતાની તાકાત અને સામર્થ્યથી જગતના ચોકમાં પ્રભાવ પેદા કર્યો છે. જંગલમાં પશુઓ સિંહનો રાજ્યાભિષેક કરતા નથી. આવા ઈઝરાયલ દેશ વિશે સ્વામીશ્રી માધવપ્રિયદાસજીએ 'ઈઝરાયેલની ધર્મયાત્રા'નામના રસપ્રદ, માહિતીપ્રદ અને પ્રેણાદાયી ગ્રંથની રચના કરી છે. આ કોઈ પ્રવાસનું પુસ્તક નથી. જોવાલાયક સ્થળોનું મનોરંજક વર્ણન નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારનું એક યાત્રા પુસ્તક છે, જેમાં એક બાજુ સંતની બહિર્યાત્રા ચાલે અને બીજી બાજુ ભીતરની યાત્રા ચાલે. વળી એવા એક સંતની આ યાત્રા છે કે જેઓ અંધશ્રદ્ધા, વ્યક્તિપૂજા, આવેશ, આગ્રહપૂર્વગ્રહ અને દુરાગ્રહથી દૂર છે. સહુના સન્મિત્ર એવા આ સદ્ગુરુની યાત્રામાં ઈઝરાયેલનો નવી આંખે પરિચય પ્રાપ્ત થાય છે.

આપણા શાસ્ત્રોમાં ચિંતામણીનો ઉલ્લેખ છે. માનવી એ ચિંતામણી પ્રાપ્ત કરવા માટે સતત લલચાય છે અને આપણે જાણીએ છીએ કે અનેક ચિંતાઓથી ઘેરાયેલો માનવી ચિંતામુક્ત કરનારા ચિંતામણીને ઝંખે એમાં કોઈ આશ્ચર્ય નથી, પણ સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે આવો ચિંતામણી હજુ સુધી કોઈના હાથમાં આવ્યો નથી. હકીકતમાં તો ચિંતન એ જ સાચો ચિંતામણી છે અને એવું ચિંતન આ ગ્રંથમાં પ્રગટ થાય છે. સ્વયં સ્વામી માધવપ્રિયદાસજી નોંધે છે તેમ 'દુનિયાદારી અને ધાર્મિક જગતની આભાસી ઝાકઝમાળથી અલીપ્ત થઈને આ ઈઝરાયેલની યાત્રા કરવા મળી.'

આ ઈઝરાયેલ પાસેથી જેમ રાષ્ટ્રીય સુરક્ષાની દૃઢ પ્રતિજ્ઞાનો અનુભવ થાય છે, તો બીજી બાજુ આ જ ઈઝરાયેલ પાસે રાષ્ટ્રીય સમૃદ્ધિ માટે ખેતીની આગવી પદ્ધતિ અને ગૌશાળાની માવજત કરવાની આગવી દૃષ્ટિ છે. ભારતમાં કુટુંબની ભાવના ધીરે ધીરે ઝાંખી થતી જાય છે, ત્યારે આજે પણ ઈઝરાયેલના યહૂદીઓનાં પરિવારનાં સંતાનો માતા-પિતા અને વડીલોને બધા જ એક સાથે બેસીને ભોજન લે છે. વળી મોટેભાગે યહૂદીઓ પોતાના પુત્ર-પુત્રીઓનાં લગ્ન યહૂદી સમાજમાં કરવાનું પસંદ કરે છે.

આ યાત્રામાં પ્રથમ ધર્મયાત્રા છે, તો એ પછી કૃષિયાત્રા છે અને એ કૃષિયાત્રા આપણા દેશને માટે સવિશેષ દિશા-દર્શન આપતી જાય તેવી છે. આ નાનકડા ઈઝરાયેલે કુદરત અને વિજ્ઞાને આપેલા તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરીને સિંચાઈ કરી છે. આપણા દેશ કરતાં ઈઝરાયેલમાં વરસાદનું પ્રમાણ ઓછું છે, તેમ છતાં ઈઝરાયેલની પુરુષાર્થી અને બુદ્ધિમાન પ્રજાએ કૃષિ ક્ષેત્રે અદ્ભૂત ક્રાંતિ સર્જી છે અને એને પરિણામે ખેતીની કેટલીક વિભાવનાઓમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે. અહીં વરસાદ આધારિત ખેતની વાત આવતી જ નથી, બલ્કે વૃક્ષોનું પુષ્કળ વાવેતર કરી વરસાદનું પ્રમાણ વધારવાનું અને જમીનના ભેજને જાળવી રાખવાનો આ પ્રજાએ પુરુષાર્થ કર્યો છે, એણે 'વેસ્ટ વૉટર'ને રિસાયકલિંગ કરી હરિયાળી ક્રાંતિનું સર્જન કર્યું છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાવ ઉજ્જળ ધરતીને હરિયાળી બનાવી છે. આ જોઈને સ્વામીશ્રી નોંધે છે કે, 'આપણે ત્યાં પૂજાપાઠમાં 'વરુણપૂજા' કરવામાં આવે છે. ખરી રીતે આપણાં નદી-તળાવરૂપી જળમંદિરોમાં આકાશમાંથી કૃપા વરસાવતા વરૂણ મહારાજના જળ ઝિલાય એ જ સાચી વરુણપૂજા છે, એ જ સાચા અર્થમાં જળજીલણી મહોત્સવો છે.'

એ જ રીતે ઈઝરાયલે મોશાવ અને કિબૂત્સ નામની બે ખેતી પદ્ધતિઓ વિકસાવી છે. એમાં પણ સમૂહખેતી દ્વારા એણે પ્રચંડ ક્રાંતિ સર્જી છે. આ બધું જોઈને સ્વામીશ્રીને એમ લાગે છે કે 'કામધેનુ' અને 'કલ્પવૃક્ષો' સ્વર્ગમાં છે. એમ કહેતા કરતાં માણસની બુદ્ધિમાં છે એમ કહેવું વધારે યોગ્ય છે. એની ગૌશાળામાં ગાયના પગે ઝાંઝરની જેમ બાંધેલો કેસરી રંગના પટ્ટા ગાય પગલાં ભરતી વખતે પોતાના પગને કેટલી વાર આગળ-પાછળ કરે એની ગણતરી કરનાર ડિજીટલ પટ્ટો હોય છે અને જો ગાય રોજની સરેરાશ કરતાં ઓછાં પગલાં ભરે તો એનો અર્થ એ થયો કે એના શરીરમાં કંઈ તકલીફ છે અને તો એના સારવાર માટે તાત્કાલિક ઉપાયો કરવામાં આવે છે.

એક બાજુ આ કૃષિ ક્રાંતિ ગણાય છે, તો બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે સાઈઠ લાખ યહૂદી નર-નારીઓ અને બાળકોનો ઘાતકી અને સામૂહિક નરસંહાર કર્યો હતો, ત્યારે આ પ્રજાના ભીતરમાં એક જ વાત હતી કે, 'અસ્થિઓ પાછા ઊઠશે' ગેસ ચેમ્બરમાં તરફડીને મૃત્યુ પામતા એ નર-નારીઓને ઈઝરાયેલના હોલોકાસ્ટ મ્યુઝિયમમાં અંજલિ આપવામાં આવી છે. આજે 'અસ્થિઓ પાછા ઉઠશે' એ સૂત્ર યહૂદી પ્રજાએ પોતાના પુરુષાર્થ, રાષ્ટ્રભક્તિ અને પ્રાચીન સંસ્કારોથી સાચું ઠેરવ્યું છે અને એની ગવાહી સ્વામી માધવપ્રિયદાસજીના આ પુસ્તકનું પૃષ્ઠે પૃષ્ઠ આપણને આપે છે.

યહૂદી પ્રજાનું મનોબળ એના ધર્મગ્રંથોએ ઉત્તરોત્તર મજબૂત બનાવ્યું છે. યહૂદી ધર્મમાં એમ માનવામાં આવે છે કે મસીહા (તારણહાર) જન્મ લેશે અને 

જગતનો સર્વ પ્રકારે ઉદ્ધાર કરશે. પ્રાચીનકાળથી આ પ્રજાએ પારાવર દુઃખો સહ્યાં છે અને પોતાની ભૂમિ પરથી વારંવાર એમને હડધૂત કરવામાં આવ્યા છે, પરંતુ આ સમય દરમિયાન આ પ્રજાને મસીહાનો ખ્યાલ ખૂબ આશ્વાસન આપતો રહ્યો. મસીહા એટલે 'ઉત્કૃષ્ટ માનવ.' જોકે એની પાછળ એને ઈશ્વરનો અવતાર ગણવાનો વિચાર રહ્યો નથી, પરંતુ આ મસીહા આવશે, ત્યારે સુખ, દયા, ન્યાય, સત્ય અને નીતિમત્તાનું વાતાવરણ સર્વત્ર પ્રસરશે એમ માનવામાં આવે છે. એ સમયે કોઈ કોઈનું પડાવી લેવાનો વિચાર નહીં કરે અને કોઈ કોઈને હેરાન કરવાની ઈચ્છા પણ નહીં કરે.

હિંદુશાસ્ત્રગ્રંથોની જેમ યહૂદી ધર્મગ્રંથોમાં તત્વચિંતન કે દાર્શનિક પ્રશ્નોની ચર્ચા ક્યાંક જ કરવામાં આવી છે, મુખ્યત્વે તો એમાં જીવન જીવવવાની કળા અને માનવજીવનના નીતિ-ન્યાયના મુલ્યો પર ભાર અપાયો છે. આજે આ પ્રજા એના સંસ્કારો અને પુરુષાર્થથી જગતને એક અર્થમાં જીવન જીવવાની કળા સમજાવે છે અને એમ પણ કહે છે કે, 'દુષ્ટો દ્વારા ગમે તેટલું સહન કરવું પડે, પણ અંતે નીતિ-ન્યાયનો જ વિજય થાય છે.'

મનઝરૂખો

અમેરિકાની વ્યવસાયી બોક્સિંગમાં ૧૯૧૯થી ૧૯ર૬ સુધી વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશીપનો ખિતાબ ધારણ કરનારો વિલિયમ હેરિસન ડેમ્પસે (૧૮૯૫થી ૧૯૮૩) એની આક્રમક છટા અને પંચ લગાવવાની અસાધારણ શક્તિને કારણે બોક્સિંગના ઈતિહાસમાં એક અત્યંત લોકપ્રિય બૉક્સર તરીકે જાણીતો બન્યો. પહેલી વાર એની બોક્સિંગની મેચમાં મિલિયન ડૉલરની આવક થઈ હતી. એક પછી એક વિજય ધરાવતા 'જેક' ડેમ્પસેને ૧૯૨૬ના સપ્ટેમ્બરમાં જેન ટુની નામના ફિલાડેલ્ફિયાના બોક્સરે પરાજય આપ્યો. બોક્સિંગ પહેલાં સહુ કોઈને ટુની જીતશે એવો કોઈ અંદાજ નહોતો. પરંતુ બોક્સિંગના દસ રાઉન્ડમાં ટુનીએ પોઈન્ટથી ડેમ્પસેને હરાવ્યો. ડેમ્પસેએ નિવૃત્તિ લેવાને બદલે ફરી પાછા આવવા પ્રયાસ કર્યો, પરંતુ એ ફરી વાર પરાજય પામ્યો. પણ પરાજય પામ્યા પછી એ શાંત બેસી રહ્યો નહીં. ભૂતકાળને બાજુએ હડસેલી એણે બ્રોડવે પર 'જેક' ડેમ્પસે રેસ્ટોરન્ટ શરૂ કરી. એ પોતે મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઈનામો આપવા લાગ્યો. ભૂતકાળને ભૂલીને એ આનંદભેર જીવવા લાગ્યો. એણે કહ્યું, 'મારા ચૅમ્પિયનશિપના અઢળક કમાણી કરી આપનારા દિવસો કરતાં છેલ્લા દસ વર્ષમાં મેં મારો સમય વધુ સારી રીતે પસાર કર્યો છે.' સમજદાર માનવી ઢળેલા દૂધ પર ક્યારેય આંસુ સારતા નથી. જિંદગીમાં થયેલા નુકસાનને કઈ રીતે આનંદપૂર્વક ભરપાઈ કરી શકાય તેનું જેક ડેમ્પસે ઉદાહરણ છે.

ક્ષણનો સાક્ષાત્કાર

તમે ક્યારેક એવું સાંભળ્યું કે મોગરાએ ગુલાબની સખત શબ્દોમાં આકરી ટીકા કરી અને ગુલાબ પર ફિટકાર વરસાવતા કહ્યંુ હોય કે તું તો સાવ ઠંડોગાર છે ! ગુલાબે મોગરા પર વળતો આક્ષેપ કર્યો કે હું તો પિત્તનાશક, પાચક અને પોષક છું અને તું તો તીખો, ઉષ્ણ અને સાવ કડવો છે. સાથે મોગરાએ કડક શબ્દોમાં ઉત્તર આપ્યો હોય કે મારી તાકાતનો તને ક્યાં કશો ખ્યાલ છે. હું તો વિષદોષ રક્તદોષ વગેરે પર અસરકારક છું અને ત્યારે ગુલાબ બોલી ઊઠયું હોય કે મારા ગુલાબજળના મહિમાની તો તેને બિચારાને ક્યાંથી ખબર હોય? આંખોને કેવી ઠંડક આપે છે. આમ ક્યારેક ગુલાબ અને મોગરા વચ્ચે એકબીજા વચ્ચેની સ્પર્ધા કે વિવાદ થતો તમે જાણ્યો છે ખરો ?

એ સઘળાં પુષ્પો કેવાં સંપીને રહે છે, ત્યારે માનવીની મુશ્કેલી એ છે કે એ પ્રકૃત્તિ પાસેથી એટલોય બોધ નહીં લેતો કે તુલનાથી દૂર રહો, સ્પર્ધાભાવ રાખો નહીં અને એમ કરશો તો તમારા રાગ અને દ્વેષ આપોઆપ સમાપ્ત થઈ જશે. એવી મસ્તી જો માનવને જીવવાની મળી જાય તો ? આજે તીવ્ર સ્પર્ધાના યુગમાં ગુલાબ અને ચંપો અથવા મોગરો અને ગલગોટાને જોઈને પોતાના જીવનમાં તુલના કરી ને સ્પર્ધાભાવથી જીવતો ને રાગ-દ્વેષથી દોડતો થાકી ગયેલો માનવી કશો બોધ લેશે ખરો ?

Gujarat