For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એસ્ટ્રોબાયોલોજી : અન્ય ગ્રહ પરનાં જીવનને સમજાવતું 'સાયન્સ'

Updated: Mar 18th, 2023

Article Content Image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

એ પ્રિલ ૨૦૦૦નો સમયગાળો ચાલતો હતો.  અમેરિકન પ્રેસિડેન્ટ  બિલ ક્લિન્ટનનું   ખ્યાતનામ 'એરફોર્સ વન'  નાસાના એમેસ (એમ્સ)  રિસર્ચ સેન્ટરની સલામત લેન્ડીંગ સાઈટ ઉપર ઉતરી રહ્યું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ ગમે ત્યારે આ સેન્ટરની મુલાકાત લઈ શકે તે માટે,  અહીં ખાસ  એરસ્ટ્રીપ  તૈયાર  કરવામાં આવેલી છે. નાસાની પ્રથમ 'એસ્ટ્રો-બાયોલોજી' કોન્ફરન્સ સાન ફ્રાન્સિસ્કોનાં  ખાડી વિસ્તારમાં ભરાઈ રહી હતી.  અમેરિકન પ્રેસિડેન્ટ  બિલ ક્લિન્ટન તેમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. કોઈપણ અમેરિકન પ્રેસિડેન્ટ, મુલાકાતે નીકળે તેના પહેલા,  સિક્રેટ સર્વિસના  એજન્ટો,  તે સ્થળે ગોઠવાઈ જતા હોય છે. આવો જ એક સિક્રેટ સર્વિસનો એજન્ટ,  હાથમાં  વોકીટોકી લઈને, ગુસ્સામાં વાત કરી રહ્યો હતો. ‘What the hell is astrobiology’/ આ એસ્ટ્રો-બાયોલોજી  શું છે?   સિક્રેટ સર્વિસના એજન્ટનો સવાલ પણ વ્યાજબી હતો. તે સમયે  સિક્રેટ સર્વિસમાં બહુ ઓછા લોકો હતા, જેમણે ખરેખર 'એસ્ટ્રો-બાયોલોજી' શબ્દ સાંભળ્યો હતો. વિજ્ઞાન જગતમાં પણ એસ્ટ્રો-બાયોલોજીનું ચલણ ૧૯૯૦ના દાયકામાં શરૂ થયું હતું. એસ્ટ્રોનો અર્થ થાય,  તારાઓની આજુબાજુ, અને બાયોલોજીનો અર્થ થાય.  જીવવિજ્ઞાન.  પરંતુ  વિજ્ઞાન જગત અને નાસા  વૈજ્ઞાનિકો કોન્ફરન્સમાં, એસ્ટ્રો-બાયોલોજીની  વ્યાખ્યા તૈયાર કરવાના હતા. વૈજ્ઞાનિકોને શા માટે એસ્ટ્રોબાયોલોજીની વ્યાખ્યા તૈયાર કરવાની કે કોન્ફરન્સ કરવાની જરૂર પડી?

એસ્ટ્રોબાયોલોજિસ્ટ આળસ મરડીને ઉભા થાય છે

મંગળની ઉલ્કામાં મળેલી   માઈક્રોસ્કોપી 'લાઈફ'ના  અશ્મિઓનું આપણે યોગ્ય પૃથ્થકરણ કર્યું છે કે નહીં તે સવાલ ત્યારબાદ બે દાયકા સુધી ચર્ચાવાનો હતો. જીવવિજ્ઞાનીઓએ  ખૂબ જ પ્રતિકૂળ સંજોગો હોય તેવા ઊંચા તાપમાનવાળા પ્રદેશ, તેજાબી પ્રવાહી,  અત્યંત દબાણ  અને અત્યંત ખારું પાણી હોય, ત્યાં પણ  પર્યાવરણ સામે લડીને,  પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા સૂક્ષ્મ સજીવોની હાજરી શોધી કાઢી હતી. જેણે વિજ્ઞાન જગતને આડકતરો સંદેશો આપ્યો હતો કે 'પ્રતિકૂળ હોય તેવા સંજોગો અને સ્થળ ઉપર પણ  સૂક્ષ્મ સજીવ સૃષ્ટિ વિકાસ પામીને ટકી રહી શકે છે.' ત્રીજી ઘટના એવી બની કે, ૧૯૯૨માં સૂર્યમાળાની બહાર  પ્રથમ વાર,  અન્ય તારાની ફરતે,  બાહ્યગ્રહ એટલે કે એક્ષો-પ્લેનેટનું  અસ્તિત્વ શોધી કાઢવામાં આવ્યું. આ ઉપરાંત ૧૯૯૬માં, નાસાના સ્પેસક્રાફ્ટ ગેલેલિયો દ્વારા પૃથ્વી પર કેટલીક તસવીરો મોકલવામાં આવી હતી. જેના કારણે  પ્રથમવાર વૈજ્ઞાનિકોને ગુરુ ગ્રહના જાણીતા ચંદ્ર 'યુરોપા'ની ખૂબ નજીકથી ખેંચેલી તસવીરો જોવા મળી. 'યુરોપા'ની સપાટી ઉપર બરફના ટુકડા જોવા મળ્યા હતા, જેના ઉપરથી વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે  યુરોપાની  થીજેલી સપાટી નીચે સમુદ્ર હતો. આ બધી ઘટનાઓએ અન્ય ગ્રહ ઉપર જીવન વિકાસની શક્યતાઓ તપાસવા માટેની વાતમાં, પેટ્રોલ છાંટવા જેવી ભૂમિકા ભજવી.  જીવન શું છે? અને તેનો વિકાસ કઈ રીતે થાય છે? તે સવાલોના ઉત્તર આપવા માટે હવે, એસ્ટ્રોબાયોલોજીસ્ટ  આળસ મરડીને બેઠા થવા લાગ્યાં.  નાસાએ એપ્રિલ ૨૦૦૦માં એસ્ટ્રોબાયોલોજીની પ્રથમવાર કોન્ફરન્સ ભરીને વિશ્વભરના વૈજ્ઞાનિકોને તેમાં આમંત્રણ આપ્યું. જોકે આ પહેલા પણ  પ્રાચીન તત્વચિંતકોએ  આ ક્ષેત્રમાં ખેડાણ કર્યું હતું. જેમને ઘણીવાર પશ્ચિમી ફિલસૂફીના પિતા તરીકે ગણવામાં આવે છે, તેવા થેલ્સ દ્વારા, આપણા જેવી જ  અન્ય દુનિયાની કલ્પના તેમણે ‘plurality of worlds’  નામના આઈડિયા વડે આપી હતી. લ્યુસિપસથી ડેમોક્રિટસ અને એપીક્યુરસ સુધીની ગ્રીક પરમાણુશાસ્ત્રીઓએ 'પદાર્થ અવિભાજ્ય અણુઓથી બનેલો છે' તેવા તારણ આપ્યા હતા. જેના કારણે ‘plurality of worldsને પ્રોત્સાહન મળ્યું હતું. 

યુરોપમાં આવેલા નવજાગૃતિ કાળ

અહીં આપણે ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ,  અન્ય સૃષ્ટિ કે અન્યલોકની વાત બાજુમાં મૂકીને, વૈજ્ઞાનિક વિચારસરણીથી સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ તો, યુરોપમાં આવેલા નવજાગૃતિ કાળના કારણે,  બુદ્ધિશાળી વર્ગમાં  એક સવાલ અવશ્ય ચર્ચા તો હતો કે 'સૂર્યમાળાની બહાર પણ જીવન વિકાસની શક્યતાઓ રહેલી છે.' જોહાન્સ કેપ્લર (૧૫૭૧-૧૬૩૦) નામના ખગોળશાસ્ત્રીએ ગ્રહનાં  ગતિશાસ્ત્રને લગતા  ત્રણ નિયમો આપ્યા. જેને  ‘laws of planetary motion’  કહે છે.  એટલું જ નહીં,  તેમણે સ્વીકાર્યું કે અન્ય ગ્રહ ઉપર પણ જીવન હોઈ શકે. ૧૭મી સદીમાં ડચ ખગોળશાસ્ત્રી ક્રિસ્ટીઆન હ્યુજેન્સ  (૧૬૨૯-૯૫) પણ તેમના પુસ્તક 'કોસ્મોથિયોરોસ' (૧૬૯૮)માં સૌરમંડળની બહારના જીવનની કલ્પના કરી રહ્યા હતા. તેમણે નોંધ્યું કે  સૂર્ય જેવા અન્ય તારાની આજુબાજુ ફરતા ગ્રહ ઉપર,  તેમની પોતાની વનસ્પતિ અને  પોતાની પ્રાણીસૃષ્ટિ હોવી જોઈએ. ત્યારબાદ સૂર્યમંડળની બહારની દુનિયામાં જીવન વિકાસની શક્યતાઓની વાત એટલે પ્રચલિત બની કે, ૧૭૫૫માં  તત્વચિંતક ઇમેન્યુઅલ કાન્ટ દ્વારા ગુરુ અને શુક્ર ગ્રહ ઉપર બુદ્ધિશાળી સજીવો છે! તેવી શક્યતા રજૂ કરી. આમ છતાં કેટલાક ધાર્મિક દ્રષ્ટિકોણ ધરાવતા,  બૌદ્ધિક લોકો, પૃથ્વીની બેનમુન સજીવ સૃષ્ટિ ઉપર મુગ્ધ અને  આચાર્ય ચકીત હતા. જેઓ માનતા હતા કે પૃથ્વી જેવી સજીવ સૃષ્ટિ અન્ય  ક્યાંય હોય જ ન શકે.  

૧૯મી સદીની શરૂઆત સુધી આ સવાલ, સૂર્યમંડળની બહાર જીવન વિકાસને લગતો  પ્રશ્ન  તત્વજ્ઞાનની દ્રષ્ટિથી ચર્ચા તો રહ્યો હતો. જીઓવાન્ની શિઆપારેલી (૧૮૩૫-૧૯૧૦) અને પર્સિવલ લોવેલ (૧૮૫૫-૧૯૧૬)નાં ટેલિસ્કોપિક અવલોકનોએ મંગળ પર બુદ્ધિશાળી જીવનની શક્યતામાં રસનો ઉછાળો ઉભો કર્યો. હવે પ્રથમવાર વૈજ્ઞાનિકો,  વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી  અન્ય ગ્રહોને ચકાસી રહ્યા હતા. કમનસીબે, લોવેલની માન્યતા હતી  કે તેણે મંગળ પર નહેરો જોઈ છે.  જે એક ઓપ્ટિકલ ભ્રમણાથી વધારે કંઈ જ ન હતી.  મંગળની સંસ્કૃતિ વિશેના તેમના વિચારો પણ કાલ્પનિક હતા. જેના કારણે તેઓ  વિવાદાસ્પદ બન્યા હતાં. મંગળ ગ્રહ ઉપર મનુષ્યને મંગળવાસી કે  તેને બાંધેલી કેનાલ ન મળી. અને તેમની ખૂબ જ વગોવણી થઈ. જેના કારણે ત્યારબાદ, ચાર પાંચ દાયકા સુધી, બ્રહ્માંડમાં અન્ય ક્યાંય જીવન છે કે નહીં? તેવો સવાલ પૂછવાની હિંમત કોઈ વૈજ્ઞાનિકે કરી નહીં.

એસ્ટ્રોબાયોલોજીનો નશો  ઉતર્યો નથી

હવે ૧૯૯૦ના દાયકામાં  વિજ્ઞાન જગતમાં એસ્ટ્રોબાયોલોજી શબ્દ  વૈજ્ઞાનિકોના કાને પાડીને સામાન્ય બનવા લાગ્યો. ૧૯૪૧માં, લોરેન્સ લેફ્લેર (બ્રુકલિન કૉલેજ, ન્યુ યોર્ક ખાતેના ફિલસૂફ) દ્વારા 'એસ્ટ્રોબાયોલોજી' નામના નિબંધ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં એસ્ટ્રોબાયોલોજી શબ્દને આજના આધુનિક અવતાર કરતાં વધુ સંકુચિત રીતે, પૃથ્વી સિવાયના જીવનની વિચારણા રજૂ કરવામાં આવી હતી. ૧૯૫૫માં બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફાર્નિયાના ખગોળશાસ્ત્રી, ઓટ્ટો સ્ટ્રુવે પણ બહારની દુનિયાના જીવનની શોધનું વર્ણન કરવા માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. અનુક્રમે ૧૯૫૩ અને ૧૯૭૪માં રશિયન ખગોળશાસ્ત્રી, ગેવરીલ ટિકોવ (૧૮૭૫-૧૯૬૦), અને જર્મન ખગોળશાસ્ત્રી, જોઆચિમ હેરમેનનાં 'એસ્ટ્રોબાયોલોજી' નામના પુસ્તકો પ્રકાશિત થયા હતા.  ૧૯૯૫માં, આજના આધુનિક સંદર્ભમાં, એસ્ટ્રો બાયોલોજી શબ્દનો ઉપયોગ નાશાના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં,  સંશોધક વેસ હન્ટર  દ્વારા કરવામાં આવ્યો.  નાસાના વૈજ્ઞાનિકે દલીલ કરી કે બ્રહ્માંડમાં જીવનને સમજવા માટે માઈક્રોસ્કોપિક  જીવાણુથી માંડીને વિશાળ કોસ્મિક  સ્કેલ સુધી જીવનનો અભ્યાસ  કરવો જરૂરી છે. એસ્ટ્રોબાયોલોજી શબ્દ ખરેખર તો, exobiology શબ્દને  ફરીવાર કરવામાં આવેલી નૂતન શોધ  કે આ શબ્દના વિસ્તરણ તરીકે  જોઈ શકાય. જેના મૂળિયા  દાયકાઓ પહેલા નખાયા હતા. 

૧૯૬૦માં, નોબલ પ્રાઈઝ વિજેતા જોશુઆ લેડરબર્ગએ (૧૯૨૫-૨૦૦૮)  'આપણા પોતાના ગ્રહની બહાર જીવનની ઉત્ક્રાંતિ' માટે એક્ઝોબાયોલોજી શબ્દ બનાવ્યો અને વાપર્યો હતો. બેક્ટેરિયલ જિનેટિક્સમાં શોધ કરવા માટે લેડરબર્ગેને  નોબેલ પારિતોષિક વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.  તે સમયે  તેમની દલીલ એ  હતી કે 'નાસા માટે અવકાશ સંશોધનનો એક આવશ્યક ભાગ, પૃથ્વી બહાર  જીવનની શોધ કરવાનો  હોવો જોઈએ.'  ત્યારબાદ ૧૯૬૦ના દાયકામાં જોશુઆ લેડરબર્ગની સલાહ મુજબ,  નાસાએ એક્ઝોબાયોલોજીના સંશોધન માટે અલગ નાણાંની ફાળવણી કરવાનું શરૂ કર્યું. કમનસીબે એક્ઝોબાયોલોજીનાં  વિરોધીઓની સંખ્યા પણ વધવા માંડી.  ૧૯૯૬માં એક તબક્કે, હાર્વર્ડ જીવવિજ્ઞાની જ્યોર્જ ગેલોર્ડ સિમ્પસને  કટાક્ષ કર્યો કે 'આ એક્ઝોબાયોલોજી વિજ્ઞાનને હજુ સુધી સાબિત કરવાનું બાકી રાખ્યું છે, કે તેનો વિષય  ખરેખર અસ્તિત્વમાં  ધરાવે છે'. વૈજ્ઞાનિકોએ  પોતાની વિચારસરણી ન બદલી પરંતુ  સંશોધનની દિશા બદલવાનું  નક્કી કર્યું. છેવટે વૈજ્ઞાનિકોએ એક્ઝોબાયોલોજી અને એસ્ટ્રોબાયોલોજી નામના જૂના દારૂને,  'બાયોએસ્ટ્રોનોમી' નામની  નવી  દારૂની બોટલમાં રી-પેકિંગ કરી રજૂ કરવાનો આઈડિયા વિકસાવ્યો. કહેવાય છે કે જુનો દારૂ વધારે નશો આપે છે, તેમ  વૈજ્ઞાનિકોના મગજ ઉપરથી હજી એસ્ટ્રોબાયોલોજીનો નશો  ઉતર્યો નથી.

Gujarat